વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી – ઝગડીયાની યુનાઇટેડ ફોસ્ફરસના અકસ્માતમાં થયેલ તપાસનો અહેવાલ શું કહે છે?

જગદીશ પટેલ

ઝગડિયાના યુનાઇટેડ ફોસ્ફરસના એકમમાં થયેલા અકસ્માતના તા.૨૩—૦૨—૨૧ના દૈનિક હિન્દુમાં પ્રગટ સમાચારની નોંધ લઇ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જાતે જ (સુઓ મોટો) ફરિયાદ નં.૬૦/૨૦૨૧ નોંધી તપાસના આદેશ અપાયા. ટ્રિબ્યુનલે જીલ્લા કલેકટર, ફેકટરી ઇન્સપેકટર કચેરી (ડીશ), રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રતિનિધિ એમ ચાર સભ્યોની સમિતીને તપાસનું કામ સોંપ્યું અને તે માટે એક મહિનાનો સમય આપ્યો. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ અહેવાલ જાહેર કરાયો. તે અહેવાલને આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.

યુપીએલ એક બહુરાષ્ટ્રીય કંપની છે જેના એકમો ભારતમાં ઝઘડિયા ઉપરાંત જમ્મુ, હલ્દીયા (પ.બંગાળ),અંકલેશ્વર, વાપી, હાલોલ અને બ્રિટન, ફ્રાન્સ, નેધરલેન્ડ, આર્જેન્ટીના અને બ્રાઝીલમાં છે. તે ખેતીને લગતાં રસાયણો, કોસ્ટીક સોડા, કલોરીન અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે.

બનાવઃ

તા.૨૨—૦૨—૨૧ની રાત્રે ૧.૪૭ વાગે (એટલે તા.૨૩મી) યુનાઇટેડ ફોસ્ફરસના ઝઘડિયા એકમના પ્લાન્ટ સીએમ—૨૫૭માં ધડાકો થયો અને પછી આગ લાગી. બોઇલર મેઇન્ટેનન્સ અને ઇન્પેકશન માટે પ્લાન્ટ તા.૦૪—૦૨—૨૧થી શટડાઉનમાં હતો એટલે કે બંધ હતો. એટલે કે શટડાઉનના ૧૮ દિવસ બાદ ધડાકો થયો. આ પ્લાન્ટમાં કલેથોડીમ નામના નિંદણનાશકનું ઉત્પાદન કરવામાં આવતું હતું. તે માટે વપરાતા ઇથાઇલ થાયો બ્યુટેનોલ (ઇટીબી) નામના રસાયણનો ૮ ટન જેટલો જથ્થો જે રીએકટરમાં ભર્યો હતો તે રીએકટરમાં ધડાકો થયો. ધડાકો એવો ભયાનક હતો કે જાણે ધરતીકંપ આવ્યો હોય. આ ઘટનામાં ૭ કામદારોના મોત થયા અને ૫૩ને ઇજા પહોંચી. આ ઉપરાંત જુદા જુદા રસાયણો ભરેલા રીએકટર કે ટાંકીઓને નુકસાન થયું અને રસાયણો કાં તો હવામાં ઉડી ગયા, કાં પાણી સાથે વહીને નીકળી ગયા. મકાનો અને બારીઓને મોટું નુકસાન થયું. આ એકમને એપ્રિલ, ૨૦૧૮માં એન્વાયર્નમેન્ટ કલીયરન્સ મળ્યું હતું.

સદર અહેવાલ મુજબ આ પદાર્થના ઉત્પાદનની પ્રક્રિયા કંપનીની સંશોધન અને વિકાસ શાખાએ વિકસીત કરી છે. ૨૭—૧૧—૨૦ને રોજ તેનું ઉત્પાદન શરૂ કરાયું હતું અને શટડાઉનમાં લેતા સમય સુધીમાં કુલ ૧૫૩ ટન ઉત્પાદન કરાયું હતું. ઉત્પાદિત રસાયણનો સંગ્રહ ૦થી  ૫૦સેન્ટીગ્રેડ તાપમાને કરવો પડે છે. ઘટના સમયે એકમમાં ૧૫૩ ટન કલેથોડીમનો સંગ્રહ થયો હતો.

આ જ રસાયણનું ઉત્પાદન કરતા ચીનના  શાનડોંગ પ્રાંતમાં હુલુડાઓ ખાતે આવેલા લાયોનીંગ સીન્ડા કેમીકલ કંપનીના પ્લાન્ટમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૦ને રોજ એટલે કે આ ઘટના બની તેના બરાબર એક વર્ષ પહેલાં ધડાકો થયો હતો જેમાં ૫ કામદારોના મોત થયા હતા અને ૧૦ને ઇજા થઇ હતી. ચીનની આ ઘટનામાં એકમના ડાયરેકટરની ધરપકડ કરવામાં આવી હતી. ૩૦૦૦ ટન ઉત્પાદન ક્ષમતાના આ પ્લાન્ટમાં ઉત્પાદન ડિસેમ્બર, ૨૦૧૯માં કરવામાં આવ્યું હતું. આમ આ રસાયણના ઉત્પાદનમાં મોટું જોખમ હોવાનું આ ઘટના ઇંગીત કરે છે.

ઝઘડિયા પ્લાન્ટમાં થયેલા અકસ્માતની માહિતી મળતાં ડીશ કચેરીના અધીકારીઓ રાત્રે ૩ વાગે ઘટનાસ્થળે પહોંચી ગયા હોવાનું અહેવાલ જણાવે છે. બચાવ અને રાહત કામોમાં તેમણે જરૂરી મદદ કરી. ડીશ દ્વારા પ્લાન્ટને બંધ કરવાના આદેશ પણ અપાયા. કંપનીને ૫ માર્ચના રોજ નોટિસ મોકલી ગુજરાત ફેકટરી રૂલ્સના નિયમ ૧૦૨ હેઠળના શીડયુલ ૧૯, ભાગ —૨ના પેરા— ૫ના ભંગ માટે નોટિસ આપી. કંપનીએ આપેલ જવાબ પછી ઝઘડિયા કોર્ટમાં સરકાર દ્બારા કંપની વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એકમના કબ્જેદાર શ્રી અરૂણ આશર છે અને વ્યવસ્થાપક શ્રી અનીલ મુંદડા છે.

ડીશના અહેવાલ મુજબ આ એકમમાં વિવિધ રસાયણોના ઉત્પાદન માટે જુદા જુદા ૨૦ પ્લાન્ટ આવેલા છે તે પૈકી એક પ્લાન્ટમાં અકસ્માત થયો. આ પ્લાન્ટમાં ત્રીજા માળે રાખવામાં આવેલ રીએકટર નં. આર—૨૫૦૦૧માં ૩—ઇથાઇલ થાયો બ્યુટેનોલ નામનું રસાયણ ભરેલું હતું પણ ધડાકામાં કંટ્રોલ રૂમ તૂટી ગયો જેમાં તેની સિસ્ટમમાં રસાયણના જથ્થાની માહિતી હોય છે અને તે સિસ્ટમ તૂટી પડી તે કારણે રસાયણનો જથ્થો કેટલો હતો તે જાણી શકાયું ન હતું. ધડાકાના કારણ અંગે અહેવાલ એમ લખે છે કે લાંબા સમય સુધી ધડાકો થઇ શકે તેવું મિશ્રણ (એકસપ્લોઝીવ મિક્ષચર) રિએકટરમાં પડી રહેવાને પરિણામે અચાનક પ્રચંડ ધડાકો થયો અને ત્યારબાદ આગ લાગેલ. કંપનીના, આસપાસની કંપનીઓના તેમજ ભરૂચ નગરપાલિકાના ફાયર ટેન્ડરોની મદદથી સવારે ૮.૩૦ સુધીમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો. આગ બુઝાવતાં આટલા ફાયર ટેન્ડરોને આઠ કલાક કરતાં વધુ સમય ગયો તે દર્શાવે છે કે આગ કેવી ભયાનક હશે. તે દિવસે છેક સાંજે ૬.૩૦ વાગે  ધડાકાના સોળ કલાક બાદ— કાટમાળ નીચેથી વનરાજસીંહ દોડીયા (સ્ટાફ) અને નેહલ મહેતા(સ્ટાફ) ના મૃતદેહ મળી આવ્યા. ત્યારબાદ બીજા દિવસે કેતનકુમાર ગેવરીયા(સ્ટાફ)  અને ત્રીજા દિવસે કુવરલાલ કોમલ કાસડેકર (રોયલ સીકયુરીટી)ના મૃતદેહ મળ્યા. અહેવાલના દિવસ સુધી કૃણાલ પટેલ(સ્ટાફ), મણીરામ ધીકારે (રોયલ સીકયુરીટી) અને કમલ લક્ષ્મણ પાન્સે (રોયલ સીકયુરીટી)ના મૃતદેહ મળી શકયા ન હતા. આમ કુલ સાત કામદારોના મૃત્યુ થયા.

ડીશ કચેરીના મદદનીશ નિયામક (કેમીકલ)ના અભિપ્રાય મુજબ સંગ્રહિત રસાયણોને લાંબા સમય સુધી સંગ્રહ કરવાને કારણે તેના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થવાને કારણે રાસાયણિક પ્રક્રિયા થઇ હોવાને પરિણામે ધડાકો થયો હોવાની શકયતા છે. અહેવાલ ઉમેરે છે કે,“આવા જોખમી રસાયણો કેટલા સમય સુધી અને કેવા પ્રકારના વાતાવરણમાં સંગ્રહિત રાખવા તે પ્રકારનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો ખુબ જરૂરી છે. આ રસાયણોની રીએકટીવીટી, ઇનસ્ટેબીલીટી, કમ્પેટીબીલીટી, થર્મલ ડીકમ્પોઝીશન જેવી બાબતોના જોખમોનો પુર્વ અભ્યાસ કરવામાં આવ્યો હોત તો શટડાઉન લેતા પહેલાં શી કાળજી લેવાની જરૂર હતી અને સંગ્રહિત રસાયણોનો યોગ્ય નિકાલ કઇ રીતે, કયાં કરવો તે અંગેના નિર્ણય લઇ શકાયા હોત.

એકમે પોતે અકસ્માતના કારણોની તપાસ કરીને અહેવાલ આપ્યો કે રીએકટર નં. આર—૨૫૦૦૧માં બ્રાઇન લીક થયું હોય અને તે કારણે એકઝોથર્મીક રીએકશન થયું હોય અને તે કારણે ધડાકો થયો હોઇ શકે.
૫ માર્ચની નોટિસનો જવાબ કંપનીએ ૬ માર્ચના રોજ આપ્યો જેમાં તેમણે ડીશ દ્વારા સૂચવવામાં આવેલ અભ્યાસનું કામ શરૂ કર્યું હોવાની માહિતી આપી.

સ્ટાફના ૪ કર્મચારીઓ પૈકી ૨ને રૂ. ૪૫ લાખનું વળતર, અન્ય એકને રૂ. ૩૯ લાખ અને ચોથાને રૂ.૪૩ લાખના વળતર અપાયા. આ ઉપરાંત એમના પગાર, બોનસ, રજાઓ, ગ્રેજયુઇટી અને વીમાની રકમ જુદી ચુકવાઇ. એક કર્મચારીને વીમાના રૂ. ૪૦ લાખ અને બીજા રૂ. ૩.૮૧ લાખ થઇ કુલ રૂ. ૯૧.૮૧ લાખ ચૂકવાયા. બીજા ત્રણને વીમાના રૂ .૧૦ લાખ ચૂકવાયા. કોન્ટ્રાકટના ત્રણ કર્મચારીઓને રૂ. ૪૦ લાખની આસપાસની કુલ રકમ ચૂકવાઇ. સમિતિને એકમે આપેલી માહિતી મુજબ કુલ રૂ. ૨,૯૦,૭૪,૭૨૧ જેટલું ચૂકવણું કરવામાં આવ્યું. સમિતિએ પોતાની ગણતરી કરી કેતન કુમાર ગારવીયાને રૂ. ૯૯,૩૪૨/— ઓછા ચૂકવાયા હોવાનું જણાવ્યું. કેતન કુમારને એકમે રૂ. ૬૦.૪૯ લાખ ચૂકવ્યા હતા જયારે સમિતિની ગણતરી મુજબ એમને મળવા જોઇએ રુ.૬૧,૪૮,૩૪૨.૯૦.

પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધીકારીઓ માહિતી મળ્યા બાદ સવારે ૪.૧૫ વાગે સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે હાથમાં પકડી શકાય તેવા વીઓસી મીટર દ્બારા હવાના નમુનામાં વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડસ (વીઓસી) એટલે કે હવામાં કાર્બોનિક પદાર્થોનું બાષ્પનું પ્રમાણ જોઇને નકકી કર્યું કે આસપાસના ગામના લોકોને સ્થળાંતર કરાવવાની જરૂર નથી. બોર્ડના અહેવાલ મુજબ દ્રાવકોના સંગ્રહમાં ઇલેકટ્રીક શોર્ટ સર્કિટને કારણે અકસ્માત થયો. બોર્ડ દ્બારા બીજા દિવસે સવારે હવાના નુમના લેવામાં આવ્યા જેમાં એકમના બીજા નંબરના દરવાજા પાસે વીઓસીનું પ્રમાણ ૧૨.૬ પીપીંએમ અને એકમની ઉત્તરે એ પ્રમાણ ૨૩.૮ પીપીએમ નોંધાયું. એકમનું ગંદુ પાણી ખેતરોમાં પહોંચ્યું ન હોવાનું અહેવાલ જણાવે છે. બોર્ડ દ્બારા થયેલા નિરિક્ષણોને આધારે બોર્ડ દ્બારા એકમને પર્યાવરણને થયેલા નુકસાન પેટે વચગાળાના વળતર પેટે રૂ. ૧ કરોડ જમા કરાવવાની સૂચના આપવામાં આવી અને તે મુજબ એકમે તે રકમ જમા કરાવી.

સ્થાનિક પોલીસ દ્બારા એકમ સામે આઇપીસીની કલમ ૧૭૪ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી અને ઘટનાસ્થળનું પંચનામું કરવામાં આવ્યું. કોઇ ધરપકડ થઇ નથી.

સ્થળતપાસ, એકમ દ્વારા પુરા પાડવામાં આવેલા દસ્તાવેજોનો અભ્યાસ અને એકમના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કરેલી ચર્ચાવિચારણા પછી તપાસ સમિતિ જે તારણો પર પહોંચી તેમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

૧. એકમ દ્વારા પ્રયોગશાળામાં આ પદાર્થની ઉત્પાદન પ્રક્રિયા વિકસાવવામાં આવી હતી પરંતુ તે પછી ઓછી ક્ષમતાવાળા પ્લાન્ટ પર ઉત્પાદન પ્રક્રિયાની ચકાસણી કર્યા સિવાય સીધું જ મોટી ક્ષમતાના પ્લાન્ટમાં રોકાણ કરીને ઉત્પાદન શરૂ કરી દીધું. પ્રયોગશાળામાં કાચના રીએકટરોમાં જરૂરી શરતોનું પાલન થઇ શકે તેવું પ્લાન્ટમાં થઇ શકે નહી. દા.ત. પ્રયોગશાળામાં ઉષ્ણતામાન ૫૦ સે.ગ્રે. જાળવવા માટે ચીલ્ડ વોટર (અતિ ઠંડા પાણી)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જયારે પ્લાન્ટમાં તે માટે મીથેનોલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આટલા મોટા ફેરફારની અસર શી પડશે તેનો કોઇ અભ્યાસ પ્રયોગશાળામાં કરવામાં આવ્યો ન હતો.

૨. એકમ દ્વારા કરાયેલા ખુલાસા મુજબ મે ૨૦૧૯માં કલોમાઝોન અને મેસોટ્રાયોન નામના રસાયણોના ઉત્પાદન માટે પ્લાન્ટનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ  જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં આ રસાયણોનું બજાર નબળું પડતાં એ જ પ્લાન્ટને કલેથોડીમ/ગ્લુફોસીનેટ/ગ્લાયફોસેટ માટે તૈયાર કરી તે માટે પરવાનગી માગવામાં આવી. બીજી બાજુ એકમના કહેવા મુજબ રસાયણ સીએમ—૨૫૭ની પ્રક્રિયા પ્રયોગશાળાના સ્તરે સફળતાપુર્વક તૈયાર થયા બાદ પ્લાન્ટ માટે એન્જીનીયરીંગ ડિઝાઈન એકમ દ્વારા જાતે જ તૈયાર કરવામાં આવી અને તે મુજબ બાંધકામ શરૂ કરવામાં આવ્યું અને ઓકટોબર ૨૦માં પ્લન્ટ ચાલુ કરવામાં આવ્યો. આમ એકમ દ્વારા વિરોધાભાસી એવી બે વાત કરવામાં આવે છે.

૩. સામાન્ય રીતે પ્રયોગશાળામાં પદાર્થને તૈયાર કરવામાં આવે તે પછી તેનો વધુ ઊંડો અભ્યાસ કરવામાં આવે અને પાઇલોટ સ્તરે તેનું ઉત્પાદન કરી અભ્યાસ કરી ડેટા ભેગા કરવામાં આવે અને તે પછી તેને વધુ મોટા જથ્થામાં ઉત્પાદન કરવા માટેના સ્તરે અભ્યાસ કરી માહિતી એકત્રિત કરવામાં આવે. પ્રક્રિયાની સલામતી માટે જરૂરી સાધન સામગ્રી (ઇન્સ્ટ્રુમેન્ટેશન) માટે તેમજ હેઝાન, હેઝોપ અને બીજા અભ્યાસ કરવા માટે આ ડેટાનો ઉપયોગ થઇ શકે.

૪. એકમે કરેલા હેઝોપ અભ્યાસમાં ડીઝાઇન ડેટા અને ઓપરેશન ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એકઝોથર્મીક રીએકશન, રનઅવે રીએકશન, હીટિંગ અને કુલિંગ માધ્યમો સાથેના રિએકટરના રસાયણોના રિએકશન, રિએકટરમાં જુદા જુદા રિએકટન્ટના જથ્થાનું અસંતુલન, જુદા જુદા સ્તરે રસાયણોની સ્ટેબિલિટી, સાધનો બગડી જાય ત્યારની સ્થિતિ વગેરે ઘણી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

૫. પ્લાન્ટના સંચાલન માટે ડીસીએસ કન્ટ્રોલ પેનલ હતી જેમાં જે રિએકટરમાં ધડાકો થયો તે આર—૨૫૦૦૧માં ખામી સર્જાય તો તે દર્શાવવા માટે કોઇ સિગ્નલ ન હતા. મિથેનોલના લીકેજને કારણે જો તેનું ઉષ્ણતામાન કે દબાણ વધી જાય તો તેની માહિતી કન્ટ્રોલ પેનલ દ્વારા મળે તેવી કોઇ વ્યવસ્થા ન હતી.

૬. એકમમાં કોઇ કેન્દ્રિય ડીસીએસ સિસ્ટમ ન હતી. આ પ્લાન્ટની કન્ટ્રોલ પેનલ આગ, ધડાકામાં સાફ થઇ ગઇ તે કારણે કોઇ ડેટા મેળવી શકાયા નહી. કેન્દ્રિય સિસ્ટમ હોત તો અકસ્માતના કારણો અંગે ઘણી મુલ્યવાન માહિતી મળી શકી હોત.

૭. એકમે માહિતી આપી કે બોઇલર શટડાઉનમાં હોવાને કારણે સદર પ્લાન્ટ બંધ હતો. પરંતુ ૮.૫ મેટ્રીક ટન ઇટીબી નામનું રસાયણ રિએકટરમાં રાખી મુકવા માટે કોઇ વાજબી કારણ એકમ આપી શકયું નહી. સામાન્ય રીતે શટડાઉન સમયે રિએકટરો ખાલી કરીને તેમાંના રસાયણોને સલામતપણે સંગ્રહવામાં આવતાં હોય છે. પ્લાન્ટને શટડાઉનમાં લેવા માટે અને ફરી ચાલુ કરવા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) એકમ દ્વારા તૈયાર કરવામાં આવી નથી.

૮. એકમે સુરતની નાયક એસોસીએટ પાસે પ્લાન્ટનું સેફટી ઓડિટ કરાવ્યું. પણ એના અહેવાલમાં પ્લાન્ટ સીએમ—૨૫૭ના પ્રોસેસની વિગતો કે ઉત્પાદનની વિગતો દેખાતી નથી. પ્લાન્ટના રિએકટરોની યાદી કે તેનું સ્થાન પણ જણાવેલ નથી. રસાયણોના સંગ્રહની જે વિગત આપી છે તે મુજબ ટોલ્યુન, એન—હેકઝેન અને મિથેનોલનો કુલ સંગ્રહ ૧૪૩ કિલોલીટર એકમને પેટ્રોલીયમ એન્ડ એકસપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન (પેસો) દ્વારા સંગ્રહ માટે મળેલી પરવાનગીથી વધુ છે. પરંતુ ઓડિટ અહેવાલમાં તેનો કોઇ ઉલ્લેખ નથી. આમ આ અહેવાલમાં ઘણી ઉણપો છે તેથી એકમનું સેફટી ઓડિટ ફરી થવું જોઇએ.(પેસો — ૧૮૮૪ના એકસપ્લોઝીવ એકટ અને ૧૯૩૪ના પેટ્રોલીયમ એકટના અમલ માટે કેન્દ્ર સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય હેઠળનો વિભાગ )

૯. સમિતિએ પોતે ઉપલબ્ધ માહિતીને આધારે જે ગણતરીઓ કરી તે હિસાબે રિએકટરમાં આટલું ઉંચું દબાણ ઉભું થાય તો કોઇ જ ચેતવણી ન મળે તે સૂચવે છે કે કાં તો ડીસીએસ વ્યવસ્થાને બાયપાસ કરવામાં આવી હોય અથવા તો મુકાયેલા સેન્સર પૂરતી ક્ષમતાના ન હોવાને કારણે અથવા અન્ય કારણસર કામ કરતા ન હોય. સમિતિને એવી માહિતી આપવામાં આવી હતી કે રિએકટરને સ્ક્રબર અને તે પછી વેન્ટ આપવામાં આવ્યું હતું. જો એમ હોય તો આટલા ઉંચા દબાણે પણ વેન્ટમાંથી કોઇ બાષ્પ, ધુમાડા, વાયુ કે પ્રવાહી ત્યાંથી બહાર આવ્યું નહી તે વાત માનવામાં આવે તેવી નથી. જો એમ થયું હોત તો રિએકટરની અંદરનું દબાણ ઘટી ગયું હોત અને ધડાકો થયો ન હોત.

૧૦. આ મુદ્દાઓ પરથી સમિતિ એવા તારણ પર પહોંચી કે કદાચ મિથેનોલ લીક થયો હોય અને તેનું ઇટીબી સાથે રીએકશન થયું હોય. શટડાઉનના ૧૮ દિવસ બાદ, જયારે રિએકટર ઉપયોગમાં ન હતું ત્યારે રિએકટરના ઉષ્ણતામાન અને દબાણમાં કોઇ ફેરફારના ચિહ્નો જોવા મળ્યા ન હોય અથવા રિએકટરમાંના પ્રવાહીના જથ્થામાં ઘટાડો થયો હોવાના કોઇ ચિહ્નો ન હોય અને છતાં ધડાકો થયો તે સૂચવે છે કે એકમની કે પ્લાન્ટની સલામતી વ્યવસ્થા બીનઅસરકારક હતી.

૧૧. આગ ધડાકાને કારણે વાતાવરણમાં સલ્ફર ડાયોકસાઇડ, હાયડ્રોજન કલોરાઇડ, નાઇટ્રોજન ઓકસાઇડસ, કાર્બન ડાયોકસાઇડ વગેરે વાયુઓ ભળ્યા હશે. ટોલ્યુન પણ મોટા પ્રમાણમાં હવામાં ભળ્યો હશે. સમિતિના અંદાજ મુજબ એ કારણે થયેલા હવાના પ્રદુષણને કારણે રૂ. ૮૬.૫૧ લાખનું નુકસાન થયું હશે. એ જ રીતે ૧૩ હજાર કિલોલીટર પાણી વહી ગયું હશે. સમિતિએ એકઠા કરેલા નમુનાઓમાં સીઓડીનું પ્રમાણ ૧૨૭૨થી ૧૯૩૨ મી.ગ્રા/લી. જોવા મળ્યું. હવા, પાણી, જમીનને રૂ. ૨ કરોડ ૧૯ લાખનું નુકસાન થયું હોવાનું સમિતિએ અંદાજયું છે.

૧૨. અહેવાલ નોંધે છે કે આ એકમની આસપાસ ૯ એકમ એવા છે જયાં મોટો અકસ્માત થવાનું જોખમ છે. (અમુક નકકી કરેલા માપદંડોને આધારે ઔદ્યોગિક એકમોને મોટો અકસ્માત થવાનું જોખમ હોય તેવા એકમ તરીકે પહેલેથી જ ઓળખી કાઢેલા હોય છે. અંગ્રેજીના પ્રથમાક્ષરોને આધારે આવા એકમો એમએએચ એકમો તરીકે ઓળખાય છે.

૧૩. ઇજાગ્રસ્તોને પ્રાથમિક ઉપચાર એકમમાં જ અપાયો અને તે પછી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કર્યા બાદ તેમને ૨૫ કિ.મી દૂર અંકેલશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં લઇ જવાયા. અહેવાલ નોંધે છે કે આ વિસ્તારમાં આવી (એટલે કે તબીબી સારવારની) કોઇ સગવડ નથી. (આ સાવ ખોટી વાત છે. સેવા રૂરલ આ વિસ્તારની જગવિખ્યાત હોસ્પિટલ છે પણ તેનો ઉલ્લેખ જ અહેવાલમાં નથી. ઔદ્યોગિક એકમોને તો માહિતી હોય જ પણ એ લોકો શા માટે એમની સેવા લેતા નહી હોય તે સવાલ છે.)

૧૪. આ ઔદ્યોગિક વિસ્તારમાં આવા અકસ્માતો અટકાવવા અને તેને પહોંચી વળવા માટે એક કેન્દ્રની સ્થાપના કરવાની ભલામણ કરે છે જેમાં પૂરતી સગવડો હોય. ભારતીય માનક નં.૧૩૦૩૯:૨૦૧૪ની શરતોનું પાલન થતું હોય તે રીતે વ્યક્તિગત એકમોનો ફાયર લોડ અને તેને પહોંચી વળવા અગ્નિશમન વ્યવસ્થાનું મુલ્યાંકન કરવાની પણ અહેવાલ ભલામણ કરે છે.

આ અહેવાલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જમા કરાવવામાં આવશે અને તેના પર સુનાવણી થશે અને અંતે ટ્રિબ્યુનલ પોતાનો ચુકાદો આપશે. મે ૨૦૨૦ પછી આ પ્રકારના અકસ્માતોમાં અગાઉ ટ્રિબ્યુનલે ૧૨ બનાવોમાં નોટિસ આપી સુનાવણી કરી છે. સામાન્ય રીતે ટ્રિબ્યુનલ પીડીતને વળતર અને એકમને દંડના હુકમો કરે છે. એવું આ બનાવમાં પણ થશે. ટ્રિબ્યુનલ આપમેળે, અખબારોના અહેવાલોને આધારે ફરિયાદ દાખલ કરી નોટિસ મોકલી તપાસના હુકમ કરે છે તે સારી વાત છે. એ કારણે અકસ્માતો ઘટવા પર શી અસર પડે તે જોવું રહ્યું.

અમેરિકા એટલે કે યુએસએમાં એમણે કેમિકલ સેફટી બોર્ડ બનાવ્યું છે જેના વિષે કયારેક વિગતવાર લખવાનો ઇરાદો છે. આ સેફટી બોર્ડ રસાયણ એકમમાં કોઇ આવા અકસ્માત થાય ત્યારે બનાવ બનવાના કારણો વિષે શબ્દશઃ તલસ્પર્શી અભ્યાસ/તપાસ કરે અને એનું મોડેલ બનાવી એ જ રીતનો ધડાકો કરી ધડાકાનું નિદર્શન પોતાની પ્રયોગશાળામાં આપે. એના વીડિઓ બનાવે અને એ એમની વેબસાઇટ પર જેને જોવા હોય તેને મળી શકે. એ કારણે જે શીખ મળે તે અમુલ્ય હોય. આપણે વિશ્વગુરૂ બનવું છે પણ એવું કશું કરવું નથી.

નવેમ્બર ૨૦૧૮માં અંકેલશ્વરમાં સેફટી માટે એક સેન્ટર ઓફ એકસલન્સ ઉભું કરવા માટે નોર્વેની ગેકસકોન અને યુપીએલ વચ્ચે કરાર (એમઓયુ) થયા હતા. તેને આધારે શ્રોફ એસ આર રોટરી ઇન્સ્ટીટયુટ ઓફ કેમીકલ ટેકનોલોજી ખાતે યુપીએલ સેન્ટર ઓફ એકસલન્સ ફોર સેફટી સ્ટડીઝની સ્થાપના થઇ. તે પછી આ સેન્ટર અને ગુજરાત સરકારના ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ (ડીશ) વચ્ચે ૧૬—૧૨—૨૦ને રોજ કરાર કરવામાં આવ્યા તે હેઠળ આ સેન્ટર અકસ્માતોના રિપોર્ટિંગ માટે એક આગવી વ્યવસ્થા ઉભી કરશે. આ સારી વાત છે પણ આપણને જરૂર છે આવા અકસ્માતના અસલ કારણો સુધી પહોંચવાની. એક વર્ષ કરતાં ઓછા સમયમાં ગુજરાતમાં રસાયણ એકમોમાં થયેલી ૩ ઘટનામાં ૩૦ કામદારોના મોત થયા. ૩ જુન, ૨૦૨૦ને દિવસે દહેજમાં યશસ્વી રસાયણમાં ધડાકો થયો જેમાં ૧૦ કામદારના મોત થયા, તે પછી ૪ નવેમ્બરે અમદાવાદમાં પીરાણામાં ગોડાઉનમાં રસાયણનું ઉત્પાદન કરતા એકમમાં થયેકા ધડાકામાં ૧૩ના મોત થયા અને હવે આ બનાવમાં ૭ના મોત થયા. એમાંથી શું શીખ્યા?

આઇ.આઇ.ટી.ગાંધીનગરમાં સેફટી સેન્ટર ફોર એન્જીનીયરીંગની સ્થાપના કરી છે પણ એનો સમાજ સાથે શો સંબંધ છે તેની કોઇ માહિતી નથી. આપણે ત્યાં વિદ્યાપીઠો જીવાતા જીવનથી સામાન્ય રીતે બહુ દૂર હોય છે. જો કે આઇઆઇટી જેવી સંસ્થા માટે આવું વિધાન કરવું જોખમકારક ગણાય. એમણે પોતાની કામગીરી વિષે સમાજને માહિતી પણ આપવી જોઇએ અને પ્રજાએ એ મેળવવી પણ જોઇએ. ગુજરાત રસાયણ ઉત્પાદન માટે દેશનું મોટું કેન્દ્ર છે ત્યારે કામદારોની સલામતીના રક્ષણ માટે શું કરવું અને કેવા માળખાં ઉભાં કરવા તે અંગે વિચારવિમર્શ જરૂરી છે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.