શ્વાસમાં વાગે શંખ : પ્રાપ્તિની જન્મક્ષણનું ગાન

દર્શના ધોળકિયા

અંતરપટ આ અદીઠ !

અરેરે આડું અંતરપટ આ અદીઠ !
અહીં મેં માંડી, તહીં તે માંડી
આંખની આતુર મીટ;
પળ ઉઘડી પટ પુનઃ બીડાયું,
વા વાયો વિપરિત… અરેરે !

તું મારાં – હું તારાં ઝીલું
વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
વસમું એ સંગીત… અરેરે.

આ પા ઉછળે તે પા ઉછળે,
હૃદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ પણ સ્પર્શ નહીં ક્ષણ,
ચેન પડે નહીં ચિત્ત… અરેરે.

ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી વાડ કે ભીંત;
હાથ ચડે નહીં તોય નડે આ
ઝાકળ-ઝીણું ચીર… અરેરે.

-જુગતરામ દવે

 

ઈ.સ. ૧૮૮૮માં જન્મેલા જુગતરામ દવેએ ૧૯૮૫ સુધીની ૯૭ વર્ષની દીર્ઘકાલીન જીવનયાત્રામાં સાહિત્ય, લોકસેવા, સ્વાતંત્ર્યસંગ્રામ જેવી અનેક બાબતોમાં ઊંડા ઊતરીને આયુયાત્રાનો ભરપૂર ઉપયોગ કર્યો. સુરેન્દ્રનગરના લખતરમાં જન્મેલા આ કવિએ મુંબઈ, વઢવાણ ને ધ્રાંગધ્રામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લીધું. ‘વીસમી સદી’ સામયિકમાં નોકરી કરી. સ્વામી આનંદ ને કાકાસાહેબ સાથે જોડાઈને સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્ય કર્યું ને ૧૯૨૮થી વેડછી આશ્રમમાં ગ્રામસેવા ને આશ્રમી કેળવણીમાં જીવન ગાળ્યું ને જીવનનો વિરામ પણ વેડછીમા લીધો. એમણે આખ્યાન, ભવાઈ, આત્મકથા, બાળકાવ્યોનું સંપાદન જેવાં અનેક ક્ષેત્રો ખેડ્યાં.

જીવતરને સેવા ને શિક્ષણના સંપુટમાં જીવી જાણનાર આ કવિનો માંહ્યલો કોઈ અદીઠ તત્વ સાથે પણ સંકળાયેલો રહ્યો હશે તેની આ કાવ્ય સાક્ષી પૂરે છે.

આમ તો કદાચ મનુષ્યમાત્રને સમગ્ર જીવન દરમિયાન પોતામાં કશુંક ખૂટતું ભાસવાનો ખ્યાલ પીડતો રહે છે. પણ તત્વ શું છે તેની જાણ કોઈકને જ થાય છે ને એ જાણ થયા પછીતેને માટે મથનારા તો આંગળીને વેઢે ગણાય એવા ને એટલા જ લોક, ને મથીને એને હાથવગું કરનાર તો શોધ્યોય ન જડે એવો, જાત સંગોપીને બેઠેલો જણ.

આવો એક જણ આ કાવ્ય દ્વારા સહૃદયના હાથમાં ઝડપાઈ ગયો છે. અલબત્ત, એ છે હજુ સાધકની દશામાં. એ મુનિ થયો નથી પણ એય સાચું છે કે એ મુનિ થવામાં છે. એનું દ્વિજત્વ ફૂટું-ફૂટું થઈ રહ્યું છે. અજ્ઞાનના કોચલામાંથી એનું ઊડવા ચાહતું વિહંગત્વ એને દબાણ કરી રહ્યું છે. આવી ફૂટું-ફૂટું થવાની ક્ષણને પકડવા મથતી વેદનાની છેલ્લી ક્ષણોમાં આ કાવ્ય સરકી આવ્યું છે.

પરમતત્વ પ્રતિ હાથ લંબાવીને તેની રાહ જોતા આ જણની વેદના શી છે ? એ વેદના છે તેની ને તેના પ્રિયતમ પ્રભુની વચ્ચે રહેલા આંતરપટની. પાછું જોવાનું એ છે કે એ પટ નજરે ચડતો નથી તે છતાંય નડે છે એ હકીકત છે. એટલે કવિ વિષાદને ‘અંતરપટ આ અદિઠ’ કહીને વિઃશ્વાસપૂર્વક એમની વેદનાને પુનસવર્તિત કરે છે બીજીવાર એમાં અરેરે ઉમેરીને. ભલેને કવિ ને તેના પ્રીતમની વચ્ચે પડદો હોય, પણ એ જવનિકાનુ છેદન થવાને હવે ઝાઝી વાર નથી એવું સહૃદયને વરતાઈ આવે છે. તેનું કારણ એ છે કે, પ્રિયતમ પ્રત્યેના તેના હાર્દિક પ્રેમે તેને એ દેખાડી દીધું છે કે મળવાની ઉતાવળ ઉભય પક્ષે છે :

અહીં મેં માંડી, તહીં તે માંડી
આંખની આતુર મીટ

અહીં જો પ્રભુદર્શન માટે વ્યાકુળ બનીને કવિ બેઠો છે તો સામે પક્ષેય કાંઈ શાંતિ નથી. એ પણ પડદો ઊપડવાની પ્રતીક્ષામાં જ છે. ને લ્યો, આ પડદ્પ ક્ષણિક ઊપડ્યો પણ ખરો ને પાછો પડી પણ ગયો.

પ્રભુની ઝાંખીની ક્ષણ વિપરીત વાયુએ ઝૂંટવી લીધી ને કવિ નિરાશ થઈ ગયા. ને સહૃદય જાણે છે તેમ પ્રભુયે નિરાશ થઈ ગયો કદાચ  ભક્તથીયે વિશેષ.

પડદાના પડવાથી કવિનો વિરહ તીવ્રતર બન્યો ને તેમનું વિરહગીત સાંભળીને બીજે છેડે વલવલતો પ્રભુય અકળાયો-અમળાયો છે. બંની એકબીજાના ગીતનું સાંગોપાંગ શ્રવણ કર્યું પણ પરસ્પરથી રંગવાનું. ગાઢ આશ્ર્લેષમાં જકડાઈ જવાનું તો હજુય શક્ય ન બન્યું.

કાવ્યની કડીએ કડીએ વિરહની આતુરતાની એક ભાત ઊપસતી જાય છે. પહેલી કડીમાં બંને પરસ્પર નજર માંડે છે, બીજી કડીમાં પરસ્પરનાં ગીત કર્ણપટ ઝીલે છે તો ત્રીજી કડીમાં બંને વચ્ચે મૌન, નીરવ ને છતાંય સભર પ્રણય છલકાય છે ને બંનેની ચેતના એને એકસરખી આરતથી ઝીલે છે.

આ પા ઊછળે, તે પા ઊછળે,
હૃદયો ભરી ભરી પ્રીત;

બંનેના હૃદયમાં પ્રેમ તો પારાવાર ઊછળી રહ્યો છે. એક પા શબરી રામને ભેટવા આતુર છે તો બીજી પા રામે પણ શબરી માટે અયોધ્યા છોડીને વનભ્રમણ આદરી દીધું છે. બંનેની ઝંખના તારસ્વરે પહોંચી છે પણ વેદના એ વાતની છે કે બધી જ તૈયારી છતાં સાક્ષાત્કાર હજુય વેંત છેટો રહી ગયો છે. હાથમાં આવેલું બંનેનું વસ્ત્ર દેખાય છે છતાં પકડાતું નથી. ને બંનેની ગૂંગળામણે માઝા મૂકી છે.

સમગ્ર કાવ્યમાં એક વિરોધ છે. પ્રભુ ને ભક્ત બંનેની ઉપસ્થિતિ, બંનેની વેદનાય સરખી, બંનેનો ઝુરાપોય સ્પર્ધા કરે તેવો, બંનેની મિલનની તૈયારીમાંય કોઈ મણા નહીં ને છતાંય દર્શની તૃષા વણસંતોષાયેલી જ.

આ મૂંઝવણનાં મૂળિયાં તો ભક્તે જ શોધવાં રહ્યાં. પ્રભુ પાસે તો આ મૂંઝવણનો, આ પ્રતીક્ષાના અંતનો ઉકેલ હાથવગો છે. આ ગુરુચાવી એણે અનેકોને આપીને પોતાના દ્વાર ઉઘડાવવામાં મદદ કરી છે પણ પહેલ તો ભક્તે જ કરવી રહી. પ્રભુનું એ જ તો ભક્ત પ્રતિનું અદ્રશ્ય શિક્ષણ, દુષ્કર તાલીમ, પણ આ કાવ્યના નાયકનું નસીબ એટલું તો પાધરું જ કે તેને સૌપ્રથમ તો કશુંક નડે ચેહ એ દેખાયું. જોવાનું એ છે કે આ નડતર કોઈ મોટી ઘટના નથી. છે તો સાવ નાનું, ધૂળ જેવું, હાથવગું કારણ પણ એનો ત્રાસ મોટો છે. આ મૂંઝવણની અભિવ્યક્તિ અહીં ભારે કાવ્યાત્મક ઢંગથી થઈ છે :

ખીણ કે ખાડી, નદી નથી આડી,
વંડી વાડ કે ભીંત;

કોઈ મહાન ઘટના કંઈ બંને વચ્ચે આડી

નથી પડી, તો છે શું આ નડતરનું નામ ?

હાથ ચડે નહીં તોય નડે આ
ઝાકળ-ઝીણું ચીર.

એ દેખાતું નથી પણ નડતર વ્યાપક છે. એ નડતરનું નામ છે માયા. ઝાકળ ઝીણું ચીર તે આ માયાનું સૂક્ષ્મ રૂપ. દેખાવે  નાની ને સાદી સીધી આ માયાએ કવિ જેવા અનેકને હેરાન કરી નાખ્યા ને તેમની ને પ્રભુની વચ્ચે જવનિકા રચીને પ્રેમીજનોએન વિરહીની અવસ્થામાં મૂકી દીધા.

પણ અહીં તેથી વાત વણસી નથી એટલું તો ચોક્કસ. એનું કારણ એ છે કે પોતા ને પ્રભુ વચ્ચે પડદો પડ્યો છે એ જાણવું એ જ પ્રભુએ દીધેલું પ્રથમ વરદાન. આ વરદાન મળ્યેથી રોગનું નિદાન કરવું સરળ બને. કવિનો હાથ પકડીને તેના પ્રિયતમે તેને પંથે તો પાડી દીધા. હવે બાકીનું તો થઈ રહેશે. ને એટલે જ અહીં જે નથી લખાઈ તે પંક્તિ એ છે કે ઝાકળ ઝીણાં ચીરને પારખી ગયેલા પોતાના ભક્તજનની જવનિકા છોડવાની છેલ્લી ક્ષણ આવી ગઈ ને પછી પ્રભુ પ્રત્યક્ષ થયા એ કહેવાનીય જરૂર ન રહી.

આ રીતે આ કાવ્ય અવબોધ થયાની, પોપચાં ઊઘડવાની ક્ષણનું ગીત છે ને તેથી તેમાં જે મથામણ છે તે વિરહના મરણની ને પ્રાપ્તિના જન્મની છે. આ ન દેખાયેલી ક્ષણને જોવામાં કવિ સફળ થયા છે. અલબત્ત, આ ફલશ્રુતિ કહેવા ભક્ત બચતો નથી. પણ માયાનાં નડતરને ઓળંગી શક્યો છે એટલું તો ચોક્કસ. એ અર્થમાં આ કાવ્ય પ્રાપ્તિની જન્મક્ષણનું ગીત ગની રહે છે.

* *

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧
•ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.