નિસબત : આંબેડકરનાં સન્માન, આંબેડકરનાં અવમાન

ચંદુ મહેરિયા

ભારતીય બંધારણના અનન્ય ઘડવૈયા અને દલિત મસીહા ડો.બાબાસાહેબ આંબેડકર વ્યક્તિપૂજાના સખત વિરોધી હતા. ૧૯૪૩માં સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેના ૧૦૧મા જન્મમદિને આપેલ “રાનડે, ગાંધી અને જિન્હા “ વ્યાખ્યાનમાં તેમણે વ્યક્તિ અને વ્યક્તિપૂજા વિંશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પરંતુ આજે ભારતમાં સૌથી વધુ પ્રતિમાઓ ડો.આંબેડકરની જોવા મળે છે. બાબાસાહેબની જન્મજયંતી(૧૪મી એપ્રિલ) અને નિર્વાણ દિન(૬ ઠ્ઠી ડિસેમ્બર)ના રોજ મહાનગરો, નગરો, કસબાઓ અને જાહેર ચોક-પાર્કમાં આવેલી તેમની પ્રતિમા અને અન્ય સ્મ્રુતિસ્થળોએ લાખો દલિતો એકઠા થાય છે. વ્યક્તિપૂજાના વિરોધી ડો.આંબેડકરની આ વ્યક્તિપૂજા છે એમ કહી તેની ટીકા કરનારા એ વાતે મૌન હોય છે કે દેશમાં કેમ સૌથી વધુ પ્રતિમાઓ પણ બાબાસાહેબની જ ખંડિત કરવામાં આવે છે?

ડો. બાબાસાહેબ આંબેડકરને તેમની હયાતીમાં જે માનના તેઓ હકદાર હતા તે પણ આપવામાં આવ્યું નહોતું. સંવિધાન નિર્માણના અદ્વિતીય કાર્ય માટે તેમને ‘આધુનિક મનુ’ તો ગણવામાં આવે છે. પરંતુ સંવિધાન સભામાં તેમના પ્રવેશના તમામ રસ્તા કોંગ્રેસે બંધ કરી દીધા હતા.તે ભુલાવી દેવાય છે. પંડિત નહેરુના વડાપ્રધાન પદ હેઠળના કોંગ્રેસના પ્રધાનમંડળમાં કોંગ્રેસના  આજીવન વિરોધી રહેલા વિપક્ષના નેતા ડો.આંબેડકરને સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે બાબાસાહેબ જેને “વ્રુધ્ધ વકીલો માટેનું કેરમ બોર્ડ” ગણતા તેવા કાયદા ખાતાના પ્રધાન તેમને બનાવાયા હતા. કાયદા મંત્રી તરીકે તેમણે બંધારણના કાર્ય જેટલું અગત્યનું કાર્ય હિંદુ કોડ બિલના ઘડતરનું કર્યું હતું.પરંતુ રૂઢિવાદીઓના વિરોધના કારણે તે બિલ પસાર ન થઈ શક્યું એટલે તેના વિરોધમાં  બાબાસાહેબે પ્રધાનપદેથી રાજીનામુ આપ્યું. એ સમયે કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું તેમ  ભણતર અને અનુભવને યોગ્ય એવા, આયોજન, શ્રમ અને જાહેર બાંધકામ વિભાગના પ્રધાન તો તેમને ન બનાવ્યા.પણ વડાપ્રધાને કદી કોઈ પ્રધાનની ગેરહાજરીમાં તેના ખાતાનો ચાર્જ પણ આપ્યો નહોતો.!

આઝાદી બાદના ત્રણેક દાયકા સુધી દેશમાં કોંગ્રેસનું એક ચક્રી રાજ હતું. એ દરમિયાન કોંગ્રેસના ત્રીજી હરોળના નેતાઓને પણ પદમશ્રી અને બીજા નાગરિક સન્માનો આપવામાં આવ્યા હતા. પરંતુ ડો.આંબેડકરને બાકાત રાખવામાં આવ્યા હતા. ઈન્દિરાઈ કટોકટી પછીની, બીજી આઝાદીની,  પહેલી બિનકોંગ્રેસી સરકારે નહીં પણ બહુજન રાજનીતિ બળવત્તર બની રહ્યાના અણસાર પછી, ૧૯૯૧માં,   ડો.આંબેડકરને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ”ભારતરત્ન “ મરણોત્તર આપવામાં આવ્યું હતું ! . સંસદીય લોકશાહીના બાબાસાહેબ તરફ્દાર હતા.પરંતુ ચૂંટણી જીતીને તેઓ કદી લોકસભાના સભ્ય બની શક્યા નહીં.૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણી મુંબઈમાંથી અને ૧૯૫૪ની પેટાચૂંટણી ભંડારામાંથી તેઓ કોંગ્રેસી ઉમેદવારો સામે હાર્યા હતા. આજે મુંબઈમાં સાડાચારસો ફૂટનું અને આંધ્રપ્રદેશની નવી રાજધાની અમરાવતીમાં સવાસો ફૂટનું આંબેડકરનું પૂતળુ મૂકવાની વાતો હવામાં છે પણ  સ્વાતંત્ર્યના ચાળીસ વરસો બાદ  ૧૯૮૯માં સંસદના સેન્ટ્રલ હોલમાં તેમનું તૈલ ચિત્ર મૂકવામાં આવ્યું હતું.

અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીના પીએચ.ડી ડો. આંબેડકરને,  કોલંબિયા યુનિવર્સિંટીએ, ૨૦૦૪માં તેની સ્થાપનાના બસોમાં વરસની સ્મ્રુતિમાં , તેના સર્વશ્રેષ્ઠ સો વિધાર્થીઓની યાદી, “કોલંબિયન અહેડસ ઓફ ધેર ટાઈમ્સ” માં પ્રથમ સ્થાન આપી બહુમાન કર્યું હતું. તેમને આધુનિક ભારતના નિર્માતા તરીકે બિરદાવ્યા હતા.પરંતુ હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટી સિવાય દેશની એકપણ યુનિવર્સિટીએ બાબાસાહેબને પીએચ ડીનું માનદ સન્માન આપ્યું નથી ! .મહારાષ્ટ્રના  શૈક્ષણિક પછાત મરાઠાવાડા વિસ્તારમાં બાબાસાહેબે જ  સૌ પ્રથમ વખત ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ સ્થાપી શિક્ષણની જ્યોત પ્રજવલિત કરી હતી પરંતુ મરાઠાવાડાની શિક્ષણ શલ્યા જેમના સ્પર્શે અહલ્યા થઈ હતી તે આંબેડકરનું નામ ઔરંગાબાદની મરાઠાવાડા યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું ત્યારે તેના વિરોધમાં આખા રાજ્યમાં હિંસક રમખાણો થયા હતા. લાંબાસમયની સમજાવટ પછી મરાઠાવાડા વિશ્વ વિધ્યાલયનો નામપલટો થઈ શક્યો હતો.આજે ભારતની ડઝનેક યુનિવર્સિટીઓ સાથે બાબાસાહેબનું નામ જોડી શકાયું છે.તે સન્માન આશ્વસ્ત કરે છે.

ડો. બાબાસાહેબ આંબેડકરની ઉપેક્ષા અને અવમાનનાં ભારતના સર્વ ક્ષેત્રોમાં થતી હતી. ગાંધીજીના જીવનમાંથી,  ખાસ તો તેમના અસ્પ્રુશ્યોના પ્રશ્ને આલોચક રહેલા,  આંબેડકરની  બાદબાકી થઈ શકે નહીં પરંતુ ગાંધીજીના જીવનને આલેખતી રિચર્ડ એટનબરોની બોલીવુડ ફિલ્મ ‘ગાંધી’ માં આંબેડકરનો ઉલ્લેખ સુધ્ધાં નથી. ૨૦૦૦ના વરસની જબ્બાર પટેલની આંબેડકર વિશેની ફિલ્મ સહિત આજે તો મરાઠી, તમિલ , કન્નડ અને હિંદી ભાષામાં આંબેડકર વિષયક ફિલ્મો અને  ટી.વી. ધારાવાહિકો બની છે. પરંતુ દલિત કેન્દ્રી હિંદી ફિલ્મોની પ્રુષ્ઠભૂમાં પણ આંબેડકરની છબી ન દેખાડવા જેટલી તેમના  પ્રત્યેની આભડછેટ બોલીવુડે વરસો સુધી પાળી હતી. હિંદી ફિલ્મોના અભ્યાસીઓના મત મુજબ શાયદ પહેલીવાર ૧૯૮૫માં જે.ઓમ પ્રકાશ દિગ્દર્શિત હિંદી ફિલ્મ ‘આખિર ક્યોં?”ના બ્રેકગ્રાઉન્ડમાં આંબેડકરની તસવીર  દેખાઈ હતી.

દલિત રાજનીતિના જનક બાબાસાહેબ આંબેડકરના ભૌતિક વારસાની ઝૂંટાઝૂંટ હવે કેન્દ્ર અને રાજ્યોની સરકારો દલિત વોટ બેન્કને રાજી રાખવા  કરી રહી છે. ૨૦૦૩માં મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારે  ઈન્દોર જિલ્લાના  આંબેડકર જન્મ સ્થળ મહુ( મિલિટરી હેડ ક્વાર્ટસ ઓફ વોર)નું નામ બદલીને  આંબેડકરનગર કર્યું હતું. તો હાલની કેન્દ્રની ભાજપા સરકારે તેના તાબામાં આવતા મહુના રેલવે સ્ટેશનનું નામ આંબેડકરનગર કરી દીધું છે.રામનામને વરેલી ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાજ્યના તમામ સરકારી રેકર્ડ અને શાળાના પાઠયપુસ્તકોમાં બાબાસાહેબનું નામ ‘ભીમરાવ રામજી આંબેડકર” જ લખવાનો આદેશ કર્યો છે. છત્તીસગઢની હાલની કોંગ્રેસ સરકારે અગાઉની બીજેપી સરકારની  પંડિત દિનદયાલ સર્વસમાજ માંગલિક ભવન યોજનાના નામમાંથી દિનદયાલનું નામ કાઢીને આંબેડકરનું નામ જોડી દીધું છે.

ગુજરાત સરકારે  સમાજ કલ્યાણ ખાતાની સઘળી સરકારી યોજનાઓ  સાથે માત્ર બાબાસાહેબનું જ નહીં તેમના આખા કુંટુબના સભ્યોના નામો જોડી દીધા છે. પરંતુ જે આંબેડકરના ત્રિમંત્રમાં પહેલું સ્થાન  શિક્ષણનું છે, તેમનું નામ રાજ્યની રાજધાની ગાંધીનગરની એકેય સરકારી શાળા સાથે ન જોડવાની કાળજી લીધી છે. ગુજરાતની બીજેપી સરકારના મહિલા શિક્ષણ મંત્રીએ રાજ્યના પાટનગર ગાંધીનગરની સરકારી શાળાના નવા નામકરણ કર્યા ત્યારે પાટનગર સાથે ગાંધીજીનું અને સચિવાલય સાથે સરદાર પટેલનું નામ જોડાયેલું હોવા છતાં તેમના નામ સરકારી શાળાઓ સાથે જોડ્યા.છે.  અરે ગાંધીનગરમાં રાણા પ્રતાપના નામની સરકારી શાળા છે પણ આંબેડકરના નામની નથી ! મહિલા શિક્ષણ મંત્રીના અનુગામી દલિત શિક્ષણ મંત્રી પણ તેમાં કોઈ સુધારો કરી શક્યા નહીં. ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટી છે પણ સામાજિક ન્યાય યુનિવર્સિટી નથી !

ગાંધીનગરના જાહેર માર્ગો સાથે ઈન્દિરા ગાંધી અને વિવેકાનંદનું નામ છે (કોંગ્રેસ-ભાજપનું સહિયારું ! ) પણ આંબેડકરના નામનો જાહેર નહીં આંતરિક માર્ગ પણ નથી. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે તા. ૨૧-૧૦-૧૯૯૨ના ઠરાવથી સરકારી કચેરીઓ, મકાનો, શાળાઓ કે પોલીસથાણામાં ક્યા રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવી તેનો હુકમ કરતી યાદી નક્કી કરી હતી. તેમાં ગાંધીજી,  જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના નામો છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તારૂઢ થઈ ત્યારે . ૨૮-૦૬-૧૯૯૬ના ઠરાવથી  ત્રણ રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં બીજેપીની રાજકીય વિચારધારાને અનુરૂપ ભારત માતા, પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નામો ઉમેર્યા હતા. પરંતુ રાષ્ટ્રીય નેતાઓની આ યાદીમાં ડો.આંબેડકરનું નામ ઉમેરવાની દલિતોની માંગણી સરકારે લેખિતમાં નકારી છે.દલિત કર્મશીલ કિરીટ રાઠોડ જોગના સામાન્ય વહીવટ વિભાગના  તા. ૨૧-૦૧-૨૦૨૧ના પત્રમાં જણાવ્યું છે કે ,” સરકારશ્રી દ્વારા સક્રિય વિચારણાના અંતે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબીઓ પ્રદર્શિત કરવા અંગેની પ્રવર્તમાન સુચનાઓ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હોઈ આપની રજૂઆત(ડો.આંબેડકરને રાષ્ટ્રીય નેતા ગણવા) ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.”

ડો.આંબેડકર એટલે માત્ર પૂતળાં, સ્મારકો, છબીઓ, જય ભીમના નારા અને નવા જમાનાની ભીમ એપ નહીં. પરંતુ આંબેડકર એટલે સમાનતા અને ભાઈચારાની વિચારધારા. . આભડછેટનું જ નહીં જ્ઞાતિનું નિર્મૂલન, ભૂમિસુધાર, જાહેર સેવાઓનું રાષ્ટ્રીયકરણ, સાર્વજનિક, મફત,  ગુણવતાયુક્ત શિક્ષણ અને આરોગ્ય, આત્મસન્માન સાથેનું જીવન એ આંબેડકર વિચારના થોડા પ્રાણતત્વો ગણાવી શકાય. પરંતુ રાજકીય પક્ષો જ નહીં બહુમતી દલિતો પણ તેમના આ વૈચારિક વારસાના લેવાલ નથી. બાબાસાહેબના આસાન ભૌતિક વારસાની લૂંટાલૂંટ અને તેમના તેજસ્વી પણ અમલમાં અઘરા વિચારવારસાથી દૂર રહેવાનું વલણ  તે ખરું ભીમરુદન છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

2 thoughts on “નિસબત : આંબેડકરનાં સન્માન, આંબેડકરનાં અવમાન

  1. વિરેચન પૂર્ણ લેખ ના અંતે એટલું જ કહેવાનું કે તમારી ઈચ્છા હોય કે હજી નેતા ના નામે બીજેપી આભડછેટ રાખે છે તો PIL કરી ને વધુ ની માંગણી કરવી જોઈએ.સરકાર પક્ષપાતી છે કે નથી એ છોડીને.વડોદરા માં આંબેડકર ની છબી ના માથેથી પગ મૂકી ને બધા જાય છે એ વિરોધ કરો અને રેસકોર્ષ સર્કલ પર નું સ્ટેચ્યુ ખસેડવા કહો.ઉપર ફ્લાય ઓવરબન્યો છે.મને તો ખૂંચે છે! અને બ્રિજ માં પણ નીચે હતું ત્યાં ઉપર મૂકવા આંદોલનન નો માર્ગ પકડો.ભારતમાં બધા બેવકૂફ નેતાઓની ટોળી છે.બધા.A.D૧૯૪૭ અને ૧૯૪૭.BCદેશ ને બરબાદ કરનાર.

  2. Dr. Ambedkarism description of MG’s Quit India was a complete failure lbs not mentioned. All his important contributions in forming the constitution should have been enumerated. Finally, there is free website called lexicographer : through it, comments can be made in Gargi Gujarati. A list of his books and availability should be enlisted.

Leave a Reply

Your email address will not be published.