જ્વલંત નાયક
છેલ્લા મહિનામાં બે બાબતો ચર્ચામાં રહી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇઝરાયેલ-પેલેસ્ટાઇન લશ્કરી અથડામણ અને સ્થાનિક કક્ષાએ (ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે) તાઉ તે જેવું વિચિત્ર નામ ધરાવતું વાવાઝોડું. આ લખાય છે ત્યાં સુધીમાં ધુંધવાયેલો યુદ્ધવિરામ જાહેર થયો છે. પણ હા, વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે, એ સમાચાર રાહતદાયક ખરા. યુદ્ધ અને વાવાઝોડાની આ બન્ને ઘટનાઓ વચ્ચે એક સામ્ય છે. આ બન્ને ઘટનાઓનો દૌર પસાર થઇ જાય ત્યાર પછી જ એણે દુર્ઘટનાએ વેરેલા નુકસાનનો સાચો અંદાજ આવે છે! ગુજરાતમાં પણ વાવાઝોડું પસાર થઇ ગયા બાદ તારાજીના આંકડા બહાર આવી રહ્યા છે. જો કે યુદ્ધની સાચી ખુવારીના આકલનમાં તો ક્યારેક વર્ષો વહ્યા જાય છે, અને તો ય સાચો આંકડો મેળવી નથી શકાતો!
આશય ખુવારી થતી હોવા છતાં કાળા માથાના માનવીને કદી યુધ્ધો વિના ચાલ્યું નથી. આધુનિક માનવ ઇતિહાસમાં બહુ થોડા વર્ષો એવા ગયા છે, જેમાં પૃથ્વીના ગોળા પર ક્યાંકને ક્યાંક લોહી ન રેડાયું હોય! મૂળ આપણી જાત જ લઢકણી છે. વીસમી સદીમાં માનવજાતે બે વખત મહાયુદ્ધની વિભીષિકા વેઠી, જેને આપણે અનુક્રમે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ તરીકે ઓળખીએ છીએ. આજે જે વિચિત્ર બીમારીની વાત કરવાની છે, એ પ્રથમ વિશ્વયુદ્ધની દેણ છે. આ બીમારી વિષે સંશોધન-ઈલાજ કરનાર ફરિશ્તા તરીકે ડૉ આર્થર હર્સ્ટ અને ડૉ ચાર્લ્સ માયરનું નામ આજેય માનપૂર્વક લેવાય છે.
સૌથી પહેલા પેલી વિચિત્ર બીમારી વિષે જાણીએ, જેણે અનેક સૈનિકોની જિંદગી દોજખ સમાન બનાવી મૂકેલી!
બ્રિટીશ સૈનિકોની વિચિત્ર વર્તણૂક
રેકોર્ડ્સ મુજબ પ્રથમ વિશ્વયુદ્ધ ૨૮ જુલાઈ, ૧૯૧૪ને દિવસે શરુ થયું. અને ચાર વર્ષ કરતા ય વધુ સમય ચાલ્યા બાદ આખરે અગિયાર નવેમ્બર, ૧૯૧૮ના દિવસે ખતમ થયું. પણ યુદ્ધ શરુ થયું એ સાથે જ એક ખાસ પ્રકારની ‘બીમારી’એ દેખા દીધી. ૧૯૧૪-૧૫નો શિયાળો બેસતાની સાથે જ બ્રિટીશ આર્મીમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ પાસે કેટલાક વિચિત્ર પ્રકારના લક્ષણ ધરાવતા દર્દીઓ આવવા માંડ્યા. આ બધા સૈનિકોમાં સામાન્ય લક્ષણો હતા અતિશય થાક, કંપારી, મૂંઝવણ અને રાત્રે આવનારા દુ:સ્વપ્નો ! સ્વાભાવિક છે કે મારા-તમારા જેવા માણસોને યુદ્ધ મોરચે મોકલવામાં આવે તો ત્યાંના વિષમ વાતાવરણમાં અગવડ વેઠીને આપણે થાકી જઈએ, ઠંડીમાં ધ્રુજારી અનુભવાય, જીવ ચૂંથાયા કરે અને ચારે બાજુ મોતનો ખેલ ચાલતો હોય તો સ્વાભાવિક રીતે જ ઊંઘમાં ખરાબ સપના પણ આવે જ! પણ બ્રિટીશ સૈનિકો કંઈ સરેરાશ શહેરી લોકો જેવા પોચકીદાસ નહોતા. તેમ છતાં અનેક સૈનિકોમાં આ તમામ લક્ષણો અતિતીવ્રતા સાથે દેખાવા માંડ્યા. કેટલાક સૈનિકોમાં તો વળી વિચિત્ર પ્રકારની શારીરિક ખોડખાંપણ જેવા લક્ષણો પણ દેખાયા! એક તરફ ભીષણ યુદ્ધ ચાલતું હોય, ત્યાં સૈનિકો આમ ભાંગી પડે એ તો પોસાય જ નહિ ને! આખરે બ્રિટીશ અધિકારીઓએ ચાર્લ્સ એસ. માયર નામના એક સાયકોલોજીસ્ટની નિમણુંક કરી.
ડૉ ચાર્લ્સ માયરે બીમારીનું મૂળ પકડ્યું
ડૉ માયરને ખ્યાલ આવી ગયો કે આ બીમારી પાછળનું કારણ શારીરિક નહિ પણ માનસિક છે. ડોક્ટરે અનેક સૈનિકો સાથે વન ટુ વન ચર્ચા કરી. સૈનિકો પોતાની આ બીમારીને ‘શેલ શોક’ તરીકે ઓળખાવતા હતા. આખો દિવસ બખોલ જેવડી નાની અમથી જગ્યામાં (શેલમાં) છુપાઈને લડતા રહેવાથી શરીરને જે થાક લાગે, એનું નામ કદાચ આ સૈનિકોએ ‘શેલ શોક’ રાખી દીધું હતું. ફ્રાન્સ મોરચે સેવા બજાવી રહેલા ડૉ માયરે નોંધ્યું કે સૈનિકોને થાક, કંપારીની સમસ્યા તો હતી જ… પણ એ સાથે દ્રષ્ટિ અને શ્રવણશક્તિને લગતી સમસ્યાઓ તેમજ માથાના દુખાવા જેવી સમસ્યાઓ પણ હતી. અનેક સૈનિકોની તપાસ બાદ સાયકોલોજીસ્ટ ડૉ માયર એવા તારણ પર પહોંચ્યા કે ‘શેલ શોક’ નામની બીમારી સતત યુદ્ધના માહોલમાં જીવતા સૈનિકોના માનસિક આઘાતનું બાહ્ય સ્વરૂપ છે. યુદ્ધના મેદાનમાં ટકવું એ ખાવાના ખેલ નથી. જાનનું જોખમ સતત માથે તોળાયેલું હોય, દુશ્મનના ધૂંવાધાર ફાયરીંગ-બોમ્બાર્ડિંગ વચ્ચે માતૃભૂમિની રક્ષા કરવાની હોય… એવામાં અચાનક એકાદ હેન્ડ ગ્રેનેડ ફેંકાય અને તમારી લગોલગ લડી રહેલો તમારો ખાસ દોસ્તાર ઓચિંતો હણાઈ જાય, તો લોહીના ખાબોચિયામાં પડેલું એનું વેરણછેરણ શરીર જોઈને તમને એનો માનસિક આઘાત લાગ્યા વિના રહે નહિ! યુદ્ધ સમયે અનેક સૈનિકો સાથે આવી ઘટનાઓ બનતી હોય છે. જો કે તેઓ લડવા માટે ટ્રેઈન થયેલા હોવાથી આ આઘાત પચાવી જાય છે. પણ ક્યારેક જબરદસ્તી દબાવી દેવાયેલો માનસિક આઘાત વિચિત્ર પ્રકારની શારીરિક પરિસ્થિતિરૂપે દેખા દે છે. શેલ શોક આવી જ એક માનસિક બીમારી હતી. ડૉ માયરે એને ‘દબાવી દેવાયેલા માનસિક આઘાતની સ્પષ્ટ શારીરિક અભિવ્યક્તિ’ (Overt Manifestation of Repressed Trauma) તરીકે વર્ણવી છે. શેલ શોકને, અત્યારે આધુનિક મનોવિજ્ઞાન જેને ‘પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર’ – PTSD તરીકે ઓળખે છે, એનું જ એક સ્વરૂપ કહી શકાય.
ડૉ માયરની થિયરીનો જબરદસ્ત વિરોધ અને સ્વીકાર
જ્યારે તમે કોઈ અકસ્માતનો ભોગ બનો અથવા કોઈ નિકટતમ સ્વજનને ઓચિંતા-અકાળે ગુમાવી બેસો, તો તમને એક ખાસ પ્રકારનો માનસિક આઘાત લાગતો હોય છે. તમે થોડા સમયમાં સ્વસ્થ તો થઇ જશો, પરંતુ એ પછી સમયાંતરે તમને દુઃખદ લાગણીઓ કે અજ્ઞાત ભયનો હુમલો આવ્યા કરશે. ૫-૭ મિત્રો સાથે હળવા મૂડમાં પાર્ટી ચાલતી હશે ત્યારે તમને અચાનક છ મહિના પહેલા અકાળે મૃત્યુ પામેલી તમારી કઝિન યાદ આવશે અને ધ્રુસકે ધ્રુસકે રડવાની ઈચ્છા થઇ આવશે. અમુક કિસ્સામાં બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીને પણ લાંબા સમય સુધી ભયનો હુમલો થતો રહે છે. સાયકોલોજીમાં આ પરિસ્થિતિને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. હવે જરા વિચાર કરો, યુદ્ધ લડી રહેલા સૈનિકો રોજ પોતાના સાથીઓને નજર સામે શહીદ થતા જોતા હશે, અનેક સૈનિકો પોતાના હાથ-પગ ગુમાવતા હશે… આવા સમયે શારીરિક રીતે સાજાસમા સૈનિકોને ય સ્વાભાવિક રીતે જ માનસિક આઘાત લાગે! યુદ્ધના મેદાનમાં જુગુપ્સાપ્રેરક અને આઘાતજનક ઘટનાઓની કોઈ નવાઈ નથી હોતી! આવા સમયે માનસિક આઘાતનું લેવલ ખૂબ ઊંચું હોય એ સ્વાભાવિક છે.
અહીં ખાટલે મોટી ખોડ એ વાતની, કે આજના આધુનિક સમયમાં પણ લોકો પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી બાબતને સ્વીકારી શકતા નથી. PTSDને કારણે વારંવાર ડિપ્રેશનમાં સરી પડતા કે લાગણીશીલ અથવા ભયભીત થઇ જનારા લોકોને ‘નાટકિયા’ ગણી લેવામાં આવે છે! તો પછી છેક ઇસ ૧૯૧૪ના સમયગાળામાં તો કેવી પરિસ્થિતિ હશે? બ્રિટીશ લશ્કરના અધિકારીઓ ડૉ ચાર્લ્સ માયરની તાર્કિક વાતને સ્વીકારવા જ તૈયાર નહોતા. એમનું માનવું હતું કે યુદ્ધની ભીષણતા જોઈને ડરી ગયેલા કેટલાક ‘કાયર’ સૈનિકો મેદાન છોડીને ભાગવા માંગે છે, અને એના માટે થઈને તેઓ પોતાની બીમારીનું કારણ આગળ ધરી રહ્યા છે! મોટા ભાગના અધિકારીઓને મતે આવા જવાનોને તબીબી સારવારની નહિ પરંતુ ‘ખાસ પ્રકારની લશ્કરી શિસ્ત સમજાવતી સારવાર’ની જરૂર છે! બીજી તરફ ડૉ માયર માનતા હતા કે શેલ શોકનો ભોગ બનેલ સૈનિકને વ્યક્તિગત સારવાર આપવાની જરૂર પડશે, જે કેટલાક સેશન્સ લાંબી ચાલી શકે છે. યુધ્ધના ઓથાર તળે ખોવાઈ ગયેલી એની વિચારશક્તિ-સામાન્યબુદ્ધિને જાગૃત કરવા માટે આ જરૂરી ગણાય. આ માટે ડૉ માયરે ખાસ પ્રકારના ટ્રીટમેન્ટ યુનિટ્સ (જેમ આપણે ત્યાં હાલમાં કોવીડ સેન્ટર્સ ખોલ્યા છે) શરુ કરવાની માગણી મૂકી. આખરે વધુને વધુ સૈનિકોની લથડતી તબિયતને ધ્યાનમાં રાખીને લશ્કરી અધિકારીઓએ નમતું જોખ્યું અને ડિસેમ્બર, ૧૯૧૬માં ડૉ માયરને ચાર સ્પેશિયાલીસ્ટ યુનિટ્સ શરુ કરવાની પરવાનગી મળી ગઈ. થોડા જ મહિનામાં પરિસ્થિતિ વણસી અને ૧૯૧૭ દરમિયાન તો બ્રિટીશ આર્મીમાં શેલ શોકના કેસનું જાણે ઘોડાપૂર આવ્યું! સૈનિકોના ઈલાજ માટે તાબડતોબ અનેક નવા સેન્ટર્સ ચાલુ કરવા પડ્યા! કમનસીબે ત્યાં સુધી લોકોનો વિરોધ સહન કરીને થાકી ગયેલા ડૉ માયરને આ બધામાંથી રસ ઉડી ગયો, અને એમણે બધું છોડીને ફરી પોતાની ઓરીજીનલ પ્રેક્ટિસ સંભાળવા માટે પાછા ફરી જવાનું યોગ્ય ગણ્યું! આ દરમિયાન કેસીસ વધતા એક સેન્ટર બ્રિટનની દક્ષિણે આવેલા સીલ હેઈન નામના સ્થળે ખોલવામાં આવ્યું.
ડૉ આર્થર ફ્રેડરિક હર્સ્ટની એન્ટ્રી
ડૉ આર્થર ફ્રેડરિક હર્સ્ટ બ્રિટીશ ફિઝીશ્યન હતા. એમના વડપણ હેઠળ ઇસ ૧૯૧૮માં શેલ શોકના પેશન્ટ્સની સારવાર માટે સીલ હેઈન સેન્ટર ખોલવામાં આવ્યું હતું. જો કે આ સમયગાળા સુધીમાં શેલ શોકની બીમારી જીવલેણ બની ચૂકી હતી. શરૂઆતમાં જેમ કોરોનાની ટ્રીટમેન્ટ માટે કોઈ પ્રોટોકોલ નહોતો, એમ જ એ સમયે શેલ શોકના ઇઅલાજ માટે કોઈ ચોક્કસ પ્રોટોકોલ નહોતો. અનેક લોકો માનતા કે આ વિચિત્ર બીમારીનો કોઈ ઈલાજ નથી. કેટલાય પેશન્ટ્સને ખાસ કોઈ ટ્રીટમેન્ટ વગર વોર્ડમાં ત્રણ-ચાર વર્ષ સુધી એડમિટ રખાયા! (આજે તો આવું વિચારી પણ ન શકાય!)
પણ ડૉ આર્થર હર્સ્ટ જુદી માટીનો માણસ હતો. એણે આ રોગ વિષે બરાબર સંશોધન કર્યું. પેશન્ટ્સનો સરખો અભ્યાસ થઇ શકે એ માટે એણે શેલ શોકથી પીડાતા પેશન્ટ્સની વિડીયોગ્રાફી કરવાનું નક્કી કર્યું. પોતાના અભ્યાસને અંત એણે આ બીમારીને ‘વોર ન્યુરોસીસ’ નામ આપ્યું. કારણકે આ બીમારી માટે યુદ્ધ જવાબદાર હતું! યુદ્ધને કારણે સૈનિકોની માનસિકતાને જે નુકસાન પહોંચતું હતું, એના પરિણામે થતી માનસિક બીમારી એટલે વોર ન્યુરોસીસ.
ડૉ હર્સ્ટ અને વોર ન્યુરોસીસ વિષે વધુ વાતો કરીશું ૨૨-૬-૨૦૨૧ના મણકામાં.
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.
1 thought on “ભાત ભાત કે લોગ : શેલ શોક : પ્રથમ વિશ્વયુધ્ધે આપેલી આ વિચિત્ર બીમારી વિષે ભાગ્યે જ કોઈને ખ્યાલ છે!”