ફિર દેખો યારોં : ગુજ્જુ, બાબુ મોશાય, ભૈયા, ચીની, શાબજી, સિંઘા, કાળિયા, ધોળિયા વગેરે વગેરે…

બીરેન કોઠારી

અસલમાં એ રહમતપુર, બંગાળનો વતની. કલકત્તા ટેક્નિકલ ઈન્‍સ્ટિટ્યૂટ- ‘કૅલ્ટેક’માંથી કમ્પ્યુટર સાયન્‍સમાં તેણે પી.એચ.ડી. કર્યું છે અને સીત્તેર હજાર વિદ્યાર્થીઓમાં તે સૌ પ્રથમ આવેલો. અમેરિકાની સ્પ્રિંગફિલ્ડ હાઈટ્સ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં ઉચ્ચ અભ્યાસ માટે તે અમેરિકા આવ્યો. ખર્ચ કાઢવા માટે તેણે એક સ્ટોરમાં કામ શરૂ કર્યું. ધીમે ધીમે તેને કામમાં મઝા આવવા લાગી. બીજા અનેક ભારતીયોની જેમ તેનું ખ્વાબ અમેરિકન નાગરિક બનવાનું હતું. પણ એ નસીબ તો કોને સાંપડે? આથી તે હવે ગેરકાયદે રહેવા લાગ્યો. દરમિયાન મેયરે પૂરતા દસ્તાવેજો ન હોય એવા બહારના લોકોને તગેડી મૂકવાનો કાયદો મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો. સ્થાનિક માફિયાની સહાય લઈને આ મહાશયે જન્મનું બનાવટી પ્રમાણપત્ર ખરીદવાનો પ્રયત્ન કર્યો. એ મુજબ તેનાં માતાપિતા હતાં અમેરિકન નાગરિક દંપતિ હર્બ અને જ્યુડી. આમ કરતાં તેને ભાન થયું કે પોતે પોતાનાં મૂળિયાંનો ત્યાગ કરી રહ્યો છે. આથી તેણે એ યોજના પડતી મૂકી. પોતાના પરિચીત એવા એક અમેરિકન દંપતિની સહાય લીધી, અને અમેરિકન નાગરિકત્વની પરીક્ષાની બરાબર તૈયારી કરી. તેની મહેનત સફળ થઈ અને એ અમેરિકન નાગરિક બની ગયો. હવે તે એ સ્ટોરનો માલિક છે.

આ મહાશયનું નામ છે અપુ, જે કોઈ વાસ્તવિક વ્યક્તિ નથી, પણ એક કાલ્પનિક પાત્ર છે. જે કાર્ટૂન શ્રેણીમાં આ પાત્ર દર્શાવાયું છે એ એનિમેટેડ શ્રેણી એટલે ‘ધ સિમ્પસન્‍સ’. આ શ્રેણીનાં વિવિધરંગી પાત્રોમાં દક્ષિણ એશિયાના અમેરિકામાં સ્થાયી થયેલા નાગરિકોની માનસિકતાનું પ્રતિબિંબ અપુનું પાત્ર કરતું હોવાનો દાવો છે. આ દૃષ્ટિકોણ શ્રેણીના લેખકનો હોઈ શકે,પણ આ શ્રેણીના દર્શકો જાણે છે કે શ્રેણીમાં વિવિધ પાત્રોની લાક્ષણિકતાઓ થકી રમૂજ પેદા કરવાનો ઉપક્રમ મુખ્ય છે.

શ્રેણી એનિમેટેડ હોવાથી દરેક પાત્ર માટે કોઈ ને કોઈ કલાકારે પોતાનો અવાજ ઉછીનો આપવો પડે. એ મુજબ અપુના પાત્ર માટે ભારતીય લઢણવાળા અમેરિકન અંગ્રેજી ઉચ્ચાર કરનાર કલાકાર હતા હાન્‍ક એઝરિયા. આ કલાકાર પોતે અમેરિકન છે. છે. ‘ધ સિમ્પસન્‍સ’ શ્રેણી સાથે તે લગભગ આરંભથી, એટલે કે ૧૯૮૯થી સંકળાયેલા છે. હમણાં તેઓ આ જ કારણોસર સમાચાર માધ્યમોમાં ચમક્યા છે. અપુના પાત્ર માટે પોતે હવે અવાજ નહીં આપે એમ કહીને તેમણે સામે ચાલીને આ શ્રેણી છોડી છે. ત્રણ ત્રણ દાયકાથી લોકપ્રિય બનેલા પાત્ર સાથે સંકળાયેલા હાન્‍કના અવાજની એક આગવી અને લોકપ્રિય ઓળખ બની છે. ત્યારે આ શ્રેણી છોડવા માટે તેમણે આપેલું કારણ વધુ મહત્ત્વનું છે.

હાન્‍કના જણાવ્યા મુજબ અપુનું પાત્ર દક્ષિણ એશિયન, ખાસ કરીને ભારતીયોની માનસિકતાની હાંસી ઉડાવે છે. તેને પગલે વંશીય ભેદભાવનું એ પ્રેરક બને છે. કોઈ પણ પ્રદેશ કે વંશના લોકોને ઢાંચાગત (સ્ટિરિયોટાઈપ) કલ્પીને તેમને મજાકને પાત્ર બનાવવા એ વાજબી નથી. ભલે ને, એ કૃત્ય ઈરાદાપૂર્વક ન કરાયું હોય. હાન્‍ક કંઈ રાજકારણમાં ઝંપલાવવાના નથી કે કોઈ ચોક્કસ વર્ગને રાજી રાખવા તેમણે આવી ઘોષણા કરી હોય. તેમણે એમ કહ્યું કે પોતાનું ચાલે તો અપુ માટે પોતાનો અવાજ આપવા બદલ એકે એક ભારતીયની તે બિનશરતી માફી માંગે એ હદે તેમને પસ્તાવો થયો છે. હવે તેમણે આ શો છોડી દીધો છે. અલબત્ત, શો ચાલતો રહેવાનો, અને અપુનું પાત્ર રહેશે કે કેમ, એ ખબર નથી. રહે તો હાન્‍કના બદલે બીજો કોઈ કલાકાર એ અવાજ આપશે. એ રીતે હાન્‍કનું આ કૃત્ય કદાચ નાનું જણાય, પણ તેમની ચેષ્ટા ઘણી મોટી અને દુર્લભ કહી શકાય એવી છે.

જે તે જાતિ, પ્રાંત કે દેશના લોકોને એક માળખાગત ઓળખમાં ઢાળવાનું કામ આપણાથી વધુ સારું કોને ફાવતું હશે? આપણી ફિલ્મો આવાં અનેક પાત્રોથી ભરપૂર હોય છે. ઈશાન ભારતવાળા બધા ‘ચીની’, દક્ષિણ ભારતવાળા ‘અય્યય્યો’, બંગાળીઓ એટલે વાતે વાતે ‘બાબુ મોશાય’ બોલનારા, ગુજરાતીઓ વેપારી, નેપાળીઓ બધા જ ‘શા’બજી’ બોલનારા બહાદુર નામધારી…આ યાદી ઘણી લાંબી થઈ શકે. એવું નથી કે આ ઓળખ કેવળ ફિલ્મના પડદા પૂરતી મર્યાદિત અને નિર્દોષ બની રહે છે. વાસ્તવ જીવનમાં આ જ ઓળખનો વિસ્તાર થતો રહે છે અને તેમની સાથે એવું જ વર્તન કે મજાક થતાં રહે છે. વાત હસીમજાક પૂરતી મર્યાદિત રહેતી હોય તો સમજ્યા, પણ એ મિથ્યાભિમાન અને ગુરુતાગ્રંથિની દ્યોતક તેમજ અમુક કિસ્સામાં તો હિંસક બનવા સુધી જાય છે. જે સમૂહની આવી ઓળખ ઉભી કરાય એના સિવાયના તમામ વર્ગને એ સાચી લાગે છે.

લાગણી દુભાવાના મામલે આપણે ભારતીયો બહુ સંવેદનશીલ છીએ, પણ માત્ર પોતાની લાગણી પૂરતા. જાતિ, પ્રાંત કે દેશના મામલે આપણી મજાક બીજું કોઈ ઉડાવે તો આપણે સહન કરી શકતા નથી. ત્યારે આંતરખોજ કરીને એ જોવા જેવું છે કે આપણે એ રીતે બીજા કેટકેટલા વર્ગને મજાકને પાત્ર બનાવ્યો છે, તેમની સાથે ભેદભાવ આચર્યો છે અને એક યા બીજી રીતે ઓરમાયું વર્તન રાખતા આવ્યા છીએ.

રમૂજવૃત્તિ કેળવવાનો અર્થ કેવળ બીજાની મજાક કરવાનો નહીં, પણ પોતાના પર થયેલી મજાકને માણવાનો છે. અન્યોએ કરેલી મજાકથી લાગણી દુભાવાનું અને મજાકને માણવાની ક્ષમતા ગુમાવતા રહેવાનું વલણ દિન બ દિન વધી રહ્યું છે એમ લાગ્યા વિના રહે નહીં. અમેરિકા જેવા, વાણીસ્વાતંત્ર્યમાં ઘણા આગળ કહી શકાય એવા દેશમાં, હાન્‍ક એઝરિયાની આ ચેષ્ટા ખરા અર્થમાં ઉદાહરણીય કહી શકાય એવી છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૦૪–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધ – તસ્વીર વેબ પરથી સાભાર

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.