ભગવાન થાવરાણી
મને અંગત રીતે મુશાયરાઓમાં છવાઈ જનારા, પોતાની રચનાઓ ચીસો પાડી-પાડીને રજૂ કરનારા, પોતે જ પોતાની રચનાઓ માટે દાદ માંગનારા અને લોકપ્રિય ભાષામાં કહીએ તો ‘ મુશાયરો લૂંટી લેનારા ‘ શાયરો ઝાઝા પસંદ નથી. કહેવાય છે તો એવું કે એમ કરવાથી નબળી રચના પણ ધારદાર દેખાય છે પણ હું એથી ઊલટું માનું છૂં. ખેર, જેવી જેની મતિ !
‘ વસીમ ‘ બરેલવી મુશાયરાઓના શાયર છે અને આજે એંસીની ઉંમરે પણ પૂરેપૂરા ચુસ્ત – દુરસ્ત છે. એમનો આ શેર ઉગતા શાયરોને ( પણ ) લાગુ પડે :
ઝરા – સા કતરા કહીં આજ અગર ઉભરતા હૈ
સમુંદરોં હી કે લહજે મેં બાત કરતા હૈ ..
આજના પ્રવાહ વિષે એમનો કટાક્ષ જૂઓ :
હર શખ્સ દૌડતા હૈ યહાં ભીડ કી તરફ
ફિર યે ભી ચાહતા હૈ ઉસે રાસ્તા મિલે ..
પરંતુ એમનો એક શેર છે જે વર્ષોથી શેર-વિશ્વ અને મારા ચિત્તતંત્રમાં ઘૂમરાઈ રહ્યો છે :
ગરીબ લહરોં પે પહરે બિઠાએ જાતે હૈં
સમંદરોં કી તલાશી કોઈ નહીં લેતા ..
આપણો દેશ હો કે કોઈ પણ મુલક, પરાપૂર્વથી આમ જ થતું આવે છે. નાની – નાની લહરો, બિચારા નિર્દોષ ‘મોજાંઓ’ પર દરેક પ્રકારનાં નિયંત્રણો અને મોટા મોટા ‘ દરિયા ‘ સાવ બેલગામ ! બન્ને માટેના માપદંડ અલગ, નિયમોનું અર્થઘટન નોખું !
ક્યાંક – ક્યાંક તો દરિયાઓની વિરાટતા આગળ બિચારા ‘મોજાઓ ‘ નું અસ્તિત્વ જ સમૂળગું નકારી કઢાય, જ્યારે હકીકત તો એ કે દરિયાનું વજૂદ જ મોજાઓથી છે !
અજબ તોરી દુનિયા હો મોરે રામા ..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.