નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૧૫

હું તને મારા વ્યક્તિત્વના જોર પર જીતવા માગતો હતો, મને વારસામાં મળનારી દૌલતના આધારે નહીં.

નલિન શાહ

જ્યારે મેં સાગરનો સામનો કર્યો ત્યારે તેણે ખૂબ જ નિખાલસપણે મારી શંકાઓનું નિવારણ કર્યું.

‘એ વાત સાચી છે’ એણે કહ્યું, ‘કે સો-સવાસો વર્ષો પહેલાં શરૂ થયેલી માધવજી ત્રિકમલાલની પેઢી આજે પણ વિશ્વાસુ મુનિમોના હસ્તક ચાલુ છે ને એની અઢળક સંપત્તિમાં દિવસે દિવસે વધારો થતો રહે છે. સંજોગવશાત હું એ કુટુંબમાં જન્મ્યો છું ને એનો એક માત્ર વારસ છું. પણ એમાં મારો શો દોષ?’

તારે એ જાણવું જરૂરી છે કે મારા પિતા મારા બાળપણમાં જ ગુજરી ગયા હતા ને મારો ઉછેર મારી માએ કર્યો છે, કોઈ આયા કે ઇંગ્લિશ મેડમે નહીં. નાનપણથી જ મારી માએ મારામાં એવા સંસ્કારનું સિંચન કર્યું છે જે ભવિષ્યમાં મને માનવી બનવામાં મદદરૂપ થાય. પહેલેથી જ મને સ્કૂલ બસમાં જવાની ફરજ પાડી છે ને જો સ્કૂલ બસ ચૂકી ગયો હોઉં તો સાર્વજનિક બસમાં સફર કરી છે. કોલેજમાં પણ મને કેવળ સ્કૂટર વાપરવાની પરવાનગી મળી છે. હા, ને તેં જે મોંઘીદાટ કારની વાત કરી હતી તે અમારી જ હતી પણ એ કહેતાં પણ મને સંકોચ થતો હતો. મોટી કાર અમે જાનની સલામતી માટે રાખી છે, પૈસાનું પ્રદર્શન કરવા નહીં. કારણ ધન-દોલતનું પ્રદર્શન અમારા કુટુંબમાં અસંસ્કારી ને અશ્લીલ લેખાય છે. મારી મા ઘણી સંસ્થાઓને અને તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરે છે પણ એની જાહેરાત નથી થવા દેતી. અમને સારા કપડાંનો શોખ જરૂર છે પણ પ્રસંગને અનુરૂપ પહેરીએ છીએ; લોકોને આંજવા નહીં. લગ્નપ્રસંગે પણ મારી માને કદી કોઈનું ધ્યાન ખેંચે એવા દાગીના પહેરતાં મેં નથી જોઈ. વર્તનમાં પણ મારી માએ સામેની વ્યક્તિની પ્રતિભાને બિરદાવી છે, એની આર્થિક સમૃદ્ધિને નહીં.

મને મન થાય તો રસ્તામાં ભેળપુરી-પાણીપુરી ખાતાં શરમાતો નથી – હા, ચોખ્ખાઈ ને સુઘડતાનો આગ્રહ જરૂર રાખું છું, પણ અકારણ તાજ જેવી હોટેલના પગથિયાં નથી ચઢતો. પૈસા ખર્ચવાની બાબતમાં મને પૂરી છૂટ છે કારણ મારી માને મારામાં વિશ્વાસ છે કે હું જે કરીશ એ મારા મનને રુચિકર લાગે તે જ કરીશ, લોકો પર પ્રભાવ પાડવા નહીં.

રહી મારી આર્થિક સમૃદ્ધિ તારી સામે ચતી કરવાની વાત. તો તું સમજી હશે કે આર્થિક સમૃદ્ધિ મારી ખુશનસીબી છે, મારી ઉપલબ્ધિ નથી. તને પામવા એ સમૃદ્ધિનું પ્રદર્શન શું તારા સંસ્કારી મનને રુચિકારક લાગત? હું તને મારા વ્યક્તિત્વના જોર પર જીતવા માગતો હતો, મને વારસામાં મળનારી દૌલતના આધારે નહીં. જો તું એને દગાનું રૂપ આપતી હોય, છેતરામણી કહેતી હોય તો તું અન્યાય કરીશ. દગો તો ગરીબી છુપાવીને સમૃદ્ધિનો ભ્રમ પેદા કર્યો હોય એને કહેવાય. મેં જે કાંઈ કર્યું છે કે નથી કર્યું. એ સાહજિકતાથી થયું છે, મારી માના સંસ્કારને અનુસરીને.

જે ભદ્ર સમાજ કહેવાય છે એમાં એવી સ્ત્રીઓ પણ જોઈ છે જે શોક-સભામાં પણ દાગીનાનું પ્રદર્શન કરવા જાય છે. એવી ઘૃણાસ્પદ ને અસંસ્કારી જમાતમાં અમે ભળી શકતા નથી. હા, એ જરૂર છે કે અવસર હોય તો દિલના ઉમળકાને સમાવવા તારા રૂપને અનુરૂપ રત્નજડિત હીરાના હાર પણ પ્રદાન કરી શકું, અને મન થાય તો દુનિયાની સેર પણ કરાવી શકું ને મોંઘામાં મોંઘી હોટલોમાં રહેવાનું સુખ પણ આપી શકું, પણ વગર કારણે સ્કૂટર હોય તો ટેક્ષીમાં પણ ના બેસાડું અને આરામદાયક સોફા છોડી રાજસિંહાસન પર બેસવાનું પસંદ ના કરું. મારી માનો એ ફાળો છે મારી જિંદગીમાં. મેં એને તારા વિષે વાત કરી છે; એક કાબેલ ચિત્રકાર અને ગામડાંની સુંદર ને સંસ્કારી છોકરી તરીકે, બીજી કોઈ ઓળખ નથી આપી. એ તને મળવા ઘણી જ આતુર છે. આવશે? હું બહુ બોલ્યો, નહીં? કદાચ પહેલી વાર આટલું બોલ્યો હોઈશ કોઈ છોકરીની સામે ને તે પણ એને વશ કરવા. વિચારીને જવાબ આપજે. હજી તો તારે ઓછામાં ઓછા એંસી વરસ જીવવાનું છે. એટલે કોઈ ઉતાવળ નથી. ગમે ત્યારે નિર્ણય લેજે, હું કુંવારો જ હોઈશ તારા ઉત્તરની વાટ જોવા.’

મેં પણ એવા જ લહેજામાં જવાબ આપ્યો, ‘તને જવાબ આપવા દીદીને પૂછવું પડશે. કાગળ વિચારીને લખતાં દસ વરસ લાગશે અને એનો ઉત્તર આવવામાં બીજા દસ વરસ નીકળી જાય અને તું તો કુંવારો જ હશે એટલે કોઈ ઉતાવળ નથી; પણ આવી દેવી જેવી માને મળવા ઉતાવળ જરૂર છે ને એને માટે કોઈને પૂછવાની કે વિચારવાની જરૂર નથી.’ કહી હું ઊભી થઈ ગઈ, ‘માફ કરજે મેં પણ કશું જાણ્યા વગર, ગુસ્સો કર્યો ને ન કહેવાનું કહી ગઈ. ક્યારે જશું?’

‘અત્યારે..’ કહી એ સ્કૂટર પર બેઠો, પણ મને સંકોચ થયો. ‘સાગર મારા કપડાં….’

‘ચિંતા ન કર, પહેલાં તો આપણે ભુલેશ્વર જઈશું. ત્યાં મગનલાલ ડ્રેસવાળા પાસે રાણી પદમીનીનો કે એવી કોઈ રાણીનો ડ્રેસ લઈશું, સાથે મુગટ પણ આવશે. મા તો સાચ્ચે જ અંજાઈ જશે.’

‘હજી કાંઈ કહેવાનું બાકી છે તારે?’ મેં જરા ગુસ્સામાં કહ્યું.

‘જો તું લગ્ન માટે રાજી થાય, સોરી દીદી, રાજી થાય, તો ત્યાર પછી મારે કેવળ સાંભળવાનું જ છે ને એટલે જ અત્યારે બોલી લઉં છું.’

‘આ તેં સમજણની વાત કરી’ ને હું સ્કૂટર પર બેસી ગઈ.

માફ કરજે દીદી, તને આ બધું વાંચીને ઘણા આંચકા આવ્યા હશે. મનમાં થયું પણ હશે કે આ હિંસક પ્રાણીઓનાં શહેરમાં મને ક્યાં મોકલી! પણ સાચું કહું તો તારી સાથે રહી બાળપણથી જ હિંસક પ્રાણીનો અનુભવ થઈ ગયો’તો, ખરૂં ને? તને એમ પણ થયું હશે કે આ નાની ઢીંગલી જેવી મારી બેન આટલા ટૂંક સમયમાં પ્રેમની ફિલસુફીમાં પાવરધી થઈ ગઈ!! આ તો દીદી જીવનના અજાણ્યા પ્રદેશમાં લથડિયાં ખાતાં, ડરતાં ડરતાં પા પા પગલી માંડતાં કોઈએ હાથ ઝાલ્યો અને તે પણ મારા અજાણતાં. હવે પાછા નીકળવાનો રસ્તો તો તું જ ચીંધી શકે; ધારે તો.

આટલા આંચકા આપ્યા પછી એક સજ્જડ આંચકો હજી બાકી છે. એને માટે મન મક્કમ કરજે. હું જાણું છું તું શું વિચારતી હશે. વાંચ્યા વગર નિર્ણય પર ના આવતી. ને આવી હોય તો ચોખવટ પહેલેથી કરી દઉં છું કે મેં હજી કોઈ લગન-બગન કર્યાં નથી, મારી મજાલ પણ નથી, કારણ ગામડાની એ વાઘણ મને ફાડી ખાય ને મારે હજી ઘણું જીવવું છે.’

        છેલ્લું વાક્ય વાંચી શશીને હસવું આવી ગયું. પ્રેમની લાગણીથી હૃદય છલકાઈ ગયું. ત્યાં જ બેબીએ રડવાનું શરૂ કર્યું. એણે બાઈને હાંક મારીને બેબીને એને સોંપી અધીરાઈથી આગળ વાંચવાનું શરૂ કર્યું. ‘કયો આંચકો?’ એ વિચારે તાલાવેલીની પરાકાષ્ટા અનુભવી.

        ‘હા, હું સાગરની સાથે એના ઘરે ગઈ. નેપિયન સી રોડ જેવા ધનાઢ્યોના ઇલાકામાં એમનો બંગલો હતો. થોડે દૂર પાછળ દરિયો ઘુઘવતો હતો. બંગલાની બહાર વિશાળ જગ્યા હતી, જેમાં જંગલનો ભાસ આપે એવા વૃક્ષો છવાયેલાં હતાં. વચ્ચે ગાડી જવાનો રસ્તો હતો અને એક ખૂણામાં આઠ-દસ ગાડીઓ પાર્ક કરવાનું મેદાન હતું. બહાર એક દરવાન બેઠો હતો, જે એના શેઠને જોઈ ઊભો થઈ ગયો. નોકરાણીએ એ દરવાજો ખોલ્યો ને વિશાળ હોલમાં પગ માંડ્યાં. ત્યાં જ મારી નજર જડાઈ ગઈ. હોલની વચ્ચે એ ઊભીતી-દેવી જેવી – સફેદ વસ્ત્રોમાં સજ્જ – ઊંચી, પાતળી ને ગોરી, જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી એની મા. હું થંભી ગઈ. મારા પગ આગળ ના ઉપડ્યા. મનમાં થયું કે કોઈ ઉજ્જ્વળ ચહેરા પર કાળા તલના ડાઘ જેવી હું લાગતી હોઈશ. હું ત્યાં જ થંભી ગઈ. મારી દ્વિધા સમજીને એ દેવી ચાલીને મારી સામે આવી મારી હડપચી ઊંચી કરીને મને નિહાળતી રહી. એણે હાક મારી, ‘સાગર, કેમ મારી સામે જૂઠું બોલ્યો?’

‘શું, મમ્મી?’

મને તે જ ઘડીએ ધરતીમાં સમાઈ જવાનું મન થયું.

સાગર પણ વિસ્યમથી એની માની સામે જોતો રહ્યો.

‘તું તો કહેતો હતો કે તારૂં આ પ્રેમ-પાત્ર સુંદર છે!’

‘કેમ, સાચું ના કહ્યું?’ સાગર સમજી ના શક્યો કે એણે શું ખોટું કહ્યું હતું.

‘આ તો અતિ સુંદર છે. હવે સમજી. તું સાચું વર્ણન ના કરી શક્યો કેમ કે આ તો અવર્ણનીય છે. બેટા, મારા દીકરાને માફ કરી દેજે. એણે તને સુંદર કહીને તારૂં અજાણતાં અપમાન કર્યું છે.’ અને મારે માથે હાથ ફેરવ્યો ને બાથમાં લીધી, ‘હાશ, મારે એક દીકરીની ખોટ હતી; હવે પૂરી થશે ને આ છોકરાનો ભાર પણ મારે માથેથી ઊતરશે.’

મારાથી શબ્દોના આભૂષણોનો ભાર ના સહેવાયો. આ ભદ્ર પરિવારમાં હું શોભીશ? મારાથી ના સહેવાયું. પણ એને કઈ રીતે સંબોધવું એ નિર્ણય ના કરી શકી. મારી દ્વિધા એ સમજી ગયાં, ‘મને મમ્મી કહેશે તો મને ગમશે.’

‘મમ્મી’ મેં કહ્યું, ‘હું ગામડામાં બહુ જ ગરીબ પરિવારમાં ઉછરી છું, જ્યારે તમારા દીકરાને તો…’ હું આગળના બોલી શકી. તરત તડૂક્યા, એમનો ઠપકો મીઠો ને સંવેદનશીલતાથી ભરેલો હતો, ‘ખબરદાર, તું ગરીબ છે એમ બીજી વાર બોલી તો. તારી પાસે રૂપ છે, ગુણ છે, કળા છે; ને મારા દીકરાના કહેવા પ્રમાણે સ્વમાનની ભાવના ને બુદ્ધિ પણ છે. હવે તું જ કહે કે આટલો ખજાનો જેની પાસે હોય એને ગરીબ કહેવાય? તું પોતે જ તારી જાતને ઓળખતી નથી. ગરીબ એને કહેવાય કે જેની પાસે કેવળ પૈસા સિવાય બીજું કશું નથી.’ અને મને વળગીને માથે હાથ ફેરવતાં રહ્યાં. દીદી, પલભર માટે મને એમનામાં તારો જ ભાસ થયો.

પછી તો ચા-નાસ્તો કરતી વખતે ખૂબ હસી-મજાક થયાં. મેં પણ બેધડક કહી દીધું કે ‘મમ્મી, હું તો તમને ને તમારા ઘરને જોઈ વિચારમાં પડી ગઈ હતી કે હું કોઈ ઊજળા ચહેરા પર કાળા તલ જેવી તો નથી લાગતી ને?’

‘અરે, એથી વધુ ઉત્તમ શું હોય?’ એ હસતાં હસતાં બોલ્યાં, ‘કાળા તલ પર તો કેટલા શાયરો આફરીન થઈ ગયા હતા. એક પર્શિયન શાયરે તો એની મહેબુબાના કાળા તલ પર સમરકંદ બુખારા જેવા વિખ્યાત શહેરો ન્યોછાવર કરી દીધા હતા. જાણે એના બાપની માલિકી ના હોય.’

‘મમ્મી, બહુ સપનાં ના જો.’ સાગરે ચેતવણી આપી, ‘એની દીદીની રજામંદી વગર કશું જ થવાનું નથી.’

‘ઓહો, આટલી ડરે છે દીદીથી?’

‘ડર! હા, કદાચ ડરતી પણ હોઉં.’ મેં કહ્યું, ‘મમ્મી, એ તો વાઘણ છે, પણ હૃદય સસલાનું છે.’

‘કયા ગામમાં રહે છે?’ એમણે પૂછ્યું.

‘રાજાપુર, પહેલાં પાલણ હતી.’

‘અરે, ચિંતા ના કરતી. મારી એક ખૂબ જ અંગત પત્ર-મિત્ર ત્યાં રહે છે. અમે મળ્યાં નથી પણ સંબંધ બહુ જ ગાઢ છે. હું એને લખીશ એ તારી દીદીને મળીને સમજાવશે.’

‘શું નામ છે તમારી મિત્રનું?’ મેં આતુરતાથી પૂછ્યું.

‘શશી મુન્શી, હવે વાઘેલા, ગ્રામસેવક છે.’

‘શું!!!’ હું ચમકી ગઈ, ‘તમે… તમે…’

‘હું સુનિતા.’

આખરે મળવાનું થયું અને તે પણ કેવા સંજોગોમાં! બસ દીદી, હવે એ જ તારો સામનો કરશે. હાશ, હું નહીં.

તારી માથે ચઢાવેલી, વણસેલી છતાં માનીતિ.

રાજુલ

 

Author: Web Gurjari

1 thought on “નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૧૫

  1. સરસ. જીવનમાં આવાં આનંદ-આશ્ચર્યો થતાં રહે અને દરેક ચહેરે સ્મિત રમ્યાં કરે.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published.