લ્યો,આ ચીંધી આંગળી : યાદ-એ-આદમ શેખાદમ : (ભાગ ૨ અને અંતિમ)

રજનીકુમાર પંડ્યા

ભાગ ૧ થી આગળ

‘એક અરસા પછી…’ રંગવાલા બોલ્યા: ‘શેખાદમના પત્રો પણ આવતા બંધ થઈ ગયા. એની માહિતી પણ આવતી બંધ થઈ ગઈ. કારણ ? કારણ તો એ જ જાણે. બાકી પહેલાં તો કેવું હતું ? એમનો દરેક પત્ર વિગતવાર હોય – લાંબો હોય.’

વળી અટકીને બોલ્યા : ‘ત્યાં જર્મનીમાં લગ્ન હોય કે બીજો કોઈ બનાવ હોય,એનું તંતોતંત વર્ણન એમના પત્રમાં હોય. અરે, એમના પત્રો શું હતા ? પતંગિયાની પાંખનો નમૂનો હતા. એ માણસ આમ એકાએક એવી રીતે, અમારા માટે અવકાશમાં ચાલ્યો ગયો, જાણે કે હવામાં અગરબત્તીની ધૂમ્રસેર વિલીન થઈ ગઈ.’

(શેખાદમ આબુવાલા : તસવીર સૌજન્ય – ગુજરાતી સાહિત્ય પરિષદ)

ક્યારેક એમ લાગે છે કે આપણી ખોપરીમાં આખું બ્રહ્માંડ સમાઈ ગયું છે ને ક્યારેક એવો અહેસાસ તીવ્રપણે થઈ આવે છે કે કીડીના પગની રચનાની પણ આપણને ગમ પડતી નથી, ને બ્રહ્માંડની જાણકારીનો મુકુટ માથે ધરીને ફર્યા કરીએ છીએ. છે શો આ બધો ખેલ ? રેડિયો જર્મની પરથી પણ માતાના કાનમાં ‘અવાજનું મોજું’ માત્ર પ્રસરાવીને સુખ-સ્વરૂપ બની શકતો શેખાદમ આટલો નિર્દય કેવી રીતે બની શકે કે મહિનાઓ સુધી એની એક ચબરખી પણ ના હોય ? નિર્બંધ રહેવાનો જેનો સ્વભાવ છે એવો શેખાદમ પ્રેમપાશ તો ઠીક, પણ લગ્નબંધન ન મળતાં આટલો તૂટી કેવી રીતે જાય ? પછી સાહિર લુધિયાનવીના પેલા ઉર્દૂ શેરની વેદના અનુભવતો હશે ?

ટૂટ કર સાહિલ પે બિખર જાતે હૈં,
વો રિશ્તે, જિન્હે ઝંજીર નહીં મિલતી.

રંગવાલા બોલ્યા : ‘કોણ જાણે કેવી રીતે એણે એની બેકરારી દૂર કરી. ધીરે ધીરે પત્રો આવવા શરૂ થયા. પણ એ બહુ લાંબા અરસા પછી.’

‘કોઈએ મને કહ્યું હતું’ મેં કહ્યું: ’કે એણે એના કામમાં જાતને ખોઈ નાખી. શરૂઆતમાં એને જર્મનીમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો. કારખાનાઓમાં કાળી મજૂરી કરી અને પાછળથી જ્યારે આવું બન્યું, ત્યારે એણે સામે ચાલીને સંઘર્ષની માંગ નહોતી, છતાં કામના ભાર નીચે જાતને વ્યસ્ત રાખી.’

એમણે કહ્યું : ‘એ જર્મની ગયા ત્યારે એમણે શરૂઆતમાં કારખાનાઓમાં અનસ્કિલ્ડ લેબરર તરીકે કામ કર્યું. જર્મન કંપની Boschમાં પણ એ રીતે કામ કર્યા પછી એમને અમેરિકન સૈનિકો માટેની લાઈબ્રેરીમાં કામ મળ્યું. એમાં એ એટલા કંટાળી ગયા કે નોકરી છોડી દેવાનો વિચાર કરતા હતા. એટલામાં જાહેરખબર વાંચીને જર્મની રેડિયોમાં અરજી કરી. ઉર્દૂ સર્વિસમાં ખાલી જગ્યા હતી. એમાં પણ એ પાસ થઈ ગયા, પણ એ લોકોએ કહ્યું કે ભલે મુસલમાન છો, પણ પાકિસ્તાની નથી, એટલે આ જગ્યા તમને ના આપી શકાય. ’હિંદી ભાષા જાણો છો?’ શેખાદમે હિંદીનો પણ ઈન્ટરવ્યૂ આપ્યો. એમાં સફળ થયા, લેવાયા અને એમાં જ છેલ્લે નોકરી છોડી ત્યાં સુધી રહ્યા. પ્રોગ્રામની પંદર મિનિટ હતી, પણ એમાં એટલી લોકપ્રિયતા મળી કે પિસ્તાલીસ મિનિટ એમને ફાળવવામાં આવી. હોદ્દો પણ વધતો વધતો બીજી શ્રેણી સુધી પહોંચ્યો. અને કામ એ પ્રથમ શ્રેણીનું કરવા માંડ્યા. પણ આમ છતાં પગાર એમને પ્રથમ શ્રેણીના ઓફિસરનો કદી ન મળ્યો. કારણ કે એ જર્મન નહોતા.’

ગાયિકા માલતી લાંગે શેખાદમ આબુવાલા (તબલાં પર)

‘કમાલ વાત છે.’ મેં હસીને કહ્યું: ‘મુસલમાન હતો, એટલે પ્રિયતમાને પરણી ન શક્યો. પાકિસ્તાની નહોતો માટે એની પ્રિયતમા જેવી ઉર્દૂને એ મળી ન શક્યા. જર્મન નહોતો માટે એને શ્રેષ્ઠતમ જગ્યા ન મળી. ખબર નથી પડતી કે શા માટે એ શું નહોતો એ જ એ લોકોએ જોયા કર્યું ? એ શું હતો એ કેમ કદી ન જોયું?’

ધીમું હસી દેવા સિવાય બીજો આનો શો જવાબ હોય ? રંગવાલાના ચહેરા ઉપર પણ એવો ભાવ આવી ગયો. મને અચાનક જ શેખાદમનું સ્મિત યાદ આવી ગયું. એ કેવળ સ્મિત ક્યાં કદી કરતો ? સાંગોપાંગ કેવળ સ્મિત, કેવળ હાસ્ય, કેવળ પ્રસન્નતા બની જવાનો એનો સ્વભાવ હતો. મેં કદી એની પૂરી ખૂલેલી આંખો જોઈ નહોતી. હસવાને કારણે એ સદાયે માત્ર ચહેરા પરથી બે તિરાડ જેવી જ જોઈ હતી. હા, એવા દોમદોમ હાસ્ય પાછળ પણ જિંદગીમાં એની પાસે શું નહોતું, એ શાનાથી વંચિત હતો એ ન જોયું. બસ હંમેશા એની મસ્તી,રંગીની, મજાકી અને ખુશમિજાજીની દંતકથાઓ માણી, પણ એની વાદળી(સ્પંજ)માંથી ઝમતી સત્યકથાને પામવાની કોઈએ તજવીજ કરી ?

કેવી હતી એ સત્યકથા? કોઈ ગુપ્ત વ્યથાકથા?

‘એને માગતાં આવડતું નહોતું.’ એક મિત્રે મને કહ્યું હતું. નહીં તો એ ન્યાલ થઈ ગયો હોત. મિત્રો હતા એવા એને…જેમણે એને કહ્યું હતું કે ગમે ત્યારે જરૂર પડે, જરા પણ સંકોચ વગર માગી લેજે. માધવસિંહ સોલંકી એમાંના એક હતા. શેખાદમ એમની પાસે કંઈ પણ માગી લે એમ હૃદયથી ઈચ્છતા હતા. બલકે…’

‘તડપતા હતા કે શેખાદમ કંઈ માગે.’ મેં કહ્યું : ‘એમ જ ને ?’

‘એમ જ.’ એમણે કહ્યું: ‘પણ શેખાદમ એમને કહ્યા કરતો કે યાર, માંગ લૂંગા જરૂરત પડને પર…’ આમ જ વર્ષો વીતી ગયાં. એમાં એક દિવસ શેખાદમ સવારના પહોરમાં માધવસિંહને ત્યાં પહોંચી ગયા. કહે કે ‘યાર માંગને આયા હૂં. દોગે ના !’ માધવસિંહે હસીને પૂછ્યું કે, ‘અરે યાર, માંગ તો…’ શેખાદમ એકદમ ગંભીર થઈ ગયા… માધવસિંહને ખભે હાથ મૂકીને બિલકુલ કરગરવા જેવા સ્વરે, જાણે કે લાખો કરોડોની દોલત માગતા હોય એમ બોલ્યા: ‘એક ચીજ માંગતા હૂં, યાર, ‘ઘાયલ’ કો છોડ દો.. ઈતના કામ કર દો.’

સાંભળીને હું સ્તબ્ધ બની ગયો હતો. શાયર અમૃત ‘ઘાયલ’ને એ વખતે રાજકોટમાં ડી.એસ. પી. દત્તાએ નશાબંધીના ભંગ જેવા ’ભૌગોલિક ગુના’ માટે ઝડપ્યા હતા, પણ તડપ્યા હતા શેખાદમ. ઘાયલ તો તાતા તીર જેવા હતા. એ શાના કોઈને કહેવા જાય અથવા જવા દે? શેખાદમને મિત્રે આપેલું વચન યાદ આવી ગયું. ‘કભી કુછ માંગ લેના.’ બસ, શેખાદમને માંગ લિયા. ‘શાયરમિત્રની મુક્તિથી વિશેષ દોલત કઈ હોય ?’

‘શેખાદમ બહુ ગરીબ રહ્યો… સાવ અકિંચન અને દરિદ્ર, એવી એવી વાતો મેં સાંભળેલી.’ મેં જરાતરા સંકોચથી પૂછ્યું. ’હોય…હોઈ શકે…નહીં? મેં પૂછ્યું.

‘હોઈ શકે અને હોવા વચ્ચે ઘણો ફેર છે.’ રંગવાલાએ એની શરારતી આંખોવાળી તસવીર તરફ જોઈને કહ્યું: ‘એ પૈસાદાર નહોતો, એથી કરીને ગરીબ કહેવાય ? ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા એના જીવનમાં એ રાહ પર. પણ એના પિતા શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ આબુવાલા માઉન્ટ આબુમાં રસ્તા અને મકાનોના મોટા કોન્ટ્રાક્ટર હતા. શેખાદમનો જન્મ 1929 ની ઑક્ટોબરની 15 મીએ. દસ વરસનો હતો, ત્યારે એના પિતા ગુજરી ગયા. કાકા એ પછીના બે વર્ષે જન્નતનશીન થઈ ગયા. એ વખતે આબુ-અમદાવાદમાં સંયુક્ત નામે મકાનો હતાં, પણ વખતના વધવા સાથે આવક ઘટતી ગઈ. કાકાને ત્યાં માત્ર છોકરીઓ જ સંતાનમાં હતી, અહીં પણ શેખાદમ અને અબ્દેઅલી એમ બે ભાઈઓ અને ચાર બહેનો હતાં. સાચવણી માટે મિલકત ચુમ્માલીસની સાલમાં સરકારને સોંપી આપેલી તે છેક પાંસઠમાં પાછી મળી. દરમિયાન આ વીસ વર્ષોમાં માસિક આવક પાંચસોથી હજારની જ રહી. મોંઘવારી વધવા સાથે આમદાની ન વધી, એટલા પૂરતો હાથ ભીડમાં રહ્યો. એ સાચું, પણ ગરીબાઈ કહેવાય તેવું તો નહીં જ. એમ તો પિતાને ફોટોગ્રાફીનો શોખ હતો, જે અબ્દેઅલીભાઈને વારસામાં મળ્યો હતો. ને એ બહુ ઉત્તમ ફોટો-આર્ટિસ્ટ બન્યા. અબ્દેઅલી આબુવાલાનું નામ કોણ નહીં જાણતું હોય ? એમની પણ આવક થતી. પછી શેખાદમ જર્મની ગયા અને અડસઠની સાલમાં પાછા આવ્યા ત્યારે કંઈ ખાલી હાથે નહોતા આવ્યા. નોકરીમાં પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી વગેરે મળીને એંસી હજાર જેટલી રકમ ભારતમાં લાવ્યા હતા, અને તરત જ ડહાપણભર્યું કામ કરીને બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝીટમાં એ રકમ મૂકી દીધી હતી. એમાંથી સહેજે માસિક હજાર ઉપરની આવક થતી એ એમણે અમ્માને માટે અકબંધ રાખી. જરૂર પડી ત્યારેય પણ એ ડિપોઝીટને તોડી નહીં. ઉપરાંત એક ઈરાની હૉટલનું મકાન, એક મકાન બેંકને ભાડે આપેલું તેની આવક…એમ કંઈ સાવ કંઈ હતું જ નહિં એવું નથી…’

‘આવું ન બોલો.’ હું બોલ્યો : ‘શાયર ગરીબ ન હોય તો અમે એને ચાહી શકતા નથી. જે એનું ઘેરી રેખાઓનું બનેલું ચિત્ર છે, એમાંથી અમને ગમી ગયેલી રેખાઓ આમ ભૂંસી ન નાખો. લેખક અને શાયરના ચિત્રમાં તો શરાબ પણ આવે,સુંદરી તો આવે, આવે ને આવે જ .’

‘એ તમારે જોઈતો રંગ હરેક શાયરના ચિત્રમાં તમે ખોળો છો. પણ શેખાદમને શરાબથી વિશેષ પ્રિય શું હતું, જાણો છો ? કે જે તેણે મરવાના દિવસ સુધી છોડ્યું ન હતું ?’ રંગવાલાએ પૂછ્યું.

‘મરતા દમ સુધી એને વહાલી હતી એવી ચીજ કઈ હશે તે હું જાણું…’ એમ હું બોલ્યો, અને શેખાદમની મજાક કરવા પર આવી ગયો. મજાકનું પાત્ર બનાવવા માટે જન્નતશીનોને પણ જમીન સુધી ખેંચી લાવવામાં આપણને છૂપો ક્રૂર આનંદ મળે છે, મેં પણ લીધો. ‘શરાબ નહીં તો શરાબનો ભાઈ બિયર, કેમ ?’ પછી કલ્પનાને તર્કથી ટેકવી પણ દીધી : ’જર્મનીમાં જિંદગી ગાળનાર બીજું શું પીએ ?’

તારક મહેતાએ એમના એક લેખમાં લખેલું કે એક વાર બંનેએ ભેગાં મળીને સવારથી સાંજ સુધીમાં બિયરનું આખું બોક્સ ખાલી કરેલું. એમને યાદ આવી ગયું. અને સાથે એ પણ તત્ક્ષણ યાદ આવ્યું કે શેખાદમ એક વાર જૂનાગઢ આવેલા ત્યારે કાયદા કરતાં પણ લાંબા હાથવાળા મિત્રોએ એમને ‘ભૌગોલિક ગુનો’ કરવા આમંત્રણ આપેલું, ત્યારે શેખાદમે હસીને ના પાડેલી. ‘છોડ દિયા હૈ, અબ ભી ઉસે ન છોડૂં, તો મેરે ડોક્ટર મુઝે છોડ દેંગે.’ આ સંવાદ વખતે હું પોતે જુનાગઢમાં હતો એટલે હાજર હતો. એટલે આટલો શ્રવણાનંદ મને પણ પ્રાપ્ત થયેલો.

છતાં કદાચ છેલ્લે છેલ્લે શરૂ કર્યો પણ હોય… ‘ના’  રંગવાલા બોલ્યા: ‘શરાબ કે બિયરની વાત નથી. જુદી જ વાત છે. વાત સાંભળીને હોઠ પર હાસ્ય આવી જશે, અને આંખોમાં પાણી. વાત આઈસ્ક્રીમની છે. ખબર છે, શેખાદમને આઈસ્ક્રીમ બહુ વહાલો હતો ?’

આઈસ્ક્રીમની પ્યાલીઓ ઉપર એક બનાવ મને બે-ત્રણ વર્ષ પહેલા દિવંગત થયેલા વરિષ્ઠ પત્રકાર પ્ર. રા. નથવાણીએ કહેલો. નથવાણી જ્યારે ’અંજલિ’ બહાર પાડતા, ત્યારે શેખાદમ એમને છેક જર્મનીથી ગઝલો મોકલતા અને પુરસ્કાર લેવા માટે નથવાણી એમને એમને આગ્રહ કરતા ત્યારે ‘જબ ઈન્ડિયા આઊં તબ ઉતને કા આઈસ્ક્રીમ ખિલા દેના’ એમ લખતા. વાત મજાકની હતી, પણ નથવાણી જ્યારે એમને મળતા ત્યારે ગળા સુધી આઈસ્ક્રીમ ખવડાવ્યા વગર છોડતા નહીં. અમદાવાદમાં એક વાર આઈસ્ક્રીમની પ્યાલીઓ ઉપર એ બંને બેઠા હતા ત્યાં (હવે તો મર્હૂમ) શાયર મહેન્દ્ર ‘સમીર’ આવી ચડ્યા હતા. આઈસ્ક્રીમની પ્યાલી નીચે મૂકીને તરત જ શેખાદમ એમને ભેટી પડ્યા અને એ વખતે તાજીતાજી બહાર પડેલી ‘ખુરશી’ કાવ્યોની ચોપડી એમણે એમ લખીને ‘સમીર’ને ભેટ આપી કે ‘તગઝ્ઝુલના ખમીર, મહેન્દ્ર ‘સમીર’ને…’

પોતાની કટાર ‘તસવીર દિખાતા હૂં’ માટે ઈન્‍ટરવ્યૂ લઈ રહેલા શેખાદમ

એક શાયરે પોતાની જ ઉંમરના બીજા સમકાલીન શાયરને ‘તગઝઝુલનું ખમીર’ કહીને જે ખેલદિલી અને નિખાલસતા બતાવી હતી અને તે પણ અનાયાસ, સહજ રીતે સ્ફુરેલી પંક્તિઓ વડે, તે જોઈને મને થયું કે આ માણસમાં જેટલો સહજ કવિ છે, એટલો જ સહજ માણસ છે,

‘કેટલો સહજ માણસ?’ રંગવાલા બોલ્યા : ‘શેખાદમને વરસાદમાં ભીંજાવું બહુ ગમતું હતું. મુંબઈમાં એક વાર મારા સાઢુભાઈ (શેખાદમના બીજા બનેવી) કારમાં કારખાને અંધેરી જવાની તૈયારી કરે. શેખાદમ કહે છે કે મારે પલળવું છે. ચાલો, મોટરસાઈકલ પર જઈએ. બંને એ રીતે નીકળ્યા. વરસાદ અનરાધાર અને એમાં ભૂલથી પ્રવેશબંધીવાળા રસ્તે પેસી ગયા. પોલીસ જમાદાર કહે કે બસ, નામ લખાવો ને લખાવો. પણ શેખાદમ કહે કે એવું બોર્ડ ક્યાં છે કે આ રસ્તે વન-વે છે ? જમાદારે એક ખૂણામાં ત્રાંસુ થઈ ગયેલું,ન ઊકલે તેવું બોર્ડ બતાવ્યું. શેખાદમ કહે કે આ બોર્ડ તો ફરી ગયું છે. ત્રાંસુ થઈ ગયું છે. કોઈ પણ વ્યક્તિને ગેરમાર્ગે દોરે તેવું છે. શા માટે તમે સાચું સરખું બોર્ડ ન મૂકીને લોકોને હેરાન કરો છો ? પણ જમાદારની જાત જડભરતની હતી. ન માન્યો. કહે કે હું એ કંઈ જાણું નહીં. તમે નામ લખાવો.’

‘પછી શું થયું? નામ લખાવ્યું એટલે પેલો પ્રશંસક તરીકે પ્રગટ થઈને પગમાં પડી ગયો?’ મેં પૂછ્યું.

‘ના.’ એમણે કહ્યું : ‘એવી પરીકથા આમાં નથી, પેલો જડભરત જો એમ કહેત કે હું તમારો પ્રશંસક છું, તો શેખાદમ પણ હું શેખાદમ નથી, એમ કહી દેત. આવી બંને વચ્ચે અડી ગઈ હતી. પણ આમાં તો એવું બન્યું કે બનેવીને શેખાદમ કહે કે તમે પેલા છાપરા નીચે ઊભા રહો. હું આ ગલીના નાકે ઊભો છું. કહીને એ ગલીના નાકે બોર્ડની જગ્યાએ ઊભા રહી ગયા. ભૂલથી ગલીમાં પ્રવેશ કરતાં દરેક વાહનવાળાને આ વન-વે છે, અંદર જશો તો મરશો, અંદર કબ્રસ્તાન છે. જનારનો ત્યાંથી છૂટકારો થતો નથી એવું જોરજોરથી કહેવા માંડ્યા. આવું અર્ધો કલાક ચાલ્યું. વરસાદ રહી ગયો, પણ શેખાદમ ના રહ્યા. અંતે જમાદાર પાંડુંરંગ કંટાળી ગયો. નામ લખેલો કાગળ ફાડી નાખ્યો અને સાઈકલનું પૅડલ મારીને બબડતાં બબડતાં જતો રહ્યો.’

લાંબી માળાના અલગ અલગ મણકા જેવાં આ બધાં સંસ્મરણ. એક ઘટનાને બીજી સાથે કોઈ સંબંધ નહીં, છતાં શેખાદમને દોરે પરોવીને જોઈએ ત્યારે એવો આભાસ પેદા થાય કે શેખાદમની તસવીર પર યાદની ધીમી ધીમી લહેરમાં સુગંધી ફૂલની માળા હળુહળુ ઝૂલે છે ને મીઠા ઘેનમાં આપણી આંખો બીડાઈ જાય છે.

‘પણ આ તો બધી કલ્પના જ.’ મેં રંગવાલાને કહ્યું: ‘આ ઓરડામાં તો શેખાદમે દમ તોડ્યો. અહીં બેઠેલ માણસને કેવળ ઘેરી કલ્પનાઓનું ધુમ્મસ ઘેરી વળે છે, તેમ નથી લાગતું ?’

રંગવાલા શું કહે ? તેમની સાથે દીપક બુઝાયાનું દૃશ્ય તાજું જ હતું : ‘મેં કહ્યું ને ?’ એમણે કહ્યું : ‘શેખાદમ બીમાર પડે ત્યારે ગમે ત્યાં હોય, પણ અચૂક મા પાસે ચાલ્યા જાય. માનો હાથ એમના કપાળે ન અડે ત્યાં સુધી એમને કરાર ન વળે. પણ આ વખતે એ અંતિમ દિવસે અહીં મારે ત્યાં શા માટે હતા ? તેની પણ એક વાત છે. પાંચમી મેની આસપાસ એમની તબિયત બગડી હતી. એમને અમે વી. એસ. હોસ્પિટલ  લઈ ગયા હતા, ઊલટીઓ બહુ થતી હતી અને ઝાડો પણ બંધ થઈ ગયો હતો. થોડા દિવસ ત્યાં રહ્યા અને પછી ડિસ્ચાર્જ કર્યા ત્યારે અમદાવાદ આખું કરફ્યુગ્રસ્ત હતું. જો કે, શેખાદમ પાસે પાસ હતો. પણ માંદા માંદાય એમની એટલી ચિંતા કે એમના પાસનો કોઈ દુરુપયોગ ના કરી જાય. મારી કારમાં બેઠાંબેઠાં ય પાસ બરાબર તપાસી લીધો. એમને એમ કે અમે એમને ઘેર રાયખડ વહોરવાડ જઈશું. પણ મેં ગાડી મારા ઘર તરફ લીધી. એક ક્ષણ એમણે પ્રશ્નાર્થસૂચક દૃષ્ટિથી મારી સામે જોયું. પણ પછી કશું બોલ્યા નહીં. મારા ઘેર, આ જે કમરામાં આપણે બેઠા છીએ તે એમનો સ્પેશયલ રૂમ. એટલે કે ‘ભાઈનો કમરો’ ગણાતો. કારણ કે વહોરવાડવાળા ઘેર અમ્માની હાજરીમાં એ સિગારેટ ન પીએ, રાત જાગરણ ન કરે. ભાઈ દોસ્તારો સાથે જોરજોરથી ઠઠ્ઠા ન કરે. જ્યારે એ બધું અહીં કરી શકે. એ રૂમમાં અમે લાવીને એમને રાખ્યા. આ જ પલંગ પર કે જે પલંગ એ ખાસ જર્મનીથી લાવેલા, એના ઉપર ‘હાશ’ કરીને લાંબા થઈને સૂતા. અમને એમ કે કદાચ થોડી વાર પછી પેલા ઘેર લઈ જવાનું કહેશે. પણ કશું જ ન કહ્યું. વાતોએ વળગ્યા.’

‘બાકીના દિવસો એમણે અહીં જ ગાળ્યા ?’

‘હા, અહીં જ. આ રૂમમાં જ. પણ વારંવાર પીડા ઊભરાઈ આવતી. પેટમાં પાણી ભરાઈ જતું હતું. 19મી મે એ રવિવાર હતો અને એટલી અસહ્ય પીડા એમના પેટમાં ઊપડી કે તાબડતોબ પાણી કઢાવવા હૉસ્પિટલે લઈ ગયા. પતાવીને પાછા આવ્યા ત્યારે એ બહુ થાકી ગયેલા. એટલા બધા કે પાછા આવીને દાદરો ચડીને આ કમરામાં આવવાને બદલે નીચે મારા બેડરૂમમાં જ સૂઈ ગયા. મને કહે કે ‘સિરાઝ, તમે જાઓ, ઉપર મારા રૂમમાં સૂઓ.’ હું ઉપર આ રૂમમાં આવ્યો એ નીચે મારા બેડરૂમમાં હતા. સાથે એમનાં બા, ભત્રીજી વગેરે સૂતાં. એમને ઘેન હશે, તે ઊંઘ તો આવી ગઈ. બહુ લાંબી આવી. પણ વીસમી મે, એટલે કે વળતે દિવસે સવારે આઠ વાગ્યે એમની આંખ ખૂલી ગઈ. એમના મનમાં વિચાર આવ્યો હશે કે આ હું ક્યાં સૂતો છું ? આ તો સિરાઝનો કમરો છે, અને એમાં દરરોજ સવારે પલંગમાં પડ્યાં પડ્યાં છાપું વાંચવાની એમને આદત છે. એમની બિચારાની સવાર હું ક્યાં બગાડું છું ? આવું એમને લાગ્યું અને અશક્ત હતા છતાં એ ઉપર આ રૂમમાં આવ્યા. મને ઉઠાડીને કહે, ‘જાઓ સિરાઝ, તમે તમારા રૂમમાં જાઓ. તમારી આદત હું જાણું છું.’ મને નવાઈ લાગી. પણ એમની આંખોમાં મારી કાળજીનો આગ્રહ હતો. હું ઊભો થયો. અને મારા કમરામાં ચાલ્યો ગયો અને એ અહીં આ પલંગ પર સૂતા.’ જીવનથી છલકાતા શેખાદમને મેં જોયો હતો.અશક્ત,આજાર શેખાદમની કલ્પના કરવી મુશ્કેલ હતી. એ ચિત્ર આ વાતથી તાદૃશ થયું.

પણ અશક્ત, આજાર શેખાદમમાંય જીવનના આનંદની માત્રા ઓછી થઈ નહોતી. આઠ વાગ્યે એમને ઊલટી પર ઊલટી ચાલુ થઈ હતી. પેટમાં પાણી કે બરફનો ટુકડો ચૂસ્યાનું થોડું પ્રવાહી પણ ટકતું નહોતું. છતાં અગિયાર વાગ્યે એમણે રાસ્પબરીનો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા કરી. વાડીલાલના આઈસ્ક્રીમ એમને બહુ ભાવતા હતા. સિરાઝ રંગવાલા ચાલુ કામ છોડીને પણ સાડા અગિયારે ઘેર આવી ગયા. એ આવ્યા ત્યારે શેખાદમ રૂમાલ વતી સોફા ઉપરથી ઊલટીના ડાઘ સાફ કરતા હતા.

‘અરે,અરે.’ રંગવાલાએ કહ્યું : ‘શું કરો છો ?’

શેખાદમ વેદનાપૂર્વકનું હસ્યા. બોલ્યા : ‘બતુલનું કંઈ બગડે છે, એ મારાથી સહન નથી થતું.’ બતુલ એટલે શેખાદમનાં બહેન, રંગવાલાનાં પત્ની.

‘અરે, એ તો માણસ સાફ કરી નાખશે. તમે ચિંતા ના કરો.’

‘મને બતુલનો સોફો બગડે એની ચિંતા ભલે હોય, પણ તમે મારી એક ચિંતા કરી?’ શેખાદમે એમને પૂછ્યું : ‘કેટલા વખતથી તમને કહી રાખ્યું છે ?’

‘એ શાની ચિંતા હતી?’ મેં બહુ પૂછ્યું, ત્યારે રંગવાલાએ મને ફોડ પાડીને કહ્યું, ’શેખાદમની તીવ્ર ઈચ્છા એવી હતી કે મરતાં અગાઉ એક વસિયતનામું કરવું, જેમાં લખવું કે મારી જે કંઈ મિલકત છે તે મારા બનેવી મિત્ર સિરાઝ રંગવાલાને આપવી. પણ આવું વસિયત કરવાનું રંગવાલા ટાળ્યા કરતા હતા. કહેતા હતા કે શી જરૂર છે ?  બધા જાણે જ છે આપણા સંબંધોને. સૌને ખબર જ છે કે તમારું એ બધું મારું જ છે. આમ છતાં શેખાદમે અત્યારે પણ આ યાદ કર્યું. મૂળ એમની ચિંતા અમ્માની.’

‘કરીશું.’ રંગવાલાએ કહ્યું :’પહેલાં તમે સાજા થાઓ. પછી કરીશું. પણ બોલો, અત્યારે તમારી શી ઈચ્છા છે, કંઈ ખાવું છે ?’

‘હા, એક વસ્તુ એવી છે કે જે નથી ખાવી, ને બીજી એવી છે કે જે ખાવી છે.’

‘કોયડો ના પૂછો.’ રંગવાલાએ કહ્યું, ‘કહી દો.’

‘એક તો એ-‘ શેખાદમે કહ્યું : ‘કે ઈંજેક્શનો નથી ખાવાં. સવારે ડોક્ટરોએ લોહી તપાસીને કહ્યું છે કે મને જૉન્ડિસ-કમળો છે. એ જે હોય તે, પણ મને ઈંજેકશનોનો ફોબિયા (ભડક) છે… મરી જાઉં તો પણ નહીં ખાઉં.’

‘ઓ.કે…’ રંગવાલા બોલ્યા: ‘ખાવું છે શું ?’

‘વાડીલાલનો રાસ્પબરી આઈસ્ક્રીમ.’ શેખાદમે ફરી આંખો તિરાડ જેવી થઈ જાય એટલું હસીને કહ્યું : ‘એ લાવી આપો. જુઓ, મારા પેટમાં પાણી નહીં ટકે. આઈસ્ક્રીમ ટકશે.’

દોડાદોડ સિરાઝ રંગવાલા બજારમાં જાતે જ ફરી વળ્યા. રાસ્પબરી ક્યાંય ના મળ્યો, એટલે વાડીલાલનાં જેટલાં ફ્લેવર મળતા હતાં તે બધાં જ મોટા મોટા પેકમાં લઈ આવ્યા. શેખાદમે પેટ ભરીને ખાધો. બે ઘડી જંપી પણ ગયા. દરમિયાન ડોક્ટર આવી ગયા. ઈંજેકશન દેવા માટે નસ શોધી. પણ નસ (વેઈન) મળી નહીં. શેખાદમ અર્ધ ભાનમાં પણ શરારતી હાસ્ય કરતા રહ્યા : ‘ચાલો, ‘વેઈન શોધો સ્પર્ધા’  કરો મારા શરીર પર.’

સિરાઝ રંગવાલા થાકીને નીચે પોતાના રૂમમાં જઈને સૂતા, પણ વારંવાર આવીને ખબર પૂછતા રહ્યા. એક વાર શેખાદમે ફરી કહ્યું, ‘મને બુવાજી (માં) ની ચિંતા થાય છે. અરેરે…વસિયતનામું તમારા નામે કરી નાખ્યું હોત…’ પણ પછી બોલ્યા: ’મારે મન તો જો કે તમારા શબ્દો જ મારા વસિયતનામા બરાબર છે. મને સંતોષ છે. બુવાજી દુઃખી નહીં થાય.’

‘શાંતિથી સૂઈ જાઓ.’ સિરાઝ રંગવાલા બોલ્યા. અને ફરી નીચે ચાલ્યા ગયા.

પણ માંડ આંખ મળી, ત્યાં શેખાદમનાં બા અને બહેનની બૂમ ઉપરથી સંભળાઈ : ‘જરા જુઓ તો. ભાઈ આમ કેમ કરે છે?’

સિરાઝ દોડીને હાંફળાફાંફળા ઉપર ગયા. ‘શું થયું ?’ એમણે પૂછ્યું ને શેખાદમની સામે જોયું. એ બેચેન થઈને ઓશીકા પર ડોકી ફેરવ્યા કરતા હતા. અસુખ હતું.

અમ્મા બોલ્યાં : ‘ભાઈ બોલ્યો કે ભાઈ સિરાઝને બોલાવો.’ સિરાઝની આંખમાં પાણી આવી ગયાં. ગયાં. શેખાદમના માથે એમણે હાથ મૂક્યો. એણે ધીરેધીરે બંધ થતી આંખો ફરી ખોલી. એક નજર બુવાજી તરફ અને બહેન તરફ નાખી અને સિરાઝ સાથે નજર મળી ન મળી ત્યાં જોરદાર ઊબકો આવ્યો. ઊલટી થઈ અને આદમ ઊડી ગયો. એટલે દૂર કે જ્યાંથી રેડિયોનાં ક્ષીણ મોજાં પણ ન ફેંકી શકાય. એ તારીખ તે 20-5-1985.

**** **** ***

પંકજ ઉધાસના ગળામાં સાંભળીએ છીએ ત્યારે શેખાદમ ફરી સદેહે મળવા આવ્યો હોય એમ લાગે. શેખાદમના શબ્દોની આટલી ઉત્તમ અદાગીરી પંકજ દ્વારા કેમ ?

સિરાઝ રંગવાલાએ કહ્યું :’પંકજને પ્રથમવાર એમ. રવજીવાળા (હવે તો મર્હૂમ) અહમદભાઈને ત્યાં સાંભળ્યા પછી શેખાદમને લાગેલું કે મારા કલામનું જો કોઈ ઈન્સાની જિસ્મ હોય તો તે પંકજ ઉધાસ છે. એ પછી વર્ષો વીતી ગયાં. પંકજ –મનહર- નિર્મળ ઉધાસના ઘરમાં શેખાદમ માત્ર અબુભાઈ નામનો હૃદયસરસો વડીલ બનીને રહ્યો.

પંકજની ગાયકીથી આદમની ગઝલો સર્વત્ર વ્યાપી વળી કે પછી આદમની કલમથી પંકજનું ગળું સુગંધની જેમ દેશ-વિદેશમાં ચોગરદમ પ્રસરી ગયું ? તે વિવાદ ક્યારેક કોઈ ઉપાડે છે, ત્યારે બહુ જુગુપ્સા ઊપજી આવે છે. સુગંધ ક્યાંથી આવે છે, એ જોવા માટે કોઈ મૂઢ માણસ પુષ્પની પાંખડીઓને આંગળીઓ વતી પીંખતો હોય એ જોઈને જન્મે એવી જુગુપ્સા !

(પંકજ ઉધાસ)

પકંજ ઉધાસ વરસોવરસ યોજાતા ‘યાદે આદમ’ના કાર્યક્રમમાં આદમની જ એક ચીજ ‘શરાબ જિસ ને બનાઈ ઉસે હમારા સલામ’ ગાય છે, ત્યારે એનું હૃદય ભરાઈ આવે છે. એનો તાલીમી કંઠ પણ ડુમાઈ જાય છે. આંખોના ખૂણા વહી ચાલે છે.

અનુભવાવું તો એટલું જ જોઈએ કે જેટલી મિનિટ માટે એની ગઝલ પંકજ ઉધાસના કંઠેથી ઝરે છે એટલી મિનિટો માટેના વીઝા પર શેખાદમ આપણને મળવા માટે જન્નતથી નીચે ઊતરી આવે છે.


( આ લેખ લગભગ ૧૯૮૭ની આસપાસ લખાયેલો છે. હવે તો સિરાઝ રંગવાલા પણ જન્નતનશીન છે.)


લેખકસંપર્ક

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

3 thoughts on “લ્યો,આ ચીંધી આંગળી : યાદ-એ-આદમ શેખાદમ : (ભાગ ૨ અને અંતિમ)

  1. માણસ ચાલ્યો જાય છે અને એની યાદો રહી જાય છે પણ શેખાદમ જેવા હમેશા એમની ગઝલો દ્વારા અમર બની જાય છે

Leave a Reply

Your email address will not be published.