અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સુંદર સાનફ્રાન્સીસ્કો, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, સિલિકોન વેલી અને ઘણું બધું ટાઉન


દર્શા કિકાણી

૨૦/૦૬/૨૦૧૭ – ૨૨/૦૬/૨૦૧૭

સાનફ્રાન્સીસ્કોનો  પહેલો જ દિવસ ભરપૂર સાઈટ સીઇંગનો હતો. અમે એટલું બધું જોવાનાં હતાં કે થોડી શંકા હતી કે કાર્યક્રમ પૂરો થશે કે નહીં! બધાં જ જગવિખ્યાત સ્થળો હતાં એટલે તેમને સરખો ન્યાય અપાય તે જરૂરી હતું.

સ્ટેનફોર્ડ યુનિવર્સીટી : હોટલમાંથી સવારે જ ચેક આઉટ કરી લીધું અને સામાન સાથે જ વાનમાં બેસી ગયાં. સૌથી પહેલાં ગયાં જગવિખ્યાત સ્ટેનફોર્ડ યુનિવર્સીટી. અમે બંને અમદાવાદમાં આઈ.આઈ.એમ.માં ભણેલાં એટલે આમ પણ મનમાં સ્ટેનફોર્ડયુનિવર્સિટી માટે અહોભાવ હતો. વળી કેવી રીતે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી બની તેની રસપ્રદ વાયકાઓ પણ સાંભળેલી, એટલે ત્યાં જવાનું બહુ મન હતું. લગભગ કલાકની ડ્રાઈવ પછી બસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પહોંચી. વિશાળ કેમ્પસમાં બસ ઝાંપા પાસે જ મૂકવા દીધી. દોઢેક કિલોમીટર ચાલીને તેના મુખ્ય બિલ્ડીંગ પાસે પહોંચ્યાં. ૮૧૦૦ એકરમાં ફેલાયેલું આ વિશાળ, એકદમ ગ્રીન અને નયનરમ્ય કેમ્પસ છે. મેદાન અને  રસ્તાની બંને બાજુ મોટાં મોટાં લીલાં વૃક્ષો હતાં અને વચ્ચે વચ્ચે ફૂલોના ક્યારા હતા. થોડા થોડા અંતરે બેસવાની તથા વોશરૂમની સગવડ હતી. એક ઊંચા પ્લેટફોર્મ પર ચર્ચનું  સરસ મકાન હતું. અને બંને બાજુ બીજી બધી સ્કૂલોનાં મકાનો આવેલાં હતાં. બહુ બધી કમાનોવાળા વચ્ચેના ભાગમાં એડમીનની ઓફિસો હતી.દિવસનો સમય હતો અને અભ્યાસ વર્ગમાં કામકાજ ચાલુ હતું એટલે બીજે ક્યાંય જઈ શકાય તેમ હતું નહીં.પ્લેટફોર્મ પર પગ મૂકતાં જ  એક વૈચારિક સ્વતંત્રતાની લાગણી થાય. ‘The wind of Freedom blows’ ના મુદ્રાલેખ સાથે બનેલ સ્ટેનફોર્ડ યુનિવર્સીટીની અસર હતી ! ૬૪ નોબેલ ઇનામના વિજેતાઓ આ કેમ્પસની દેણ છે. આવી ભવ્ય ભૂમિ પર પગ મૂકીને અમે ધન્ય ધન્ય થઈ ગયાં. એકાદ કલાક જ મળ્યો અમને યુનિવર્સિટી જોવા પણ મઝા આવી ગઈ.

ત્યાંથી બસ સિલિકોન-વેલીમાં થઈને નીકળી.સાનફ્રાન્સીસ્કોની દક્ષિણે આવેલ આ ખીણ કે વેલી ત્યાં આવેલ સંખ્યાબંધ હાઈટેક કે કોમ્પ્યુટર કંપનીઓને લીધે જાણીતી છે.

સાનફ્રાન્સીસ્કો ટાવર : ત્યાંથી આગળ ટેલીગ્રાફ ટેકરીના નામે જાણીતી હીલ પરથી આખા નગરનું વિહંગાવલોકન કરવા અમે સાનફ્રાન્સીસ્કો ટાવર પાસે ઊભા. ચારે બાજુ સુંદર સાનફ્રાન્સીસ્કો દેખાતું હતું. અમને ઘણાં બિલ્ડિંગોની દૂરથી ઓળખાણ કરાવી. કહેવાય છે કે ફિલ્મમેકર હિચકોકની ઘણી ફિલ્મોનું શુટિંગ અહીં થયું છે. સખત પવન અને ઠંડીને કારણે મનોરમ્ય દ્રશ્ય અમે ઠુંઠવાતા ઠુંઠવાતા જોયું.

ગોલ્ડન ગેટ પાર્ક : બસ ત્યાંથી આગળ ગોલ્ડન ગેટ બ્રિજ પર થોભી. સાનફ્રાન્સીસ્કો શહેરનાપ્રતીક સમો આ બ્રિજ બહુ સુંદર છે. જો કે નામ પ્રમાણે ગોલ્ડન એટલે કે સોનેરી તો નથી પણ કાટ ખાધેલ લોખંડ જેવા લાલ રંગનો છે. ગોલ્ડન ગેટ બ્રિજ પર અમે સવારે અને મોડી રાત્રે એમ બે વાર ફરવા જવાનાં હતાં એટલે અમને બ્રિજ કરતાં વધારે ગોલ્ડન ગેટ પાર્ક અને ફૂલોની કોન્ઝર્વેટરીમાં રસ હતો. લાખોની સંખ્યામાં રંગબેરંગી ફૂલો અને તેમની સુંદર ગોઠવણી મનમોહક હતી. પાર્કની પાછળ આવેલ પુલ અને નદી પાર્કને વધુ મોહક બનાવતાં હતાં. પાર્કની નજીક જ મોટો ગીફ્ટ સ્ટોર બનાવ્યો હતો જ્યાં સુંદર વસ્તુઓ મળતી હતી. ભીડ બહુ હતી. બસો પણ બહુ આવેલી હતી. તડકો હતો ને સાથે પવન પણ હતો. થોડી વાર પાર્ક જોઈ અમે પેલેસ ઓફ ફાઈન આર્ટસ જોવાં ગયાં.

પેલેસ ઓફ ફાઈન આર્ટસ  : સાનફ્રાન્સીસ્કો શહેરના મરીના વિસ્તારમાં આવેલ પેલેસ ઓફ ફાઈન આર્ટસ કલાત્મક કામનો અને મકાનોનો સમૂહ છે. ૧૯૧૫માં  બનેલ આ કલાકૃતિ પનામા-પેસિફિક વિવરણનો બચેલ એકમાત્ર નમૂનો છે. ૧૯૬૫માં સમારકામ થયાં બાદ ફરી ૨૦૦૯માં સમારકામ થયું છે અને આગળનું તળાવ તથા ચાલવાના રસ્તા પણ સરખાં કર્યાં છે. બહુ સુંદર અને મનમોહક જગ્યા છે. તમને વર્ષો પહેલાના દિવસોમાં લઈ જાય છે.

જોવાલાયક સ્થળની સાથેસાથે ઘણાં પ્રેમી યુગલોને માટે લગ્ન કરવાનું આ મનપસંદ સ્થળ છે. આ સ્થળ એટલું મન મોહક છે કે ડિઝનીના એક પાર્કમાં આ સ્થળનું મીનીએચર બનાવવામાં આવ્યું છે. અમે જો કે ભર બપોરે ત્યાં હતાં એટલે તેની ખૂબસૂરતીને જોઈએ તેટલી માણી શક્યા નહીં.

પ્રવૃત્તિઓથી ધમધમતું  પિયર-૩૯ : ત્યાંથી અમે ગયાં મરીના વિસ્તારના જ પ્રવૃત્તિઓથી ધમધમતા પિયર-૩૯ પર. મનોરંજનનો અપ્રતિમ ખજાનો છે ! પિયર એટલે અખાત કે ખાડી પર બનાવેલ બંધારો કે ડક્કો કે પાયરી. હરિદ્વાર પર આવેલ હરકી પાયરીની આછી આછી યાદ અપાવે. ખાડીને કિનારે જ હતું એટલે અમુક ભાગમાં માછીમારીની વાસ પણ આવે. એટલી બધી ભીડ હતી કે ક્યાં જવું તે ખબર પડે નહીં એટલે અમે લોકોના પ્રવાહની સાથે સાથે ચાલવા લાગ્યાં. ચાલવાના રસ્તાની બંને બાજુ સુંદર ફૂલો કૂંડામાં ગોઠવેલ હતાં. બેસવાની સુંદર વ્યવસ્થા કરી હતી. લોકલ કલાકારીગરીની અસંખ્ય દુકાનો હતી. ખાવાપીવાની પણ સારી સગવડ હતી.

ફળોની એક દુકાન : ખાડીને કિનારે લાકડા ટેકવીને બનાવેલી ફળોની એક દુકાન હતી. તાજાં મીઠાં અને સુંદર ફળો હતાં. રાજેશ અને દિલીપભાઈ ઢગલો ફળો લઈ આવ્યાં. લાલ અને પીળી ચેરી, ગુલાબી સફરજન, ઘેરા કથ્થઈ રંગનાં પ્લમ્સ, કાળી અને લીલી દ્રાક્ષ, લાલ લાલ સ્ટ્રોબેરી, મોટાં કેળાં ….. અમારું બપોરનું જમવાનું આ ફળાહાર જ હતો! આવું સ્વાદિષ્ટ અને કુદરતી ભોજન તો કોઈ નસીબદારને જ મળે! એક બાજુ દરિયો અને બીજી બાજુ માનવ મહેરામણ જોતાં જોતાં અમે ફળોનો લુફ્ત ઊઠાવ્યો.

સી-લાયન સેન્ટર : થોડા જ આગળ ચાલ્યાં ત્યાં તો સી-લાયન સેન્ટર આવ્યું. સેન્ટરમાં સી-લાયન પર એક નાની ફિલ્મ બતાવી માહિતી આપવામાં આવે અને પછી સી-લાયન બતાવે. ૧૯૮૯ન ધરતીકંપ પછી આ વિસ્તારમાં ૧૦-૨૦ સી-લાયન દેખાયા અને જોત જોતામાં તેમની સંખ્યા ૩૦૦ ઉપર પહોંચી ગઈ. પછી તો દર શિયાળામાં સી-લાયન આવે અને ઉનાળામાં મોટા ભાગનાં સી-લાયન દક્ષિણમાં જતા રહે. આ જગ્યા તેમને બહુ ફાવી ગઈ હોય તેવું લાગે છે! અમે પણ રમતા અને ધમાલ કરતા કાળા અને લીસ્સા ૭૦-૮૦ સી-લાયન જોયા. દૂરથી તો એવાં ગમી જાય કે આપણે એને ઊંચકી લઈએ! આટલી મોટી સંખ્યામાં સી-લાયન જોવાનો અમારો પહેલો અનુભવ હતો એટલે બહુ મઝા આવી.

અન્ય આકર્ષણો : રસ્તાની બંને બાજુ પર મનોરંજનની ઘણી વસ્તુઓ હતી. બાળકો માટે ચગડોળ અને મેરી-ગો-રાઉન્ડ, મોટું માછલીઘર (એકવેરીઅમ), જાદુના અને સાહસના ખેલો, વાજિંત્રો વગાડતાં સંગીતકારો ….. બે-અઢી કલાકમાં તો અમે જાણે બીજી જ દુનિયામાં જઈ આવ્યાં. સમય થયો એટલે અમે અમારી બસ પાસે આવી ગયાં.

ટ્રામ અને કૃકેડ સ્ટ્રીટ (Crooked Street)  : બસ તો અમને લઈ આવી શહેરના ભરચક વિસ્તારમાં. અમદાવાદના માણેકચોકથી પણ વધુ ભીડ! કીડિયારું ઊભરાય તેટલાં માણસોવાળા આવા વિસ્તારમાં જોવાલાયક શું હશે? અમને બધાંને ટ્રામની લાઈનમાં ઊભા કરી દીધાં. નાની નાની એકએક બાગીની ટ્રામ હતી. એકવારમાં ૨૫-૩૦ માણસોને લઈ જાય. કલાક ઊભા રહ્યાં ત્યારે તો વારો આવ્યો. હું અને રીટા આગળના ખુલ્લા ભાગમાં ઊભાં રહ્યાં અને રાજેશ તો છેક છેલ્લે પગથિયાં પર પહોંચી ગયા. વર્ષો જૂનો અમદાવાદની સ્કૂલમાં બસમાં જવાનો અનુભવ કામે લાગ્યો! કિલકારીઓ કરતાં કરતાં ટ્રામમાં ૩-૪ કિમી. ગયાં. અમને એમ કે આ જ મનોરંજન હશે ! પણ હવે પછી તો જે કૌતુક હતું તે બિલકુલ અકલ્પ્ય હતું. ટ્રામમાંથી અમને એક સ્થળે ઊતાર્યાં અને રસ્તો ક્રોસ કરી સામેની બાજુ આવ્યાં ત્યાં સુધી બધું સામાન્ય હતું. સામેની બાજુ એક ગલી જતી હતી જેનું નામ હતું લોમ્બાર્ત સ્ટ્રીટ (Lombard Street). એક બ્લોકની પૂર્વ-પશ્ચિમ જતી આ ગલીમાં આઠ હેર પીન ( Hair-pin ) એટલે કે બહુ સાંકડા વળાંક આવતા હતા. ૬૦૦ ફૂટ લાંબો આ વનવે છે.પહાડીના ઢાળને ૨૭% ઓછો કરી વનવે વાહનવ્યવહાર ચાલુ રાખી શકાય તે માટે લાલ ઇંટોથી આ ઢાળ ૮ વળાંક સાથે ૧૯૨૨માં બનાવવામાં આવ્યો હતો. આટલાં બધા વળાંકોને લીધે તેનું નામ પડી ગયું કૃકેડ સ્ટ્રીટ! ફક્ત ૫ કિમી.ની ઝડપે  વાહનો જઈ શકે છે. આ સ્ટ્રીટ પર વાહન ચલાવવું બહુ અઘરું છે.પણ વાહનોની સવલત કરતાં હવે આ ટુરીસ્ટ સ્પોટ તરીકે વધુ પ્રખ્યાત થઈ ગયું છે. લોકો હજારોની સંખ્યામાં જતાં આવતાં વાહનોને ચીઅર અપ કરવા ઊભા રહે છે અને ગાડી સરખી રીતે બહાર નીકળી જાય ત્યારે જોરજોરથી અભિનંદન આપે છે. અમે તો ખાસ્સી વાર ઊભા રહ્યાં આ જોવાં. રાજેશને બહુ મન હતું કૃકેડ સ્ટ્રીટ પર ગાડી ચલાવવાનું પણ સંજોગોવશાત રાજેશ ત્યાં ગાડી ચલાવી શક્યા નહીં.

ડાઉન ટાઉન, ચર્ચ અને સીટી સેન્ટર : બસમાં બેસી અમે હવે ડાઉન ટાઉન એટલે કે શહેરના મધ્ય ભાગમાં પહોંચી ગયાં.અમને એક સુંદર ચર્ચમાં લઈ ગયાં. બહારથી ચર્ચનો આકાર એકદમ રૂઢીમુક્ત હતો. લાલ સુંદર પુષ્પોથી ઉભરાતો બગીચો હતો.અંદર સુંદર મૂર્તિઓ, બેસવાની અને પ્રાર્થના કરવાની વ્યવસ્થા અને સંગીત માટે મોટું ઓર્ગન વગેરે હતું. શાંત અને પવિત્ર વાતાવરણ હતું.ચર્ચમાં સમારકામ ચાલતું હોવાથી અમુક ભાગ બંધ હતો. પવિત્ર વાતાવરણમાં અમે બધાંએ પોતપોતાના ભગવાનને સ્મરી લીધાં.

અમે છેલ્લે પહોંચ્યાં સીટી સેન્ટર. સાન ફ્રાન્સીસ્કો શહેરની મધ્યમાં આવેલ આ બિલ્ડીંગ બહુ સુંદર છે. ૫૦૦,૦૦૦ ચો.ફૂટની ખુલ્લી જગ્યા સીટી સેન્ટરને ભવ્યતા બક્ષે છે. ૧૯૦૬ના ધરતીકંપ પછી ફરી બનાવવામાં આવેલ આ સીટી સેન્ટરનો ડોમ એટલે કે ઘુમ્મટ અમેરિકાના કેપિટોલ બિલ્ડીંગના ઘુમ્મટ કરતાં ૪૨ ફૂટ વધારે ઊંચો છે. હોલીવુડની અનેક ફિલ્મોનું અહીં સીટી સેન્ટરમાં શુટિંગ થયું છે. ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલે માળ જવા ભવ્ય પગથિયાં બનાવ્યાં છે. કલાત્મક ચિત્રો અને મૂર્તિઓ સાથે સરકારી ઓફિસો પણ અહીં આવેલી છે. અનેક લોકો આનંદમાં અને ઉત્સાહમાં ઉપરથી નીચે અને નીચેથી ઉપર આવજા  કરે છે. ઘણાં લોકો પગથિયાં પર ઊભા રહી ફોટા પડાવે છે. લગ્ન કરવા માટેનું આ પ્રિય સ્થળ લાગે છે. અમે ઊભાં હતાં ત્યાં જ એક નવવધૂ સુંદર શણગાર સજીને ફોટો સેશન કરાવવા તેનાં માતાપિતા સાથે ત્યાં આવી હતી. અત્યારે તો તેઓ અમેરિકામાં સ્થાયી થયાં હતાં પણ તેમનું અસલ વતન મેક્સિકો હતું. નવવધૂનો સુંદર ડ્રેસ મેક્સિકોમાં બનાવડાવ્યો હતો. સાંપ્રત ડ્રેસની ઉપર પરંપરાગત ભરતકામ અને ઝીણીઝીણી કારીગરી કરી હતી. બહુ સુંદર ડ્રેસ હતો. અમે તેના વખાણ કર્યા વગર રહી શક્યા નહીં. એ લોકો પણ ખુશ ખુશ થઈ ગયાં અને અમારી સાથે ફોટા પડાવ્યા. એમની શાલીનતા તો જુઓ, અમને લગ્નમાં જોડવા પ્રેમભર્યું આમંત્રણ પણ આપ્યું! જો કે અમારે તો હજુ આગળ ઘણો પ્રોગ્રામ બાકી હતો એટલે દુઃખપૂર્વક તેમના આમંત્રણનો અમે અસ્વીકાર કર્યો.

આગળથી વાત થઈ હતી તે મુજબ સીટી સેન્ટરની બહાર અર્પણ (અર્પણ એટલે મારી પ્રિય સખી સ્વાતિ સૌરભ સોપરકરનો દીકરો) અમારી રાહ જોતો હતો. અમે હવે બે-ત્રણ દિવસ અર્પણ-હેતાના મહેમાન થવાનાં હતાં. અર્પણ નજીકમાં જ કામ કરતો હતો અને ત્યાંના યુવાનોની ફેશન મુજબ સાઇકલ પર કામના સ્થળે જતો હતો. અહીં પણ તે સાઇકલ લઈને આવ્યો હતો. રાજેશને તો આ મોટા ગ્રાઉન્ડમાં સાઇકલ ચલાવવાની મઝા આવી ગઈ! એ તો સાઇકલ લઈને અમારી બસ સુધી પહોંચી ગયા. બીજા મુસાફરો તો હેરત પામી ગયા કે આ ભાઈ સાઇકલ ક્યાંથી લઈ આવ્યા? અમારાં બસનાં ચીની મિત્રોની વિદાય વસમી હતી. ભાષાની તકલીફ સાથે પણ અમે સરસ સંબંધ કેળવ્યો હતો. બધાં મુસાફરોનો વહાલો નાનો બાબો તો અમને વળગી વળગીને પ્રેમ કરતો હતો! પ્રેમને ક્યાં કોઈ ભાષાની જરૂરિયાત છે! ચીની મિત્રો સાથે ફોટા પડાવી અમે અમારો સામાન લઈ રસ્તાની બીજી બાજુ આવ્યાં. ટેક્ષી બુક કરાવી હતી પણ અમને અને અમારા સામાનને જોઈ તેણે અમને બેસાડવાની ચોખ્ખી ના પાડી દીધી. અમેરિકામાં થયેલ જુજ નેગેટીવ પ્રસંગોમાંનો આ એક પ્રસંગ. અમારી પાસે ચાર જણની ચાર નાની બેગ અને ચાર હાથથેલા હતાં. વિમાની સફરમાં પણ કોઈએ અમારા સામાન સામે વાંધો ઊઠાવ્યો ન હતો. અમે જે રસ્તા પર ઊભા હતાં તેની ફૂટપાથ પર સરસ ડીઝાઈનો દોરી હતી. એકાદ દિવસ પહેલાં કોઈ સરઘસ નીકળ્યું હતું જેના યુવાનોએ શહેરની સ્વચ્છતા અને સુંદરતા માટે રંગોળી જેવી સરસ કલાત્મક ડીઝાઈનો દોરી હતી. અનાયાસ અમને તે જોવા મળી. અમે તરત જ બીજી ટેક્ષી બોલાવી જે ત્રણ મિનિટમાં આવી અને ડ્રાઈવરે અમને અમારા સામાન સાથે પ્રેમથી તેની ટેક્ષીમાં બેસાડ્યાં.

અમે ‘ગેરી પાર્ક વે’ નામની લોજમાં ચેક ઇન કર્યું. રસ્તા પર જ આવેલી આ નાની લોજ શ્રી હિતેશ પટેલની હતી. તેઓ મૂળ બારડોલીના રહેવાસી હતા. રૂમો નાની પણ સ્વચ્છ હતી. રહેવા સિવાયની કોઈ સગવડ અહીં હતી નહીં.  જમવાનું તો શું પાણી પણ મળતું ન હતું. એક રૂમમાં જ ૪ ખાટલાની વ્યવસ્થા હતી. નાનો પણ વ્યવસ્થિત બાથરૂમ હતો. મોટા શહેરમાં આટલી સગવડ પણ ઘણી કહેવાય. અમારે તો ખાલી સૂવા માટે જ રૂમની જરૂર હતી. અમે સહેજ ફ્રેશ થઈ ચાલતાં જ સ્વાતિને ઘેર પહોંચી ગયાં.

રસ્તા પરના મકાનમાં બીજે માળે આવેલ ૪ બેડરૂમનો સરસ ફ્લેટ હતો. એક સરસ કુટુંબની રસપ્રદ ઓળખાણ આપવી બહુ જરૂરી છે. અર્પણ પોતે આઈ.ટી. પ્રોફેશનલ છે. તેની પત્ની હેતા ફીઝીઓથેરેપીસ્ટ છે. તેઓ બંને પોતાની કારકિર્દીમાં સારાએવા વ્યસ્ત છે. તેમનો બે વર્ષનો નાનો અને વહાલો સાર્થ બધાંને ગમી જાય તેવો છે. તેની સાથે રહેવા તેનાં નાના-નાની અને દાદા-દાદી અવારનવાર અમદાવાદથી આવતાં રહે છે. તેના નાના ડૉ. ધીરેન શેઠ અમદાવાદમાં જનરલ સર્જન તરીકે પ્રેક્ટીસ કરતા હતા. તેમની બંને પુત્રીઓ (હેતા અને તેની બેન સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણે છે) અમેરિકા રહેતી હોવાથી હવે મોટા ભાગે અમેરિકા જ રહે છે. સાર્થના નાની શ્રીમતી ચેતના ધીરેન શેઠ પોતાના દોહિત્ર સાર્થને ભારતીય સંસ્કારો મળી રહે તે માટે બહુ સજાગ છે. સ્વાતિ અને સૌરભ સોપારકર અમદાવાદના પ્રખ્યાત અને બહુ વ્યસ્ત વકીલો છે. સમય કાઢીને તેઓ ખાસ સાર્થ સાથે રહેવા દરેક વેકેશનમાં સાન ફ્રાન્સીસ્કો આવી જાય છે અને તેની દરેક પ્રવૃત્તિમાં સક્રિય ભાગ લે છે. સ્વાતિ અને ચેતના બાળપણની સહેલીઓ છે. આ સંયુક્ત કુટુંબને જોતાં બહુ આનંદ થાય. અમે પણ ત્યાં જઈને ખુશ થઈ ગયાં.

હેતાએ અમને તેમનો બીજા માળનો ફ્લેટ બતાવ્યો. ભારતીય છતાં આધુનિક રીતે શણગાર્યો છે. રસોડામાં કુદરતી પ્રકાશ આવે તેવી સગવડ છે. સાર્થનો રૂમ રમકડાથી ઉભરાય છે. સાર્થ કલાકો સુધી ત્યાં બેસી રમ્યા કરે છે. નાના-નાની અને દાદા-દાદીના બે બેડરૂમ છે અને એક તેમનો. મોટા દિવાનખંડની બાલ્કની રસ્તા પર પડે છે.

હેતા સાથે એમના ઘરની ટુર લીધી ત્યાં ગરમાગરમ મુઠિયાનો નાસ્તો તૈયાર હતો. બીજા બધા કોરા અમદાવાદી નાસ્તા સાથે ચા-કૉફી લગભગ ૧૫ દિવસે મળ્યાં! નાસ્તો કરીને અમે વાતોએ વળગ્યાં. બધાં વાતો અને આરામ કરતાં હતાં ત્યાં અમે ચાઈના બીચ તરીકે જાણીતા નજીકના બીચ પર થોડી વાર જઈ આવ્યાં. બહુ સુંદર અને એકાંતવાળો બીચ છે. નાનો અને સ્વચ્છ પણ છે. વળી સેલીબ્રીટી લોકોની પસંદગીની જગ્યા છે, અનેક ફિલ્મી કલાકારો અને ધનિક લોકોના મોટા મોટા સુંદર બંગલા છે.અર્પણે અમને એક્ટર રોબીન વિલિયમ્સનો સુંદર મહેલ જેવો  બંગલો બહારથી બતાવ્યો.

ઘેર આવ્યાં તો જમવાનું તૈયાર હતું. દિલીપભાઈનો ભત્રીજો રોહન તેમને મળવા આવ્યો હતો. બધાંએ ભેગાં મળી ગરમાગરમ ઈડલી સંભાર ખાધાં. રાતના અગિયાર થવા આવ્યા હતા અને હજી અમારે એક વિઝીટ પતાવી હોટલે સૂવા જવાનું હતું!

અર્પણ અમને ઘીરાડેલી (Ghirardelli Chocolates) નામના ચોકલેટ અને આઇસક્રીમની ફેકટરીએ લઈ ગયો. ચોકલેટ ખાનારાં માટે બહુ જાણીતું નામ. રાતના અગિયાર વાગે પણ સારી એવી ભીડ હતી. આગળના ભાગમાં  ચોકલેટનો સ્ટોર તો એટલો સુંદર શણગાર્યો હતો કે આખો સ્ટોર લઈ લેવાનું મન થાય. અમને ચોકલેટ ચખાડી પણ ખરી. અંદર આઇસક્રીમની ફેકટરીમાં આઇસક્રીમ બનતો હતો. ફ્રેશ આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. મોટા લાંબા ગ્લાસમાં આઇસક્રીમ સર્વ કર્યો. આખું જમણ થઈ જાય એટલો આઇસક્રીમ હતો!

બાપરે! કેટલો લાંબો અને કેટકેટલી પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ હતો ! મોડી રાત્રે બધું વાગોળતાં વાગોળતાં સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

8 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : સુંદર સાનફ્રાન્સીસ્કો, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, સિલિકોન વેલી અને ઘણું બધું ટાઉન

 1. વિશ્વ પ્રસિદ્ધ સાનફ્રાન્સિસ્કો, ઘણાબધાં જોવા-માણવા ના સ્થળો, મૂંઝાઈ જવાય તેવું સમય પત્રક – બે ઘડી તો આ લેખ વાંચનાર વ્યક્તિ પણ વિચારમાં પડી જાય તેવી પરિસ્થિતિ – છતાં પણ સરકતી નદી જેવું વર્ણન ઘણુંજ રસપ્રદ રહ્યું.

  1. Thanks, Ketan! Yes, even we were not sure about covering all these places in just one day! But fortunately visited and enjoyed them thoroughly! 🥰

 2. Very nicely written (short & sweet) your experience in San Francisco. You have seen a lot in one day tour, including bycycle ride.
  Enjoyed.

  1. Thanks, Mala and Jaybhai! Yes, that day was really loaded! But fortunately we enjoyed it thoroughly! 🥰

 3. સરસ, સુંદર અને વાંચવાનું શરુ કર્યા પછી છેક સુધી જકડી રાખે તેવું જીવંત બનાવી દીધું તમારા આ લેખે…
  મારો દીકરી પણ અમેરીકા માં છે અમે બંને પતિ પત્ની આજ અરસા માં ન્યુયોર્ક હતા…તમે આ ટુરનુ આયોજન કઈ એજન્સી મારફત કરાવેલ એ જણાવશો…
  હજુ ત્યાં જવાની તક મળે તો આવું માણવાની ઈચ્છા છે…

  તમારા અગાઉ ના લેખો વાંચવાનો અવશર મળે તેવી ઈચ્છા છે…

  આભાર સહ
  બિમલભાઈ
  જામનગર

 4. ખુબ જ સરસ વર્ણન જે વાંચીને હું ત્યાં જઈ આવ્યો હોય તેઓ બે ઘડી આભાસ થાય

Leave a Reply to Ketan Patel Cancel reply

Your email address will not be published.