અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ગ્લેન કેન્યન અને અકલ્પનીય એન્ટીલોપ

દર્શા કિકાણી

૧૫/૦૬/૨૦૧૭

સવારે ૫.૧૫ વાગે તો અમે બધાં બસમાં હાજર હતાં. આજે પણ પેક કરેલ બ્રેકફાસ્ટ આપ્યો હતો. એટલે હોટલમાં નાસ્તો કર્યા વગર જ બસમાં બેસી ગયાં. બે કલાક ઝોકાં ખાધાં ત્યાં તો ગ્લેન કેન્યન આવી ગયાં અને બસ ઊભી રહી.ફટાફટ પેટમાં થોડું ઓરી પાણી પી અમે બસમાંથી નીચે ઊતર્યાં. ભૂસ્તરશાસ્ત્રની અજાયબી સમાન સુંદર ગ્લેન કેન્યન અને નજીકમાં મોટું તળાવ પોવેલ લેક. કોલેરડો નદી પર બંધ  અને પોવેલ લેક બનાવવું કે નહીં તેનો વર્ષો સુધી ચાલેલો વિવાદ અને તેને લગતી વાતો સાંભળવા કરતાં મૌન થઈ ગ્લેન કેન્યન જોયાં કરવાનું મન વધુ થાય. બોટિંગ,ફિશિંગ અને બીજી ઘણી પ્રવૃત્તિઓ થઈ શકે તેવું હતું પણ અમને તો શાંતિથી ગ્લેન કેન્યન જોવામાં જ રસ હતો. સમય હતો ત્યાં સુધી શાંતિથી કુદરતી વાતાવરણમાં બેસીને ગ્લેન કેન્યન તથા પોવેલ લેકને નિહાળતાં રહ્યાં.

અમને બસમાં આગળ જ બેસવા મળતું એટલે ડ્રાઈવર અને ગાઈડ સાથે સારો પરિચય થઈ ગયો હતો. બંને ચીની હતા પણ જરૂરી અંગ્રેજી બોલી શકતા હતા. સ્થળોની વિશેષ માહિતી અમારા ગાઈડ ગુગલ પર સર્ચ કરી અમારા માટે પ્રિન્ટ કરી લઈ આવતા.

ગ્લેન કેન્યનની સુંદરતાનો નશો ઉતરે ત્યાં તો બસ ફરી ઊભી રહી. તડકો થઈ ગયો હતો. વેરાન કે રેતાળ કહેવાય તેવો પ્રદેશ હતો. અહીં શું હશે? તેવો પ્રશ્ન થાય. બસમાંથી ઉતર્યાં તો નવાજો પ્રદેશના ટ્રાઇબલ છોકરાઓ અમને ગ્રુપમાં લઈ જવા તૈયાર ઊભા હતા. તડકામાં કમને  ૨૦૦ મીટર ચાલ્યાં હોઈશું ત્યાં એક જગ્યાએ સહેજ નીચે જવાનો ખાંચો આવ્યો. લોખંડની સીડી પર એકએક માણસ જઈ શકે તેવી રીતે નીચે ઊતરવાનું હતું. ૧૮-૨૦ પગથિયાં ઊતરવાના હશે. નીચે ઊતરતાં માણસો છેક નીચે પહોંચી આશ્ચર્ય ચકિત થઈને જે ઉદ્ગારો કાઢે અને જે બૂમો સંભળાય તે ઉપર ઊભેલા માણસને સમજાય જ નહીં. પણ તેઓ નીચે જવા તલપાપડ થઈ જાય.

અમે લોખંડની સીડી પરથી પગથિયાં ઊતરતાં ઊતરતાં નીચે પહોંચ્યાં અને……… અમે રંગબેરંગી અદ્ભુત અજાયબ અકલ્પનીય એન્ટીલોપમાં પહોંચી ગયાં હતાં. આંખ ખોલો અને ‘ખુલ જા  સીમ સીમ’ બોલો ત્યાં તો કેસરી, લાલ, મરુન વગેરે રંગોનો જાણે મેળો નજર સામે હાજર !  રંગીન કામનો અને ભીંતોની નાની સાંકડી ભમરિયા ગલીઓ. બે-ત્રણ જણ તો સાથે સાથે જઈ પણ ન શકે એટલી સાંકડી અને ગોળગોળ ફરતી. પ્રકાશ ક્યાંથી આવતો હશે તે સમજાય નહીં પણ રંગીન પ્રકાશથી ગલીઓ ઊભરાય. અગમ્ય, અવર્ણનીય, અકલ્પ્ય ….. પગલે પગલે ફોટા પાડવાનું મન થાય. કેમેરા વિના જો અહીં આવો તો ફોટા પાડવા ફરી આવવું પડે. જાણે પત્થરમાં કવિતા કોતરી હોય તેવું લાગે. દુનિયાનું સૌથી જાદુઈ સ્થળ! અમે પણ ગાંડા થઈ ગયાં. અસંખ્ય ફોટા પાડ્યા. અંદરથી બહાર આવવાનું મન થાય નહીં. જગ્યા સાંકડી હતી અને મુસાફરો ઘણાં હતાં એટલે થોડા સમયમાં અમને અમારા નવાજો ગાઈડે બહાર કાઢ્યા.

અકલ્પનીય એન્ટીલોપ બે વિભાગમાં વહેંચાયેલું છે :

 • ઉપરના એન્ટીલોપ કે જ્યાં પાણી ખડકોમાંથી વહે છે અને
 • નીચેના એન્ટીલોપ અથવા ભમરિયાળા ખડકોની કામનો

બંને ભેગાં મળીને ભવ્ય અને ભભકાદાર અકલ્પનીય એન્ટીલોપ બને. એ પ્રદેશમાં ફરતાં ‘એન્ટીલોપ’ નામના પ્રાણીઓ પરથી આ ખડકોનું નામ પણ એન્ટીલોપ પડ્યું છે. સદીઓથી વહેતા પાણી અને ઘૂઘવતા પવનને કારણે બનેલ કુદરતની આ અદ્ભુત કમાલ જોયાં વિના નૈઋત્ય અમેરિકાની કોઈ પણ ટુર અધૂરી કહેવાય. અમે બહાર નીકળ્યાં ત્યારે ભરબપોર થઈ ગઈ હતી અને તડકો બહુ આકારો હતો. અમારા નવાજો ગાઈડે અમને ઠંડુ પાણી પીવડાવ્યું અને અમે બસમાં પાછાં ગોઠવાયાં. સપનું જોયું કે હકીકત? રંગોની ચમકદમક મન માનવા તૈયાર ન હતું. આંખો સામે એ જ તરવરતું હતું.

કલાકમાં અમારી બસ પાછી ઊભી રહી. દુનિયાની નવી અજાયબી! અમે હતાં બ્રાઈસ કેન્યોનની સામે. નજર ફેલાય ત્યાં સુધી ઝાંખા ગુલાબી રંગનાં કેન્યોન!  અદ્ભુત દ્રશ્ય! વાદળી રંગના ખુલ્લા આકાશ નીચે ગુલાબી કેન્યન! ગુલાબી કેન્યનની વચ્ચે વચ્ચેથી વાદળી આકાશ દેખાય. ધરતીને આકાશ મળે ત્યાં સુધી બસ આ જ નજારો! ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ આ કેન્યોન ખરેખર કેન્યન નથી પણ હુડુ છે. ઊભા ખડક કે ભેડકમાં જોરથી પાણી વહેવાથી ખડકોનું ધોવાણ થાય છે અને ખડકોની અંદર બારીઓ કે કાણા પડે છે. કાણાં મોટાં થતાં જાય એટલે ઉપરનો ખડક બટકી જાય અને સ્તંભ બાકી રહે. જોરદાર વરસાદ આ ચૂનાના સ્તંભ જેવા ખડકોને ઓગાળે અને સ્તંભોમાં સુંદર શિલ્પકામ કરે! એક પછી એક  આવતાં સ્નો અને વરસાદ આ પ્રક્રિયા અવિરત ચાલુ જ રાખે. જૂનાં ખડકો માટીમાં રૂપાંતર પામે અને નવા બનતા જાય! ખડકો ઉપરના ઢગલેબંધ થર જાણે પૃથ્વીના વિકાસની ગાથાના પ્રકરણો! ભૂસ્તરશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનીઓને તો મઝા પડી જાય તેવું હતું. સામાન્ય માણસ પણ  કુદરતનાં વશીકરણમાં આવી જાય તેવું વાતાવરણ હતું. વળી ઠેરઠેર બેસવાની સરસ સગવડ કરી હતી જેથી મુસાફરો આ અદ્ભુત દ્રશ્યનો ભરપૂર લાભ ઉઠાવી શકે. પાણી અને વોશરૂમની વ્યવસ્થા પણ હતી. ૬૫ કિમીની  ટ્રેકિંગ રાઈડ હતી અને રાતના રહેવાની વ્યવસ્થા પણ હતી. મનોરમ્ય ખડકોને જોતાં જોતાં અમે જોડે લાવેલ થોડો નાસ્તો કર્યો. નજર તો ખડકોમાં જ અટવાયેલી હતી. શું ખાધું તે પણ ખબર પડી નહીં! ગાઈડે બૂમ પાડી અમને બોલાવ્યાં ત્યારે જ ખ્યાલ આવ્યો કે હજી આગળ જવાનું હતું. અમારે અહીંથી પાંચ કલાક બસમાં બેસી સોલ્ટ લેક સીટી જવાનું હતું.

બસની રાઈડ લાંબી હતી. રસ્તા સારા અને વાહન પણ સારું એટલે સરસ રીતે ધારેલાં સમયે અમે સોલ્ટલેકસીટી પહોંચી ગયાં. રસ્તામાં જમવા માટે બસ ઊભી રાખી હતી એટલે અમે સરસ ફળ-ફળાદી, જ્યુસ અને દહીં સાથે થેપલાનું જમણ પતાવી દીધું હતું. રામાદા  ઈનમાં ઉતારો આપ્યો. હોટલ બહારથી સુંદર દેખાતી હતી. સરસ પુષ્પાચ્છાદિત વૃક્ષો હતાં. લીલોતરી તો સરસ હોય જ. અમે રૂમમાં ગયાં પછીનો અનુભવ બહુ સારો ના રહ્યો. અમારું બાથરૂમ બરાબર ન હતું, ગરમ પાણી આવતું ન હતું. દિલીપભાઈની તો રૂમનું તાળું જ ખુલતું ન હતું ! બારણાં પણ જૂનાં થઈ ગયાં હતાં. ટૂંકમાં બહારથી સારી લાગતી હોટલ અંદરથી એટલી વ્યવસ્થિત હતી નહીં. પૂછતાછ કરતાં ખબર પડી કે એક ગુજરાતી કુટુંબે આ પ્રોપર્ટી હમણાં લીઝ પર લીધી હતી અને હોટલને ફરી ચાલુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. નાહીધોઈને રીસેપ્શન પર ગયાં તો કંઈક ભારતીય ભોજન મળશે તેવું લાગ્યું.  મોડું થઈ ગયું હતું એટલે હોટલમાં અમને ખીર મળી જે અમે ખુશ થઈને ખાધી! સવારે વળી પાછું વહેલાં ઊઠવાનું હતું એટલે ‘જેવી છે તેવી’ રૂમમાં સૂઈ ગયાં.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

7 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ગ્લેન કેન્યન અને અકલ્પનીય એન્ટીલોપ

 1. આજે કોઈ ટિપ્પણી નથી કરવી.
  રિસાઈ જવાનું છે…..
  ફોટા કેમ નથી મૂક્યા ?
  ખાસ તો ઍન્ટીલોપ ના…

  1. In last episode, one beautiful pic was posted. But the place is soooooo beautiful that no pictures can describe the real beauty. You have to visit the place to enjoy that beauty!

 2. Enjoyed!!we have not seen Antelope canyons. You inspired me!
  Looking forward to next episode.
  Amrish

  1. We enjoyed various types of canyons but we found antelope, the best. Unbelievably beautiful!

Leave a Reply to Darsha Kikani Cancel reply

Your email address will not be published.