લુત્ફ-એ-શેર: મણકો # ૪૯

 

ભગવાન થાવરાણી

ફીઝ જાલંધરીનું શાયર તરીકે મહત્વ જતાવવા એટલું કહેવું કાફી થઈ પડશે કે પાકિસ્તાનનુ રાષ્ટ્ર-ગીત એમણે લખ્યું છે.

હફીઝ સાહેબનું જીવન દરેક દ્રષ્ટિકોણથી બહુઆયામી હતું. બે વર્ષ માટે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને ફરી પાછા મુસલમાન બન્યા. ઇસ્લામની પ્રશસ્તિમાં ‘ શાહનામા-એ-ઈસ્લામ ‘ લખ્યું, પાકિસ્તાની લશ્કરમાં મહત્વની ભૂમિકા નિભાવી અને ભગવાન કૃષ્ણ વિષયક ખૂબસુરત નઝ્મો પણ લખી !
મલ્લિકા પુખરાજ દ્વારા ગવાયેલી એમની બેહતરીન નઝ્મ ‘ અભી તો મૈં જવાન હું ‘ કોણે નહીં સાંભળી હોય ? એમના વિદ્રોહી આત્માની એક ઝલક જુઓ :
જિસને ઈસ દૌર કે ઈંસાન કિયે હૈં પૈદા
વહી મેરા ભી ખુદા હો મુજે મંઝૂર નહીં ..
પરંતુ મને એમનો જે શેર અતિપ્રિય છે તે છે આ :
દોસ્તોં કો ભી મિલે દર્દ કી દૌલત યા રબ
મેરા અપના હી ભલા હો મુજે મંઝૂર નહીં..
 
દોસ્ત અમીર હોય એવી દુઆ તો દરેક ઈમાનદાર મિત્ર કરે જ પરંતુ દર્દની દોલત ! કરુણાનો આશીર્વાદ ? અને શાયરની ખુમારી જૂઓ કે એ દોસ્તો માટે ખુદા પાસે આ દુઆ એટલા માટે કરે છે કે એ સ્વાર્થી નથી. એને તો આ દોલત મળી જ છે પણ આ દોલતથી એનું એકલાનું ભલું થાય એ વાત એને સ્વીકાર્ય નથી !
આપ સૌને પણ આ દોલત બેશુમાર મળો ..

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.