લુત્ફ-એ-શેર: મણકો # ૪૮

ભગવાન થાવરાણી

અન્ય કેટલાય શાયરોની જેમ નાસિર કાઝ્મી સાહેબ પણ વર્તમાન ભારતમાં જનમ્યા અને બહુ જ નાની ઉંમરે પોતાના નવા મુલ્ક પાકિસ્તાનમાં જતા રહ્યા. એ મૂલત: ઉદાસી અને વિષાદના શાયર હતા.

હું એમને ઓળખતો થયો, ગુલામ અલી સાહેબે ગાયેલી એમની ગઝલો ‘ કુછ યાદગારે શહરે સિતમગર હી લે ચલેં ‘  ‘ અપની ધુન મેં રહતા હુંઅને  ‘ દિલ મેં એક લહર – સી ઊઠી હૈ અભીદ્વારા. બીજા કેટલાક શાયરોની જેમ એ પણ વતન છોડવાના દર્દને ખૂબ જ વેદનાપૂર્વક મહેસૂસ કરતા હતા :

મુઝે  તો  ખૈર  વતન  છોડ  કર  અમાં  ન  મિલી
વતન ભી મુજસે ગરીબ-ઉલ-વતન કો તરસેગા..

એમની એક ગઝલ બિલકુલ એ ભાવ અને સંવેદન ધરાવે છે જેની વાત આપણે ગત હપ્તે શીન કાફ નિઝામની ગઝલવાળા શેરમાં જોયેલી. એ ગઝલનો મત્લો જૂઓ :

વો સાહિલોં પે ગાને વાલે ક્યા હુએ
વો કશ્તિયાં ચલાને વાલે ક્યા હુએ

એ જ નિઝામ સાહેબવાળું કશુંક મૂલ્યવાન ગુમાવ્યાનું દર્દ !

અને આ ગઝલનો મારો આ ખૂબ પસંદીદા શેર જૂઓ :

યે આપ – હમ તો બોજ હૈં ઝમીન કા
ઝમીં કા બોજ ઉઠાને વાલે ક્યા હુએ ..

અહીં પોતાના વિષે સ્વીકારોક્તિ છે અને કેટલાક અન્યો ( આપ ! ) પર દોષારોપણ પણ ! તાત્પર્ય એ કે નાસિર સાહેબના મતે તમે અને હું તો આ પૃથ્વીના બોજ છીએ અને આ પૃથ્વીનો ( મારા-તમારા સહિત ! ) બોજ ઢોનારા તો કોઈ અન્ય જ લોકો છે જેમની તલાશ કવિને છે. એમની ચિંતામાં નિહિત પરંતુ અધ્યાહાર એ પણ છે કે એ લોકો ખોવાયા નથી પરંતુ એમને ગુમ – નજરઅંદાજ કરી દેવામાં આવ્યા છે ! જે બોજ છે એ તાગડધિન્ના કરે છે અને જે બોજ વહન કરે છે તે અદ્રષ્ય !

શું આ એ જ લોકો છે જે પૂરી ઈમાનદારી અને મહેનતથી ચુપચાપ અને ગુમનામ, દેખાયા વિના, દેખાડા વિના પોતાનું કામ કરતા રહે છે….?


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.