નિરુપમ છાયા
તારું એ પગલું
–રાજુલ ભાનુશાલી
ગાંધારી.. બેના..
જો તે આંખે પટ્ટી ન બાંધી હોત તો શું તું પતિવ્રતા ન કહેવાત?
આ સતી બનવાના આદર્શમાં મેળવ્યો સો – સો પુત્રોના મૃત્યુનો વિલાપ!
અને યુગ યુગાન્તરની પીડા..
દીકરી સમાન પુત્રવધુને સાથ આપવાનું ચૂકી જવાયું!
પુત્રને અનર્થ આચરતા રોકી ન શકાયું!
પતિને સમજાવી ન શકાયું!
ધૃતરાષ્ટ્ર જન્માંધ હતા.
એમને તો અજવાળાનો પરિચય જ નહોતો..
પણ-
તેં તો અજવાળું જોયું હતું ને !
આંખો પર બાંધેલી
કિનખાબની પટ્ટી પર પડેલા સળમાંથી
અંદર સુધી ધસી આવતો પ્રકાશ તને કનડતો નહોતો?
કદાચ, એ પટ્ટી સમજ પર પણ બંધાઈ ગઈ હતી.
એથી જ તો
અમુક બાબતોમાં આંખ આડા કાન કરવાનું સરળ પડ્યું ને….
પુત્રપ્રેમમાં અંધ થઈ જવા જેવું મહેણુંયે
સાંભળવું પડ્યું !
પણ બેના,
જો આ પટ્ટી ન બાંધી હોત તો
કદાચ પતિને ઘરની જ દીવાલો સાથે અથડાઈ પડતો
ચોક્કસપણે બચાવી શકાયો હોત !
માફ કરજે , હું પ્રભાવિત નથી
તેં દાખલો ખોટો બેસાડ્યો.
મુંબઈમાં રહેતાં રાજુલબહેન ભાનુશાલી ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં સર્જન કરે છે. મુંબઈનાં સમાચારપત્ર ‘ મિડ ડે’માં વિવિધ વિષયો પર અલગ અલગ દિવસે તેઓ ત્રણ કોલમ લખે છે. વેબ મેગેઝીન પર પણ સામાજિક પ્રશ્નોની ચર્ચા કરતા રહી, સર્જકતા સાથે જીવંત અને સાતત્યપૂર્ણ સંબધ ધરાવે છે. એમનાં બા વાચનમાં ઊંડો રસ ધરાવતાં અને પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવતાં. નાનપણથી આ જોતાં આવેલાં રાજુલબહેન પણ વાચન તરફ વળ્યા. પરિવારમાં રામાયણ મહાભારત અને અન્ય પૌરાણિક ગ્રંથોનું વાચન પણ થતું. એ ગ્રંથોની ઘટનાઓ સુષુપ્ત મનમાં સ્થિર થઈ. માધ્યમિક શિક્ષણના પ્રારંભથી જ સાહિત્ય સર્જન ભણી પણ વળ્યાં. ‘શબ્દ જે સ્વરુપે આવે તે સ્વરુપે સ્વીકારી લેવાનો હોય તેવી સર્જક્દૃષ્ટિ ધરાવતાં રાજુલબહેનની રચનાઓમાં સંવેદના છે, આક્રોશ પણ વરતાય અને વર્તમાન સમસ્યાઓનાં મૂળ શોધવાનો પ્રયત્ન પણ દેખાય છે.
પ્રસ્તુત કાવ્ય ‘તારું એ પગલું’ મહાભારતનાં એક મુખ્ય સ્ત્રી પાત્ર ગાંધારીની સ્થિતિને વર્તમાન પરિસ્થિતિ સાથે જોડી એની સમીક્ષા કરે છે, મંથન પણ કરે છે, અને એના અર્કરૂપે એક મૌલિક મંતવ્ય પણ આપે છે.છેલ્લી થોડી સદીઓથી સ્ત્રીનું શોષણ, સ્ત્રી જાગૃતિ, સ્ત્રીના અધિકારો, સશક્તિકરણ, પુરુષ સમોવડી, વગેરે વિષયે ઘણું ચિંતન મનન પ્રસ્તુત થયું. એવું પણ કહી શકાય કે આ વિચાર, ખ્યાલો એક આંદોલનરૂપ બની ગયા. સ્ત્રીનું પણ એક પોતાનું અસ્તિત્વ છે, સ્ત્રીમાં પણ અગણિત શક્તિઓ છે એને બહાર લાવવાની ઈચ્છા છે, ઘરમાં પૂરાઈ રહીને સ્વને હોમી દેવા નથી માગતી, એને પણ પુરુષની જેમ બહાર નીકળવું છે, સંભવિતતાઓનાં વિશાળ ગગનમાં એ સ્વતંત્ર રીતે ઉડ્ડયન કરવા ઈચ્છે છે. ધીરે ધીરે આ સ્વર બુલંદ બન્યો. શિક્ષણ પ્રાપ્ત કરીને અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓએ પોતાને સિદ્ધ કરી. સ્ત્રીઓના અધિકાર સંદર્ભે વમળો સર્જાયાં. સમાજમાં જયારે આ પ્રકારની ચર્ચા ચાલી, એ દરમિયાન આ સર્જકના ચિત્તમાં સુષુપ્તપણે રહેલો ગાંધારીનો સંદર્ભ કોઈક ક્ષણે સહજપણે આપોઆપ જોડાઈ ગયો અને આ કાવ્ય ઊતરી આવ્યું.
એક ભારતીય સ્ત્રી આધુનિક સમયના પ્રવાહમાં વહેવા માટે કટિબદ્ધ થવા મંથન કરે, વિશ્લેષણ કરે ત્યારે સ્વાભાવિકપણે જ આપણી પરંપરા અને સંસ્કૃતિમાં સ્થિર થયેલાં કેટલાંયે આદર્શ સ્ત્રીપાત્રો એની સામે ખડાં થાય. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીઓ માટે આદર્શ એવાં આ પાત્રોની ગાથાઓ દ્વારા તેમની મહાનતા બતાવાય છે. પણ તત્કાલીન સમય, ઘટનાઓ અને એમનો વ્યવહાર, સમર્પણ, મૂલ્યો સાથે અસ્તિત્વનો સંઘર્ષ આ બધાં અંગે એક તટસ્થ અવગાહન જરૂરી છે. યુગની અપેક્ષાએ એના પર વિચારણા થવી જોઈએ. અલબત્ત કેટલાંક પાયાનાં મુલ્યોને બાજુએ ન મૂકાય પણ સમયના પરિવર્તન સાથે કેટલુક પુનર્મુલ્યાંકન થવું જોઈએ. રાજુલબહેને સ્ત્રી સશક્તિકરણની, વર્તમાન અને આધુનિક સ્ત્રીની ભાવનાને મહાભારતની ગાંધારીનો નિર્ણય, બનેલી ઘટનાઓના સંદર્ભમાં એ નિર્ણયની ઉપયુક્તતા વગેરેને વૈચારિકતા સાથે જોડી છે. એક સ્પષ્ટ વિશ્લેષણ સાથે સમગ્ર આધુનિક સ્ત્રી જાતિનો અભિગમ પણ કાવ્યમાં દર્શાવ્યો છે. આધુનિકતાના વિશાળ વિચાર અને અર્થ સાથે એક મંથન કાવ્ય દ્વારા પ્રસ્તુત કર્યું છે.
અહીં ઉલ્લેખીત કાવ્યની આગળ ચર્ચા કરીએ તે પહેલાં આ કવિયિત્રીનાં આના પૂર્વાર્ધરૂપે મૂકી શકાય એ કાવ્ય ‘અંધાપો’નો પણ થોડો ઉલ્લેખ કરી લઈએ. ‘તારું એ પગલું’ ને એ કાવ્ય પૂરક પણ બને છે.
એણે દર્પણમાં જોયું.
પોતાનું જ પ્રતિબિંબ નિહાળી એ શરમાઈ ગઈ.
ગાંધારમાં પોતે જયારે શણગાર સજતી,
કક્ષની બહારના બગીચામાં કોયલ ટહૂકી ઉઠતી.
………………….,……
ગાંધાર પ્રદેશની રાજકુમારીનો વિવાહોત્સવ હતો.
એ કુરુવંશની કુળવધુ બનવા જઈ રહી હતી.
સો મણની રૂની તળાઈવાળા ઢોલિયા પર એ બેઠી.
સંતોષથી એની આંખો બંધ થઈ.
એનો રાજકુમાર સફેદ ઘોડા પર
સવાર થઈ છેક પાંપણ લગી આવી પહોંચ્યો.
ત્યાં જ) દાસી હાંફતી હાંફતી કક્ષમાં પ્રવેશી.
……….’વિવાહ થવાના છે એ રાજકુમાર જન્માંધ છે.’
સૂનકાર પથરાઈ ગયો………….. ગાંધારીના ચિત્તમાં .
શું વિવાહની વેદી પર મારી આહુતિ ચડાવી દેવાઈ?
કુરુવંશની ઉપેક્ષા કરી શકે એટલું પાણી ગાંધારોમાં નહોતું, તેથી?
……કશું એના વશમાં હતું જ નહીં.
કશોક દૃઢ નિર્ધાર કરી
એણે પોતાના રેશમી ઉત્તરીયની કોર ચીરી.
અહીં કવયિત્રી ગાંધારીની વ્યથાભરી મન:સ્થિતિમાં એણે જાતે સ્વીકારી લીધેલા અંધાપાના નિર્ણયની વાત મૂકે છે. ’અંધાપો’ કાવ્યથી ગાંધારીના નિર્ણયની ઘટના ખ્યાલમાં આવી જાય છે. એ પછી કાવ્ય ‘તારું એ પગલું’ માં એ નિર્ણય વિષે વિગતવાર અને તર્ક સાથે ચર્ચા કરી છે.
પ્રારંભે જ ‘ગાંધારી બેના !’ એવાં સીધાં સંબોધનમાં ગાંધારી સાથે મૂકાયેલો તળપદી ‘બેનાં’ શબ્દ એક લહેકો સર્જી ભાષાની અનોખી સુગંધ પ્રસરાવે છે. પછી પ્રશ્ન મૂક્યો છે, ‘તેં જો આંખે પટ્ટી ન બાંધી હોત તો તું શું પતિવ્રતા ન કહેવાત?’ આધુનિક સ્ત્રીનો આ પ્રશ્ન છે. ‘પતિવ્રતા’ના ખ્યાલ સામે આ શબ્દોથી વિદ્રોહ પણ પ્રગટ કર્યો છે. પણ આ સ્ત્રી ગાંધારીના સમયનો, એની પરંપરાનો વિચાર પણ કરે છે. પ્રચ્છન્નપણે એવું પણ કહે છે કે, એ સમય જુદો હતો, સમાજરચના સાથે સુસંગત વ્યવહાર અપેક્ષિત હોય એ સ્વાભાવિક છે. પણ અરે! તારે પતિવ્રતા કહેવડાવવું હોત તો તારા સમયમાં પણ આંખો પર પટ્ટી બાંધવા સિવાયના બીજા ઘણા રસ્તા હતા.
કાવ્યમાં આગળ, પોતાનું દૃષ્ટિબિંદુ ઘટ્ટ રીતે ઉપસાવવા માટે જ આપણને ખબર છે એવાં આનાં પરિણામોનું વર્ણન કર્યું છે. સો પુત્રોનાં મરણનો વિલાપ, યુગોયુગો સુધી થતી રહે એવી વેદના, પુત્રી સમી પુત્રવધુની પડખે ન રહી શકાયું, પુત્રોને અનર્થ કરતાં ન રોકી શકાયા વગેરે. વ્યંગ્યમાં કહે છે, પટ્ટીના સળમાંથી આવતો ઝંખોપાંખો, કદાચ અકળાવતો પણ વાસ્તવિક ઉજાસ તો હતો, જન્માંધ પતિને એ પ્રકાશની કલ્પના આપી શકી હોત. પણ ના, આંખો સાથે એ પટ્ટી, સમજ પર પણ બંધાઈ ગઈ હતી, જેણે તારા મનમાં સ્વાર્થનાં પડળ રચ્યાં. આને પરિણામે જ પતિને સમજાવી ન શકી કે ઈરાદાપૂર્વક સમજાવ્યો નહીં. આ પટ્ટી ન બાંધી હોત તો કદાચ પતિને ઘરની દિવાલો સાથે અથડાઈ પડતો અટકાવી શકાયો હોત! (એક રીતે એવું પણ મહેણું કે પતિને સાચા માર્ગે દોરવાનો પતિવ્રતા ધર્મ ભૂલાયો.) ‘ઘરની ભીંતો સાથે અથડાઈ પડતો’ પંક્તિ દ્વારા ધ્રુતરાષ્ટ્રે લીધેલા નિર્ણયોના પરિણામસ્વરૂપે બનતી ઘટનાઓ વિષે પ્રતિકાત્મક રીતે કવિયિત્રી ઘણું કહી જાય છે. ગાંધારીને તો સમજ પર બંધાયેલી પટ્ટીથી મળ્યો ‘પુત્રપ્રેમમાં અંધ’ નો ઉપાલંભ !
અંતિમ પંક્તિઓમાં આધુનિક સ્ત્રીનો ઉછ્રંખલતાભર્યો નહીં પણ ફરી ‘બાઈ’ સંબોધન અને ‘માફ કરીજ’ શબ્દોમાં વિનમ્ર છતાં દૃઢ,તારસ્વર પ્રગટે છે, ‘આંઉ પ્રભાવિત નઈયાં, તું ધાખલો ખોટો વેરાય.’ દુનિયા તારાં ગમે તેટલાં ઓવારણાં લે, તારું પ્રતિભા મંડન કરે પણ હું તારાથી પ્રભાવિત નથી કારણ કે તેં ભાવિ પેઢીઓ માટે ખોટો દાખલો બેસાડ્યો છે.
આમ ‘તોજો ઉ પગલો’ કાવ્ય પ્રાચીન અને આધુનિકતાના અંતરાલ તથા એક ઘટનાથી વિચારક્રાંતિની યાત્રાને જોડે છે.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com