મૅનેજમૅન્ટના નામસ્રોતીય સિધ્ધાંતો : પુટ્ટનો નિયમ

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

આર્કીબૉલ્ડ પુટ્ટે ૧૯૮૧માં રજૂ કેરેલો પુટ્ટનો નિયમ દેખીતી રીતે ઉચ્ચ-ટેક્નોલોજિનાં ક્ષેત્રને જ લાગુ પડતો હોય તેમ જણાય. પરંતુ એટલાંથી થોડું આગળ જોઈએ તો જણાશે કે આ વાત તો આપણે આ પહેલાં ચર્ચેલા પીટરનો સિધ્ધાંત અને ડીલ્બર્ટ સિદ્ધાંતની જેમ જ વ્યક્તિની ક્ષમતા (કે અક્ષમતા)ને લાગે વળગે છે ત્યાં સુધી પુટ્ટનો નિયમ પણ પદાનુધિક્રમ ધરાવતી કોઈ પણ સંસ્થાને લાગુ પડી શકે છે. આ સિદ્ધાંતો અને તેમને રજૂ કરતી નામસ્રોતી મૅનેજમૅન્ટ નિયમોની પૂર્ણ કદની ચર્ચાઓની જેમ  કટાક્ષમય શૈલીમાં લખાયેલ આ પુસ્તકનું પહેલું વાંચન તો બહુ મજા પડે એવું જ પરવડે છે. પરંતુ જેમ જેમ લખાણ આપણાં મનમાં ઉતરતું જાય છે તેમ તેમ જણાય છે કે અહીં જે લખાયું છે તે તો આપણી આસપાસ, સર્વત્ર, છે અને વાતની ગંભીરતા આપણામાં ઉતરવા લાગે છે.

આર્કીબૉલ્ડ પૂટ્ટ પોતે પણ ઉચ્ચ-ટેક્નોલોજિ ક્ષેત્રના એક સિદ્ધહસ્ત ટેક્નોક્રેટ છે. તેમણે કરેલાં કામ સાથે તેમને ઉચ્ચ-ટેક્નોલોજિ કે સંશોધન અને વિકાસ કે અગ્રવર્તી પ્રોજેક્ટ મૅનેજમૅન્ટ ક્ષેત્રોમાં પદાનુધિક્રમની આંટીઘૂંટીઓને નજદીકથી અવલોકવાની અને વિશ્લેષણ કરવાની તક મળી છે. ૧૯૭૬માં તેમણે પોતાનાં અવલોકનો અને તારણોને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સામયિકમાં શ્રેણીબધ્ધ લેખો[1] સ્વરૂપે રજૂ કર્યાં. તેમનો મત હતો કે પીટરના સિધ્ધાંતની અક્ષમતાનાં સમુહલક્ષણોથી બચીને રહેવા માટે રચનાત્મક અક્ષમતા (creative incompetence)ની રચના કરવામાં આવે છે. રચનાત્મક અક્ષમતા ઉચ્ચકક્ષાની એવી અક્ષમતા છે જેની અસર વ્યક્તિનાં વર્તમાન કામ પર નથી પડતી, પણ તે એટલું તો સુનિશ્ચિત જરૂર કરે છે આગળ જતાં બઢતી ન મળે. બીજાં ક્ષેત્રોમાંના પદાનુધિક્રમની સરખામણીમાં વિજ્ઞાન ને ઉચ્ચ-ટેક્નોલોજિનાં ક્ષેત્રમાં રચનાત્મક અક્ષમતા અપવાદ નહીં પણ નિયમ જ જણાય છે. પરિણામે નીચેનાં ક્રમના ઘણાં પદો એવાં ક્ષમતા ધરાવતાં કર્મચારીઓથી ભરેલાં હોય છે જેઓ ક્યારે પણ પોતાની અક્ષમતાની કક્ષાએ પહોંચશે જ નહીં.  પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં બનતું હોય છે તેમ ઉચ્ચ-ટેક્નોલોજિનાં ક્ષેત્રના કોઈપણ (સફળ) કર્મચારીને મર્યાદીત આકાંક્ષાઓ અને દીર્ઘદર્શનથી બંધાઈ રહેવાનું ન ગમે અને તકનીકી પદાનુધિક્રમમાં તેમને પણ મહત્ત્વનાં પદ પર પહોંચાવાની ઉત્કટ મનોકામના હોય જ.

વાસ્તવિક પરિસ્થિતિઓમાં વાત પાછી એટલે ગુંચવાય છે કે ઘણી વાર તો વ્યક્તિ એ પદ (કે ભૂમિકા) માટે સક્ષમ છે નહીં તે જ નક્કી નથી થઈ શકતું.  બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ઘણી ટેકનિકલ ભૂમિકાઓ માટે પુરતા સક્ષમતા માપદંડો (competence criterion) પણ નથી હોતા. ટેક્નોલોજિને લગતા જટિલ પ્રકલ્પોમાં છેવટનાં પરિણામનો આધાર બહુધા પહેલેથી જ અસ્તિત્વ ધરાવતાં, પણ અજાણ રહ્યાં હોય, એવાં પરિબળો પર રહેતો હોય છે, જેના પર આમ પણ પ્રકલ્પ સંચાલકનો કોઈ અંકુશ પણ નથી હોતો.  ઘણા કિસ્સાઓમાં તો લક્ષ્યો કે ઉદ્દેશો પ્રકલ્પ સંચાલકની નિમણૂક થાય તે પહેલાં જ નક્કી થઈ ગયેલ હોય છે.

તકનીકી પદાનુધિક્રમોમાં સક્ષમતા માપદંડોના અભાવની સાથે રચનાત્મક અક્ષમતાના થતા પ્રયોગને કારણે સક્ષમતા ક્રમનું ઉલટસુલટ (competence inversion) પરિણમે છે. જેનાં સીધાં પરિણામરૂપે સૌથી વધારે સક્ષમ લોકો છેક તળિયે રહી જાય છે જ્યારે ઓછી પ્રતિભાવાળાં લોકો ઉપરનાં પદો પર પહોંચે છે. આ પરિસ્થિતિ  પુટ્ટના નિયમનો આધાર બની રહે છે. સાહજિક અને બીનગણિતીય સ્વરૂપમાં પુટ્ટના નિયમને આ રીતે દર્શાવવામાં આવે છે:

ટેક્નોલોજિમાં બે પ્રકારનાં લોકોનું વર્ચસ્વ રહેતું હોય છે: એવાં લોકો જે સમજે છે કે તેઓ શેનું સંચાલન  નથી કરી રહ્યાં અને બીજાં એવાં કે જેનું સંચાલન તેઓ કરી રહ્યાં છે તેને તેઓ સમજતાં નથી.

આ લેખોમાંના તેમનાં અવલોકનોને આર્કિબૉલ્ડ પુટ્ટે ૧૯૮૧માં ‘Putt’s Law and the Successful Technocrats’ શીર્ષસ્થ પુસ્તકમાં વધારે વિગતે સુગ્રથિત કર્યાં. પુસ્તકમાં ઉપર જણાવેલા એક  નિયમ ઉપરાંત બીજા પણ કેટલાય નિયમો અને દરેક નિયમોના ઉપનિયમો પણ છે. ૨૦૦૬માં પુસ્તકનું નવું સંસ્કરણ – Putt’s Law and the Successful Technocrats – How to Win in the Information Age – [ISBN: 978-0-471-78893-5; ફેબ્રુઆરી, ૨૦૦૬; Wiley-IEEE Press; ૧૮૪ પૃષ્ઠ]થયું. જૂના સંસ્કરણના નિયમો અને ઉપનિયમો હજુ પણ પ્રસ્તુત અને પ્રમાણભૂત હતા તેથી તેમાનું કંઈ કાઢી નથી નંખાયું, પરંતુ અન્ય ઘણાં ઉમેરણો કરાયાં છે. સૌથી મહત્ત્વનાં ઉમેરણો લોકો જે રીતે હવે કામ કરે છે, અને એકબીજાં સાથે વ્યવહાર કરે છે તેમાં થયેલ કાયમી ફેરફારોને આવરી લેતી માહિતી ટેક્નોલોજિઓમાં થયેલ પ્રગતિને લગતાં છે. આ સંસ્કરણમાં સૌ પ્રથમવાર રજૂ થયેલ મનોવિશ્લેષણો માહિતી યુગમાં સફળ થવા માગતાં દરેકને માટે બહુ જ મૂલ્યવાન નીવડશે. નવાં સંસ્કરણમાં તરતમાં જ વિકસાવાયેલ, સંચાલન પદાનુક્રમમાં ખાતરીપૂર્વક ચડતી શકય બનાવતી, તાર્કિક વિપુલતાની પધ્ધતિ (Method of Rational Exuberance)  પણ આવરી લેવાયેલ છે. નવાં સસ્કરણમાં બહુધા પુછાતા સવાલ, ‘પુટ્ટના નિયમને તોડી શકાય?’નો જવાબ પણ આપવામાં આવ્યો છે.

પુસ્તક પાંચ ભાગમાં વહેંચાયેલું છે[2]  –   –

  • ભાગ ૧ – ‘પુટ્ટસ પ્રાઇમર” ટેકનોલોજિ સંબંધિત પદાનુક્રમોમાં સફળ થવા માટેની માર્ગદર્શિકાઓનું આમુખ કથન છે.
  • ભાગ ૨, “ધ સકસેસફુલ ટેક્નોક્રેટ‘માં ૧૧ પ્રકરણો છે. આ પ્રકરણોમાં આઈ. એમ. શાર્પની એક સરેરાશ હાઈસ્કૂલ વિદ્યાર્થીથી લઈને સફળ ટેક્નોક્રેટ સુધીની સફરની કહાણી છે.
  • ભાગ ૩, “બેઝિક પુટ્ટ‘માં સાત પ્રકરણો છે. આ પ્રકરણોમાં ટેક્નોલોજિસ્ટો દ્વારા ઉચ્ચ ટેક્નોલોજિના પ્રકલ્પોનાં સંચાલન માટે ઉપયોગમાં લઈ શકાય તેવાં પદ્ધતિશાત્રને રજૂ કરાયેલ છે.
  • ભાગ ૪, “એડવાન્સ્ડ ટોપિક્સ”માં છ પ્રકરણો છે. આ પ્રકરણોમાં પ્રકલ્પ પસંદ કેમ કરવા, યોજનાઓને લગતા વિચારોનાં મૂલ્યાંકન શી રીતે કરવાં અને  ટેક્નોલોજિ સંસ્થાઓમાં કેમ વધારેને વધારે સફળ થતાં રહેવું તે સમજાવ્યું છે.
  • ભાગ ૫, “પુટ્ટસ કેનન” નાં ત્રણ પ્રકરણોમાં પુસ્તકમાં રજૂ થયેલા બધા નિયમો, ઉપનિયમો,ધારાધોરણો અને બોધ ઉપસંહાર સ્વરૂપે રજૂ કરાયા છે,એ એક જ જગ્યાએથી ઉપલબ્ધ સંદર્ભ તરીકે બહુ ઉપયોગી નીવડે તેમ છે.

લેખકે પુસ્તકની પ્રસ્તાવનામાં જ કહ્યું છે કે  ‘કેટલાક વિદ્વાન કહી શકાય એવા લોકોએ પુસ્તકમાંના લખાણોને કટાક્ષસભર હાસ્ય માત્ર ગણાવેલ છે. જે ટેક્નોક્રેટ દરેક સ્તરે સક્ષમ રહી શકે તેમ છે તેમને માટે એ અભિપ્રાયને માનીને બેસી રહેવાથી સફળતા કુંઠિત થઈ શકે છે. અ પુસ્તક્નો જેમણે અભ્યાસ કર્યો છે અને પુસ્તકમાંના બોધપાઠોનો અમલ કર્યો છે એવાં ઘણાં સફળ ટેક્નોક્રેટ આ  પ્રકારનો અભિગમ નથી ધરાવતાં. ખેલમાં સફળતા મેળવવાની સાથે તેઓ બીજાં જેમ કટાક્ષમય હાસ્ય પણ માણ્યું છે અને એ હાસ્યના પડઘા તેમના બેંકનાં ખાતાં સુધી પણ પડ્યા છે.’

+              +              +              +

પુસ્તક વિશેની વધારે વાત અહીં રોકીશું, કેમકે તે તો તમે જાતે જ વાંચજો અને તેના દ્વારા મળતી મજા અને સફળતા તમે જ માણજો. પરંતુ તે સાથે એ જાણવું પણ રસપ્રદ બની રહેશે કે ‘આર્કીબૉલ્ડ પુટ્ટ’ એ તખલ્લુસ છે, જેનું મૂળ  નામ હજુ સુધી જાહેરમાં જાણી નથી શકાયું. તેમણે સરકારની સલાહકાર સમિતિઓમાં કામ કર્યું છે અને પાયાની તેમ જ પ્રયોજિત સંશોધનોનું સંચાલન પણ કરેલ છે, તેમજ મોટાં બહુરાષ્ટ્રીય કંપનીઓમાં વરિષ્ઠ કાર્યવાહક પદો પણ સંભાળ્યાં છે. તેમણે તેમની પીએચ ડી ડિગ્રી બહુ જાણીતી ટેકનિકલ ઈન્સ્ટિટ્યુટથી મેળવી છે અને આંતરરાષ્ટ્રીય ટેકનિકલ સોસાયટીના તેઓ પ્રમુખ પણ રહ્યા છે.

આર્કિબૉલ્ડ પુટ્ટમાંના શબ્દ આર્કિબૉલ્ડના એકથી વધારે અર્થ જોવા મળે છે. શબ્દકોશનો સીધો અર્થ છે ‘વિશિષ્ઠ અને હિંમતવાન’. પુટ્ટ તો ગૉલ્ફની રમતમાં બહુ જાણીતો પ્રયોગ છે. સપાટ જમીન પર જે ‘હૉલ’ હોત તેમાં દડાને સરકાવવા માટે હળવેકથી જે ફટકો મારવામાં આવે છે તેને ‘પુટ્ટ’ કહે છે. ગૉલ્ફમાં જેમ હોલ સાથેનું અંતર ઓછું તેમ તેમ ફટકો સુવાળો હોય તો દડો હોલમાં જવાની સંભાવનાઓ વધારે. આમ આર્કિબૉલ્ડ પુટ્ટનો એક અર્થ થાય ‘વિશિષ્ઠ અને હિંમતવાન સદ્‍ગૃહસ્થનો હળવો ફટકો’. કહેવાની જરૂર નહીં કે એવો સુંવાળો ફટકો જે કામ કરી જતો હોય છે તે ગળાં ફાડી ફાડીને રાડારાડ કરવાથી કે મસમોટી તાકાત લગાવવાથી પણ સિદ્ધ નથી થતું.

ઈંગ્લીશ લેંગ્વેજ અને યુસેજમાં હજૂ પણ રસપ્રદ પાસું વર્ણવાયું છે[3]

Online Etymology Dictionary  માં સમજાવાયું છે કે ‘પહેલાં વિશ્વ યુદ્ધ દરમ્યાન જર્મન વિમાન-વિરોધી તોપમારા માટે જે શબ્દપ્રયોગ થતો તે ખુબ વેધક તોપમારામાંથી છટકી નીકળતી વખતે લોકપ્રિય મ્યુઝિક હૉલ ગીત “Archibald, certainly not!” સાથે સંબંધ ધરાવે છે તેમ મનાય છે.

બીજા એક સંદર્ભમાં Ernest Weekly’s An Etymological Dictionary of Modern English (1921)ને ટાંકીને જણાવાયું  છે કે,“૧૯૧૪ પહેલાં જ્યાં મોટે પાયે હવાઈ વિકાસ અને ચકાસણી થતી હતી, જે ફિલ્મ Those Magnificent Men in their Flying Machines’માં પણ બતાવાયું છે, તે બ્રૂકલૅંડ્સમાં એક વાર ધ્યાન આવ્યું હતું કે પાણી કે ભીની જમીન પર, કે તેની આજુબાજુમાં, હવામાં બહુ તોફાન જોવા મળે છે શરૂ શરૂના ફાઈટર પાયલોટોને બહુ ‘બમ્પ’ કે ‘ડ્રોપ’ અનુભવવા પડતા હતા. આમાંના અમુક ‘ભમ્મર’ કાયમી બની ગયેલાં દેખાતાં હતાં, જેમાંનું એક વે નદી પર હતું અને બીજું એરોડ્રોમમાના એક ખૂણાની પાસે આવેલાં સુવેજ -ફાર્મ હતું. યુવાનોને નિર્જીવ વસ્તુઓને નામ આપવાનું બહુ ગમે એટલે સુવેજ-ફાર્મ પાસેનાં ભમ્મરને એ લોકોએ ‘આર્કિબૉલ્ડ’ નામ આપ્યું હતું. પછી જ્યારે લડાઈ ફાટી નીકળી ત્યારે એરોપ્લેન નજીક ફુટતા તોપગોળાને કારણે એવાં જ ભમ્મર બનતાં અનુભવાયાં. બ્રૂકલૅંડ્સના જૂના પાયલોટોને તેમના જૂના મિત્ર ‘આર્કિબૉલ્ડ’ની યાદ આવી જવા લાગી જેના પરથી ‘આર્કિબૉલ્ડ થવું’ એવું સંક્ષિપ્ત સ્વરૂપનું ક્રિયાપદ ચલણમાં આવ્યું. લડાઈ પહેલાં બૃકલૅંડ્સમાં તાલીમ પામેલા પાયલોટો આ કથનનું સમર્થન કરશે.’

વધારાનું વાંચન – આ વિષય પર વધુ  વાંચવું હોય તો, Archibald, Certainly Not!”:  Words and Weapons no.4  જરૂરથી વાંચશો..

‘આર્કિબૉલ્ડ’ના આ સદર્ભ પરથી હવે આ તખલ્લુસનો એક બીજો અર્થ ‘વિમાન-વિરોધી તોપન ગોળાનો ફળવો ઝટકો’ પણ કરી શકાય, ગૉલ્ફમાં ગ્રીન પરનાં હૉલમાં ‘પુટ્ટ’ કરવું હોય કે વિમાન વિરોધી તોપના ગોળાનો સુંવાળો ફટકો હોય, જે ચીવટનું કામ હળવેથી કરી શકાય તે અત્યધિક જોર પ્રયોગ કરવાથી પણ ઘણીવાર નથી થતું.

ચાલો, હવે તો તખલ્લુસનો અર્થ સમજ્યાનો સંતોષ થયો!


[1] ‘The Successful Technocrat’ – a series of papers by Archibald Putt in Research and Development journal in 1976

[2] Putt’s Law – A book review

[3] Why is German anti-aircraft fire called “Archibald”?

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.