પુસ્તક પરિચય – બોલના હી હૈ: પ્રજાને બોલતી કરવાનો પ્રયાસ

પરેશ પ્રજાપતિ

એક નાનકડી કલ્પના કરો કે પ્રસંગોપાત કારમાં કુટુંબના બે-ચાર સભ્યો સહિત રાત્રી મુસાફરી કરવાનું આયોજન છે.એ માટે કાર અને ડ્રાઈવર નક્કી કરી લીધા છે.વાહનમાં બેઠેલા બધાં સભ્યો શું નિશ્ચિંત બની સૂઈ શકે છે?સૂઈ રહેવું જોઈએ?ખાસ કરીને ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠેલી વ્યક્તિની માનસિકતા શું હશે?

આપણા દેશને પણ નાનકડી કાર સાથે સરખાવો તો થોડામાં ઘણું સમજી શકાય. લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું તંત્ર એટલે લોકતંત્ર એવું નાગરિકશાસ્ત્રમાં શીખવવામાં આવે છે. હક તથા ફરજોનું આખું પ્રકરણ પણ સામેલ કરવામાં આવે છે.એન.ડી.ટી.વી. પર પ્રાઈમ ટાઈમમાં સમાચાર ઉદઘોષક તરીકે આવતા રવીશકુમારે આજના સંજોગોમાં જાગ્રત નાગરિકની ભૂમિકા અને તેના મહત્વ વિષે પોતાના વિચારો વ્યક્ત કરતું પુસ્તક લખ્યું છે: ‘બોલના હી હૈ. લોકતંત્ર, સંસ્કૃતિ ઓર રાષ્ટ્ર કે બારેમેં’. આ પુસ્તકમાં તેમણે લોકતંત્રને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. જેમ કે, વિરોધ પક્ષનું હોવું, પ્રજા તરીકેની જવાબદારી તેમજ હક, સમાચાર માધ્યમો અને તેમની જવાબદારીઓ, સરકારની ભૂમિકા અને તેનું કર્તવ્ય વગેરે. પોતાના પ્રજાકીય હક તરફ બેપરવા લોકો લેખકને મન ‘જીવતી લાશ’ જેવા છે. આવા વર્તન સામે લાલ બત્તી ધરીને પ્રજા તરીકેનું મહત્વ સમજાવે છે.

રવીશકુમાર માને છે કે લોકતંત્રમાં પ્રશ્નો કરવા એ જાગૃતતાની નિશાની છે, વિરોધી હોવું એ શરમની નહીં, જાગરુકતાની નિશાની છે. લોકતંત્રમાં વિરોધ જરુરી છે, સરકારને અનુરોધ ન કરવાનો હોય. આમ કહી લોકડાઉનમાં સુરતની જનતાએ જે વેઠ્યું અને અવાજ ઉઠાવ્યો હતો તેના ઉદાહરણથી સમજાવવા પ્રયાસ કર્યો છે કે એ અવાજ વિરોધનો નહોતો, પણ સરકારને કરાયેલો અનુરોધ હતો. આમ કરવાથી જનતા એક આંકડો માત્ર બની રહે છે, જનતા હોવાનું માન અને ઓળખ ગુમાવી દે છે, તેથી જ એક સ્થળે લખે છે કે ‘આપકી કોશિશેં ભલે ઈમાનદાર હૈ, મગર અસરદાર નહીં હૈ.’

ચાલક ગમે તેવો કાબેલ હોય તો પણ ચાલકને ઝોકું ન મારે તે જોવાનું કામ પ્રજાનું છે. ભગવાન કૃષ્ણ માટે ‘મધુરાધિપતેરખિલં મધુરમ’ એટલે કે કૃષ્ણની સર્વ લીલા મધુર માનવામાં આવી છે. એ જ રીતે દેશના ચાલક-વડાપ્રધાન કયા પક્ષના કે વિચારધારાના છે તે સાથે કોઈ નિસબત રાખ્યા વગર તેમનામાં ‘બધું જ મધુર છે’ કહી પ્રચંડ પ્રજાશક્તિ તેમનામાં સમાવી દેવી એ જાગ્રત પ્રજાની નિશાની નથી. પ્રેમ આંધળો છે, તેને સારા-નરસાનું ભાન નથી રહેતું, તેથી જ પ્રજા કોઈ એક નેતાના પ્રેમમાં પડે એ ડહાપણની નહીં, આફતની નિશાની છે એમ તે ભારપૂર્વક સમજાવે છે.

સમાચાર માધ્યમોનું લોકતંત્રમાં આગવું પ્રદાન રહ્યું છે. તેમણે સચ્ચાઈ બહાર લાવવા પ્રયત્નશીલ રહેવું ઘટે. આજના ઈલેક્ટ્રોનિક યુગમાં કોઈ પણ નાની સરખી વાત અનેકગણી ઝડપથી દરેક સીમાડા ઠેકાવી જાય છે.તેથી માત્ર ભારત જ નહીં, વિશ્વનાં અન્ય દેશોમાટે ‘ફેક ન્યુઝ’ આજની અતિ ગંભીર સમસ્યા બની રહી છે. એક નાનકડું ઉદાહરણ : ‘ભારત- પાક.ની આંતરરાષ્ટ્રિય સરહદે બે હજાર કિમી લાંબી સરહદ રોશનીથી ઝગમગાવવાની યોજનાને ૨૦૧૬-૧૭માં મંજૂરી અપાઈ હતી. ગૃહમંત્રાલયે પોતાના રિપોર્ટમાં એક ફોટો પણ પ્રકાશિત કર્યો હતો. એક સમાચાર સંસ્થાએ ધ્યાન દોર્યું કે આ ફોટો ભારત- પાક. સીમા નહીં,પણ સ્પેન-મોરોક્કો સરહદનો છે! અને,ગૃહમંત્રાલયે આ ફોટો હટાવી લીધો.આ ઉદાહરણથી તેમણે ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો છે કે ફેક ન્યુઝના મામલે જ્યાં ભારતનું ગૃહમંત્રાલય અટવાતું હોય ત્યાં પ્રજાના શા હાલ થાય? આમ કહી અન્ય દેશોએ આ સમસ્યા હલ કરવા કેવો અભિગમ અપનાવ્યો છે એ અંગે પણ જણાવ્યું છે.

રાજકારણમાં ફેક ન્યુઝ કેવી રીતે વટાવાયછે તે ૨૦૧૭માં પરેશ રાવલે અબ્દુલ કલામની“…હું માતૃભૂમિ સાથે ગદ્દારી નહિં કરું” એવી એક ટ્વિટના ઉદાહરણથી રજૂ કર્યું છે.ટ્વિટ અંગેપ્રશ્નો પૂછાતાં પરેશ રાવલે માફી માંગી લીધી, પણ વોટ્સએપ પર એ ફરતું થઈ ચૂક્યું હતું! આ હાલત તાજેતરના જ પૂર્વ રાષ્ટ્રપતિની હોય તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની શી કરી શકાય? તેમની આસપાસ જૂઠાણાં અને અપપ્રચારનું એટલું ગહન જાળું વીંટળાયું છે કે ક્યાંથી શરુઆત કરવી તે જ ન સમજાય! ભારતના વડાપ્રધાન તરીકેની આમન્યા રાખે તેવી અપેક્ષા આપણને મૂર્ખ ઠેરવે! માહિતીનો વ્યાપક સ્રોત ગણાતા વિકિપીડીયામાં જવાહરલાલ વિશે ઘણી માહિતીઓ વિશે ટાઈમ્સ ઑફ ઈંડિયાએ, સેન્ટર ફોર ઈન્ટરનેટ એન્‍ડ સોસાયટી ના પ્રાણેશ પ્રકાશને ટાંકીને છાપ્યું હતું કે આ બધું સરકારી આઈ.પી. એડ્રેસથી બદલવામાં આવ્યું હતું! આમ વિગતો પ્રત્યે પ્રજાને અવગત કરાવી ઈતિહાસ જાણવા સમજવા પુસ્તકો વાંચવાનો અનુરોધ પણ રવિશકુમારે કર્યો છે. કારણ કે આજનું ‘જ્ઞાન’ ઈતિહાસ સાથે જોડતું નથી,પણ ચતુરાઈથી તમને તેનાથી વિમુખ કર્યે જાય છે, માટે એ ચેતવાનું કહે છે.

ગુજરાતમાં ચૂંટણી પ્રસંગે કોંગ્રેસના મણિશંકર ઐયરને ત્યાં ‘ગુપ્ત’ મીટીંગના આયોજન વિશે ખુદ વડાપ્રધાને સવાલ ઉઠાવી રાજકીય ધૂળ-ડમરીનો માહોલ સર્જી આપ્યો, જેને મિડિયાએ વંટોળ બનાવી ગગને ઉડતું કર્યું. આ જ પ્રશ્ન અંગે સંસદમાં પ્રશ્નોત્તરી કાળમાં અરુણ જેટલીએ ભૂ.પૂ. પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ભૂ.પૂ. ઉપરાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ અંસારી જેવા સન્માનનીય નેતાઓની નિષ્ઠા પ્રત્યે કોઈ સંદેહ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ દેશની જનતા ગુમરાહ થઈ તેમની મરજી મુજબ વર્તી ચૂકી હતી!

૨૦૦૧માં દિલ્હીમાં મન્કી મેને આખું પાટનગર ગજવ્યું હતું તેના મૂળમાં શું હતું? આમ છતાં,ઈલેક્ટ્રોનિક સાધનો થકી સમાજમાં ફેલાયેલો ગભરાટ દૂર કરવા પોલિસના અનેક દાવાઓ વચ્ચે આખું તંત્ર તેની પાછળ લગાવવું પડ્યું હતું, એટલું જ નહીં, ઈનામની પણ જાહેરાત કરવી પડી હતી! રવિશ કુમારનિરાશાના સૂરમાં કહે છે કે જૂઠાણાં બાબતે ૧૮૦ દેશોમાં આપણું ભારત ૧૩૬મા – બહુ નીચલા ક્રમે છે. તે ટિપ્પણી કરે છે કે વોટ્સએપ પરનાં જૂઠાણાં સ્માર્ટ ફોન જેવાં છે, જે તમારી ગરદન ઝૂકાયેલી જ રાખશે- માટે ચેતો, સમાચાર અને અફવા વચ્ચેનો ભેદ પારખો.

સત્ય બહાર લાવવા પત્રકારો, ટીવી ચેનલોની ભૂમિકા અંગે પણ તેમણે પ્રકાશ પાડ્યો છે. ડરનું સામ્રાજ્ય સમજાવવા પણ પ્રયત્ન કર્યો છે. આજે લોકોમાં કાયદાનો, ધરપકડનો,દેશદ્રોહીનું લેબલ ચિપકાવવાનો કે હત્યાનો ડર હાવીછે.આ માટે દેશનાં અનેક રાજ્યોમાં ઘટેલી ઘટનાઓનો તેમણે ટાંકી છે, જે ભાજપ કે કોંગ્રેસ જેવા પક્ષીય રાજકારણથી પર છે. ગાંધી જેવા સૂકલકડી નેતાએ લોકોને અંગ્રેજોના ડરથી મુક્ત કરાવ્યા હતા એમ કહી લેખક શૂળ જેવો તીક્ષ્ણ પ્રશ્ન ઉઠાવે છે કે રાજકીય નેતા જનતાને ભયમુક્ત કરાવે કે ભયયુક્ત?પુસ્તકના આરંભના પ્રકરણમાંજ પ્રશ્ન ઉઠાવ્યો છે કે સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ લોયાની હત્યા થાય અને છતાં ચોતરફ ભયંકર ચુપકીદી છવાય એને શું કહેશો?

કરોડો રૂપિયાના માનહાનિના દાવા અને તેની ક્ષુલ્લકતા વિશે તેમણે વક્રોક્તિ ઉચ્ચારી કે સવા રૂપિયામાં તો આપણા ભગવાન પણ માની જાય છે! (તો આપણે કિસ ખેત કી મૂલી?)

લેખના આરંભે કહ્યું તેમ ફક્ત આપણી તથા બહુ બહુ તો કુટુંબના બે-ચાર સભ્યો પૂરતા જોખમ પ્રત્યે આપણે સજાગ રહીએ છીએ, જ્યારે આખા દેશના મામલે જનતા ચૂપ રહે તે કેમ પાલવે?

૨૦૧૯માં રેમોન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત રવિશ કુમાર NDTV ના વરિષ્ઠ પત્રકાર છે. તેમનું પુસ્તક ‘બોલના હી હૈ’ હિંદીમાં છે. પુસ્તક અંગ્રેજી, મરાઠી તેમજ કન્નડ ભાષામાં અનુવાદિત થઈ ચૂક્યું છે.

*** * ***

પુસ્તક અંગેની માહિતી:

પુસ્તકનું નામ : બોલના હી હૈ- લોકતંત્ર, સંસ્કૃતિ ઔર રાષ્ટ્રકે બારેમેં

લેખક: રવીશકુમાર

પૃષ્ઠસંખ્યા:૨૧૦; કિંમત : 250/- | પહેલી આવૃત્તિ, ઓક્ટોબર ૨૦૧૯
પ્રકાશક: રાજકમલ પ્રકાશન, નવી દિલ્હી

Website: www.rajkamalprakashan.com | Email: info@rajkamalprakashan.com


આ શ્રેણી માટે કોઈ પુસ્તક મોકલવા ઈચ્છે તો શ્રેણી સંપાદક પરેશ પ્રજાપતિને તેમના વિજાણુ સરનામા pkprajapati42@gmail.com પર સંપર્ક કરી પુસ્તકો મોકલવા વિનંતી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.