પુસ્તક પરિચય : ટ્રેનમાં ગાંધીજી: ગાંધીજીના રેલ્વે મુસાફરીના પ્રસંગોનું આલેખન

પરેશ પ્રજાપતિ

ગાંધીજીએ લખેલા અને તેમના વિશે લખાયેલાં અઢળક લખાણો પ્રાપ્ય છે. ગાંધીજી વિશે થોડુંઘણું પણ જાણતી વ્યક્તિઓ એક વાત સારી પેઠે જાણે છે કે તેમણે જીવનનો સૌથી વધુ સમય ટ્રેનની મુસાફરીમાં ગાળ્યો છે. દક્ષિણ આફ્રિકાની એક ટ્રેનની મુસાફરી વખતે ગાંધીજી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં ટ્રેનમાંથી ઉતારી મૂકવામાં આવ્યા હતા. તેમણે રંગભેદના અપમાનનો કડવો ઘૂંટ પીવો પડ્યો. આ ઘટનાએ ગાંધીજીના જીવનને એક નવો વળાંક આપ્યો. એમ કહી શકાય કે તેમની મહાત્મા બનવા તરફની સફર શરૂ થઈ.

ત્યારથી લઈને તેમના મૃત્યુ બાદ અસ્થિકુંભ ટ્રેન મારફતે વિસર્જન કરવા લઈ જવાયો તે દરમ્યાન ગાંધીજીએ જીવનનો મોટો ભાગ પ્રવાસોમાં, અને તેમાંય ખાસ રેલ્વે પ્રવાસોમાં ગાળ્યો છે. આથી ગાંધીજીના જીવનના વિવિધ તબક્કે ટ્રેન સફર અવિભાજ્ય અંગ બની રહી હતી. આ સંબંધ મનમાં ઉપસી આવતાં આ વિષય પર અલગ પુસ્તકનો તૈયાર કરવાનો વિચાર જન્મ્યો, તેનું પરિણામ એટલે કિશોર વ્યાસ દ્વારા સંપાદિત પુસ્તક ‘ટ્રેનમાં ગાંધીજી’.

આઝાદીની ચળવળ દરમ્યાન ગાંધીજી ખાસ કરીને ત્રીજા વર્ગની મુસાફરી પસંદ કરતા હોવાથી બહોળો લોકસંપર્ક થવો સ્વાભાવિક હતો. તેથી રેલ્વે મુસાફરી દરમ્યાન ગાંધીજીને અનેક અવનવા અનુભવો તેમજ ભારતીય જનમાનસ પારખવાની ઘણી તકો મળી. કેટલાક નાના પ્રસંગો ગાંધીજી વિશેનાં વાંચનમાં ચૂકી જવાયા હોય, વાંચ્યા હોય તો મનમાં પૂરતા નોંધાયા ન હોય એવું પણ બને. ગાંધીજીની લાક્ષણિકતાના કેટલાય બનાવો પુસ્તકમાં વાંચવા મળી આવે અને મન તેની ખાસ નોંધ લે તે બનવા જોગ છે.

વિપુલ પ્રમાણમાં રેલ્વે પ્રવાસો કરતા હોવાથી ગાંધીજીનું કૌટુંબિક પાસું દર્શાવતી ઘટનાઓ પણ તેની સાથે જોડાયેલી છે. જેમ કે, ગંભીર બિમારીના સમયે પણ કસ્તૂરબા માંસાહાર બાબતે અડગ રહેતાં તેમને ફીનીક્સ લઈ જવાનું નક્કી થયું. ડરબનનું રેલ્વે પ્લેટફોર્મ ઘણું લાંબુ હતું અને કસ્તુરબા ચાલવા અસમર્થ! ત્યારે ગાંધીજી રેલ્વે સ્ટેશન પર કસ્તુરબાને ઉંચકીને ડબા સુધી લઈ ગયા હતા.

મુંબઈ જતા પુત્ર હરિલાલ ગાંધીને અલપ-ઝલપ મળવા નડિયાદ રેલ્વે સ્ટેશને ધક્કો ખાતા ગાંધીમાં એક સામાન્ય પિતાનો પુત્રપ્રેમ દેખાય છે. આવી જ એક ઘટનામાં સ્ટેશનની ભીડ ચીરીને કસ્તૂરબાને એક મોસંબી આપવા આવતા હરિલાલના માતૃપ્રેમનું સાક્ષી પણ રેલ્વે સ્ટેશન રહ્યું. પૌત્ર રસિકના મૃત્યુના સમાચાર ગાંધીજીને આવી જ એક સફર દરમ્યાન મળ્યા હતા!

સહુ જાણે છે તેમ ગાંધીજી પોતાના પર આવેલા પત્રોના જવાબ અવશ્ય આપતા. તેમાંના ઘણા જવાબો લાંબા અંતરની ટ્રેન મુસાફરી દરમ્યાન લખાયેલા હશે. કયો જવાબી પત્ર ટ્રેનમાં લખાયો હશે? એવો પ્રશ્ન થાય તો સીસાપેનથી લખાયેલો કાગળ ટ્રેનમાંથી લખાયો હોય એવું સામાન્ય જ્ઞાન આ પુસ્તક વાંચતા સાહજિક મળી રહે છે. કોઈ મોટું પુસ્તક વાંચતા મનમાં ના નોંધાય એવી નાની બાબત પણ આ પુસ્તક વાંચતાં મનમાં નોંધાયા વિના રહેતી નથી.

ગાંધીજીની લોકપ્રિયતા સ્ટેશન માસ્તર માટે કેવી વિટંબણા સર્જતી હશે? આવો પ્રશ્ન આ પુસ્તક વાંચતા આવી શકે, જે અન્યથા ન પણ આવે. ટ્રેનના ડબા પર લાઉડસ્પીકર લગાવવાની ઘટના (જો કે લાઉડસ્પીકરે દગો આપ્યો એ અલગ વાત છે.), ભીડ નાથવા ડબામાં ઉપરથી હોઝ પાઈપ વડે પાણી છાંટવાના નૂસખા આ પુસ્તકમાં ઉલ્લેખાયા છે. તો એક સમયે રેલ્વે સ્ટેશને ઉભરેલી ભીડથી બચવા ગાંધીજીને કાંકરિયા યાર્ડમાં ઉતારી દઈને ‘પાછલા બારણેથી’ આશ્રમ પહોંચાડી દેવાયાનો કિસ્સો પણ છે. ગાંધીજીને આમ કરવું જનતા સાથે અન્યાયપૂર્ણ લાગતાં ‘મને ક્ષમા કરજો’ શીર્ષક હેઠળ નવજીવનમાં લેખ લખ્યો હતો.

આઝાદીનું આંદોલનની લોકો પર કેવીક અસર છે તે ગાંધીજીને મળવા આવતી ભીડ પરથી પારખી લેતા. એક પ્રસંગે એકઠી થતી ભીડમાં માથે કાળી ટોપીઓ જોઈ. એ જોઈને ગાંધીજીએ ભીડને જણાવ્યું કે હજી માથે ખાદી નથી તો સ્વતંત્રતા ક્યાંથી આવે? ગંદકી પ્રત્યે સજાગતાના અનેક કિસ્સા રેલ્વે મુસાફરી સાથે સંકળાયેલા છે.

ખિસ્સાકાતરુઓ માટે રેલ્વે સ્ટેશન સ્વર્ગ સમાન ગણાય. જીવનનો મોટો સમય રેલ્વેના ત્રીજા વર્ગની મુસાફરીમાં પસાર કરનાર ગાંધીજીને સૂરત તેમજ કાનપુર સ્ટેશને આવો અનુભવ થઈ ચૂક્યો હતો. ગાંધીજી જેવા મોટા ગજાના નેતાને પણ જીવનના કોઈ એક તબક્કે સામાન્ય માણસ જેવા અનુભવો કે હાલાકી ભોગવવી પડી તેવું સમજાય છે.

આ પુસ્તકમાં ગાંધીજીના રેલ્વે પ્રવાસોને લઈને કેટલીક રમૂજી ઘટનાઓ પણ નોંધાઈ છે. જેમ કે, ગાંધીજીને લઈને જતી ટ્રેન એક વખત મોડી પડેલી. ત્યારે શક્ય તેટલા વહેલા ગાંધીજીને પૂના પહોંચાડવાની ખેવનામાં ડ્રાઈવર દાદર સ્ટેશને ગાડી થોભાવવાનું ભૂલી ગયા હતા! તો અન્ય એક ઘટનામાં ડ્રાઈવરે સખત બ્રેક લગાવતાં ગાંધીજી ટ્રેનમાં પાટિયા પરથી ગબડી પડ્યા હતા!

પુસ્તકમાં માત્ર ઉલ્લેખ કરતી આ ઘટનાઓ વાંચ્યા પરથી એટલું સમજાય છે કે ગાંધીજી જેવા મોટા ગજાના અને અત્યંત લોકપ્રિય નેતા આખરે તો એક માનવ છે – મારા, તમારા, આપણા જેવા. પુસ્તક વાંચતાં વાંચતાં ખરી મજા એ ખાંખાખોળામાં છે કે કઈ બાબતોએ તેમને લોકપ્રિય નેતા બનાવ્યા અને લોકોએ રાષ્ટ્રપિતા તરીકે નવાજ્યા!

પુસ્તકની મૂલ્યવૃદ્ધિ કરતા સંદર્ભ ગ્રંથો- લેખોનો ઉલ્લેખ અંતમાં કર્યો છે.

□ □ □ □ □

પુસ્તક અંગેની માહિતી:

પુસ્તકનું નામ : ટ્રેનમાં ગાંધીજી
લેખન- સંપાદન: કિશોર વ્યાસ
પૃષ્ઠસંખ્યા: 102; કિંમત : 100/-
પહેલી આવૃત્તિ, 2020
પ્રકાશક: માણેકલાલ મ. ગાંધી આર્ટ્સ- કોમર્સ કૉલેજ, કાલોલ (પંચમહાલ)


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

2 thoughts on “પુસ્તક પરિચય : ટ્રેનમાં ગાંધીજી: ગાંધીજીના રેલ્વે મુસાફરીના પ્રસંગોનું આલેખન

  1. સુંદર પરિચય.
    ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ આ પુસ્તક વાંચવાની કેવી મજા પડે!
    શક્ય હોય તો આ પુસ્તક રેલવે સ્ટેશનના પુસ્તક-ભંડાર પર ઉપલબ્ધ થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.