ચિરાગ પટેલ
उ.१०.४.५ (१२८४) एष सूर्यमरोचयत्पवमानो अधि द्यवि। पवित्रे मत्सरो मदः॥ (प्रियमेध आङ्गिरस, नृमेध आङ्गिरस)
પવિત્ર કરનાર, આનંદિત કરનાર શુદ્ધ સોમ દ્યુલોકમાં સૂર્યને પ્રકાશિત કરે છે.
દ્યુલોક એટલે કે અવકાશમાં સૂર્યને પ્રકાશિત કરનાર સોમ છે એમ ઋષિ કહે છે. સૂર્યનો પ્રકાશ હાઇડ્રોજનના હિલિયમમાં રૂપાંતરણ અંતર્ગત ઉત્પન્ન થતાં ફોટોન કણો પર આધારિત છે. એટલે કે, સોમ એ જ ફોટોન. આ ફોટોન વાઇરસનો નાશ કરી પવિત્ર અર્થાત રોગમુક્ત કરનાર, અને જીવમાત્રમાં વિટામિન ડી દ્વારા આનંદિત કરનાર એટલે કે જાગૃતિ આણનાર છે. ઋષિનું આ અવલોકન આશ્ચર્ય પમાડે એવું છે.
उ.१०.४.६ (१२८५) एष सूर्येण हासते संवसानो विवस्वता। पतिर्वाचो अदाभ्यः ॥ (नृमेध आङ्गिरस, इध्मवाह दार्ढच्युत)
કોઇનાય બંધનમાં ના રહેનાર, સ્તુતિ કરવા યોગ્ય આ સોમ તેજસ્વી સૂર્ય દ્વારા જળ વગેરે તત્વોમાં ભેળવવા છોડવામાં આવે છે.
સોમને પ્રાણ અર્થાત ઑક્સીજન અને ફોટોન એમ બંને અર્થમાં લઈએ. સૂર્યપ્રકાશ દ્વારા જળચક્ર અંતર્ગત ઑક્સીજન પાણીમાં સંયોજિત થાય છે. વળી, સૂર્યપ્રકાશના ફોટોન સમુદ્ર વગેરેના પાણીમાં ઊંડે સુધી ભળે છે. ઑક્સીજન સદૈવ કોઈ બીજા તત્વ સાથે ભળવાની વૃત્તિ દાખવે છે. જ્યારે ફોટોનનો કણ કોઈના બંધનમાં રહેતો નથી, એ માત્ર ઉર્જાની આપ-લે કરી શકે છે. એટલે, સોમ માટે ફોટોનનો અર્થ વધારે બંધ બેસતો છે.
उ.१०.५.२ (१२८७) एष इन्द्राय वायवे स्वर्जित्परि षिच्यते। पवित्रे दक्षसाधनः ॥ (नृमेध आङ्गिरस)
શક્તિવર્ધક, સ્વર્ગીય સુખને પોતાના અધિકારમાં રાખનાર દિવ્ય સોમ અંતરિક્ષમાંથી ગળાઈને ઇન્દ્ર અને વાયુ નિમિત્તે નીચે આવે છે.
આ શ્લોકમાં સંપૂર્ણપણે સોમનો અભૌતિક અર્થ અભિપ્રેરિત છે. સોમ અંતરિક્ષમાંથી ગળાઈને પૃથ્વી પર પહોંચે છે. વળી, આ સોમ શક્તિ આપે છે, સ્વર્ગીય સુખ આપે છે. એટલે કે, ફોટોન વિટામિન ડી દ્વારા પ્રાણીમાત્ર અને વનસ્પતિને શક્તિ આપે છે. ઇન્દ્ર એટલે મન અને વાયુ એટલે શરીરમાં વ્યાપ્ત ઑક્સીજન. ફોટોન મનના આનંદ માટે આવશ્યક છે. અમુક અભ્યાસમાં રક્તમાં ઑક્સીજનનું પ્રમાણ વિટામિન ડી સાથે સંકળાયેલું જણાયું છે. એ અંગે વધુ પ્રયોગો થઈ રહ્યા છે.
उ.१०.५.३ (१२८८) एष नृभिर्वि नीयते दिवो मूर्धा वृषा सुतः। सोमो वनेषु विश्ववित् ॥ (नृमेध आङ्गिरस)
બળવાન, સર્વજ્ઞ, દ્યુલોકમાં પ્રશંસિત દિવ્ય રસરૂપ સોમ ઋત્વિજ દ્વારા લાકડાના પાત્રમાં રાખી લઈ જવામાં આવે છે.
આ શ્લોકમાં ફોટોન અથવા પ્રાણ કે ઑક્સીજનના પ્રતિકરૂપ વનસ્પતિ સોમના રસને રૂપક ગણાવી ઋષિ એમનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. આ શ્લોકમાં સોમરસ છે, અને દ્યુલોકમાં રહેલો દિવ્ય સોમ પણ છે. એ સોમ વળી સર્વજ્ઞ અર્થાત સર્વે વ્યાપ્ત છે.
उ.१०.५.४ (१२८९) एष गव्युरचिक्रदत्पवमानो हिरण्ययुः। इन्दुः सत्राजिदस्तृतः ॥ (नृमेध आङ्गिरस)
દ્યુલોકમાં પ્રતિષ્ઠિત શક્તિવર્ધક રસરૂપ વિશ્વજ્ઞાતા આ સોમ વન અને મનુષ્યો દ્વારા પ્રયુક્ત કરવામાં આવે છે.
સોમ દ્યુલોક અર્થાત અંતરિક્ષમાં વ્યાપ્ત છે. તે શક્તિ વર્ધક છે જે વિટામિન ડી વધારે છે અથવા સમગ્ર શરીરને પ્રાણવાયુ દ્વારા શક્તિ આપે છે. વન દ્વારા પ્રયુક્ત સોમ એ વનસ્પતિ છે. અથવા ફોટોન દ્વારા પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક બનાવી વાતાવરણમાં પ્રાણવાયુ છોડનાર વનસ્પતિના વન છે. મનુષ્યો સોમવલ્લીનો રસ ઉપયોગમાં લે છે અને વાતાવરણમાં રહેલા પ્રાણનો ઉપયોગ કરે છે. અથવા તડકામાં રહી ફોટોન દ્વારા સંશ્લેષિત વિટામિન ડીથી શક્તિ મેળવે છે.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com