નિસબત : ‘નળ થી જળ’ માટે જળ ક્યાં ?

ચંદુ મહેરિયા

તરસ્યા ગ્રામીણ ભારત માટે ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની રાંગેથી વડાપ્રધાને ‘નલ સે જલ’ યોજનાની ઘોષણા કરી હતી. દેશના જે ૧૯ કરોડ ૧૮ લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી નસીબ નથી., તેમને રૂ. ૩.૬ લાખ કરોડની ‘ગ્રામીણ જલ જીવન મિશન યોજના’ મારફત પાઈપલાઈનથી  સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સરકારે નિર્ધાર કર્યો હતો.તે પછીના વરસે ‘નળ થી જળ’ યોજના વિસ્તારીને તેમાં ૪૩૭૮ શહેરી વિસ્તારોને પણ સમાવવામાં આવ્યા છે. યોજનાના આરંભ સમયે , ૨૦૧૯માં, દેશના માત્ર ૩.કરોડ ૨૩ લાખ ઘરોને જ નળથી પીવાનું પાણી પહોંચતું હતું. ૨૦૨૪ સુધીમાં સરકાર પીવાના પાણીની પહોંચ બહાર રહેલા વીસેક કરોડ પરિવારોને આવરી લેવા માંગે છે.એપ્રિલ ૨૦૨૧ના મધ્ય ભાગ સુધીમાં ૭. કરોડ ૩૬ લાખ પરિવારોને નળથી જળ સુલભ કરી આપી ૩૮.૩૭ ટકા લક્ષ્ય હાંસલ કર્યાનો સરકારનો દાવો છે.

દેશના ૨ રાજ્યો, ૫૨ જિલ્લા ૬૬૩ તાલુકા અને ૪૦,૦૮૬ ગ્રામપંચાયતો હસ્તકના ૭૯,૧૯૬ ગામો ‘નલ સે જલ’યોજના હેઠળ પીવાનું શુધ્ધ અને ગુણવત્તાયુક્ત  પાણી મેળવતા થયાં છે. ગોવા અને તેલંગાણા એ બે રાજ્યોએ ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરીને આ યોજના સંપૂર્ણ પાર પાડી છે.નળ થી જળ યોજનાનો સાઠ ટકા કરતાં વધુ લક્ષ્યાંક પૂર્ણ કરાનારા રાજ્યો છે  : આંદામાન –નિકોબાર અને  પુડુચેરી (૮૮.૨ ટકા),  હરિયાણા (૮૫.૬ ટકા), હિમાચલ પ્રદેશ (૭૫.૬ ટકા), સિક્કિમ(૭૩ ટકા,) પંજાબ (૬૮.૯ ટકા), બિહાર( ૬૪.૧ ટકા), મહારાષ્ટ્ર (૬૦.૫ ટકા )  જે રાજ્યોમાં ૧૦ ટકા લાભાર્થીઓ સુધી પણ યોજના પહોંચી નથી તેમાં પશ્ચિમ બંગાળ ૬.૨ ટકા સાથે મોખરે છે. અસમના ૬.૪ , લદ્દાખના ૭.૫૪ અને ઉત્તરપ્રદેશના ૯.૧  ટકા ઘરો સુધી જ નળ થી પાણી પહોંચ્યું છે. દસ ટકા કરતાં ઓછી સિધ્ધિ હાંસલ કરનારા યુ.પી. અને લદ્દાખ  સહિત નવ રાજ્યો ૨૦૨૨માં તમામને નળથી જળ પહોંચાડી દેવાના છે.!  બીજા આઠ રાજ્યો ૨૦૨૩માં અને બાકીના તમામ ૨૦૨૪ સુધીમાં પીવાના પાણીવિહોણા પરિવારોને જીઓ ટેસ્ટિંગ કરીને પાઈપલાઈન મારફતે પાણી  પહોંચાડવા પ્રતિબધ્ધ છે.

૮૨ ટકા પરિવારોને નળ થી જળ યોજના હેઠળ પાણી પહોંચાડીને ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્યના ૨૦૨૧-૨૨ના બજેટના પ્રુષ્ઠ ૧૨ પર જણાવ્યા મુજબ ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાના તમામ લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચી ચૂકી છે. નર્મદા કેનાલ અને મોટા ડેમ આધારિત પાઈપલાઈનથી પાણી પહોંચાડવાની નલ સે જલ યોજના માટે રાજ્યના બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે  તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યને રૂ. ૧૦૦ કરોડનું વિશેષ અનુદાન આપ્યું છે.

‘નલ સે જલ’ યોજનાનો હેતુ માત્ર પાણીવંચિત પરિવારોને પાણી પહોંચાડવાનો જ નથી. લાંબાગાળા માટે પાણીના સ્ત્રોત ઉભા કરવા, પાણી સંરક્ષણ, પ્રદૂષણરહિત પાણીની ઓળખ અને પાણીની ન્યાયી વહેંચણી થાય તેવા  પ્રબંધનનો હેતુ પણ છે. પ્રુથ્વી એક જળગ્રહ છે.તેના પોણાભાગ પર પાણી તો છે પરંતુ તે સમુદ્રોનું છે. તેથી માનવીનો પાણી માટેનો આધાર વરસાદી પાણી, નદીઓનું પાણી અને ભૂગર્ભ જળ પર છે. ભૂજળનું માનવીએ અમર્યાદિત દોહન કર્યું છે તો નદીઓના પાણીને દૂષિત કરી પીવાલાયક રહેવા દીધા નથી.પાણીના અભાવ કરતા સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થાના કારણે પાણીની અયોગ્ય વહેંચણી થતી હોવાથી ક્યાંક પાણીની રેલમછેલ છે તો ક્યાંક ચાંગળુ પાણી પણ નથી.

પીવા માટે ઉપયોગી ભૂજળનો વેડફાટ અટકાવવા દંડાત્મક સજાની જોગવાઈ ૧૯૮૬ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ઓકટોબર ૨૦૧૯માં ભૂજળની બરબાદી અને દુરુપયોગ રોકવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય ભૂજળ બોર્ડે તેનો અમલ કરવા રાજ્યોને પત્ર લખી ઈતિશ્રી માની લીધી હતી.પરિણામે રાજસ્થાન સરકારે શહેરી ક્ષેત્રોમાં ભૂજળના દોહન પરનો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લીધો છે.દેશની મોટાભાગની વસ્તીની પાણીની જરૂરિયાત ભૂજળથી પૂરી થતી હોય ત્યારે તેના અયોગ્ય ઉપયોગને રોકવા  માટે કોઈ કારગત કદમ ઉઠાવાતા નથી.

ભૂજળનું ઘટતું સ્તર અને તેને કારણે ઉભા થનારા ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ‘અટલ ભૂજળ યોજના’ ઘડવામાં આવી છે. આ યોજના અન્વયે પાણીનું સંકટ સહેતા વિસ્તારોમાં ભૂજળ સંસાધનોનું કાયમી અને નક્કર પ્રબંધન કરવાનું છે. ત્યારે  યોજના માટે ફાળવેલા નાણા નહીં ખર્ચીને તંત્રએ તેની અસંવેદનશીલતા દર્શાવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૨૦-૨૧ના વરસ દરમિયાન  આ યોજના માટે કેન્દ્રે બસો કરોડ રૂપિયાની ફાળવણી તો કરી હતી પણ માત્ર ચોપન લાખ જ ખર્ચાયા હતા !

૧૯૫૧માં દેશમાં વ્યક્તિદીઠ ૧૪,૧૮૦ લીટર પાણી સહજતાથી ઉપલબ્ધ હતું. ૨૦૫૦ સુધીમાં તે ઘટીને ૩,૧૨૦ લીટર થવાની શક્યતા છે. નીતિ આયોગે ભૂજળનું દોહન આજની ગતિએ ચાલુ રહેશે તો ૨૦૩૦ સુધીમાં દેશની ૪૦ ટકા વસ્તીને પાણીના વલખાં પડવાની ચેતવણી આપી છે. એટલે પણ વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય છે. વરસે દહાડે આપણે ત્યાં ૪,૦૦૦ અબજ ઘન મીટર વરસાદી પાણી વરસે છે. તેમાંથી ૧૮૦૦ અરબ ઘન મીટર  વાપરવા યોગ્ય હોય છે. પણ આપણી પહોંચમાં ૧૧૧૦ અબજ ઘન મીટર વર્ષા જળ છે. જોકે આપણે માત્ર ૭૫૭ અબજ ઘન મીટર જ સંઘરી શકીએ છીએ. તે પૈકી ૪૦૦ અબજ ઘન મીટર જમીનમાં ઉતરે છે અને  દેશના તમામ બંધોમાં  ૨૫૪ અબજ ઘન મીટર પાણી સંગ્રહાય છે.  નલ સે જલ યોજનામાં આ મોટા બંધોનું પાણી જ પાઈપલાઈનથી નળ સુધી પહોંચવાનું છે.

પાણીનો બેલગામ અને બેફામ ઉપયોગ અટકાવવાની પણ એટલી જ જરૂર છે. મોટેભાગે ચોખ્ખા પાણીનો જ ઉપયોગ ખેતીમાં થાય છે.તે અંગે ફેરવિચારની જરૂર છે. એક કિલો ડાંગર પકવવા ૨૪૯૭ લીટર, કઠોળ  માટે ૨૦૦૦ લીટર, ઘઉં માટે ૧૫૦૦ લીટર, એક ક્વિન્ટલ શેરડી માટે ૨ થી ૩ લાખ લીટર , એક કિલો ડુક્કરના માંસ માટે ૫૯૮૮ લીટર અને એક જીન્સ પેન્ટ બનાવવા ૫,૦૦૦ લીટર  પાણીનો ઉપયોગ થાય છે.શું પાણીના આ ઉપયોગ વિશે વિચારવાની જરૂર નથી ? સસ્તી વીજળી અને ભૂગર્ભ જળના ઉપયોગથી મબલખ અનાજ તો પેદા કર્યું, અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી જ નથી બન્યો, જંગી બફર સ્ટોક પણ ઉભો કર્યો છે પરંતુ અન્ન સુરક્ષા પછી હવે જળ સુરક્ષા વિચારીશું કે નહીં ?

શહેરી સુવિધાભોગી સંપન્ન વર્ગ પાણીનો દુરુપયોગ કરે છે એટલે દૂરના વિસ્તારો અને ગામડાઓને પીવાનું પાણી મળતું નથી. નલ સે જલ  યોજનાની પ્રાથમિકતા દલિત-આદિવાસી બહુલ  વસ્તી ધરાવતા જળવંચિત ગામો, દુકાળ પ્રભાવિત જિલ્લા,  રણ  વિસ્તારો અને પાણીની નબળી ગુણવત્તાવાળા વિસ્તારો   છે. પરંતુ આપણું વહીવટીતંત્ર આવી પ્રાથમિકતાને ગાંઠે ખરું ? ગુજરાતમાં ૨૬.૮૨ લાખ જળવંચિત પરિવારોમાંથી  ૧૦.૬૨ લાખ પરિવારો દલિત-આદિવાસી હોવા છતાં યોજનાના આરંભના વરસે જ ગુજરાત સરકારે ૧૧.૧૫ લાખ જળવંચિત પરિવારોને નળથી જળ પહોંચાડવાની દરખાસ્ત ભારત સરકારને કરી હતી. તેમાં માત્ર ૬૨,૦૪૩ જ દલિત-આદિવાસી પરિવારો (દરખાસ્તના કુલ પરિવારોના માત્ર ૫.૮૪ %)  હતા. કેન્દ્રમાં અને ગુજરાતમાં બીજેપીની સરકાર હોવા છતાં કેન્દ્રે  ગુજરાતની દરખાસ્તને ‘સમાજના નબળા વર્ગો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવતી “ ગણાવીને પ્રાથમિકતાની યાદ અપાવી સુધારા માટે પરત કરી હતી.

૨૦૨૨માં ગુજરાતમાં અને ૨૦૨૪માં દેશમાં નળ સે જલ યોજના સો ટકા સિધ્ધિ મેળવે તેનાથી શું  ઘરે ઘરે પાણી પહોંચી જશે તેમ માની શકાશે ? ગુજરાતમાં જળ સ્ત્રોત વિનાના ૧૦૨૬ ગામોને ૨૦૧૫-૧૬માં ટેન્કરથી પાણી પહોંચાડવું પડતું  હતું. ૨૦૧૯-૨૦માં તે ગામો વધીને ૧૧૪૯ થયા હતા. જ્યાં નળ છે પણ તેમાંથી જળનું ટીપું પણ આવતું નથી તેવા ગામો ગુજરાતમાં ૨૦૪ અને જ્યાં કોઈ પાણી પુરવઠા યોજના પહોંચી નથી તેથી ગામના સ્થાનિક સ્ત્રોતથી પાણી મેળવે છે તેવા ૨૭ જિલ્લાના ૩૫૦૭ ગામો છે.

નગરો-મહાનગરોમાં આ યોજનાની સફળતા માટે સરકારે અદભૂત કીમિયો કર્યો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકામાં ગેરકાયદે નળ જોડાણને રૂ. ૫૦૦નો દંડ લઈને તે કાયદેસર કરી આપી યોજનાની સફળતાનો ગ્રાફ ઉંચો બતાવવાની છે. જાન્યુઆરી ૨૦૨૧ના અંતે અમદાવાદમાં ૩૦,૧૧૯ ગેરકાયદે વોટર કનેકશનો કાયદેસર કરી આપીને સરકાર મહાનગર અમદાવાદના જળવંચિત ત્રીસ હજાર કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી પહોંચાડી દીધું હોવાના યશોગાન ગાઈ રહી છે.

સરકારો તો એની જ મસ્તીમાં મસ્ત રહેવાની છે પણ પ્રજા તરીકે લોકોએ પાણીને ઘીની જેમ વાપરવાની અને વરસાદના પ્રત્યેક ટીંપાને વેડફાતું અટકાવવાની આદત કેળવવાની છે તો જ ભાવિ પેઢીને  પાણી માટે સર્જાનારા પાણિપતથી ઉગારી શકાશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.