આ કુટુંબની સંપત્તિ અને એનો સદુપયોગ હવે તારા હાથમાં છે
નલિન શાહ
મોડી સાંજે વાળુ પતાવ્યા પછી શશી ને સુનિતાએ આવતા ત્રણ દિવસની ગામડાઓની સફરની રૂપરેખા તૈયાર કરી. જીપની સગવડ હોવાથી ત્રણ દિવસમાં સાતથી આઠ ગામડાઓમાં થયેલાં કામોનું નિરીક્ષણ સહેલાઈથી થઈ શકે તેમ હતું. ‘ડિસ્ટ્રીક્ટ કલેક્ટર’ એક મહત્ત્વના અધિકારીને સાથે મોકલવા માંગતા હતા, સુનિતાએ કહ્યું, ‘પણ મારે કોઈ પણ પ્રકારની ઔપચારિકતાની જરૂર નથી, કારણ મારે એક સામાન્ય વ્યક્તિ તરીકે ત્યાંની પ્રજા સાથે એકરૂપ થઈ મળવું છે.’ તોયે એમણે સિપાહી તો મોકલ્યો જ.
શશીને મુંબઈથી એટલે દૂર ગુજરાતમાં પણ સુનિતાનો આટલો પ્રભાવ જોઈ અચરજ થયું.
‘હું પણ તમારી જેમ ગરીબ પરિવારમાં મોટી થઈ છું, સૌરાષ્ટ્રના શહેર ગોંડલમાં.’ સુનિતાએ ભૂતકાળને વાગોળતાં કહ્યું, ‘આઝાદીનું ઝનૂન બધાંના મગજમાં છવાયેલું હતું. હું પણ પ્રભાતફેરીમાં ભાગ લેતી હતી ને નારા લગાવતી હતી. ગરીબીને કારણે સ્કૂલનું શિક્ષણ પૂરું કરી આગળ ના વધી શકી. કુટુંબનાં ભરણપોષણ માટે સરકારી નોકરી લેવી પડી. કારણ કુટુંબમાં હું, મારી મોટી બેન ને મા આ ત્રણને પોષવા પિતાની આવક પૂરતી નહોતી. આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લેવા માટે મારે નોકરી ગુમાવવી પડી, કારાવાસ પણ ભોગવ્યો. મારા સસરાની પહેલીવાર મુલાકાત પણ ત્યાં જ થઈ. એ ગાંધીજીની સાથે સંકળાયેલા હતા ને કારાવાસને સામાન્ય ઘટના ગણી હસતે મોંએ સ્વીકારતા હતા. મારાથી એ ખૂબ જ પ્રભાવિત થયા હતા. મેં ઓગણીસ વર્ષ માંડ પૂરાં કર્યાં હતાં ને એમણે એમના એક માત્ર પુત્ર માટે મારું માગું નાખ્યું, અમારી ગરીબીનું એમને માટે કાંઈ મહત્ત્વ નહોતું. પરણીને ઘરમાં પગ મૂક્યો ને પહેલું કામ મારા સસરાએ ચાવીનો ઝુડો મારા હાથમાં મૂકવાનું કર્યું. ‘આ કુટુંબની સંપત્તિ અને એનો સદુપયોગ હવે તારા હાથમાં છે.’ એમણે કહ્યું. મારા પતિ ધંધામાં કાર્યરત હતા, એમને બીજી કોઈ વાતમાં રસ નહોતો. પણ એટલું એમણે જરૂર કહ્યું કે હું જેટલા પૈસા જ્યાં ચાહું ત્યાં વાપરી શકું છું ને એને માટે હું કોઈને જવાબ આપવા બંધાયેલ નહોતી. એટલું પ્રોત્સાહન એમના તરફથી મારે માટે પૂરતું હતું. સાસુ તો જીવિત નહોતાં એટલે બધી જવાબદારી મારે માથે હતી. સાગર જ્યારે બે વરસનો હતો ત્યારે મારા પતિનું અકાળે મૃત્યુ થયું. દસ વર્ષ બાદ સસરાએ પણ છેલ્લો શ્વાસ લીધો ને મરતાં પહેલાં બધી મિલકત મારા હાથમાં સોંપતા ગયા. એમનો ઉપકાર હું કદી વીસરી નથી. લગ્ન ટાણે એમણે મારા કુટુંબને અમૂલ્ય ભેટ-સોગાદોથી નવાજ્યું ને સીધીને આડકતરી રીતે મારાં મા-બાપને ગરીબીમાંથી ઉગાર્યાં. જે કર્યું તે મારા સુખને ધ્યાનમાં રાખી કર્યું. એમને મારામાં દૃઢ વિશ્વાસ હતો કે એમણે સ્થાપેલા અનાથ આશ્રમો, મહિલાશ્રમો ને શિક્ષણ સંસ્થાઓને હું કદી પૈસાની ખોટ નહીં પડવા દઉં. જેટલો ભરોસો મારા સસરાને મારામાં હતો એટલો જ, કદાચ એથી પણ વધુ ભરોસો મને મારી થનાર વહુમાં છે.’
‘શશી, તને મારી એક જ વિનંતી છે કે હું જે કાંઈ કરું છું ને કરવા ધારું છું એનો અનાદર ના કરતી, અનર્થ ના કરતી. તારા સ્વમાનની ભાવનાની હું કદર કરું છું પણ એ ના ભૂલતી કે હું જે કાંઈ કરું છું એ તારા પરિવારના સુખ માટે ને કેવળ મારા દેવસ્વરૂપ સસરાના આત્માની શાંતિ માટે કરુ છું એમને શ્રદ્ધાંજલી અર્પું છું. રાજુલના સુખના ખ્યાલ મારે માટે સર્વોપરી છે ને એનું સુખ તમારાં બધાંનાં સુખ સાથે સંકળાયેલું છે. બસ, આટલી જ છે મારી આપવીતી, જે મને સમજવા માટે પૂરતી છે.’
સુનિતાને એકાગ્રતાથી સાંભળીને લાગણીના આવેશમાં શશી એને વળગી પડી ને બોલી ‘શશી સુનિતાબેન વગર અધૂરી છે.’
‘બસ બસ હવે, બહુ લાગણીવશ થા મા. વાત એમ છે કે આપણે બંને એકબીજા વગર અધૂરાં છીએ.’ સુનિતાએ એના માથે હાથ પસવારતાં કહ્યું. ‘તમે કહ્યું તમારી એક મોટી બેન હતી એ ક્યાં છે?’ શશીએ પૂછ્યું. સુનિતાએ ઊંચુ જોઈ બે હાથ ઉપર કર્યાં, ‘પ્રભુને ત્યાં.’ વિષાદયુક્ત વદને એટલું બોલી ચુપ થઈ ગઈ. પછી બોલી, ‘એનું વ્યક્તિત્વ મારાથી પણ વધારે સારું હતું પણ કાચી ઉંમરમાં પ્રેમમાં પડવાની ભૂલ એ કરી બેઠી, બહુ લાગણીવશ હતી, બીજું વિશ્વયુદ્ધ થવાની તૈયારીમાં હતું. એ સમય જુદો હતો. મા-બાપ કહે ત્યાં લગ્ન થતાં હતાં, પ્રેમ પછી થતો હતો, ને ન થાય તોયે જિંદગી સુખમાં ગાળતાં હતાં. ત્યારનો પ્રેમ નિભાવવા માટે થતો હતો, આજની જેમ “બે ઘડી મોજ” નહીં. લગ્ન પહેલાં પ્રેમ કરવાની ભૂલ મોંઘી પડી. છોકરો સારો હતો, એ સોળ વરસની હતી ને છોકરો અઢારનો. કુટુંબ પણ પ્રતિષ્ઠિત હતું. ફરક એટલો જ હતો કે એ પૈસાપાત્ર હતો ને અમે અત્યંત ગરીબ. ગામની બહાર તેઓ છૂપી રીતે મળતાં હતાં. કોઈને શંકા સુધ્ધા ના આવી. જ્યારે છોકરાના લગ્નની વાત આવી ત્યારે તેણે ઘટસ્ફોટ કર્યો. મા-બાપનો વિરોધ એણે ના ગણકાર્યો. એ લોકો ઈચ્છતાં હતાં કે એમની કક્ષાનાં કુટુંબની કોઈ કન્યા આવે. નાછૂટકે એ લોકોને નમતુ જોખવું પડ્યું. પણ દહેજની વાતમાં એ અણનમ રહ્યાં. કુટુંબની પ્રતિષ્ઠાનું માપદંડ એ હતું કે કન્યા પિયરમાંથી શું લાવે છે. દસ હજારના દહેજની માગથી મારાં બા-બાપુ થરથરી ગયાં. ત્રીસ રૂપિયાનો પગાર પામતા મારા બાપુ માટે બે દીકરીઓનો ભાર ઉઠાવવો અસહ્ય હતો. છોકરો બાપ પર નિર્ભર હતો એ વિરોધ ના કરી શક્યો. લગ્નની વાત ત્યાં જ અટકી ગઈ. લાગતાં-વળગતાં લોકોમાં થતી ચર્ચા અને બા-બાપુની યાતનાએ મારી એ લાગણીવશ બહેનનાં મનમાં અપરાધની ભાવના પેદા કરી. એણે નદીમાં પડતુ મૂક્યું. ચૌદ વરસની ઉંમરમાં મારા હૃદય પર પડેલો એ કારમો ઘા હજી રુઝાયો નથી. શું પ્રભુનો ન્યાય આવો હોઈ શકે? પ્રારબ્ધની બાબતમાં બે બહેનો વચ્ચે સમતુલન ન જાળવી શક્યા! મને દુનિયાભરનું સુખ આપ્યું ને એને નામોશી ને મોત!’
‘આ જાણીને શશી, કદાચ તું સારી રીતે સમજી શકશે કે હું જે કાંઈ કરું છું એમાં આડંબર કે મોટાઈનું પ્રદર્શન નથી. હું કેવળ મારા અંતરાત્માના અવાજને અનુસરું છું. હું ઇચ્છું છું કે મારી બેનની માફક બીજી કોઈ કોડભરી કન્યાને ગરીબીની યાતના સહન ન કરવી પડે.’
અચાનક થયેલી આ વાતથી વાતાવરણમાં વિષાદ છવાઈ ગયો.
થોડી વાર ચુપકીદી સેવી વાતાવરણમાં છવાયેલી ગમગીની દૂર કરતાં સુનિતા બોલી, ‘શશી, આજના પ્રસંગનો ઉજવણી રૂપે મેં કોઈ અમૂલ્ય ભેટ-સોગાદનો વિચાર કર્યો ત્યારે અપાર મૂંઝવણ અનુભવી. મનમાં થયું કે સુખમય જિંદગી જીવવા માટે એકલો પ્રેમ પૂરતો નથી. પાર્થિવ એટલે કે શારીરિક સુખસગવડ પણ આવશ્યક છે – જેની શક્યતા ઊભી કરવી એ પણ એક પ્રકારની ભેટ-સોગાદ કહેવાય. મારા સસરાએ મારા કુટુંબ માટે જે કાંઈ કરીને એક પ્રથા સ્થાપિત કરી, જેનું હું અનુસરણ કરી રહી છું. તું વિચાર કર કે એમણે એવો વિચાર ના કર્યો હોત તો મા-બાપની ગરીબી સામે આંખ મીંચી લગ્ન પછી જે સુખ-સમૃદ્ધિ મને પ્રાપ્ત થયાં હતાં તે હું ભોગવી શકી હોત? મારો એ વિચાર ત્યારે પ્રબળ થયો જ્યારે એક દિવસ મેં રાજુલના ખબરઅંતર પૂછ્યાં. હોસ્ટેલમાં ફોન કર્યો ત્યારે વાતવાતમાં એણે કોઈ પાર્ટટાઈમ નોકરી કરવાની ઇચ્છા જાહેર કરી. કારણ એટલું જ હતું કે મુંબઈમાં દિવસે દિવસે વધતા જતા ખર્ચા માટે એ તારા પર બોજારૂપ નહોતી બનવા માંગતી. સંપન્ન કુટુંબની સહેલીઓ સાથે હરવાફરવાનો પ્રયત્ન કરવા છતાં હંમેશાં એ ટાળી નહોતી શકતી. એની પ્રતિભા કુંઠિત ના થવા દેવા મેં એને નોકરી કરતાં અટકાવી. મને દુઃખ એ વાતનું થયું કે મેં મારી આર્થિક મદદનો ઇરાદો પણ ના જણાવ્યો, એનું સ્વમાન આડે આવ્યું.’
થોડી વાર મૌન જાળવી સુનિતા બોલી ‘જ્યારે તું રાજુલનાં સુખ માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર છે. તો આ વાસ્તવિકતા પર મનન કર કે લગ્ન બાદ પ્રાપ્ત થનારાં સુખ અને વૈભવની સામગ્રીઓ શું રાજુલ માણી શકશે? દુન્વયી સુખોની બાબતમાં એનું અને તમારા વચ્ચેનું અંતર એને માટે દુઃખદાયક થઈ જશે. એ અંતર નિર્મૂળ ભલે ના થાય પણ તમારો સુખ અને સગવડનો વિચાર એને સંતોષ આપવા માટે પૂરતો છે. આ વાતનો નિર્દેશ મેં તારા બાપુ આગળ ના કર્યો, કારણ કે એમનું સ્વમાન તે કદાચ અર્થનો અનર્થ કરે, એટલે જ મેં તને વિશ્વાસમાં લેવાનું ઠેરવ્યું. હું તારી પાસે એટલી અપેક્ષા જરૂર રાખું છું કે બીજું કાંઈ નહીં તો કેવળ રાજુલનાં સુખ ખાતર મારી ભાવનાને સાચા અર્થમાં સમજી એનો સ્વીકાર કરજે ને બા-બાપુને પણ એમ કરવાની ફરજ પાડજે. હું તારી કૃતજ્ઞ થઈશ.’ એટલું બોલી સુનિતાએ એની હેન્ડબેગમાંથી ત્રણ ચેક શશીના હાથમાં મૂક્યા. આમાંથી અઢી લાખનો એક ચેક તારા માટે છે ને બીજો એ જ રકમનો બા-બાપુ માટે છે. ને એકાવન હજારનો ચેક બેબીના નામે ફીક્સ ડિપોઝિટમાં મૂકી દેજે એના હાયર એજ્યુકેશન માટે. એની બેગ ખોલી નોટોની થપ્પી એની સામે ધરી ‘લગ્નમાં નાના-મોટા કંઈ ખર્ચ આવીને ઊભા રહે, જેની આપણે ગણતરી ના કરી હોય. આ પચાસ હજાર રૂપિયા એના માટે છે. આજના પ્રસંગની આ છેલ્લી વિધિ સમજીને આ સ્વીકારી લે. તારો ઉપકાર માનીશ. રાજુલ આ વાતથી અજાણ છે; જ્યારે જાણશે, ત્યારે કેટલી ખુશ થશે એની કલ્પના તું કરી શકે છે.’