અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ભવ્ય ગ્રાન્ડ કેન્યન

દર્શા કિકાણી

૧૪/૦૬/૨૦૧૭

સવારે વહેલાં બસમાં બેસી ગયાં અને છ વાગે બસ ઊપડી. બસ શોધવામાં, ઊપડવામાં, સીટ મળવામાં શરૂઆતમાં થોડી તકલીફ થઈ પણ પછી ૪૪-૪૫ નંબરની સીટ પર બેસી ઝોકાં ખાઈ લીધાં. આઠ વાગ્યા પહેલાં બસ ઊભી રહી ત્યારે જ જોયું કે બસ સારી અને સગવડભરી હતી. જો કે ગાઈડ ભાઈ બહુ મઝાના ન હતા, કદાચ ભાષાની તકલીફ હોઈ શકે. નાસ્તો બસમાં જ આપી દીધો. સેન્ડવીચ અને કેળાં હતાં. કૉફી બહારથી લઈ સરસ બ્રેકફાસ્ટ કરી લીધો. અમે ગ્રાન્ડ કેન્યન પહોંચી ગયાં હતાં. ત્યાં આવતાં મુસાફરોની સલામતી માટે અહીં પાર્કની જ બસો અલગ અલગ પોઈન્ટ પર જવા માટે રાખવામાં આવી હતી. અહીં ૩ પોઈન્ટ જોવાનાં હતાં :

  • હૌલાપાઈ રાંચ
  • ઈગલ પોઈન્ટ
  • ગૌનો પોઈન્ટ

અમે સૌથી પહેલાં રાંચ પહોંચ્યાં ત્યારે હજી મુસાફરોનો ટ્રાફિક શરુ થયો ન હતો. સાદા શબ્દોમાં કહીએ તો રાંચ એટલે ગાય, આખલા, ઘોડા વગેરે પ્રાણીઓને રાખવાનું ફાર્મ.અહીં વર્ષો પહેલાં રાંચ હશે જે સાચવી રાખવામાં આવ્યું છે. જૂનાં જમાનાના કાઉ-બોયના ઘર, મોટી વસાહત અને કેબીનો, મિકેનીકલ આખલો વગેરે જોવાની અને ફોટા પડાવવાની ખૂબ મઝા આવી. ઘોડેસવારી તથા જુદી જુદી રાઇડ્સની સગવડ પણ હતી. એકદમ રેતાળ અને સૂમસામ પ્રદેશ હતો. રાંચના કેર ટેકર સાથે વાતો કરવાનો સારો સમય મળ્યો. તેની પોતાની પાસે ૮ એકર જમીન છે. અને તે રાંચમાં રહે છે તે જ રીતે પોતાના ઘેર રહે છે! જૂનો સમય બહુ સરસ રીતે સાચવી રાખ્યો છે.

ત્યાંથી બીજા પોઈન્ટ પર જવા બસ મળી ગઈ અને અમે પહોંચ્યાં ઈગલ પોઈન્ટ. ઈગલ જે રીતે આકાશમાં ઊંચે ઊડી જમીનનું અવલોકન કરે તે જ રીતે આ પોઈન્ટ એટલી ઊંચાઈ પર હતું કે  આપણે ખરેખર આકાશમાં હોઈએ તેવી લાગણી થાય. બહુ સુંદર ખડકોથી આખો પ્રદેશ ઘેરાયેલો હતો….. આ જ ગ્રાન્ડ કેન્યન!  છેક નીચે કોલોરાડો  નદી વહે છે. બંને બાજુ  લગભગ ૪૦૦૦ ફૂટ (૧૨૦૦ મીટર) ઊંચા ખડકો અને તેની ખીણો છે! કોતરણી કરીને કલાત્મક રીતે ગોઠવ્યા હોય તેવું લાગે. કોતરો અને ખડકોનો સુંદર રાતાશ પડતો સોનેરી  રંગ પ્રકાશમાં અજબ રીતે  ચમકતો હતો. એક અલૌકિક આભા ફેલાવતો હતો. ઊભા ઊભા જોયાં કરવાનું મન થાય. કોલોરાડો નદી અને કોતરો, ખડકો, ખીણો વગરે જોઈ શકાય તે માટે જમીનથી ૪૦૦૦ ફૂટ ઊંચે કાચનો ચાલવાનો રસ્તો ( Walkway) બનાવ્યો છે જે આ અદ્ભુત માહોલને એકદમ કુદરતી રીતે જોવાની તક પૂરી પાડે છે.

નજીકમાં જ એક જૂના ગામની પ્રતિકૃતિ બનાવી છે.ચાલીને અમે જૂનાં ઘર (હોગન) જે માટી અને લાકડીઓથી બનાવવામાં આવતાં હતાં તે જોયાં. સૂર્યપ્રકાશને કેવી રીતે ઘરમાં વધુમાં વધુ સમય સુધી રોકી શકાય તે જોયું. નવાજો સ્વેત લોજ  એટલે ધ્યાન કરવાનો કક્ષ જોયો. નાના પથ્થરો આગમાં નાંખી ગરમ કરવામાં આવતાં કે શેકવામાં આવતાં અને પછી ઓરડાની મધ્યમાં મૂકી તેના પર પાણી નાખવામાં આવે એટલે રૂમમાં ધુમાડો થાય. અને આ ધુમાડો તથા  ઝાંખો પ્રકાશ ઈશ્વર ભક્તિમાં મદદરૂપ થાય. ગામની બહાર નાનું એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું છે. નેટીવ અમેરિકન ટ્રાઈબના લોકો વંશ પરંપરાગત નૃત્યો અને ગીતોનો કાર્યક્રમ ભજવી રહ્યાં હતાં. અમેરિકન તળપદી લોકસંગીત સાંભળ્યું અને માણ્યું. કલાકારોને મળ્યાં અને તેમની સાથે વાતો કરી. લોકકલાની વસ્તુઓની દુકાન પણ નજીકમાં હતી.

ત્યાંથી બસ લઈ અમે પહોંચ્યાં ગૌનો પોઈન્ટ. ‘વિહંગાવલોકન’ શબ્દની યથાર્થતા અહીં સમજાઈ. એક પક્ષી આકાશમાં ઊડીને ધરતી પર જુએ તો તેને  કેવું દેખાય તે આપણને અહીંથી જોઈને ખ્યાલ આવે. ઊંડી ઊંડી ખીણો, ખૂબ ખૂબ ઊંડે વહેતી નદી, આકાશને આંબતા ઊંચા ખડકો અને ખડકોમાં કોતરો! તમને બધું એક જ સ્થળ પર ઊભા રહી દેખાય. આ ખીણો, ખડકો અને કોતરો બનતા તો યુગોના યુગો લાગ્યાં હશે પણ કુદરતની એ કરામત અત્યારે આપણે એક સાથે જોઈ શકીએ છીએ! તડકો ઘણો હતો એટલે હું અને રીટા થોડું ફરીને એક સરસ જગ્યા જોઈ બેસી ગયાં. જગ્યા મોકાની હતી. દૂરદૂરથી આ ખીણો, કોતરો અને ખડકો બતાવવા  મુસાફરોને હેલીકોપ્ટરમાં બેસાડી લાવતા હતાં. હેલીકોપ્ટરની રાઈડ તો અડધા કલાકમાં પતી  જતી હશે પણ અમે તો મન ભરીને તેનું દર્શન કર્યું. ગૌનો પોઈન્ટ પર એક સરસ રેસ્ટોરાં પણ હતી. જો કે આવું સુંદર કુદરતી વાતાવરણ છોડી અમને રેસ્ટોરાંમાં અંદર જઈ બેસવાનું મન થયું નહીં. રાજેશ અને દિલીપભાઈ તો આજુબાજુ જેટલા ખડકો પર ચઢી શકાય એવું હતું ત્યાં ચઢી આવ્યા. સમય થતાં બધાં બસમાં પાછાં આવી ગયાં.

બસ રસ્તામાં નેવાડા રાજ્યમાં આવેલ હુવર ડેમ પર ઊભી રહી. લાસ વેગાસ શહેરને પાણી પૂરું પાડતો એ બંધ કોલોરાડો નદી પર આવેલ અમેરિકાનો મોટો બંધ છે. બે રાજ્ય (નેવાડા અને એરિઝોના) અને સેન્ટર એમ ત્રણ સરકારની નાણાંકીય મદદથી આ બંધ બન્યો છે. નજીકનાં રાજ્યો સાથે પાણીના મામલે થયેલ વિવાદોનું સમાધાન લાવનાર અમેરિકાના ૩૧મા રાષ્ટ્રપતિ હર્બર્ટ હુવરની યાદમાં ડેમનું નામ હુવર ડેમ પડ્યું છે. ઘણી બધી વિશેષતાઓ ધરાવનાર આ બંધ જોઈ અમે પાછાં હોટલ પર આવ્યાં અને આગલા મુકામે જવા સામાન બીજી બસમાં ચડાવ્યો. જોકે લગેજ રૂમમાંથી સામાન લઈ બસમાં ચઢાવવાનો પ્રોસેસ બિલકુલ અવ્યવસ્થિત હતો.

લાસ વેગાસને બાયબાય કરી અમે સેન્ટ જ્યોર્જ જવા નીકળ્યાં. ૩ કલાકનો રસ્તો હતો. બસ સારી હતી. વધુમાં નવાં ગાઈડ બહુ મળતાવડા અને હસમુખા હતા. બસમાં અમે ૪ જ ઇંગ્લિશ બોલી-સમજી શકનાર મુસાફરો હતાં, બાકી બધાં ચાઈનીસ હતાં, ડ્રાઈવર અને ગાઈડ સહિત! ગાઈડે અમને સૌથી આગળ બેસાડ્યાં જેથી માહિતીની લેવડ-દેવડ સહેલાઈથી થઈ શકે. પર્વતો કાપીને બનાવેલ નાના રસ્તા પરથી બસ પાણીના રેલાની જેમ સરકી રહી હતી. અમે બસમાંથી જ વર્જિન નદી અને તેની ઉપરના વર્જિન કેન્યન જોયાં. આંખો જોતાં ના ધરાય તેવું અને ફાટફાટ થતું કુદરતી સૌન્દર્ય અહીંની ધરતીને મળ્યું છે અને લોકોએ તે સારી રીતે સાચવ્યું છે! એક પણ ઝોકું માર્યા વિના અમે આસપાસના સૌન્દર્યને માણતાં રહ્યાં.

બસ એક નાના ગામની નાની હોટલમાં આવી ઊભી રહી. નાના સ્વીમીંગપુલ વાળી હોટલ બહુ સરસ હતી. રૂમો ચોખ્ખી હતી. સામાન રૂમ પર મૂકી અમારાં થેપલાનું જમણ કરી અમે ગામમાં ફરવા નીકળી પડ્યાં. રાતના નવ વાગ્યા સુધી અજવાળું હતું એટલે લાંબે સુધી ચાલ્યાં. આવતી જતી બસો અને ગાડીઓ જોતાં રહ્યાં, પણ રસ્તે ચાલતું કોઈ માણસ દેખાયું નહીં. પર્વતોની વચ્ચે આવેલ આ નાના ગામમાં બધી સગવડો હતી. ગુજરાતના આણંદ-નડિયાદ પાસે હાઇવે પર આવેલ કોઈ ગામની યાદ અપાવે. હોટલની સામે જ એક સરસ સ્ટોર હતો. જરૂરી દૂધ, દહીં, ફળો વગેરે લીધાં. પીવાના પાણીની બોટલોનું મોટું બોક્ષ લઈ લીધું. વાતો કરતાં કરતાં અમે પાછાં હોટલમાં પ્રવેશ્યાં તો રીશેપ્શન પર બેઠેલાં બહેનને જોઈ પરીચિતતાનો ભાસ થયો. થોડીવાર અમે કાઉન્ટર પાસે ઊભાં તો રીશેપ્શનીષ્ટ બહેને અમને  બોલાવ્યાં અને વાતો શરુ થઈ. બહેન મૂળ ગાંધીનગરના વતની છે અને લગ્ન કરીને અહીં આવ્યાં છે અને આ હોટલમાં કેરટેકર તરીકે કામ કરે છે. અમને મળીને બહુ આનંદ થયો.

બીજે દિવસે સવારે વહેલાં ઊઠી બસમાં આગળ જવાનું હતું એટલે તેમની વિદાય લઈ અમે રૂમ પર જઈ સૂઈ ગયાં.સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

8 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ભવ્ય ગ્રાન્ડ કેન્યન

  1. આજના લેખમાં વર્ણવેલ અમેરિકા કંઈક અલગ સુંદરતા ધરાવતું હતું – ગમ્યું…

Leave a Reply

Your email address will not be published.