ફિર દેખો યારોં : અસ્થિઓ: જીવિત માનવદેહમાં હોય ત્યાં સુધી ધર્મના, દેહ પડે પછી ધર્મનિરપેક્ષ

બીરેન કોઠારી

કપરા સમયમાં વ્યક્તિનું, સંસ્થાનું કે શાસનનું સૌથી વરવું કે સૌથી માનવીય સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવર્તમાન મહામારીમાં આવાં અનેક ઉદાહરણો જોવા મળી રહ્યા છે, અને હજી મળતાં રહેશે. કેમ કે, મહામારીનો કપરો સમય હજી પૂરો થયો નથી. કંઈ કેટલાય વ્યવસાય અને વ્યાવસાયિકોને વિપરીત અસર થઈ છે, જેનો અંદાજ મેળવવો અઘરો છે. એવે વખતે પ્રજ્ઞા અખિલેશે એક ચોક્કસ વ્યવસાયના લોકો પરની અસર વિશે ધ્યાન દોર્યું છે. પ્રજ્ઞા અખિલેશ દિલ્હીસ્થિત ‘ભીમ સફાઈ ટ્રેડ યુનિયન’નાં રાષ્ટ્રીય સેક્રેટરી અને ‘આર.આર.આઈ.’ (રિહેબીલીટેશન રિસર્ચ ઈનિશિયેટીવ)નાં કન્‍વીનર છે. સફાઈ કર્મચારીઓના વિવિધ મુદ્દે તેઓ અવાજ ઉઠાવતાં રહ્યાં છે, લખતાં રહ્યાં છે અને વાત પણ કરતાં રહ્યાં છે. આ કારણે તેમને ઉપહાસપૂર્વક અપાયેલું વિશેષણ ‘ટોઈલેટ વુમન ઑફ ઈન્‍ડિયા’ હવે તો તેમની આગવી ઓળખ બની ગયું છે. તાજેતરના એક લેખમાં તેમણે મૃતકોના હાડકાં એકઠાં કરતા લોકો વિશે વાત કરી છે.

સામાન્ય રીતે આવા વ્યવસાય સૂગાળવા હોય છે. એટલે કે સૂગ એ વ્યવસાય અંગે નહીં, પણ તેના વિશે વાત કરવા પ્રત્યેની હોય છે. મૃતકોનાં અસ્થિને એકઠાં કરીને કેલ્શિયમ બનાવતાં કારખાનાંને પહોંચાડવાનો આખો ઉદ્યોગ અસ્તિત્ત્વમાં છે. તેમને અસ્થિ વેચવા પર પ્રતિબંધ છે, આમ છતાં આ પ્રવૃત્તિ બરાબર ચાલી રહી હોવાનું પ્રજ્ઞાએ જણાવ્યું છે. આ આખા વ્યવસાયમાં સૌથી નીચેની પાયરી પર અસ્થિ વીણનારા હોય છે. તેમનું કામ દેખીતી રીતે ગંદકીયુક્ત, ગેરકાનૂની અને ઘણે અંશે ગુપ્ત હોય છે. સૌથી વધુ જોખમ તેઓ જ ઉઠાવતા હોય છે. આ વ્યવસાય તેમની આજીવિકા સાથે એ હદે સંકળાઈ ચૂક્યો છે કે એમને માટે એ છોડવો મુશ્કેલ છે. આ પ્રકારનો વ્યવસાય કરતા દરેક કર્મચારીની એ વ્યથા હોય છે કે આમાં તે નથી સ્વેચ્છાએ પ્રવેશતો કે નથી સ્વેચ્છાએ નીકળી શકતો. આવા વ્યવસાયમાંથી તે નીકળી જાય તો તેને બીજું ‘સ્વચ્છ’ કામ કોણ આપે એ મોટો સવાલ હોય છે.

મહામારીની અસર તળે ઠેરઠેર સામૂહિક અગ્નિદાહ તેમજ દફનવિધિ થઈ રહી છે. સ્મશાનભૂમિ કે કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતાં પરંપરાગત સ્થળો ઉપરાંત બીજાં અનેક સ્થળો આ કામ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. કોવિડની બીજી લહેરમાં એક મોટો વર્ગ આજીવિકાના સ્રોત તરીકે આ કાર્ય સાથે સંકળાતો થયો છે. અલબત્ત, આ નાના વ્યાવસાયિકોનો ગેરલાભ લઈને તેમનું શોષણ થવા લાગ્યું છે. અંતિમવિધિનાં કેટલાંય સ્થળો પર સ્થાનિક ગુંડાઓનું વર્ચસ્વ છે, જે અસ્થિ એકઠાં કરનાર પાસેથી અસ્થિ ખરીદે છે અને જરૂરતમંદ તબીબી કૉલેજ, ફેક્ટરીઓ સુધી તેને પહોંચાડે છે.

આ વ્યવસાયમાં પહેલેથી સક્રિય હોય એવા લોકોએ કેલ્શિયમ ફેક્ટરી સુધી અસ્થિઓ પહોંચાડવાની શૃંખલા ગોઠવેલી છે. કેટલાક લોકોએ વિદેશી વેપારીઓ સાથે સંપર્ક કેળવેલા છે, અને સીધા તેમને એ પહોંચાડે છે. લૉકડાઉન દરમિયાન અસ્થિના વેપારીઓ પોતાના એજન્ટોને બારોબાર અંતિમ વિધિનાં સ્થળે મોકલી રહ્યા છે, જેમનું કામ મૃતકના અવશેષોમાંથી અસ્થિ વીણવાનું છે.

પ્રજ્ઞા અખિલેશે આ કામ સાથે સંકળાયેલા વિવિધ લોકોને મળીને તેમની કાર્યપદ્ધતિ વિશે અને તેમની મજબૂરી વિશે લખ્યું છે. એવું નથી કે આ સ્થિતિ કોઈ એકલદોકલ સ્થળ કે રાજ્યમાં હોય. વિવિધ રાજ્યોમાં અનેક સ્થળોએ આ ચલણમાં છે.

કોવિડના કાળમાં માનવ અસ્થિઓ સહેલાઈથી ઉપલબ્ધ બનવા લાગ્યા છે. સ્મશાનમાંથી અસ્થિ વીણવામાં આવે છે, એમ કબ્રસ્તાનમાંથી પણ એ કરવામાં આવે છે. કેમ કે, અસ્થિઓ જીવિત માનવદેહમાં હોય ત્યાં સુધી જ કોઈ ચોક્કસ ધર્મના ગણાય છે. દેહ પડે એ પછી તેમાંનાં અસ્થિઓ ધર્મનિરપેક્ષ બની જાય છે. કેલ્શિયમની ફેક્ટરીના કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતાં વિવિધ ધર્મના મૃતદેહોનાં અસ્થિઓ આખરે ભૂકો થઈને એકમેકમાં ભળી જાય છે, અને ફરી એક વાર વિવિધ ઉત્પાદનોના સ્વરૂપે વિવિધ ધર્મના ગ્રાહકો સુધી પહોંચે છે.

અસ્થિની માંગ ખૂબ હોય છે અને તેમાં પ્રાણીઓનાં અસ્થિનો સમાવેશ પણ થાય છે. સામાન્ય સંજોગોમાં પ્રાણીઓનાં અસ્થિ મેળવવા સહેલા હોય છે. અલબત્ત, ‘ગૌરક્ષક’ નામની પ્રજાતિના વધેલા ઉપદ્રવ પછી તેમનું કામ પણ મુશ્કેલ બની રહ્યું છે. આમ છતાં, અલબત્ત, પ્રાણીઓનાં અસ્થિ એકઠાં કરવાનું કામ અમુક જાતિવિશેષ પૂરતું સીમિત છે. આ કામ સાથે સંકળાયેલા ઘણા લોકો લેન્‍ડફિલ તરીકે ઓળખાતા ઘન કચરો ઠાલવવાના સ્થળે ઊભેલા કચરાના ઢગમાંથી પશુઓનાં અવશેષો વીણતા હોય છે. સામિષાહારીઓ દ્વારા ફેંકી દેવાયેલા વધ્યાઘટ્યા ખોરાકને તેઓ ફેંદતા રહે છે. મજબૂરીવશ તેમણે એ જ અવશેષો થકી પેટ ભરવાનો વારો આવે એવા સંજોગો હાલ ઊભા થયેલા છે.

આ વ્યવસાય, તેની સાથે સંકળાયેલા લોકોની વાત કદાચ સુરુચિપૂર્ણ ન લાગે, છતાં કઠોર વાસ્તવિકતાને શી રીતે અવગણવી? મૃતદેહોનાં અસ્થિ એકઠાં કરવાનું કામ હોય કે માનવમળનું વહન કરવાનું કાર્ય, આ કોઈ કામ એવું નથી કે વ્યક્તિ એ સ્વેચ્છાએ કરે.

વળતરની દૃષ્ટિએ આ વ્યવસાય જરાય યોગ્ય નથી. આરોગ્યનું સૌથી મોટું જોખમ તેમની સાથે સીધેસીધું સંકળાયેલું હોય છે. માનવીય ગરિમા જેવો શબ્દ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સાવ અજાણ્યો હોય છે. આમ છતાં ચોક્કસ જ્ઞાતિના હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એમાંથી બહાર નીકળી શકતા નથી. સામાજિક સમાનતા કેટલી સદીઓ સુધી સ્વપ્ન સમાન રહેશે?


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૬–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.