નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – ૨૦

પહેલાં મારી ભેટ સ્વીકારે પછી આમાં જે રકમ લખવી હોય લખજે.

નલિન શાહ

શશી તો આભી જ બની ગઈ. જાણે બોલવાની શક્તિ ક્ષીણ ન થઈ ગઈ હોય!  થોડી વારે એ બોલી,  ‘ના સુનિતાબેન, આ બધું તો હું ના જ સ્વીકારું. સમાન સ્થિતિના કુટુંબો વચ્ચે ભલે આવી પ્રથાનું પાલન થાય, આપણી વાત જુદી છે.’

શશી, તું એના ભૂલતી કે આ પ્રદાન કરનાર માટે એનું કોઈ ખાસ મૂલ્ય નથી. સાગરનો પ્લાન તો આથી પણ વધુ ભવ્ય હતો ને ટૂંક સમયમાં એ અમલમાં પણ મૂકશે. પણ એની ચર્ચા આપણે હમણાં નહીં કરીએ. તને આ સ્વીકારતાં સંકોચ થાય એ સ્વાભાવિક છે પણ વિચાર કર કે હું આ ભેટને લગ્ન માટે શરતી એટલે કે એક અનિવાર્ય કન્ડિશનનું રૂપ આપું તો તમે વિમાસણમાં ના મૂકાઈ જાવ?’

તે જ વેળા શશીનો પતિ સુધાકર દાખલ થયો. સુનિતાએ એને ઉદ્દેશીને કહ્યું ‘સુધાકરભાઈ, તમારી આ સિદ્ધાંતની પૂતળીને કાંક સમજણ આપો. જો એ અમારા પ્રેમના અસ્વીકારની બંદૂક અમારી સામે તાકશે તો મને પણ સખ્તાઈથી કામ લેતાં આવડે છે. શશી, હું તારાથી બહુ મોટી છું ને વરની મા પણ છું. જો મારી વિનંતીનો આદર ના કરવો હોય તો મારી ધમકીનો આદર કરજે, બસ?’

‘સુનિતાબેન’, શશી અચકાતાં બોલી, ‘અમારી સંસ્થાને ભેટના રૂપમાં આપશો તો હું સહર્ષ સ્વીકારીશ.’

‘બસ એટલી જ વાત છે?’ કહીને પર્સમાંથી ચેકબુક કાઢી એક કોરો ચેક સહી કરીને સામે ધર્યો, ‘આ એક શરતી ચેક છે. પહેલાં મારી ભેટ સ્વીકારે પછી જ આમાં જે રકમ લખવી હોય એ લખજે.’

‘જે રકમ એટલે?’ શશીએ વિસ્મયથી પૂછ્યું.

‘પાંચ લાખ, દસ લાખ કે તેથીય વધુ ને હું વચન આપું છું કે ભવિષ્યમાં જ્યારે જ્યારે તારી સંસ્થાને જરૂર પડે ત્યારે રાજુલની સહીના ચેક તને મળતા રહેશે. વાઘણના ડરથી એ કદી ના પાડવાની હિમ્મત નહીં કરે.’ બધા હસી પડ્યાં. ‘સુધાકરભાઈ’ સુનિતાએ કહ્યું, ‘આને સંભાળીને મૂકી દો. બેંક તો તમારા ગામમાંય આવી ગઈ છે. કાલે ને કાલે જમા કરી દેજો. હું ભેટ આપ્યાનો કાયદેસર કાગળ મોકલી આપીશ એટલે ઇન્કમ ટેક્ષમાં વાંધો  નહીં આવે.’ સુધાકરે શશી સામે પ્રશ્નાર્થસૂચક દૃષ્ટીથી જોયું. શશી કાંઈ બોલી નહીં એટલે એણે ચેક ને પૈસા લઈ લીધા.

‘સુનિતાબેન, તમારે તો રાજકારણમાં હોવું જોઈએ.’ શશીએ હસતાં કહ્યું.

‘જરાયે જરૂર નથી.’ સુનિતા બોલી, ‘રાજકારણીઓ પાસે હું મારું ધાર્યું કરાવી શકું છું એ પૂરતું છે. તું જોજે તો ખરી કે લગ્ન વખતે સરકારી તંત્ર કેટલું સાબદું થાય છે. રંગ રહી જશે. સૌથી વધુ ખુશી રાજુલને થશે. તેને પડેલી લપડાક એ ભૂલી નથી. એનું પોતાનું અપમાન એણે વીસારે પાડી દીધું હોત,  પણ એની દેવી જેવી બેનનું અપમાન એને ડંખે છે. તમારી એ મોટી બેન આવશે તો જોશે ને, ના આવે તોયે જાણશે જરૂર ને, ત્યારે વગર પ્રયત્ને રાજુલના વેરની વસૂલાત થઈ જશે.’

રાત્રિના નવ વાગ્યા હતા. ગ્રામ્ય વાતાવરણમાં નિઃશબ્દતા છવાયેલી હતી. સુનિતા અને શશી પથારીમાં પડ્યાં, મોડે સુધી અંધારમાં પડ્યાં પડ્યાં વાતો કરતાં રહ્યાં.

સવારે છ વાગે સુનિતાની આંખ ખૂલી. શશીની પથારી ખાલી હતી એ ઊઠીને બહાર વરંડામાં આવી. અહીંની ઠંડક પણ આહલાદક લાગતી હતી. ત્યાં જ એની નજર શશીના ઓળા પર પડી. તુલસીક્યારા પાસે કોડિયું પેટાવી એ નતમસ્તક ઊભી હતી. એકાદ મિનિટનું મૌન જાળવી શશીએ ઘરમાં જવા પગ ઉપાડ્યા ત્યાં સુનિતા પર નજર પડી. ‘અરે! તમે આટલાં જલદી ઊઠી ગયાં.’

‘જલદી? આ તો મારો રોજનો સમય છે ઊઠવાનો.’

‘આવી ઠંડીમાં કોઈને પથારી છોડવી ના ગમે, અને એવી જરૂર પણ શું હતી આટલાં વહેલાં ઊઠવાની!’ શશીએ હસતાં હસતાં કહ્યું ‘પણ તેં તો આટલાં વહેલાં નાહી પણ લીધું છે!’

‘હું તો રોજ પાંચ વાગે ઊઠી જઉં છું; સુતી હોઉં ગમે તેટલા વાગે, પાણી ગરમ કરવાની માથાકૂટ નથી કરતી. ઠંડા પાણીએ ન્હાવાની આદત પડી ગઈ છે.’ શશીએ હોઠ પર એક આછું સ્મિત લાવીને કહ્યું. ‘બે-ચાર રોટલા થેપી નાખું છું. થોડું શાક અને બેબીનું દૂધ બનાવતાં કેટલી વાર લાગે! ભાથું સાથે લઈને આઠ વાગે નિકળી પડીએ છીએ. બાઇ છે એટલે બેબીની બહુ ચિંતા નથી કરવી પડતી.’

‘તુલસીક્યારા સામે કોડિયાના ઝાંખા પ્રકાશમાં તારા ચહેરા પર છવાયેલું ઓજસ એટલું દીપતું હતું કે દેવતાઓ પણ રાજી થાય.’ સુનિતાએ પ્રશંસાયુક્ત ભાવથી કહ્યું.

‘દેવતાઓ! મેં તો કદાપિ કોઈ દેવતાનો વિચાર નથી કર્યો.’ શશીએ સાહજિકતાથી કહ્યું ‘દીવો પ્રગટાવી માથું નમાવવું એ તો મારો સ્વભાવ છે, ક્રમ છે, આભાર દર્શાવવા, પણ કોને એ નથી વિચારતી.’

‘આભાર શાનો?’ સુનિતાએ પૂછ્યું.

‘ફક્ત એ જ કે અગણિત લાચાર ને નિરાધાર સ્ત્રીઓની સરખામણીએ કેટલી નસીબદાર છું. આટલું સુખ ઓછું છે કે હું વધારેની અપેક્ષા કરું!’

‘સુખની વ્યાખ્યા શું હોઈ શકે!’ સુનિતાએ સંમોહિત ભાવથી વિચાર્યું, ‘કોઈ કાલ્પનિક શક્તિનાં સાનિધ્યમાં નતમસ્તક થતી આ ભોળી સ્ત્રીને માનવી તરીકે એની તુચ્છતાનું ભાન છે, પણ મહાનતાનો અહેસાસ પણ નથી. ખરેખર સંસારમાં એવા પાખંડીઓનો તોટો નથી જે કેવળ પૂજા-પાઠને મહત્ત્વ આપે છે, એના આચરણને નહીં. સાચે જ શશીએ મંદિરનાં પગથિયાં ચઢવાની કોઈ જરૂર નથી. નથી કોઈ પૂજાની આવશ્યકતા. એના તો વિચાર અને આચરણમાં પૂજાનો અતિરેક છે.’

સુનિતાનું હૃદય અહોભાવમાં ઝૂકી ગયું. એણે મનોમન વિચાર્યું ‘ભલે શશીને માનપાનની કશી પરવા ના હોય, પણ એની જાહેરમાં કદર થાય એવા જોગ ઊભા કરવાની જવાબદારી મારી છે.’

સવારે નિર્ધારિત સમયે જીપમાં સુનિતા શશી ને સુધાકરે સફર શરૂ કરી. ગામમાંથી પસાર થતાં સુનિતાએ નિહાળ્યું કે શહેરની સંસ્કૃતિએ ગામોમાં પણ પગપસારો કર્યો હતો. એ સંસ્કૃતિએ યુવાન પ્રજાના પહેરવેશ ઉપર પહેલી અસર કરી હતી. પાન-બીડી, ચા અને ઠંડા પીણાંની દુકાનો હતી. સિનેમાગૃહ કહેવાતું એક પતરાનું માળખું પણ તૈયાર થઈ ગયું હતું.

જેમ જેમ આગળ ગયાં તેમ તેમ વસ્તી ઓછી થતી ગઈ ને છૂટાંછવાયાં માટીનાં ખોરડાં દૃષ્ટિગોચર થયાં. કેટલેક ઠેકાણે હારબંધ ખોરડાંઓ હતાં, જે જવા-આવવાની કેડીઓ હતી.

‘આટલી શાંતિ કેમ લાગે છે, વસ્તી કાંઈ દેખાતી નહોતી.’ સુનિતાએ વિસ્મયથી પૂછ્યું.

‘તમે અહીંના રહેવાસી સાથે વાત કરશો એટલે સાચો ચિતાર તમારી સામે રજૂ થશે.’ શશીએ હસીને જવાબ આપ્યો.’

સુનિતાએ અનુભવ્યું કે જે કદી ગામમાં થયું નહોતું તે થઈ રહ્યું હતું. જંગલમાં લાકડાં વીણીને માંડ-માંડ ગુજરાન ચલાવતી સ્ત્રીઓ ઘરમાં કાર્યરત હતી ને રખડતાં બાળકોએ નિશાળે જવાનું શરૂ કર્યું હતું.

સ્ત્રીઓ પોતપોતાનાં ઘરોમાં ને ક્યાંક વિશાળ જગ્યામાં સાથે બેસી ખાંડવાનું, દળવાનું, ચૂંટવાનું, પેકીંગનું, બીડીઓ વાળવાનું અને બીજા એવાં વિવિધ કામોમાં લીન હતાં. પુરુષો જે અત્યાર સુધી ગપાટા મારતા હતા અથવા દેશી દારૂ પીને પડ્યા રહેતા હતા એ માલની ડીલીવરી કરવા ને નવા ઓર્ડરો લેવા મોટા ગામે જતા.

શરૂઆતમાં લોકો શશીની વાતોને ધ્યાનમાં લીધા વિના હસી નાખતાં હતાં. હકીકતમાં એ લોકોને પોતાની કાર્યક્ષમતામાં વિશ્વાસ નહોતો.

હતાશ થયા વગર શશીએ નાના-મોટા વેપારીઓને મળીને સ્ત્રીઓ માટે કામના ઓર્ડરો મેળવ્યા. ફાયદો બંને તરફ હતો.

પુરુષો સામે શશીએ દારૂનાં દૂષણનું વાસ્તવિક રૂપ રજૂ કર્યું. બાળકોની ભૂખ કુટુંબમાં ક્લેશ, તબિયત પર થતી વિપરીત અસર વગેરે વગેરે… શશી એટલાથી ન અટકી. એણે સરકારી તંત્રને સાબૂત કર્યું ને નેતાઓને ચેતવ્યા ને પોતાની સલામતીની પરવા કર્યા વગર ભુગર્ભમાં ચાલતા દારૂના અવૈધ પીઠાઓ પર તરાપ મરાવી. બે માઈલનાં અંતરે આવેલી સ્કૂલમાં બાળકોને મોકલવાની જોગવાઈ કરી આપી ને કો-ઓપરેટીવ સોસાયટીઓ સ્થાપીને મહેનતાણાની રકમ વધારી. આ બધી વસ્તુઓ સાધવા એણે તનતોડ પ્રયાસો કર્યા. એની મહેનતનાં પરિણામના ફાયદા લોકોએ માણ્યા ત્યારે અતિ મુક્ત કંઠે પ્રશંસા કરી. રાજકારણીઓ પણ શશીના વધતા જતા પ્રભાવના કારણે એની માંગણીઓ પર ધ્યાન દેતા થયા. હજી ઘણુંયે કરવાનું બાકી હતું. કેટલાંએ ગામડાંઓને એનાં વર્તુળમાં સમાવવાના પ્રયત્નો કરવાના બાકી હતા. એણે કેટલાયે પ્રગતિવાદી પત્રકારોને ગ્રામ્યજીવનમાં સર્જાયેલી ચેતનામાં રસ લેવા પ્રેર્યા અને ગામ લોકો સાથે સીધો સંપર્ક કરાવી સધાયેલાં પરિવર્તનથી વાકેફ કર્યાં. આ બધું કરવા પાછળ શશીને પ્રસિદ્ધિનો કોઈ જ મોહ નહોતો, પણ એ જાણતી હતી કે ગ્રામસુધારના કામની જાહેરમાં ચર્ચા થાય તો એનો સીધો ફાયદો એની સંસ્થાને થાય એમ હતો. જે ફંડ ઉઘરાવવામાં મદદરૂપ થાય અને કેવળ ચૂંટણીઓ વખતે કાર્યરત થતી સરકાર પણ સજાગ થાય.

સાંજ સુધીમાં સુનિતાએ છ ગામડાંઓની મુલાકાત લીધી. લોકોએ સમદુઃખી સમજીને એને આવકાર આપ્યો ને એણે પણ એ લોકો સાથે બેસી ખાવા-પીવામાં કોઈ સંકોચ ના બતાવ્યો.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.