ફિર દેખો યારોં : તમે ઘંટી ચાટીને ચલાવી લેજો, પાડોશીને લોટ આપવો જરૂરી છે

બીરેન કોઠારી

દેશમાં પ્રવર્તમાન અભૂતપૂર્વ આરોગ્ય કટોકટી બાબતે સરકારના પ્રયાસો ખરેખર કેવા છે એ કોઈ સરકારી યાદી દ્વારા જાણવા મળે એમ નથી. દેશની સર્વોચ્ચ અદાલતે પહેલી વાર દખલ કરીને પોતાને હસ્તક પરિસ્થિતિનો દોર સંભાળવો પડ્યો છે, એ પરિસ્થિતિની ગંભીરતા અને સરકારના પ્રયાસોનું ઠાલાપણું સમજવા પૂરતું છે. આ પરિસ્થિતિમાં આ એક લખાણ જોઈએ:

‘સરકારે જરા વહેલા ઘોષિત કરી દીધેલા વિજય બાબતે પૂરતી માહિતી વિના ટીકા થતી જોવા મળે છે, ત્યારે વડાપ્રધાને 17 માર્ચના રોજ, રાજ્યના મુખ્ય પ્રધાનો સાથેની મિટીંગમાં જે કહેલું એ ફરી જોવા જેવું છે: ‘મોટા ભાગના કોવિડગ્રસ્ત દેશોમાં અનેક લહેરો આવી છે. આપણા દેશમાં પણ તેના ઘટાડા પછી અચાનક વધારો થયો છે. અમે એ પણ નોંધ્યું છે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં પોઝિટિવીટીનો દર ઘણો ઉંચો છે અને કેસોની સંખ્યામાં પણ વધારો થયેલો છે..આ વખતે હજી સુધી બિનઅસરગ્રસ્ત રહેલા એવા ઘણા વિસ્તાર અને જિલ્લામાં આ વખતે કેસ વધી રહ્યા છે. એક રીતે એ સલામત વિસ્તાર હતા, પણ હવે નવા કેસો થઈ રહ્યા છે. છેલ્લા થોડા સપ્તાહોમાં આ વધારો દેશના 70 જિલ્લાઓમાં દોઢસો ટકા કરતાં વધુ હતો. આ મહામારીને આપણે નહીં રોકીએ તો દેશભરમાં તે વ્યાપી જશે. આ ‘બીજી વખતની સૌથી વધુ સ્થિતિ’ને પેદા થતી આપણે તાત્કાલિક રોકવી પડશે. મને લાગે છે કે હવે સ્થાનિક સ્તરે સંચાલન બાબતે જોવું જોઈએ, તેની સમીક્ષા કરવી જોઈએ અને નક્કી કરવું જોઈએ. આપણો વિશ્વાસ વધુ પડતો આત્મવિશ્વાસ ન બની જવો જોઈએ અને આપણી સફળતા ઉપેક્ષામાં પરિવર્તિત ન થવી જોઈએ.’

આ પરિસ્થિતિ અંગે લખનાર બીજું કોઈ નહીં, પણ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન ખાતું, માહિતી અને પ્રસારણ ખાતું તેમજ ભારે ઉદ્યોગ ખાતું સંભાળતા કેન્‍દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર છે. 10મેના ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત તેમનું આ લખાણ એ દર્શાવવાનો પ્રયાસ છે કે વડાપ્રધાન કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ બાબતે અંધારામાં ન હતા, બલ્કે પૂરેપૂરા વાકેફ હતા.

આ અગાઉ, આ વર્ષની 20 જાન્યુઆરીએ ‘વેક્સિન મૈત્રી’ નામનો એક ઉપક્રમ આપણા દેશના વિદેશ મંત્રાલય દ્વારા આરંભાયો હતો. આ ઉપક્રમ અંતર્ગત જરૂરતમંદ દેશોને કોવિડની રસી પહોંચતી કરવાની નેમ હતી. માર્ચના અંત સુધી બધું મળીને 6.6 કરોડ ડોઝ જેટલી રસી કુલ 93 દેશોમાં મોકલવામાં આવી, જે મોટે ભાગે કોવિશિલ્ડ હતી. જરૂરતમંદોને મદદ કરવાની આ ચેષ્ટા પ્રશંસનીય છે, પણ એ પછી દેશમાં રસીની જે તંગી સર્જાઈ ત્યારે બાબતે વિચારવું પડે. ખાસ કરીને ‘સન્‍ડે એક્સપ્રેસ’ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં જાણવા મળ્યું કે આ તમામ 93 દેશોમાં કોવિડની અસર ભારત કરતાં ક્યાંય ઓછી હતી. મુંબઈમાં તો બીજી લહેર ફેબ્રુઆરીના મધ્યથી આરંભાઈ ચૂકી હતી.

17 મી માર્ચ સુધીમાં બીજી લહેર સુનિશ્ચિત થઈ ગઈ હતી, છતાં વિદેશ મંત્રી એસ.જયશંકરે ભારતના ઓછા મૃત્યુદર અને સાજા થવાના ઊંચા દરને ‘વડાપ્રધાનના નેતૃત્વ અને સરકારના કેન્‍દ્રિત પ્રયત્નોનું પરિણામ’ ગણાવ્યું. વેક્સિન મૈત્રીના ઉપક્રમને પણ તેમણે યોગ્ય ઠેરવ્યો. તેના દસ દિવસ અગાઉ કેન્‍દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહેલું: ‘મોટા ભાગના અન્ય દેશોથી વિપરીત, આપણી પાસે રસીનો સાતત્યપૂર્ણ પુરવઠો છે…આપણી પાસે વૈશ્વિક નેતા હોવા બદલ આપણે સદ્‍ભાગી છીએ…કે જેમણે આગ્રહ રાખ્યો કે અન્ય દેશોને રસી કશા બંધન કે ઔપચારિકતા વિના અપાવી જોઈએ.’

જે 93 દેશોમાં આપણા દેશ દ્વારા રસી મોકલવામાં આવી એના ‘ડબલ્યુ.એચ.ઓ.’ના આંકડા અનુસાર એ 93માંથી 88 દેશોમાં, ગયા સપ્તાહ સુધી કોવિડના કેસોની સંખ્યા કે મૃત્યુ પ્રતિ લાખે ભારતની વસતિની સરખામણીએ ઘણાં ઓછાં છે. 30મી એપ્રિલના રોજ, ભારતભરમાં કોવિડના કુલ કેસ 1.88 કરોડ એટલે કે 1,360 પ્રતિ લાખ હતા. એથી વિપરીત, કુલ 3.68 કરોડ ડોઝ રસી મોકલવામાં આવી એવા પચાસ દેશોમાં પ્રતિ લાખ પાંચસોથી ઓછા કેસ હતા.

20 જાન્યુઆરીએ રસી મોકલવામાં આવી ત્યારે પણ ભારતના કોવિડ કેસ 769 અને મૃત્યુ 11 પ્રતિ લાખ હતાં. એ વખતે પણ 64 જેટલા દેશો ભારત કરતાં બહેતર સ્થિતિમાં હતા. કુલ 6.6 કરોડ ડોઝમાંથી 1 કરોડ ડોઝ ગ્રાન્‍ટ તરીકે, 3.6 કરોડ ડોઝ વેચાણથી અને બે કરોડ ડોઝ ઓછી-મધ્યમ આવક ધરાવતા દેશોમાં રસીનું વૈશ્વિક વિતરણ કરવાના ડબલ્યુ.એચ.ઓ.ના સંયુક્ત કાર્યક્રમ અંતર્ગત મોકલાયા હતા.

કોવિશિલ્ડ રસી બાબતે પછી પરિસ્થિતિ એ હદે કથળી કે એ બનાવનાર પૂણેની સંસ્થાના વડાએ રાતોરાત દેશ છોડીને ઈન્‍ગ્લે‍ન્‍ડ જતા રહેવું પડ્યું.

આ જ સપ્તાહે જાણવા મળ્યા મુજબ બંગલૂરુમાં કોવિડના મૃતકો માટેનાં સાત સ્મશાનો છેલ્લાં ત્રણ સપ્તાહથી અવિરત કાર્યરત છે. તેનો બોજ હળવો કરવા માટે શહેરની બહારના વિસ્તારમાં, બંધ પડેલી ગ્રેનાઈટની એક ક્વૉરીમાં અગ્નિદાહની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

પોતાને વૈશ્વિક નેતા તરીકે રજૂ કરવાનો મોહ પોતાના કેટલાય દેશવાસીઓને મોતના મોંમાં ધકેલી રહ્યો છે એ નજરે દેખાતી હકીકત છે, છતાં હજી સરકાર બકરાને કૂતરું ઠરાવવાનું ચાલુ રાખે છે. શું તેમને નાગરિકોની વિસ્મરણક્ષમતા પર પોતાની નીંભરતા કરતાંય વધુ વિશ્વાસ હશે? તેમને એમ હશે કે એક વાર કુદરતી ક્રમમાં આ બધું પૂરું થાય અને ચૂંટણી આવશે ત્યારે પાછા એ જ જૂના મુદ્દાઓ ઉછાળીને ચૂંટણી જીતી લેવાશે? નેતાઓનો આટલો આત્મવિશ્વાસ નાગરિકોનું અપમાન છે, પણ એ નાગરિકોને લાગે ત્યારે ખરું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩-૦૫–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *