નિસબત : નોકરશાહીનું નગારખાનું ગરીબની તતૂડી સાંભળશે?

ચંદુ મહેરિયા

વરસો પહેલાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે ટકોર કરી હતી કે કેમ  આપણા આઈ એ એસ અધિકારીઓ સૂરજ-ચંદ્ર નીચે જે કંઈ છે તે બધાની એમને ખબર પડે છે તેમ માને છે.?  તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં અફસરશાહીની આકરી આલોચના કરતાં જણાવ્યુ “ આપણે આ તે કેવી વ્યવસ્થા ઉભી કરી છે કે જેમાં તે આઈ એ એસ અધિકારી છે  એટલે ખાતરનું કારખાનું ય ચલાવે, કેમિકલ ફેકટરી પણ ચલાવે અને એર લાઈન્સ પણ ચલાવે ? દેશને બાબુઓના હવાલે કરવાથી શું હાંસલ થશે ?”  કોંગ્રેસ નેતા અને પૂર્વ  કેન્દ્રીય મંત્રી વસંત સાઠેએ  એકવાર એવો નિખાલસ એકરાર કર્યો હતો કે અમે મિનિસ્ટરો તો હુકમ કરી જાણીએ .ખરું રાજ તો અધિકારીઓનું છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમના નવા પુસ્તક ‘એ પ્રોમિસ્ડ લેન્ડ’ માં ભારતની નોકરશાહીને  વિકાસના માર્ગમાં બાધક અને પરિવર્તનમાં અવરોધક હોવાનું નિરીક્ષણ કર્યું છે. ત્રણ દેશી અને એક વિદેશી રાજનેતાના આ કથનો દેશમાં અફસરશાહીની પ્રવર્તમાન સ્થિતિ, મર્યાદાઓ અને મહત્વને ઉજાગર કરે છે..

ભારતીય લોકતંત્રના ચાર આધારસ્તંભ પૈકીનો એક વહીવટી તંત્ર છે.તે આમ તો અંગ્રેજોની દેન છે. બિટીશ રાજ દરમિયાન વોરન હેસ્ટિંગ અને કાર્ન વૉલિસે તેનો આરંભ કર્યો હતો. એ જમાનાની ઈન્ડિયન સિવિલ સર્વિસ આઝાદી અને ભાગલા પછી નવા સ્વરૂપે અસ્તિત્વમાં આવી હતી. ૧૯૪૭માં જે ૧૦૬૪ આઈ સી એસ અધિકારીઓ કાર્યરત હતા તેમાંથી અડધા ઉપરાંત સ્વતંત્રતા પછી બ્રિટન જતાં રહ્યા.બીજા થોડા વિભાજનને કારણે પાકિસ્તાન ગયા.એટલે દેશમાં માત્ર ૪૫૧ અધિકારીઓ બચ્યા હતા. ૧૯૪૬માં સરદાર પટેલે ઈન્ડિયન સિવિલ સર્વિસ(આઈ સી એસ)ને બદલે ઈન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ(આઈ એ એસ)  ની રચના કરી. ૨૧મી એપ્રિલ ૧૯૪૭ના રોજ તેનો વિધિવત આરંભ થયો. તેની સ્મ્રુતિમાં ૨૦૦૬થી એકવીસમી એપ્રિલે સિવિલ સર્વિસ ડે મનાવાય છે. સરદાર પટેલ સરકારી મશીનરીમાં અફસરશાહીને સ્ટીલ ફ્રેમ ગણાવતાં હતા. પણ આ લોકસેવા કે નાગરિક સેવા વહીવટી સેવા બનતાં જ સાવ બદલાઈ ગઈ.આજે તો તેને એવો લુણો લાગ્યો છે કે નરેન્દ્ર મોદી જેવા મજબૂત કહેવાતા વડાપ્રધાન પણ તેને સુધારવામાં નાકામિયાબ લાગે છે.

બંધારણના ઘડવૈયાઓના મતે  બંધારણની સફળતાનો આધાર તેનો અમલ કરનાર વ્યક્તિઓ અને તંત્ર કેવાં છે તેના પર  છે. ધારાગ્રુહોમાં ઘડાતા કાયદા બંધારણને અનુરૂપ છે કે કેમ ? તે જોવાનું પ્રાથમિક કામ અધિકારીઓનું છે. તે પછી ધારાગ્રુહોમાં ઘડાયેલા કાયદા પ્રમાણે નીતિ-નિયમો ઘડવાનું અને તેનો અમલ કરાવવાનું કામ વહીવટી તંત્રનું અને અધિકારીઓનું છે. પણ તેઓ આ બંને કામો યોગ્ય રીતે બજાવતા નથી.

બ્રિટીશરાજ વખતના અમલદારી તંત્રનો ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને વેરા એકત્ર કરવાનો હતો. આઝાદ ભારતના અમલદારોનું કામ અને ઉદ્દેશ કાયદાનું રાજ , લોકકલ્યાણ અને વિકાસ છે.પરંતુ લોકશાહી વ્યવસ્થામાં અધિકારીઓ લોકોના સેવકને બદલે માલિકો બની ગયા છે. તેમની ફરજોને તેઓ સત્તા કે જાગીર માને છે.તેઓનું અસ્તિત્વ જેમની સેવા માટે છે તે લોકોને તેઓ રૈયત માને છે. અમલદારો લોકાભિમુખને બદલે લોકવિમુખ જ નહીં લોકવિરોધી બની ગયા છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે જીએસટી અંગે આપણી બ્યુરોક્રસીની કડક ટીકા કરી છે.

નિયમોના જાળા, જંગલો અને જટાજૂટની એવી જટિલતા તંત્ર ઉભી કરે છે કે નિયમો લોકોને લાભ આપવા માટે છે કે છીનવવા માટે તે પારખવવું અઘરું બની જાય છે.કોરોના મહામારી દરમિયાન આપણી અમલદારશાહીનો લોકવિરોધી અને બેજવાબદાર ચહેરો વારંવાર જોવા મળી રહ્યો છે.કોરોના કાળની કામગીરીમાં નિષ્ફળતા બદલ  એકેય રાજ્યના આરોગ્ય મંત્રીને રાજીનામુ આપવું પડ્યું નથી. પણ સમગ્ર દેશમાં ત્રીસેક આરોગ્ય સચિવો, આરોગ્ય નિયામકો અને કલેકટરો-કમિશનરોની બદલીઓ કરવી પડી છે.

પાંચેક વરસ પહેલાં યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં પાસ થયેલા એક ગુજરાતી યુવાને જરાય દિલચોરી સિવાય તેની આઈ.એ.એસ.થવાની પ્રેરણા બાળપણથી તેણે જોયેલી લાલ લાઈટવાળી ગાડીના આકર્ષણને ગણાવી હતી. ભારતમાં સત્તા પી.એમ, સી.એમ અને ડી.એમ.માં કેન્દ્રિત થયેલી છે એટલે ભલે હવે સરકારી ગાડીઓ પરની લાલ લાઈટ કાઢી નાંખવામાં આવી હોય.ડી.એમ કે  કલેકટર જિલ્લાનો રાજા છે તે સ્થિતિ ઝાઝી બદલાઈ નથી. એટલે લોકસેવા કે વ્યવસ્થા પરિવર્તન માટે નહીં સત્તા અને સવલતો માટે યુવાનો અધિકારી થવાનું પસંદ કરતા હોય તો તેનાથી દેશનું ભલું થવાનું નથી.

કાયદા કે નિયમોની મર્યાદામાં રહીને જરૂરિયાતમંદ ગરીબોની તરફેણમાં વ્યવહારિક માર્ગ કાઢવો તે અધિકારીનું કામ હોવું જોઈએ. પરંતુ આજે રાજકારણીઓ અને અધિકારીઓની સાંઠગાંઠે લોકોની મુશ્કેલીઓ વધારી છે. વહીવટી તંત્રનું કામ પ્રધાનોને અયોગ્ય કામ કરતાં રોકવાનુ છે. પરંતુ તેઓ પ્રધાંનોની કિચન કેબિનેટના સભ્યો બની પોતાની તટસ્થતા અને નિષ્પક્ષતા ભૂલી સરકારના નહીં પણ  સત્તા પક્ષના સભ્ય બની જાય છે. રાજકારણીઓને સાષ્ટાંગ દંડવત કરતાં અધિકારીઓ તેમના કૌભાંડોમાં પણ સહભાગી હોય છે. ચારાકાંડ, ટુજી ગોટાળો , કોલસાકાંડ અને બીજા ઘણા ભ્રષ્ટાચારોમાં રાજકારણીઓના જેટલી જ સંડોવણી ટોચના અધિકારીઓની છે.

દેશની સૌથી મોટી વહીવટી અને પોલીસ સેવા(આઈ એ એસ., આઈ પી એસ અને અન્ય)ના અધિકારીઓ કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્થળે ફરજ બજાવતા હોય છે. પરંતુ બંધારણના ભાગ-૧૪ના અનુચ્છેદ ૩૦૮ થી ૩૧૪ મુજબ તેમની નિમણૂક અને  સેવાની શરતો કેન્દ્ર સરકાર નક્કી કરે છે. એટલે આ અધિકારીઓ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ક્યારેક પિસાય પણ છે. બદલીની તલવારો અને રાજકીય દબાણો પણ સહન કરવાના હોય છે.

ભીમકાય કે મહાકાય મનાતા આપણા વહીવટી તંત્રમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાના કારણે તંત્ર અસરકારક કામગીરી કરી શકતું નથી તેવી પણ દલીલ છે. દેશમાં આઈએએસ અને આઈપીએસની કુલ જગ્યાઓ ૧૧,૬૯૭ છે પરંતુ તેમાંથી ૨૪૧૮ ખાલી છે. ગુજરાતની કુલ ૩૧૩ આઈએએસની જગ્યાઓમાં ૭૧ અને આઈપીએસની ૨૦૮ જગ્યાઓમાંથી ૫૦ ખાલી છે. બંને સર્વર્ગના અનુક્રમે ૨૩ અને ૨૦ મળી ૪૩ અધિકારીઓ ડેપ્યુટેશન પર છે રાજ્યોના વહીવટી તંત્રને કેન્દ્રના મુકાબલે સક્ષમ અધિકારીઓની ખોટ રહે છે.  આ તર્કને ઘડીભર સ્વીકારી લઈએ તો પણ તંત્રમાં જે  વ્યાપક સુસ્તી, અકર્મણ્યતા, તુમારશાહી,સામંતી અને લોકોને બદલે પોતાના રાજકીય આકાઓને જવાબદાર હોવાનો વ્યવહાર, વિલંબ નીતિ, નિયમોની જટિલતા  સત્તાકેન્દ્રી અને લોકવિમુખ માનસ છે તેને ક્ષમ્ય ગણી શકાય નહીં.

વહીવટી સુધારણા સમિતિઓના અહેવાલો અને નિષ્ણાતોના અભિપ્રાયો વહીવટી તંત્રમાં આમૂલ પરિવર્તન કરવાની જરૂર જણાવે છે. ‘ઈન્ફોસિસ’ના વડા નારાયણ મૂર્તિએ સનદી સેવાઓ તેનું વજૂદ ગુમાવી ચૂકી હોય તેને બદલે ઈન્ડિયન મેનેજમેન્ટ સર્વિસ સ્થાપિત કરવા સૂચન કર્યું હતું. અગાઉ સનદી અને પોલીસ સેવાઓમાં મુખ્યત્વે  શહેરી મધ્યમવર્ગના સંતાનો આવતા હતા. હવે સમાજના નબળા વર્ગો, ગ્રામીણ પરિવેશ  અને સામાન્ય પરિવારોના સંતાનો પણ આવી રહ્યા છે. પરંતુ તેઓ તેમના આદર્શો,  નિસબત અને સંવેદનાને ભૂલી તંત્રના ઉજ્જવળને બદલે ધૂમિલ ચહેરો બની જાય તેવી વ્યવસ્થા આપણે ઉભી કરી છે. અમલદારશાહીને કાર્યક્ષમ, લોકતરફી, પારદર્શી, હકારાત્મક , ભ્રષ્ટાચારમુક્ત અને તેના નગારખાનામાં ગરીબોનો અવાજ સંભળાય તેવી બનાવવાની જરૂર છે. અનેક ઉણપો છતાં સનદી સેવાની પ્રતિષ્ઠા ટકી છે તે સંજોગોમાં પ્રશ્ન થાય છે કે જે દેશ આઝાદી ટાણે રાજારજવાડાઓના રાજ છોડાવી શક્યો છે તે શું  સ્વાતંત્ર્યની સુવર્ણ જયંતિએ અફસરશાહીને જાગીર મુક્ત કરી જવાબદાર નહીં બનાવી શકે ?


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.