દત્તારામ – મેરે આંસુઓ પે ન મુસ્કરા

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

દત્તારામ (મૂળ નામ દત્તારામ લક્ષ્મણ વાડકર_ – જન્મ ૧૯૨૯ – અવસાન ૮ જૂન, ૨૦૦૭- ની હિંદી ફિલ્મ સંગીતના ક્ષેત્રે, કમનસીબે, સૌથી મોટી ઓળખાણ એક સ્વતંત્ર સંગીતકાર તરીકે નહીં પણ શંકર જયકિશનના વાદ્યવૃંદના રીધમ ઍરેન્જર અને તબલાં કે ઢોલક પરના આગવા ‘દત્તુના ઠેકા’ માટે રહી. રીધમ પર તેમની નિપુણતા કે સંગીત દિગ્દર્શક તરીકે આવશ્યક એવી સર્જનાત્મકતાની કંઈક અંશની ઉણપ કે પછી સફળ ફિલ્મોને સફળ કારકિર્દીમાં ફેરવી શકવાની વાણિજ્યિક કુનેહનો અભાવ જેવી અનેક બાબતો વિશે બહુ લખાયું અને ચર્ચાયું છે. એક વાત જે ખાસ ધ્યાન પર નથી આવી કે, ધારી સફળતા ન મળવા છતાં તેમણે જે કંઇ ફિલ્મોમાં સંગીત આપ્યું તેમાં તેમનું સંગીત જરા પણ હતાશ સુરના આલાપ ગાતું નહોતું જણાયું.

દત્તારામની સંવત્સરીના મહિનામાં આપણે આ મંચ પર  સ્વતંત્ર સંગીતકાર તરીકે દત્તારામ દ્વારા રચાયેલાં ગીતોની યાદ, વર્ષ ૨૦૧૮થી, તાજી કરી રહ્યં છીએ. અત્યાર સુધી , આપણે  દત્તારમે રચેલાં

૧૯૫૭ થી ૧૯૫૯નાં ગીતો ૨૦૧૮માં ,

૧૯૬૦ અને ૧૯૬૧નાં ગીતો ૨૦૧૯માં, અને

૧૯૬૨ અને ૧૮૬૩નાં ગીતો ૨૦૨૦માં

સાંભળી ચુક્યાં છીએ.

૧૯૬૪માં દત્તારામને ફાળે એક પણ ફિલ્મ નથી આવી. છેલ્લી કેટલીક ફિલ્મોને ટિકીટ બારી પર સફળતા નહોતી મળતી, એટલે દત્તારામ પાસે જેં કંઈ પણ કામ આવતું હશે તે હવે બહુ ઓછું થતું જણાય છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ ડુબતો માણસ જીવ બચાવવા જેમ તરણાંનો સહારો પણ લઈ લે, કદાચ તેમ જ દત્તારામે પણ હવે જે કંઇ કામ મળે તે લઈને પણ સ્વતંત્ર સંગીતકાર તરીકેની તેમની નાવ તરતી રહેતી દેખાય તેવા આશયથી સી ગ્રેડની ફિલ્મો પણ સ્વીકારવાનું શરૂ કર્યું હોય એમ જણાય છે.

૧૯૬૫માં, દત્તારામે ત્રણ ફિલ્મોમાં સંગીત આપ્યું – માગધી ભાષામાં બનેલી ‘મોરે મન મિતવા’ અને દારાસિંગને મુખ્ય પાત્રમાં ચમકાવતી ‘રાકા’ અને ‘ટારઝન કમ્સ ટુ દિલ્હી’. દત્તારામનાં સંગીત સર્જનનાં દરેક પાસાં સાથે આપણો ઊંડાણથી પરિચય થાય એ આપણો ઉદ્દેશ્ય હોવાથી ૧૯૬૫ની દત્તારામે સંગીતબધ્ધ કરેલી આ ત્રણેય ફિલ્મોનાં યુટ્યુબ પર ઉપલબ્ધ બધાં જ ગીતો આપણે આજના અંકમાં સાંભળીશું.

મોરે મન મિતવા (૧૯૬૫)

માગધી ભાષામાં બનેલી ફિલ્મ ‘મોરે મન મિતવા‘ સામાજિક વિષય પર આધારીત હતી. તેમાં મુખ્ય ભૂમિકામાં નાઝ, સુધીર અને સુજીત કુમાર હતાં.[1]

કુસુમ રંગ લહેંગા મંગાદે પિયવા હો – આશા ભોસલે, મોહમ્મદ રફી – ગીતકાર: હરિશ્ચંદ્ર પ્રિયદર્શી

ભારતનાં ગ્રામ્ય પ્રદેશોનાં ગીતોમાં પ્રેમિકા પોતાના પ્રેમી પાસે અવનવી માગણીઓ મુકે અને પ્રેમી તેને હોંશે હોંશે સ્વીકારે તેવા ભાવનાં ગીતોનું વૈવિધ્ય એ બહુ રસપ્રદ વિષય રહ્યો છે.. પ્રસ્તુત ગીત પણ એ જ પ્રકારનું ગીત છે, જેમાં કુસુમ રંગનો લહેંગો, અને તે પછી ઓઢણી અને એમ એક પછી એક માગણીઓ રજુ થતી જાય છે. દત્તારામ ઢોલક વડે લોક ધુનની મીઠાશને જાળવી રાખે છે..

મોરે મન મિતવા સુના દે ઓ ગીતવા, બલમવા હો પ્રીતવા જગઈ હે મોરે મનમાં – મુકેશ, સુમન કલ્યાણપુર

માગધી ભાષામાં જ લખાયેલું આ યુગલ ગીત બે પ્રેમીજનો વચ્ચે થતા પ્રેમાલાપનું એક સરળ ગીત છે.

મેરે આંસુઓ પે ન મુસ્કરા, કઈ ખ્વાબ થે જો મચલ ગયે – મુબારક બેગમ – ગીતકાર: હરિશ્ચંદ્ર પ્રિયદર્શી

જ્યારે કોઈ ગીત ચીરસ્મરણીય થવા સર્જાયું હોય છે ત્યારે તેને મુખ્ય ધારામાં ન હોય તેવા ગીતકાર કે ગાયક કે પ્રાંતીય ભાષામાં બનેલી ફિલ્મ કે પરદા પરનાં ઓછાં જાણીતાં કલાકારો જેવાં કોઈ બંધનો નડતાં નથી.

તેમ જ ગીત ભલેને ગમે તેટલું પ્રખ્યાત થાય, પણ તેને કારણે સંગીતકાર કે ગાયકનાં નસીબનું પાડડું હટશે કે કેમ તે તો લેખ લખતી વખતે નિયતિને પણ ખબર નહીં જ હોય, એટલે તે પણ સંગીતકાર કે ગાયક્ને થનાર ફાયદાને ભાગ્યના ભરોસે જ અધ્યાહાર રાખી દેતાં હશે!

ખેર, એ બધી વાતોને એક તરફ રાખીને દરેક અંતરાની શરૂઆતમાં ગીતનાં માર્દવને, કે બોલના ઉચ્ચારની શુધ્ધતાને, જરા સરખી પણ આંચ આવ્યા દીધા વગર મુબારક બેગમ જે રીતે ઊંચા સુરમાં જઈને પાછાં ગીતના મુળ સુરમાં  આવી જાય છે તે જ ફરી ફરીને સાંભળ્યા કરવાનું જ મન થાય છે.

રાકા (૧૯૬૫)

શરૂઆતની એકાદ બે જ ફિલ્મોને ટિકિટ બારી પર જે સફળતા મળી તેણે દારા સીંગ માટે તો હિંદી ફિલ્મોની વણઝાર જ લગાવી દીધી. આ બધી ફિલ્મોના સંગીતકાર ખુબ જ નિપુણ હોય પણ સફળતા સાથે હંમેશાં ૩૬નો આંકડો જ ધરાવતા હોય. દારા સીંગ તો અભિનયક્ષમતાનો નહોતા તો દાવો કરતા કે કદાચ તેમને ફિલ્મોની સફળતાની બહુ પડી પણ નહીં હોય, પણ તેમની કુસ્તીનાં ક્ષેત્રની ઓળખને કારણે ઉતર ભારતનાં નાનાં શહેરોના અને ગ્રામ્ય વિસ્તારોના તેમના ચાહક વર્ગે તો દરેક ફિલ્મને ખોબે ને ખોબે રળતર કમાવી આપ્યું. લક્ષ્મીકાંત પ્યારેલાલ અને મુમતાઝના અપવાદ સિવાય આ ફિલ્મોના સંગીતકારોને કે મુખ્ય અભિનેત્રીઓને આ ફિલ્મોની સફળતા ખાસ ફળી નહીં તે પણ એટલી જ અજીબોગરીબ વાત કહી શકાય.

ફિલ્મના ગીતકાર અસદ ભોપાલી હતા.

આદમી મજબુર હૈ, તક઼દીર પર ઈલ્ઝામ હૈ, બાત કહને કી નહીં, યે સબ તેરા હી કામ હૈ – મોહમ્મદ રફી

પહેલી નજરે તો ગીત એક સાધુ મંદિરની બહાર એક્ઠાં થયેલાં ભક્તોને બોધ આપી રહ્યા હોય તેવું જણાય. દત્તારામે અંતરાનાં સંગીતમાં પણ એ ભક્તોની હાજરીને કોરસ ગાન તરીકે વણી લીધી છે.

પરંતુ મુમતાઝ અને ગંગાને આવતાં દેખાડાયા પ્છી કેમેરા તેમના ઉપર જ ફોકસ થવા લાગે, ક્લોઝ-અપ્સમાં બન્ને અભિનેત્રીઓના ચહેરા પર બદલાતા ભાવને કારણે ગીતના બોલને આ બન્નેનાં જીવન સાથે પણ સંબંધ છે તેવું જણાવા લાગે છે.

આડ વાત : આ ગીત સાથે જોડાયેલી અન્ય કોઇ વાત જાણવા માટે બીજા બ્લૉગ્સ પર શોધખોળ કરતાં અતુલ’સ સોંગ અ ડે પરની સંબંધિત પોસ્ટમાંથી જાણવા મળે છે કે અહીં મુમતાઝ સાથે દેખાતી અભિનેત્રી,ગંગા, ‘પડોસન’ (૧૯૬૮)નાં ગીત, કહેના હૈ આજ તુમ કો યે પહેલી બાર માં સાયરા બાનુની સહેલી તરીકે ગીતના પાર્શ્વગાયક (પરદા પર) કિશોર કુમાર છે તેવો ભાંડો ફોડી આપે છે.

હમ ભી નયે તુમ ભી નયે દેખો સંભલના – આશા ભોસલે, કમલ બારોટ, મોહમ્મદ રફી, મન્ના ડે

ડાકુઓ, ચાંચિયાઓ વગેરેના અડ્ડાઓ પર નવરાશના સમયે આવાં જાહેર નૃત્ય ગીતો દ્વારા મનોરંજન થતું હોય એવા પ્રસંગને અનુરૂપ આ ગીત જણાય છે.

દીલકી બેતાબિયાં લે ચલી હૈ વહાં, ઝિંદગી હૈ જહાં, હાલ-એ-દિલ પુછો ના – લતા મંગેશકર

ફિલ્મમાં દારા સીંગ, મુમતાઝ અને ગંગા એવા પ્રણય ત્રિકોણનો એક ખૂણો, ગંગા, પણ પોતાના પ્રેમનો ઇઝહાર તેની સહેલીઓ સાથે કરે છે.

દત્તારામે વાંસળીને મુખ્ય વાદ્ય તરીકે વાપરીને ગીતના આનંદના ભાવને મીઠાશથી ભરેલ છે.

બોલો ના, કોઈ મિલા રાહ મેં, અચ્છા, ઔર દિલ ખો ગયા, ફિર ક્યા હુઆ, આયે હાયે ગજ઼્જબ હો ગયા – આશા ભોસલે, સાથીઓ

સહેલીઓ અને મુખ્ય અભિનેત્રીની પુછતાછને અસદ ભોપાલીએ ગીતના બોલમાં વાપરી લેવાનો અનોખો પ્રયોગ કર્યો અને દત્તારામે તેને ગીતમાં વણી પણ લીધો… અંતરાના બોલની પહેલી પંક્તિમાં જ્યાં જ્યાં વધતી જતી ઉત્તેજનાના ભાવના બોલ છે તત્પુરતું દત્તારામે ગીતને ઊંચા સુરમાં પણ રમતું મુક્યું છે.

તેરી મહેરબાની હોગી, હાયે બડી મહેરબાની હોગી – મોહમ્મદ રફી, આશા ભોસલે

હિંદી ફિલ્મમાં પ્રયોજાયેલી કવ્વાલીઓમાં પહેલી હરોળમાં સ્થાન મેળવી શકે એવી કવ્વાલી એ સમયે તો પ્રચલિત થયેલ, પણ ફિલ્મની સાથે શ્રોતાઓની યાદમાંથી ઝડપથી વિસરાઈ ગઈ. દત્તારામની કારકિર્દીની ચાંદનીને પણ આવાં જ ગ્રહણ નડતાં રહ્યાં

હો નૈન સે નૈન ઉલ્ઝ ગયે રે સૈંયા, દિલકી બાત સમઝ ગયે રે સૈંયા, – આશા ભોસલે

મુખડા અને અંતરાનાં સંગીતમાં પાશ્ચાત્ય વાદ્યો વડે અને ગીતના ગાયનને ઢોલક વડે તાલ આપવાનો પ્રયોગ પણ દત્તારામ બહુ સરળતાથી કરી લે છે.

ટારઝન કમ્સ ટુ દિલ્હી (૧૯૬૫)

મુંબઈના પારસી બોડી બિલ્ડર આઝાદને મુખ્ય ભૂમિકામા ચમવાતી, ઝિંબોનાં ભારતીય સંસ્કરણરૂપ, ફિલ્મ ૧૯૫૮માં રીલીઝ થઈ, ઉત્તર ભારતનાં નાનાં શહેરો અને ગામડાંઓની સર્કીટમાં તે ખુબ ચાલી. તેની પાછળ પાછળ એ સમયે ભારતમાં કુસ્તીમાં જેમની ખુબ ખ્યાતિ થઈ ચુકી હતી એવા દારા સીંગને પણ આ પ્રકારની ફિલ્મોમાં ઉતારવામાં આવ્યા. ફિલ્મોમાં રોકાણ બહુ ન કરવું પડતું, પણ વળતર બહુ જ સારૂં રહેતું. પરિણામે ટારઝન અને કિંગ કોંગ  જેવાં પાત્રોને વણી લેતાં શીર્ષકો સાથેની ફિલ્મોની વણઝાર લાગી ગઈ.

પ્રતુત ફિલ્મમાં ગીતો આનંદ બક્ષીએ લખ્યાં છે.

સુન રે સુન અલબેલે કબસે હમ હૈં અકેલે… પ્યાર જતા કે હારી, દિલમેં બુલા કે હારી, અબ તો આ જા આ આ આ – સુમન કલ્યાણપુર

શહેરમાં આવેલા ટારઝને શહેરની મોજમજાઓની રંગીલી જીવન બાજુનો પણ પરિચય તો કરાવવો જ જોઇએ !

હુસ્ન એક઼રાર કરે, ઈશ્ક ઈનકાર કરે, ઐસે નાદાન સે અબ કૈસે કોઈ પ્યાર કરે  – લતા મંગેશકર

આટલી દેખાવડી યુવતી જંગલના હીરોને દિલ દઈ બેસે, પણ પેલા સીદા સાધા મસ્તરામનેવળી પ્રેમબ્રેમ જેવી વાતોનો અનુભવ તો શેનો જ હોય ! બસ, હવે આ ભાઈને કેમ મનાવવો તેની મનોવ્યથાને વ્યક્ત કરવા માટે પણ એક ગીતનું જ માધ્યમ ઠીક પડે !

હિંદી ફિલ્મોમાં આ પ્રકારનાં ગીતો માટે પાશ્ચાત્ય વાદ્યોથી સજ્જ ધુન પર ગીતની રચના કરવી એ પણ એક વણલખ્યો નિયમ લાગે છે…

કારી કારી અખીયોંસે પ્યારી પ્યારી બતીયોંસે, ઓ સજના ઓ બલમા, ઓ સજના  બલમા હાયે, કાહે મેરી નિંદીયાં ચુરાયે – આશા ભોસલે, મોહમ્મદ રફી

ફિલ્મમાં માસ્ટર ભગવાન હોય તો તેમનું પણ એક નૃત્ય ગીત મુકીને ફિલ્મને વધારે મસાલેદાર કેમ ન બનાવી લેવી ?

દિલ  લગાલે દિલવાલે તુઝે સમજાતે હૈં, યે ઉમર ફિર ના આયેગી – આશા ભોસલે, ઉષા મંગેશકર

શહેરમાં આવી ચડેલા ટારઝનને પોતાની યોજનામાં ભળવા માટે મનાવવા માટે નૃત્યાંગનાઓનાં નાચગાનનો સહારો લેવાયો છે.

નિગાહેં ચાર કરૂં યે મેરી તમન્ના હૈ, કિસીસે પ્યાર કરૂં યે મેરી તમન્ના હૈ – આશા ભોસલે

જંગલના હીરોને મનાવવા તેમનાં જ ઘરમાં જઇને શહેરી અદામાં મીઠડું ગીત ગાવાનો પાસો નખાયો છે.

છમ છમ બાજે પાયલ મતવાલી, કભી જિયા ગભરાયે કભી નૈન શરમાયે, પિયા કૈસી નજર તુને ડાલી – આશા ભોસલે, ઉષા મંગેશકર

જંગલના હીરોને મનાવવા માટે હવે તેના જ પ્રદેશ – આફ્રિકા- ની ધુન પર આધારિત નૃત્ય ગીતની મદદ લેવાઇ લાગે છે ! દત્તારામ એ પ્રદેશનાં ડ્રમની ધુનને પૂર્વાલાપમાં છેડીને વાતાવરણ ખડું કરવાં સન્નિષ્ઠ ભૂમિકા ભજવી રહે છે.

દત્તારામની કારકિર્દીની નાવની ગતિ ભલે ધીમી થઈ ગયેલી જણાય, પણ તે સાચી દિશા ખોળી લેવાની બાબતે હજુ પુરા જોશથી પ્રયત્નશીલ છે તે તો દેખાય જ છે,.

દત્તારામ રચિત ગીતોની આપણી આ સફર પણ હજુ ચાલુ જ છે.


[1] Part 1 and  Part 2

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.