તુલિપ – મારું હૃદય

મલયાલમ કવિતા – ઓએનવી કુરુપ
અંગ્રેજી અનુવાદ – એ.જે.થોમસ
ગુજરાતી અનુવાદ – ડૉ. અશોક ચાવડા

ગુજરાતી અનુવાદકની નોંધ – ડૉ. અશોક ચાવડા

***
મલયાલમ ભાષાના મૂર્ધન્ય કવિ-ગીતકાર શ્રી ઓ.એન.વી. કુરુપનું આખું નામ ઓટ્ટુપ્લાક્કલ નીલકંઠ વેલુ કુરુપ. જન્મ ૨૭ મે, ૧૯૩૧ ના રોજ કોલ્લમ જિલ્લાના ચવરા ગામમાં. પિતાનું નામ ઓ.એન.કૃષ્ણ કુરુપ અને માતાનું નામ કે. લક્ષિમક્કુટ્ટિઅમ્મા. પત્નીનું નામ પી. પી. સરોજિની. પુત્ર રાજીવ. પુત્રી માયાદેવી.
મલયાલમ ભાષા-સાહિત્યમાં અનુસ્નાતક પદવી મેળવીને તેમણે કેરળની ઘણી પ્રતિષ્ઠિત કૉલેજોમાં એક મલયાલમ વ્યાખ્યાતા અને વિભાગીય વડા તરીકે કામ કર્યું છે. કાલિકટ યુનિવર્સિટીમાં એક વર્ષ સુધી અતિથિ આચાર્ય તરીકે પણ કાર્યરત રહ્યા. કેરળ યુનિવર્સિટી, તિરુવનન્તપુરમ્‌ તરફથી તેમને માનદ્‌ ડી.લિટ.ની પદવી પણ આપવામાં આવી છે.
આવા મલયાલમ ભાષાના શિક્ષણવિદ્‌ અને અભ્યાસુ કવિ-ગીતકાર શ્રી ઓ.એન.વી. કુરુપને ૧૯૯૮માં પદ્મશ્રી અને ૨૦૧૧માં પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો. ૧૯૯૯માં કેરળ સાહિત્ય અકાદમી ફેલોશિપ મળી. ૨૦૦૭માં તેમને જ્ઞાનપીઠ એનાયત કરવામાં આવ્યો અને મલયાલમ ભાષામાં દેશનું આ સર્વોચ્ચ સાહિત્યિક સન્માન મેળવનાર તેઓ પાંચમા સાહિત્યકાર બન્યા. આ અગાઉ જી.સંકરા કુરુપ, એસ.કે.પોટેક્કટ, શિવશંકરા પિલ્લાઈ અને વસુદેવન નાયરને આ સન્માન મળ્યું હતું.
તદુપરાંત ચંડપુષ્પા પદક, કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, સોવિયેત લૅન્ડ નેહરુ પુરસ્કાર, વયલાર પુરસ્કાર, વિશ્વદીપ પુરસ્કાર, ઉલ્લૂર પુરસ્કાર, ઓટક્કુષલ પુરસ્કાર, કેરલવર્મા જન્મશતાબ્દી પુરસ્કાર, આશાન પુરસ્કાર, વલ્લત્તોલ પુરસ્કાર, એષુત્તચ્છન પુરસ્કાર, ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર (કલકત્તા), જોષ્વા રાષ્ટ્રીય કવિતા પુરસ્કાર (હૈદરાબાદ) જેવાં પુરસ્કારોથી આ કવિની કવિતા સાહિત્ય ક્ષેત્રે પોંખાઈ છે.
શ્રી ઓ.એન.વી. કુરુપે અનેક મલયાલમ ફિલ્મો માટે ગીતો લખ્યાં છે. કેરળ પીપલ્સ આટ્‌ર્સ ક્લબનાં અનેક નાટકોમાં પણ તેઓ સહભાગી રહ્યા છે, જે કેરળની ક્રાંતિકારી ચળવળનો પણ એક મુખ્ય હિસ્સો રહ્યો છે. ‘કલમ મુરુન્નુ’(૧૯૫૬) તેમની પ્રથમ ફિલ્મ હતી. થિયેટર ગીતો અને લખાણો દ્વારા કેરળ રાજ્યમાં પ્રગતિશીલ ચળવળ માટે પણ શ્રી ઓ.એન.વી. કુરુપે અમૂલ્ય ફાળો આપ્યો છે. એેમણે નાટકો અને આલ્બમ ઉપરાંત ૨૦૦થી વધુ ફિલ્મો માટે ૯૦૦થી વધારે ગીતો લખ્યાં છે.
કવિને ફિલ્મ ક્ષેત્રે ગીતકાર તરીકે તેર વખત રાજ્ય સ્તરનો પુરસ્કાર મળ્યો છે અને ૧૯૮૯માં રાષ્ટ્રીય પુરસ્કાર. આમ, સાહિત્ય અને ફિલ્મ બંને ક્ષેત્રે કવિનું પ્રદાન ઝળહળ્યું છે, તો સામાજિક ક્ષેત્રે કવિની કવિતાઓ સતત નોંધાતી રહી છે.
૧૯૮૭માં યુગોસ્લાવિયામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કાવ્યોત્સવમાં એમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતીય ભાષાના આવા મૂર્ધન્ય કવિની વિવિધ અનુવાદકો દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત મલયાલમ કવિતાઓનાં સંચયને ગુજરાતીમાં અનુવાદ કરવા માટેનું નિમિત્ત બન્યો એ બદલ હર્ષ અનુભવું છું.
– ડૉ. અશોક ચાવડા
અનુવાદઃ
વિદાય લેતાં પહેલાં તમારી કબર પર
મૂકવા દો મને આ તુલિપ –
મૂકવા દો મારું હૃદય…
કોણ છું હું તમારો,
કે કોણ હતાં તમે મારા?
જોતા આ આરસપહાણ પર કોતરેલું નામ
કેમ ધસી આવે છે સ્મૃતિનાં આંસુ મારાં?
કેમ નમે છે મારું મસ્તક અનાયાસ?
કેમ થાંભલા સમ જડાઈ જાય છે પગ મારો એ રસ્તે?
કેવી અનાયાસ હતી આપણી મુલાકાત પ્રથમ
અને પછી ના થઈ શકી આપણી મુલાકાત ક્યારેય
અને આજે, આ દૂરના દેશમાં ઊભો છું હું
તમારા અંતિમ વિશ્રામનાં સ્થળે!
કેવું અનાયાસ છે સત્ય –
કે મૃત્યુના દેશમાં તમે વહી ગયાં
મારી ચેતનામાં તમે સરી ગયાં!
કેવી અનાયાસ છે હકીકત
કે જે જન્મે તે મરે છે એક દિન!
છતાં જોડાયાં છીએ આપણે કોઈ આદિમ બંધનોથી
મોત પણ જેને તોડી ન શકે એવાં અતૂટ બંધનોથી
જ્યારે વિચારું છું હું તમારાં વિશે
આપણે સાંજે બેસતાં’તાં સાથે
એક ઇન્ડિયન મેટ્રોપોલિસમાં
તેની સ્મૃતિઓ ભમ્યાં કરે મારી આસપાસ.
પૂર્વ અને પશ્ચિમનાં દેશો પર રાજ કરતા
દૂરના દેશમાં જન્મેલાં તમે છતાં
પોતાના લોકોના મુક્તિસંગ્રામમાં જોતરાયેલા
કોઈ પણ દેશને તમે ગણતા’તા પોતીકો
અને અહીં આવ્યા’તા લઈને કોઈ ધ્યેય અગત્યનો
જે કરાવતા’તા સમાન અનુભવની લાગણી
જે પ્રગટાવતા’તા અંતરાત્માની ચિનગારી
વિનોદી વાતચીતો વખતે પણ
જે ખર્ચતા’તા ઊર્જા યુવાન,
બેચેન હતા જે કરવા દુનિયાનું પુનર્નિમાણ!
સમય આપણામાં લાવ્યો છે શું બદલાવ?
તે જાણી ન શક્યા બંને ક્યારેય
તમે આજે પણ સજીવ છો મારામાં
બનીને એ વખત જેટલાં જ યુવાન
થાય છે તાજી સ્મૃતિ મને અચાનક
એ લાંબા કલાકોની
જે ગાળ્યાં હતાં તમારાં ઓરડામાં આપણે
કરી આપ-લે વિચારોની.
પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનાં વૈવિધ્ય છતાં
માનવીનાં સત્યનો હાર્દ શું આપણે એકસમાન નહોતો શોધ્યો?
શું માર્ક્સનાં જીવનમાં,
ઈસુ ખ્રિસ્તનાં બલિદાન અને યાતનાઓ સમાયેલાં નથી?
પવનથી ફેંકાયેલાં પાનખરનાં પાંદડાંની જેમ
યહૂદીઓને ભટકવું પડે છે દુઃખમાં કેમ?
એક અનંત યાત્રામાં પરસ્પર કરતા સવાલ
ને શોધતા એનો જવાબ, મળ્યાં આપણે અનેક વાર.
છોને આ મુલાકાતો ના રહી ફળદાયી
છતાં એ દિવસોમાં જ્યારે જારથી વાંચતા હતા
આપણા પ્રિય નેરુદાની ‘પ્રેમ કવિતાઓ’.
લાગ્યું જાણે કે તમે લખી રહ્યાં’તાં પ્રેમપત્ર, કોને…?
તમારાં કાવ્યપઠન થકી
સુંવાળા રેતીનાં વહેણ જેવાં
હળવી બરફવર્ષા સમ
હૃદયંગમ હળવા ઉચ્ચારોના કારણે
એ દિવસોની તમારી એકલતા બની મારી
એ સ્મૃતિઓ હજુ પણ છે મારામાં તાજી!
પછી તે દિવસોમાં મને આપેલા તમારા કવિતાસંગ્રહમાં
તમે છુપાવેલો એક છોકરીનો, લીલી જેવો પવિત્ર ચહેરો જાયો.
મેં શુભેચ્છા પાઠવવા જ્યાં હલાવ્યો તમારો હાથ
ડોકાયો તમારા ચહેરા પર આછો સંકોચ
તે દિવસોમાં ઢળતી સાંજમાં નહોતી શું અપ્રગટ સુંદરતા?
ઊભા’તા ઝરૂખે આપણે જાવા પીગળતો લાલ ડુંગર
ભૂરી પાટ પર અગ્નિ સમાન
સમુદ્રતટ પર ફેલાયેલી લાલીમાં તટથી વિદાય થતાં લોકો
અને પગથિયાં ઉતરતા મેં લીધી વિદાય,
‘ફરી મળીશું’ – હલાવી હાથ તમે ચાલી ગયા.
આપણે ફરી ક્યારેય નહીં મળીએ તે જાણવા
ચાલ્યો કેટલું હું સમયનાં વહેણમાં
ઉકળતા પાણીનાં પરપોટા જેવા
સવાલો ઉદ્‌ભવે કેટલા મારા મનમાં!
તમારી કબર પાસેના પથ્થર પર વાંચીને કોતરણ :
‘રાખજે મને યાદ, જાજે મારી રાહ,
હું આવીશ લઈને લાલ ગુલાબ અને મદિરા
– તારી પ્રિય પેગી…’
વિચારું કે હતું આવું કોઈ તમને યાદ કરનાર,
તમારી રાહ જોનાર?
તમને છે અહેસાસ બિરાદર કે
એ જ કબ્રસ્તાનના એક ખૂણે તમારી સાથે જ છે પોઢેલા
એવા અનેક જેઓને નિર્ભય વિચારના
ગુનાસર મળી’તી સજા કે હદપારી?
નજીકમાં જ કરે છે પ્રાર્થના
એક મા અને તેનું બાળક મીણબત્તી પેટાવીને
દેવદૂત જેને લઈ ગયા એ બાળકની પ્રતિમા સમક્ષ
એક વૃદ્ધ મહિલા ઊભી છે ધ્રૂજતી.
શું તેને વતન પરત ફરવાની છે ઉતાવળ?
કોઈ બીજું બેઠું છે પાસેના બાંકડે ઊંડા ધ્યાનમાં
કરે છે સ્મૃતિ તાજી કદાચ
મોતના કાંટે ભેરવાયેલી સોનેરી માછલીની.
ઓ આંધળા મોત, જે ઢંઢોળે છે બંધ આંખ-કાન!
ગર્વિત ના થઈશ.
આવા સાદા લોકો પણ
પોતાની અમર, પ્રેમાળ સ્મૃતિથી તને પડકારે છે.
વિદાય લેતા પહેલાં તમારી કબર પર
મૂકવા દો મને આ તુલિપ – મૂકવા દો મારું હૃદય…
(આ પ્રાચીન વાદ્ય, ઓએનવીકુરુપની ચૂંટેલી મલયાલમ કવિતાઓ, અંગ્રેજી સંપાદનઃ એ. જે. થોમસ, ગુજરાતી અનુવાદઃ ડૉ. અશોક ચાવડા, પ્ર.સાહિત્ય અકાદમી, દિલ્હી)

વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-

સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.