નિસબત – પાંચ રાજ્યોના પરિણામ : કોંગ્રેસમુક્ત ભારતના સંકેત ?

ચંદુ મહેરિયા

૨૦૧૪ની લોકસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પક્ષના વડાપ્રધાનપદના ઘોષિત ઉમેદવાર અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘કોંગ્રેસમુક્ત ભારત’નો વિચાર વહેતો કર્યો હતો. જાણે કે તેમની વાત સાચી ઠરવાની હોય તેમ ૨૦૧૪માં કોંગ્રેસને માત્ર ૪૨ બેઠકો જ મળતાં લોકસભામાં સત્તાવાર વિપક્ષનું સ્થાન પણ ન મળ્યું. તે પછી ભાજપના નેતાઓએ કોંગ્રેમુક્ત ભારતનું ચૂંટણી અભિયાન આદર્યું અને રાજ્યોની ચૂંટણીઓ જીતતા રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં એમની કોંગ્રેસમુક્ત ભારતના વિચારની આલોચનાના પ્રત્યુત્તરમાં ગાંધીજીની કોંગ્રેસમુક્ત ભારતની અંતિમ ઈચ્છાની વાત કરી. હતી. ‘આ વિચાર તેમનો નથી ગાંધીજીનો છે’,  તેમ કહી વડાપ્રધાને  ૧૫૦મા ગાંધી જન્મ શતાબ્દી વરસે તેમના કોંગ્રેસમુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રમાં બીજેપીના સાત વરસના શાસન દરમિયાનની પ્રત્યેક ચૂંટણીમાં કોંગ્રેસમુક્ત ભારતનો નારો બુલંદ કરવામાં આવ્યો છે. ચૂંટણીઓમાં બીજેપીના વિસ્તાર અને કોંગ્રેસના સંકોચન સાથે કોંગ્રેસથી દેશ મુક્ત થઈ રહ્યાંના ગાણાં ગવાય છે. તાજેતરના અસમ, કેરળ, પુડુચેરી, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ- એ પાંચ રાજ્યોની વિધાનસભાઓના ચૂંટણી પરિણામોને ભાજપ-કોંગ્રેસની હાર-જીતની દ્રષ્ટિએ મૂલવવા જેવાં છે. પાંચ રાજ્યોની કુલ ૮૨૨ બેઠકોની ચૂંટણીમાં ભાજપને ૧૪૭(કુલ બેઠકોના ૧૭.૮ ટકા) અને કોંગ્રેસને તેના કરતાં લગભગ અડધી એટલે કે ૭૦ (૮.૫ટકા) બેઠકો મળી છે.બીજેપીએ તેની અસમની રાજવટ જાળવી રાખી છે અને ટચુકડા પુડુચેરીમાં તેનો સહયોગી પક્ષ સત્તાનશીન થયો છે. જોકે બીજેપીના અન્ય સહયોગી પક્ષ અનાદ્રમુકે તમિલનાડુમાં સત્તા ગુમાવી છે, પશ્ચિમ બંગાળમાં ઘણા ધમપછાડા કરવા છતાં તેને ધારી સફળતા મળી નથી. કેરળમાં તો તેનું ખાતું જ ખૂલ્યું નથી.

પુડુચેરીમાં કોંગ્રેસનું રાજ હતું પણ તેના ધારાસભ્યોના પક્ષપલટાને કારણે ચૂંટણી પૂર્વે જ સત્તા ગુમાવી હતી. એટલે પાંચમાંથી એકેય રાજ્યમાં તેની સત્તા નહોતી.તમિલનાડુમાં તેનો સહયોગી પક્ષ દ્રમુક સત્તા મેળવી શક્યો છે. તે તેની ઉપલબ્ધિ છે. કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં અને ભાજપને કેરળમાં અનુક્રમે ૨૯૨ અને ૧૪૦ વિધાનસભા બેઠકોના ગ્રુહમાં એકેય બેઠક મળી નથી. બીજેપીને સૌથી વધુ બેઠકો અને મત (૭૭ બેઠકો અને ૩૮.૧૩ ટકા મત) પશ્ચિમ બંગાળમાં મળ્યાં છે. તો કોંગ્રેસને સૌથી વધુ બેઠકો અને મત (બેઠકો ૨૯ અને મત ૨૯.૭ ટકા) અસમમાં મળ્યાં છે.  કેરળમાં ૧૧.૩૦ ટકા મતો મેળવવા છતાં એકેય બેઠક નહીં જીતી શકેલી  બીજેપીને તે પછીના ક્રમે સૌથી ઓછી ૪ બેઠકો અને ૨.૬૨ ટકા મત તમિલનાડુમાં મળ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ૨.૯૩ ટકા મત અને શૂન્ય બેઠકો મેળવનાર કોંગ્રેસને તમિલનાડુમાં સૌથી ઓછા ૪.૨૭ ટકા મત(પણ બેઠકો ૧૮) અને પુડુચેરીમાં માત્ર બે જ બેઠકો અને ૧૫.૭૧ ટકા મત મળ્યાં છે.

વિધાનસભા બેઠકોના સંખ્યાબળની રીતે ભાજપ અસમમાં પ્રથમ, બંગાળ અને પુડુચેરીમાં બીજા જ્યારે તમિલનાડુમાં પાંચમા ક્રમનો પક્ષ છે. સંખ્યાબળની દ્રષ્ટ્રિએ કોંગ્રેસ એકેય વિધાનસભામાં પ્રથમ ક્રમે નથી પરંતુ અસમ અને કેરળમાં બીજા તો તમિલનાડુમાં ત્રીજા ક્રમે છે. ભાજપને પાંચેય રાજ્યોમાં સરેરાશ ૧૯.૭૮ ટકા અને કોંગ્રેસને ૧૫.૫૪ ટકા મત મળ્યા છે. ભાજપ અસમમાં સત્તાપક્ષે, પુડુચેરીમાં સત્તાના ભાગીદાર તરીકે અને બંગાળમાં મુખ્ય વિપક્ષ છે. કોંગ્રેસ એકેય રાજ્યમાં સત્તા પક્ષ નથી. પરંતુ તમિલનાડુમાં તે સત્તામાં ભાગીદાર છે, અસમ અને કેરળમાં તે અને પુડુચેરીમાં તેનું ગઠબંધન મુખ્ય વિપક્ષ છે.

પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની આ સઘળી વિગતો દર્શાવે છે કે કોંગ્રેસનું  દેશના મુખ્ય વિપક્ષ અને બીજેપી પછીના ક્રમના પક્ષ તરીકેનું સ્થાન અકબંધ છે સંસદના બંને ગ્રુહોમાં અને ઘણાં રાજ્યોની વિધાનસભાઓમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે. પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં તે સત્તામાં છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તે ગઠબંધન સરકારોનો હિસ્સો છે. કોંગ્રેસ ચૂંટણી હારી છે, સત્તા ગુમાવી છે પરંતુ તેનો પૂર્ણ ક્ષય થઈ ગયો નથી. તેથી બીજેપીનું કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન હજુ ફળીભૂત થાય તેમ નથી.

કોંગ્રેસમુક્ત ભારત ઈચ્છતા વડાપ્રધાન ખરેખર તો વિપક્ષમુક્ત અર્થાત આપખુદ સત્તામાં માને છે એવી ટીકાઓ થઈ હતી. વડાપ્રધાને રાજકીય રીતે વિપક્ષને સમાપ્ત કરવાનો તેમનો કહેવાનો મતલબ નથી.એવી સ્પષ્ટતા કરી હતી. તેઓએ કોંગ્રેસમુક્ત એટલે કોંગ્રેસ કલ્ચર મુક્ત દેશ એમ કહ્યું હોવાનો બચાવ કર્યો હતો. વડાપ્રધાનના મતે કોંગ્રેસ કલ્ચર એટલે પરિવારવાદ કે વંશવાદ, સત્તાનું કેન્દ્રીકરણ, જાતિવાદ, ભ્રષ્ટાચાર, શોષણ છે. ખુદ કોંગ્રેસે પણ આ કલ્ચરથી મુક્ત થવાની જરૂર છે એમ પણ તેમણે કહ્યું હતું. વડાપ્રધાન કોંગ્રેસ કલ્ચર તરીકે કોંગ્રેસની જે ખામીઓ ગણાવે છે તે ભાજપસહિતના પક્ષોમાં શું ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતી નથી? . શું આ બધી ખામીઓ પર કોંગ્રેસનો જ ઈજારો છે ? એટલે વડાપ્રધાનનો આ તર્ક ગળે ઉતરે એવો નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રીમો મોહન ભાગવત કોંગ્રેસમુક્ત ભારત જેવા શબ્દને રાજકીય મુહાવરો ગણાવી તે સંઘની ભાષા ન હોઈ સંઘ તેના સાથે સંમત નથી તેમ જણાવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો મત છે કે તેઓ  બીજેપીની વિચારધારા સામે અમે લડશે પણ તેને રાજકીય રીતે ખતમ કરી દેવાની વાત ક્યારેય નહીં કરે. કેમ કે  તે સમાજના એક વર્ગની અભિવ્યક્તિ છે અને લોકતંત્રમાં તેને પણ તેની અભિવ્યક્તિનો અધિકાર છે.

ગાંધીજી કોંગ્રેસમુક્ત ભારત ઈચ્છતા હતા તેવી દલીલમાં પણ અર્ધસત્ય છે. હા, એ સાચું કે હત્યાના માત્ર ત્રણ દિવસ પહેલાં, ૨૭ મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ,  ગાંધીજીએ એક નોંધમાં લખ્યું હતું કે, “પોતાના હાલના બદલાયેલા સ્વરૂપમાં કોંગ્રેસે  તેની ભૂમિકા પૂર્ણ કરી દીધી છે.એટલે તેનું વિસર્જન કરી તેને એક લોક સેવક સંઘમાં રૂપાંતરિત કરી દેવી જોઈએ. “ ગાંધીજી અને કોંગ્રેસના નેતાઓ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં કોંગ્રેસની બદલાયેલી ભૂમિકા અને તેના પુનર્ગઠન વિશે જે વિચારતા હતા તેનો પ્રતિઘોષ ગાંધીજીની આ નોંધમાં છે.તેને અંતિમ ઈચ્છા કે વસિયતનામારૂપે ખપાવીને દેશને વિપક્ષ મુક્ત કરવા માંગતા બળોએ ગાંધીજીની આ વાત વિસારે પાડવા જેવી નથી: “ કોંગ્રેસ દેશનું સૌથી જૂનું રાજકીય સંગઠન છે.તેણે ઘણાં અહિંસક આંદોલનો દ્વારા આઝાદી મેળવી છે. તેને ખતમ કરવાની મંજૂરી આપી શકાય નહીં.તે માત્રને માત્ર રાષ્ટ્રની સાથે જ ખતમ થશે. “ પાંચ રાજ્યોના પરિણામો કોંગ્રેસમુક્ત ભારતનો સંકેત આપતા નથી ત્યારે ગાંધીજીના નામે કોંગ્રેસમુક્ત ભારત ઈચ્છતા લોકો કમ સે કમ “કોંગ્રેસ રાષ્ટ્રની સાથે જ ખતમ થશે”  એવી ગાંધીજીની વાત કાળજે ધરે તો ય ઘણું .


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “નિસબત – પાંચ રાજ્યોના પરિણામ : કોંગ્રેસમુક્ત ભારતના સંકેત ?

  1. In this days BJP there are many legislators are not of origin bjp but are from different part including congress tmc etc thus there might be about 40% or may be more from other party are now in bjp this fact needs to be seen .

Leave a Reply

Your email address will not be published.