શ્વાસમાં વાગે શંખ : આપઓળખની આનંદયાત્રા

દર્શના ધોળકિયા

અમે રે પંથીડાં આતમદેશનાં

આવી ચડ્યાં અવનિને પાળ;
અમે રે પંથીડાં આતમદેશનાં.

જાશું જેમ જ ભડકાની રાળ;
અમે રે પંથીડાં આતમદેશનાં

ઝાંખી જ્યોતુંના અમે જીવડા;
ઊડું ઊડું થાંઈ સાંજ સવાર,
ખરી પડશું ઘડી પલની  વાર;
અમે રે પંથીડાં આતમદેશનાં.

અમારી વાટ્યુંમાં વા વટોળિયા;
તનડુંતો થઈ જાશે રાખ,
અમને ના થડકો ને થાક;
અમે રે પંથીડાં આતમદેશનાં.

આ તો મેળો તે થાવાકાળનો;
થયો એવો થાશે બીજી વાર,
એનો ન મળે કોલ કે કરાર;
અમે રે પંથીડાં આતમદેશનાં.

છેલા છેલેરા રામ રામ છે;
બોલ્યું ચાલ્યું કરજો ઈ માફ
અમારું તો મન સાચું સાફ;
અમે રે પંથીડાં આતમદેશનાં.

 દેશળજી પરમાર

 

ઈ.સ. ૧૮૯૪માં સોરથના સરદારગઢમાં કવિનો જન્મ. ગોંડલ તાલુકાના ગણોદના વતની. લોધિકામાં પ્રાથમિક શિક્ષણ. ‘વીસમી સદી’ સામયિકમાં કાર્યરત રહ્યા. અમદાવદના ‘વનિતાવિશ્રામ’માં શિક્ષક તરીકે કામગીરી કરી, ગોંડલમાં રેવન્યૂ ખાતામાંય ફરજ બજાવી. ભાયાવદર નગરપાલિકાનું પ્રમુખપદ સંભાળ્યું. ‘ગોરીનાં ગીતો’, ‘ગલગોટા’, ‘ટહૌકા’ અને ‘ઉત્તરાયન’ તેમના કાવ્યસંગ્રહો જેમાં ગીતો, બાળકાવ્યો, સૉનેટો, મુક્તકો ગ્રંથસ્થ  થયાં છે. ‘કુમાર’માં કાર્યરત રહીને તેમણે અન્ય સામયિકોમાં પણ લેખન કર્યું છે.

પ્રસ્તુત કાવ્ય એક આગંતુક યાત્રીનું ગીત છે. આ પૃથ્વીપટ પર અનેક ચહેરાઓનો મેળો સતત ભરાતો-ઊભરાતો રહે છે ને આ પૃથ્વીનો જાદુ એ છે કે અહીં આવનાર દરેક વ્યક્તિ પોતાને આ જગાનો કાયમી નિવાસી માની બેસે છે ભાગ્યે જ કોઈમે પોતાના મૂળ પ્રદેશની ઓળખ યાદ રહે છે. સદભાગ્યે, આ કવિને તેની જાણ થઈ ગઈ છે ને તેઓ ગાઈ ઊઠ્યા છે :

અમે રે પંથીડાં આતમદેશનાં

પોતે પૃથ્વી પર આવી ચડ્યા એ એક અકસ્માત, પણ પૃથ્વી એમનું મૂળ વતન નથી, ને આથી અહીં રહી પડવાની ભ્રમણામાં એ ફસાતા નથી. એમને એ બરબરની સરત છે કે જેમ એ આવી ચડ્યા છે તેમ જ એ નીકળી પણ જવાના છે. કેવી રીતે ?

જાશું જેમ જ ભડકાની રાળ ;

અગ્નિના ભડકાની વરાળ જેમ એ ઓચિંતા જ આ મેળામાંથી અદ્રશ્ય થઈ જવાના, અહીં છીએ ત્યાં સુધી વા ભલા. ત્યાં સુધી બધી ભૂમિકા ભજવી લેશું. એનીય ના નથી. પણ એ ભજવતાં-ભજવતાં એમાં ખોવાઈ જાય, લેપાઈ જાય એ બીજા. કવિનો રથ પણ ઊંચકાઈ ગયો છે. એમના પગ પૃથ્વી પર ટકેલા કે ચોંટેલા નથી, આથી જ જે ઓળખી શકે એવા જણ છે એને પોતાની ઓળખ આપતાં કવિ કહી દે છે :

ઝાંખી જ્યોતુંનાં અમે જીવડાં
ઊંડુ ઊંડુ થાંઈ સાંજ સવાર્;

અમારો જીવ તો દિવસ-રાત અંદરની ઝળહળતી જ્યોતમાં એની આજુબાજુ રમણ કરવું એજ અમારો મુખ્ય ધર્મ. અમારા પગ પૃથ્વી પર ટકે નહીં. અહીંના થવા જઈએ ને અમારી પાંખ સળવળી ઊઠે. વળી ઊડી લઈએ ને થોડી વાર નીચે બેસી જઈએ.

પૃથ્વી પરના લોકને એમ લાગે છે કે આ માણસ મારો કોઈનો પતિ, કોઈની પત્ની, કોઈનો ભાઈ કે માતા. પણ આ જણ કોઈનો નહીં. એ સદાનો આત્મસ્થ, કેન્દ્રસ્થ, વિરત, ઉદાસીન, પૃથ્વીનાં પરિવર્થનથી પૂરેપૂરો જ્ઞાત. એ જાણે છે પોતાને મળેલા મુકામની ભંગુરતાને. આથી જ એક કહી બેસે છે :

ખરી પડશું ઘડી પલની વાર

ગમે ત્યારે આ મુકામ પૂરો થશે ને તેય પરાણે નહીં, સહજ ઠંગથી, એને અહીંથી ઉખેડવો નહીં પડે, એ આપમેળે ખરી જશે. સમય પૂરો થયાની ઘડી પારખીને એ ચાલતી પકડશે.

હા, એ વાત પણ સાચી કે આ યાત્રીને મુકામની મુશ્કેલીનીય પૂરી જાણ છે. આ પૃથ્વીલોકમાં વાસ કરવો એ ખાંડાના ખેલ છે. પૂછો રામને, કૃષ્ણને, મહંમદને, જીસસને, ગાંધીને કે પછી આ કવિનેય.

અમારી વાટ્યુંમાં વા વટોળિયા,

તનડુંતો થઈ જાશે રાખ,

અમારી યાત્રા સળંગ મુશ્કેલીભરી છે. એક જુઓ ને બીજી ભૂલો એવી ઘટનાઓથી એ ભરેલી છે. તમને થકવી નાખે એવી કંટાળાભરી છે તે છતાંય આ યાત્રીની ખુમારી તો જુઓ :

અમને ના થડકો કે થાક

ન તો અમને આવનારી મુશ્કેલીઓનો ભય છે કે ન તો યાત્રાનો થાક. ગીતાકારે કથેલો અભય આ યાત્રીની દૈવી સંપત્તિ છે. આ દૈવી સંપત્તિ કવિને કયાંથી પ્રાપ્ત થઈ ? આતમસ્મરણના બળમાંથી. કવિને સતત એ વાતનું સ્મરણ છે કે ‘અમે રે પંખીડાં આતમદેશનાં’ જેને-જેને આ પ્રકારનો સ્મૃતિબોધ થયો તે-તે લોક તરી ગયા. મિથિલાની નદીમાં નાહવા પડેલા રાજર્ષિ જનકને જાણ કરવમાં આવી છે કે મિથિલામાં આગ લાગી છે ત્યારે ઠંડકથી સ્નાનવિધિ ચાલુ રાખતાં રાજા જનકે જણાવેલું, ‘એ મારી મિથિલા ક્યાં છે ?’ તો અંતે જનાર્દને અર્જુનને પિવડાવેલા ગીતાના અમૃતને અંતિમ ઘૂંટડે પૂછ્યું, ‘તને સંતોષ છે ? તને મારી વાત સમજાઈ છે ? ને અર્જુનનો ઉત્તર હતો. ‘હા, મને પૂરેપૂરો સ્મૃતોબોધ લાધ્યો છે.’ આ સૌનો સ્મૃતિબોધ શો છે ? આ જ : ‘અમે રે પંથીડાં આતમદેશનાં’ ‘આ જગા મારી નથી’ની અનાશક્તિ, ને તેથી જ જીવતરની જાળમાં આ પંથીનાં ચરણ ફસાયાં નથી. પૃથ્વીલોક એનો શિકાર કરી શક્યો નથી.

પૃથ્વીપટ પરના મુકામને કવિ કઈ દ્રષ્ટિથી તપાસે-ચકાસે છે એ જોવા જેવું છે :

આ તો મેળો તે થાવાકાળનો;
થયો એવો થાશે બીજી વાર;

આ તો ભાઈ જોગાનુજોગ કે અમે અહીં આવ્યા, રહ્યા, જીવ્યા, ટક્યા, જીવતરની જંજાળોમાં મહાલ્યા. સૌને લાગ્યું કે ખરા ફસાયા પણ એ બધાને એમ જ માનવા દેવા દઈને, એમને રાજી કરીને અમે તો ઉપરછલ્લા જ વર્ત્યા. અમને બરાબર સમજાયું કે આ મેળો તો અનંતયાત્રા, અનંતકાળ લગી થતો રહેવાનો, અનેક લોકો એમાં આવતા રહેવાના ને જતાય રહેવાના. એની કશી લખાપટ્ટી ન હોય, એમાં કશું અગાઉથી મુકરર પણ કરેલું ન હોય. હોઈએ ત્યાં સુધી અહીં પ્રેમથી રહીએ પણ અમારો જીવ અહીંનો નહીં. અમે અંદરના વસવાટને જ કાયમ ગણીએ. આ તો અમારો હંગામી નિવાસ.

આમ કહીને આ વિરલ યાત્રીએ પોતાનાં ચરણ સમય આવ્યે ઉપાડતાં પોતે જ્યાં વસ્યો છે તે પૃથ્વીપટને અંતિમ પ્રણામ કરતાં છેલ્લી વિદાય લેતાં સ્વસ્થ વચનો ઉચ્ચારતાં ગાયું :

છેલા છેલેરા રામ રામ છે
બોલ્યું ચાલ્યું કરજો ઈ માફ

ચાલો ત્યારે, વિદાય. અમારે જે ક્ષુલ્લક ઓળખાણ આપી ને અહીં ઉપરછલ્લો પડાવ નાખ્યો તે દરમિયાન તમારી ને અમારી ગતિવિધિમાં રહેલા તફાવતને લીધે કંઈ અનાયાસ કંઈ ભૂલ થઈ હોય તો અમે ક્ષમા ચાહીએ છીએ. પણ આમ કહેતાં આ યાત્રીને એમ પણ છે કે ભૂલ થવાનું કોઈ કારણ નથી ને થઈ હોય તો એનું કર્મ વળગવાનુંય નથી, કારણ ?

અમારું તો મન સાચું સાફ

અહીં અમે જે આચરણ ને વિચરણ કર્યું છે તે એટલા નિર્મળ હૃદયથી કર્યું છે કે એક ઇંચ પણ ખોટું થવાની શક્યતા નથી. નિર્મળ મનુષ્ય આ જગતમાંથી હવાની જેમ પસાર થઈ જતો હોય છે. એનું હોવું કોઈને વાગતું નથી ને એના જવાની કોઈને ગંધ સુદ્ધાં આવતી નથી. એનું હોવું ને જવું બંને સરખાં બની રહેતાં હોય છે ને એનુંય કારણ આ જ છે : એ આતમદેશનો પ્રવાસી છે. એ જુદું પડતું પંખી છે. એને આપમેળે ઊડતાં આવડ્યું છે ને એ માત્ર ઊડે જ છે.

સમગ્ર કાવ્યમાં ઉડાનની ગતિ છે. ને એ અર્થમાં ઉપરથી જ એ ગવાયું છે. સમગ્ર કાવ્યમાં વપરાયેલું બહુવચન નાયકની સમગ્રતાને ચીંધે છે ને પોતા જેવાં સૌ લોકનોય એમાં સમાવેશ છે. તેથી એમાં મળેલાં દર્શનનો ઘમંડ નથી પણ પ્રાપ્તિનો પરિતોષ છે. જીવી જવાની ને જીવી ગયેલાની કલાને નિર્દેશતું આ કાવ્ય તેથી જ સહૃદયને પ્રસન્નતાથી ભરી દે છે.

* * * * *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.