નિસબત : દેશમાં સાક્ષરતા વધી પણ પુસ્તકાલયો ન વધ્યાં !

ચંદુ મહેરિયા

નવતર કોરોના વાઈરસ ઓગણીસ મહામારીથી દુનિયા ત્રસ્ત છે. કોરોનાને કારણે માનવ જીવનના સર્વ ક્ષેત્રો  પ્રભાવિત થયાં છે. શિક્ષણ સંસ્થાઓને મહિનાઓથી બંધ રાખવાની ફરજ પડી છે. અનૌપચારિક શિક્ષણની પાઠશાળા એવા પુસ્તકાલયો પણ સૂના છે. કોરોનાના પ્રસારને ડામવા અપનાવાતી સમૂહ તાળાબંધી-સંચારબંધી  અને કોરોનાગ્રસ્તની વ્યક્તિગત ઘરબંધીમાં ટી.વી.,મોબાઈલ, ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના માધ્યમથી વ્યક્તિની એકલતા કંઈક હળવી થાય છે.નવા જમાનાના આ માધ્યમો ઉપરાંત પુસ્તકો માનવના સુખ-દુ:ખના કાયમી સાથી રહ્યા છે. “જીવીશ  બની શકે તો એકલાં પુસ્તકોથી ’ એ કવિ કલાપીની અમર પંક્તિની જેમ ભલે માત્ર પુસ્તકોના વાચનથી જીવી ના શકાય પણ એ સહારો જરૂર બની શકે છે.

પુસ્તકો વિચારોના આદાનપ્રદાનનું તેમ માનવીય સંવેદના અને લાગણીઓને ઘડવા-સમજવાનું સશક્ત માધ્યમ પુસ્તકો છે. તમામ વિષમ પરિસ્થિતિના મુકાબલા માટે, પડકાર માટે, પુસ્તક એક સક્ષમ સાથી છે. હા, એ વાત સાચી કે આજે મુદ્રિત શબ્દનું મહત્વ ઘટ્યું છે અને પુસ્તકોના ડિજિટલ રૂપ, ઈ-બુક્સ, ઓડિયો બુક્સનું ચલણ વધ્યું છે. પરંતુ પુસ્તકો સાવ અપ્રસ્તુત બન્યાં નથી. દર વરસે દિલ્હીના પ્રગતિ મેદાનમાં એશિયાનો સૌથી મોટો વિશ્વ પુસ્તક મેળો યોજાય છે. કોરોના મહામારીને કારણે તે પ્રત્યક્ષ રીતે યોજી ન શકાયો એટલે  પરોક્ષ યોજાયો. દિલ્હીના આ વર્ચ્યુઅલ બુક ફેરમાં ૧૦૦ પ્રકાશકોના ૯૦૦ પુસ્તકો રજૂ થયાં હતા.  બે લાખ લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવતાં તે વિશ્વનો સૌથી મોટો આભાસી પુસ્તક મેળો બની રહ્યો. તેથી સાબિત થયું કે વાચનની ભૂખ બરકરાર છે.

કોરોનાએ જીવનના ઘણાં ક્ષેત્રોમાં બદલાવ આણ્યો છે લોકોની જીવન શૈલી અને વાચન અભિરુચિ પણ બદલાઈ છે. પણ લોકો વાચનથી વિમુખ થયાં નથી, શાયદ થઈ પણ ના શકે. આ સંજોગોમાં સમાજ અને સરકાર પુસ્તક  અને પુસ્તકાલયને કઈ નજરે જુએ છે તેનું ઉદાહરણ તાજેતરની કેટલીક ઘટનાઓ થકી જાણી શકાય છે.

વિધાનસભાની લાઈબ્રેરી કમિટીની બેઠકની કાર્યવાહીનો હવાલો આપીને બિહાર વિધાનસભાના સીપીઆઈએમ(એલ)ના ધારાસભ્ય સંદીપ સૌરભ સરકાર પુસ્તકાલયો મુદ્દે ભયાનક બેદરકાર હોવાનું જણાવે છે. બિહારમાં પુસ્તકાલયો ખતમ થઈ રહ્યા છે કે આખરી શ્વાસ લઈ રહ્યા છે તેમ જણાવી ધારાસભ્ય અને જેએનયુના આ પૂર્વ વિધાર્થી નેતા સરકાર પટણામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નવું પુસ્તકાલય બનાવવા વિચારતી હોવાનું પણ જણાવે છે.  બિહાર સરકાર નવી ઈન્ટરનેશનલ લાઈબ્રેરી ઉભી કરે ત્યારે ખરી પણ હાલ તો સવાસો વરસ કરતાં વધુ જૂની પટણાની “ખુદા બખ્શ ઓરિએન્ટલ લાઈબ્રેરી”નો મોટોભાગ ફ્લાયઓવર બાંધવા માટે ધરાશાયી કરવાની છે.! ૧૮૯૧માં શરૂ થયેલી આ લાઈબ્રેરીને કેન્દ્ર સરકારનું રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ પ્રાપ્ત છે. અઢી લાખ પુસ્તકો અને એકવીસ હજાર અલભ્ય હસ્તપ્રતો ધરાવતી ખુદા બખ્શ લાઈબ્રેરીનો વિકાસના નામે ભોગ લેવાઈ રહ્યો છે.

કર્ણાટકના બાસઠ વરસના ગરીબ, અભણ અને રોજમદાર સૈયદ ઈસ્સાક કન્નડ ભાષાના વિકાસ  અને લોકોની વાચન અભિરુચિ કેળવવા ગાંઠના પૈસે મૈસુર શહેરના મહેનતકશ રાજીવનગર વિસ્તારમાં “જનતા લાઈબ્રેરી” ચલાવે છે. હમણાં કેટલાક તોફાની તત્વોએ આ લાઈબ્રેરીને આગ ચાંપી સળગાવી મૂકી છે. આ ગ્રંથાલયમાં ૧૧,૦૦૦ પુસ્તકો હતાં અને રોજ  ૧૭ અખબારો આવતા હતા. સરેરાશ રોજના દોઢસો વાચકો તેના મુલાકાતી હતા. એક નિરક્ષર વ્યક્તિ દ્વારા જનસહયોગથી ચાલતા જનતા પુસ્તકાલયના  કાટમાળ અને પુસ્તકોની રાખ સામે જોઈને સૈયદ ઈસ્સાક કહે છે : “હું નિરાશ જરૂર થયો છું પણ હતાશ નથી થયો. હું ફરી લાઈબ્રેરી ઉભી કરીશ.”

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં  ૮૩ કરોડ ગ્રામીણ વસ્તી માટે ૭૦,૮૧૭ અને ૩૭ કરોડ શહેરી વસ્તી માટે ૪૫૮૦ પુસ્તકાલયો છે. એ હિસાબે સાડા અગિયાર હજાર ગ્રામીણે અને એંસી હજાર શહેરીએ એક લાઈબ્રેરી છે. ૧૦ કરોડ ૪૦ લાખની વસ્તીના બિહારમાં ૫૧, ૨૦ કરોડની વસ્તીના ઉત્તરપ્રદેશમાં ૭૦ અને ૬.૦૪ કરોડની વસ્તીના ગુજરાતમાં ૨૯૮ સરકારી પુસ્તકાલયો છે. માંડ સવા કરોડની આબાદીના અવિભાજિત જમ્મુ અને કશ્મીરમાં ૧૪૦ તો ૬ કરોડના કર્ણાટકમાં ૭,૦૦૦ પબ્લિક લાઈબ્રેરી આવેલી છે. દેશમાં જે ઝડપે સાક્ષરતાનો વિકાસ થયો છે તે ઝડપે ગ્રંથાલયોનો વિકાસ થયો નથી. એક હજારની વસ્તીએ એક લાઈબ્રેરી હોવી જોઈએ તેને બદલે એક લાખે પણ એક નથી. બિહારમાં ૧૯૫૦માં ૫૪૦ સરકારી પુસ્તકાલયો હતાં હવે માંડ ૫૦ છે. દેશના અન્ય રાજ્યોની તુલનામાં દક્ષિણના રાજ્યોમાં પુસ્તકાલયો વધારે છે. દેશના સૌથી મોટા રાજ્ય કેરળમાં પુસ્તકાલય પ્રવ્રુતિ લોક આદોલન છે. કેરળ સરકાર શિક્ષણના બજેટમાંથી ૩  ટકા અને બિહાર સરકાર ૦.૦૧ ટકા પુસ્તકાલયો માટે ખર્ચે છે.

વડોદરા નરેશ સયાજી રાવ ગાયકવાડે અમેરિકી તજજ્ઞ ડો.ડબલ્યુ એ. બોર્ડનની નિગેહબાનીમાં ઈ.સ.૧૯૧૦માં ગુજરાતમાં સૌ પહેલું પુસ્તકાલય શરૂ કર્યું હતું. પરંતુ આઝાદ ભારતના ગુજરાત રાજ્યમાં એની રચનાના ચાળીસ અને ૧૯૪૮માં પહેલીવાર ગ્રંથાલય ધારો ઘડાયાના ત્રેપન વરસો પછી, ૦૦૧માં, ગુજરાત ગ્રંથાલય ધારો ઘડાયો હતો. રાજ્યના કુલ ૩૩માંથી ૨૬ જિલ્લામાં, ૨૫૦માંથી ૮૪ તાલુકામાં અને ૧૮,૨૨૫માંથી ૧૪૨ ગામોમાં જ સરકારી પુસ્તકાલયો છે. જે રાજ્યમાં ૩૭ ગ્રંથાલયો તો સો વરસ જૂના હોય અને જ્યાં ૨૦૧૦થી “વાંચે ગુજરાત”નું અભિયાન આદરવામાં આવ્યું છે ત્યાં  સરકારી પુસ્તકાલયો નામ માત્રના છે. ‘અસર’ (એન્યુઅલ સ્ટેટસ  ઓફ એજ્યુકેશન રિપોર્ટ) ના ૨૦૧૮ના  સર્વે  અહેવાલમાં ગુજરાતની  ૧૪.૭ ટકા પ્રાથમિક શાળાઓમાં લાઈબ્રેરી ન હોવાનું અને જ્યાં છે ત્યાં ૪૪.૮ ટકા શાળાઓમાં બાળકો તેનો ઉપયોગ ન કરતા હોવાનું કે ન કરવા દેવાતો હોવાનું તારણ હતું. મહાનગર અમદાવાદની સાડા ચારસોમાંથી માંડ પંદરેક પ્રાયમરી સ્કૂલોમાં જ લાઈબ્રેરી માટે અલાયદો ખંડ છે.!

અધિક્રુત વિગતોના અભાવમાં એક અંદાજ મુજબ ભારતમાં સરકાર દર વરસે વ્યક્તિદીઠ  પુસ્તકાલય માટે માત્ર સાત પૈસા જ ખર્ચે છે. અમેરિકામાં વસ્તીના પંચાણુ ટકા ભાગ સુધી પબ્લિક લાઈબ્રેરીની પહોંચ છે ભારતના ગામડાંઓ તો ઠીક જિલ્લામથકો સુધી પણ તે પહોંચી નથી.સરકારની ઉપેક્ષા છતાં વાચનરસિયાઓ અને પુસ્તક ચાહકો હર વાચકને તેનું પુસ્તક મળી રહે તે માટે દ્રઢ પ્રયાસો કરે છે. અગાઉના જમાનામાં હોડી કે બળદગાળા પર પુસ્તકાલયો ચલાવનારા હતા. આજે સાઈકલ કે સ્કૂટર લાઈબ્રેરીઓ છે, અનેક શહેરોમાં અને ગામો-કસ્બાઓમાં પુસ્તક પરબો અને વાચનયાત્રાઓ ચાલે છે. મહારાષ્ટ્રમાં પુસ્તકોનું ગામ છે તો સુદૂર અરુણાચલમાં રસ્તાની ધારે પુસ્તકાલય છે.

દેશના ૧૯ જ રાજ્યોમાં ગ્રંથાલય ધારા ઘડાયા છે.તે પૈકીના પાંચ જ રાજ્યોએ સંપત્તિ કરમાં પુસ્તકાલય કરનો સમાવેશ કર્યો છે. રાજ્યોમાં પુસ્તકાલયો માટે અલગ સરકારી વિભાગ નથી. એક માત્ર અરુણાચલમાં જ પુસ્તકાલય વિભાગના કેબિનેટ મંત્રી છે. કેરળની જેમ પુસ્તકાલયો પીપલ્સ મુવમેન્ટ બની નથી પણ સરકાર આશ્રિત છે. દેશની મોટાભાગની શાળાઓમાં પુસ્તકાલયોના નામે સરકારી અનુદાનથી ખરીદાયેલા ઘણાં નકામા પુસ્તકોના કાયમ બંધ રહેતાં કબાટો જ છે. આપણે પુસ્તકાલયના નામે પસ્તીખાના ઉભા કર્યાં છે.

હવે નવી ટેકનોલોજીને અનુસરીને ગ્રંથાલયોના આધુનિકીકરણ અને પુસ્તકોના ડિજિટાઈઝેશનની અનિવાર્ય જરૂર છે. તેનાથી લેખક-વાચક વચ્ચેનું અંતર ઘટશે અને હરેક વાચકને તેનું પુસ્તક અને પુસ્તકને તેનો વાચક મળી રહેવાની સંભાવના વધશે. વાચનને વિલાસિતા કે કથિત ઉચી જાતિના લોકો માટે સીમિત માનવાને બદલે લાંબાગાળાની અસરોના સંદર્ભે જોઈ વાચન અને ગ્રંથ સંસ્ક્રુતિ વિકસાવવી પડશે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.