અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : રંગીલું લાસ વેગાસ

દર્શા કિકાણી

૧૩/૦૬/૨૦૧૭

એલાર્મ વાગ્યું એટલે ઊઠી તો ગયાં પણ ઊઠવાનું મન બિલકુલ થાય નહીં. વંદનાએ સરસ કૉફી બનાવી રાખી હતી. ગરમ નાસ્તો પણ હતો. કૉફી પીધી ત્યારે ઊંઘ ઊડી. તેમણે ટેબલ પર મૂકેલા નાસ્તાના ઢગલાને જોઈને અમે હેરત પામી ગયાં! થેપલાં, ખાખરા, સેવ, ચકરી, સૂકો મેવો, તાજા ફળો…… આમ પણ મુસાફરીમાં અમારે  સામાન થોડો જ સાથે રાખવાનો હતો એટલે આટલો બધો નાસ્તો જોડે લઈ શકાય તેમ હતું નહીં. અમે અહીંથી ૮-૧૦ દિવસ યલો સ્ટોન નેશનલ પાર્ક ફરવા જવાનાં હતાં અને ત્યાં અમારે યોગ્ય ખાવાનું ન પણ મળે એમ માની વંદના-જનકે આટલી બધી તૈયારી કરી હતી! થેપલાં કામ લાગશે માની થેપલાં અને થોડો કોરો નાસ્તો સાથે લીધો. સવારે વહેલું હતું છતાં એરપોર્ટ જતાં દરેક રસ્તા પર ક્યારેક કંઈ પણ થઈ શકે એમ ધારી  અમે થોડા વહેલાં જ એરપોર્ટ જવા નીકળ્યાં. સવારે દિલીપભાઈ સાથે પણ વાત થઈ ગઈ હતી અને એરપોર્ટ પર મળવાનું નક્કી થયું હતું.

બધાં એરપોર્ટ પર સમયસર સાથે જ ભેગાં થઈ ગયાં. એરપોર્ટની અંદર જ એક સ્થળથી બીજા સ્થળે પહોંચવા મોનોરેલ હતી. મોનોરેલ લઈને અમે ગેટ એ-૧૦ ( Gate A-10 ) પર પહોંચ્યાં. અહીંથી હ્યુસ્ટન ( Houston ) થઈ લાસ વેગાસ ( Las Vegas ) જવાની ફ્લાઈટ લેવાની હતી. ડોમેસ્ટિક ફ્લાઈટ સમયસર આવી અને સમયસર ઉપડી. ટેમ્પા, હ્યુસ્ટન અને લાસ વેગાસ ત્રણે જુદા જુદા ટાઈમ ઝોનમાં આવેલાં છે એટલે સમય જોતાં બહુ ધ્યાન રાખવું પડતું.

ફ્લાઈટ હ્યુસ્ટન સમયસર પહોંચી. અહીંથી લાસ વેગાસ જવાની ફ્લાઈટ ત્રણ કલાક પછી મળવાની હતી. એરપોર્ટ પર જ કૉફી અને નાસ્તો કરી છેલ્લા બે દિવસના પોતપોતાના અનુભવોની વાતો કરતાં કરતાં ફ્લાઈટનો ટાઈમ થઈ ગયો. અમેરિકાની ડોમેસ્ટિક ફ્લાઈટો બહુ અનુકૂળ રહે તેવી હોય છે. અંતર બહુ લાંબા હોય અને ટ્રેઈનો ઓછી હોય છે. રોડથી પહોંચવું મુશ્કેલ. એટલે ડોમેસ્ટિક ફ્લાઈટ જ લેવી પડે.

અમે લોકલ એક વાગે લાસ વેગાસ પહોંચ્યાં. એરપોર્ટ પર ખાસી ભીડ અને ધમાલ હતી. ભાઈ, આ તો રંગીલું લાસ વેગાસ હતું! દોઢ વાગે અરાઈવલ વિભાગમાં સ્ટારબક્સ કૉફી શોપ પાસે અમારે મિ.હેરીને મળવાનું હતું. અમે થોડાં વહેલાં હતાં એટલે અમારી સૌને માનીતી કૉફી પીધી ત્યાં અમારા નામની બૂમ સંભળાઈ. મિ. હેરી હાજર હતા. બીજા પણ થોડા સાથીદારો આવી ગયાં હતાં. બધાં બસમાં બેસી સ્ટ્રેટોસ્ફીયર હોટલ આવ્યાં. ગ્રે કલરની બસ નાની હતી પણ સરસ હતી.આખું ગામ જોતાં જોતાં એરપોર્ટથી લગભગ કલાકે અમે હોટલે પહોંચ્યાં.

અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે સ્ટ્રેટોસ્ફીયર હોટલ એટલે લાસ વેગાસનું ૧૦૮ માળનું  ઊંચા-માં-ઊંચું ટાવર. જાતજાતની એડવેન્ચર રમતો ટાવરની અગાસીમાં રમાય. વળી હોટલમાં જ મોટું કેસીનો  એટલે કે જુગારખાનું ! ભીડ તો કહે મારું કામ! જેમ જેમ દિવસ આથમતો જાય તેમ તેમ ભીડ વધતી જાય! અને રાતના તો જાણે મેળો ભરાય! પૈસાની તો છોળો ઊડે! દિવસે ના હોય તેથી વધારે અજવાળું રાત્રે! દિવસે ના હોય તેથી વધુ માણસો રાત્રે ! અને દિવસે ના હોય તેથી વધુ ખાણીપીણી રાત્રે ! આપણા જેવા માણસો તો ખોવાઈ જાય! ભાઈ, આ તો રંગીલું શહેર લાસ વેગાસ!

અમે બપોરે પહોંચ્યાં ત્યારે હોટલમાં કોઈ વ્યવસ્થા ન હતી. લગભગ કલાક અમે રીસેપ્શનમાં બેસી રહ્યાં. વચમાં મેં રાજેશને અમારા ડિઝની વાળા મિત્રને ફોન કરવા યાદ કરાવ્યું, પણ ફોન લાગ્યો નહીં. બીજા પણ ઘણાં મુસાફરો અમારી જેમ જ એરપોર્ટથી આવીને રૂમ મળવાની રાહ જોતાં હતાં. અમે તો આજુબાજુ ફરી આવ્યાં અને હોટલમાં પણ આંટા મારી આવ્યાં. સાડાત્રણે એક ચીની બહેન આવી. એમના સાથીદાર ભાઈ પણ ચીની જ હતા. બધાંને રૂમો ફાળવી કલાકમાં મળવા આવવા કહ્યું. પાંચમાં માળનો રૂમ સારો હતો. ફ્રેશ થઈ બેઠાં ત્યાં તો ચીની ભાઈ જ અમને મળવા આવી ગયા.આજ સાંજ અને આવતી કાલ સવારનો પ્રોગ્રામ નક્કી કરવાનો હતો. સાંજ માટે તેણે અમને લાસ વેગાસ શહેરમાં ટેક્ષી કરીને ફરવાનો મોંઘો વિકલ્પ સૂચવ્યો. અમારે જાતે જ એક્ષ્પ્લોર કરવું હતું, ફરવું હતું એટલે અમે તે વિકલ્પ લેવાની ના પડી, જે તેને બહુ ગમ્યું નહીં. બીજે દિવસે સવારે ગ્રાન્ડ કેન્યન જોવા જવાનું હતું તેને માટે પાર્કની ફી, બીજી બધી સગવડો માટેના પૈસા અને તેની પોતાની બે દિવસની ટીપ એમ બધું મળીને સારા એવા પૈસા એ અમારી પાસેથી લઈ ગયો. બસ-ટુરના નિયમોની બહારની ફી તેણે માંગી હતી અને ખાસ્સી વધારે હતી પણ આજે પહેલો જ દિવસ હતો એટલે રાજેશને એમ કે આજે આપી દો, આગળ વાત કરીશું.

એ ગયો પછી અમે ફરી અમારા ડિઝનીવાળા મિત્રો કોન્સ્તાન્તિયન અને કેસી (Konstantian + Cassey) ને ફોન કર્યો. ફોન લાગી ગયો અને કોન્સ્તાન્તિયને ઉપાડ્યો પણ ખરો. અમારા ફોનથી તે બહુ ઉત્સાહમાં આવી ગયા. અમને તેમના શોમાં આવવા ભાવભીનું આમંત્રણ આપ્યું. શોનું નામ હતું ‘ધ લાસ વેગાસ શો’. કુટુંબ સાથે જઈ શકાય તેવા શોમાં આ શહેરનો સારામાં સારો શો હતો તેવું જાણવા મળ્યું.  શો માટે બે સમય હતા : સાડા સાત વાગે અને નવ વાગે. અમે સાડા સાતનો શો પસંદ કર્યો. તેમનો શો પ્લેનેટ હોલીવુડમાં બતાવવામાં આવતો હતો. તેમના હોલનું સરનામું, કેવી રીતે ત્યાં જવાય વગેરે તેમણે વિગતે સમજાવ્યું. અમે પણ બીજા કોઈ પ્રોગ્રામમાં જવા કરતાં આ નવાં મિત્રોના પ્રોગ્રામમાં જવાનું ઉચિત માન્યું. અમારી હોટલથી ચાલતાં નીકળ્યાં. અમને એમ કે નજીક જ હશે પણ બે-ચાર જણને પૂછતાં ખ્યાલ આવ્યો કે ચાર-પાંચ કિમી દૂર હશે. ટેક્ષી અડધે રસ્તેથી મળવી મુશ્કેલ હતી. પણ નજીકના પેટ્રોલ પંપ સુધી ચાલી ગયાં જ્યાંથી ટેક્ષી મળી.

પ્લેનેટ હોલીવુડનું મકાન પણ મોટું અને ભભકેદાર હતું. મોટા મોલ, અનેક દુકાનો, ૪-૫ સિનેમા થિયેટર, શોના હોલ, ખાણીપીણીની વ્યવસ્થા……. એક માત્ર મકાન પણ આપણને ચકરાવે ચઢાવી દે ! આવાં તો અનેક મકાનો કે કેસીનો આ શહેરમાં હતાં. કેસીનોનું જ આ શહેર. અજાયબ નગરી! પૈસાની  રેલમછેલ ! ઇન્દ્રલોકને પણ ઝાંખું પાડી દે તેવી રોશની! સાચું છે કે સપનું છે તેવી શંકા જાય તેવો ઠસ્સો ! લોકો પૈસા વાપરવા જ આ શહેરમાં આવે ! અમે પણ અંજાયેલી આંખે બધું જોતાં જોતાં અને માણતાં માણતાં ધીમે ધીમે ચાલતાં હતાં. નક્કી કરેલાં સ્થળે પહોંચીને રાજેશે ફરી ફોન કર્યો. ‘હું હમણાં જ ત્યાં આવ્યો’ કહીને તેમણે ફોન મૂક્યો. બેજ મિનિટમાં મોટાં મોટાં પગલાં ભરતાં, લગભગ દોડતા દોડતા જ , શોના સરસ અને પ્રભાવશાળી કોસ્ચ્યુમમાં કોન્સ્તાન્તિયન ત્યાં હાજર થઈ ગયા. એમને જોઈને ક્ષણભર તો અમે અવાક્ થઈ ગયાં. ડિઝનીલેન્ડમાં જોયા ત્યારે સામાન્ય કપડાંમાં અને મેક અપ વગર તેઓ જુદા દેખાતા હતા. અહીં તો  ફૂલ મેક અપ હતો અને કપડાં પણ સ્પેશિયલ હતાં એટલે હીરો જેવા લાગતા હતા! અમને ભેટી પડ્યા. ઔપચારિક વાતો કરી. એક સેકન્ડ માટે ક્ષોભ પામી તેમણે કહ્યું : ‘સાડા સાતના શો ની ટિકિટો બુક થઈ ગઈ હતી. નવ વાગ્યાના શો માં ફાવશે ?’ વચ્ચેના બે કલાકમાં શું કરવું તે પણ તેમણે અમને સરખી રીતે સમજાવ્યું. તેમનો શો શરુ થવાનો સમય થઈ ગયો હતો એટલે તેમને જવું પડે તેવું જ હતું, પણ ‘નવ વાગે રાહ જોઇશ’ કહી તેઓ ગયા. અમે તો આનંદ અને આશ્ચર્યમાં ગરકાવ હતાં.

તેમના કહ્યા પ્રમાણે અમે પ્લેનેટ હોલીવુડમાંથી નીકળી રોડ ક્રોસ કરી હોટલ બલાજીઓ આવ્યાં. અહીં હોટલ એટલે કેસીનો જ સમજવું. હોટલની બહાર મોટું તળાવ હતું અને તળાવમાં દર કલાકે દસ મિનિટ માટે ફુવારા અને રોશની થતી હતી. અમે બહુ સારા સમયે ત્યાં પહોંચ્યાં. ભીડ તો હતી પણ આપણને અમદાવાદીઓને ભીડનો વાંધો ના આવે ! બહુ સરસ ફુવારા અને લાઈટનો શો જોયો. દરેક હોટલ કે કેસીનો ગ્રાહકોને આકર્ષવા જાતજાતના કીમિયા અજમાવે. અનેક ઉપાયો કરી ગ્રાહકોને પોતાના કેસીનોમાં ખેંચી લાવે. અમારા જેવા જુગાર ના રમનારા લોકો માટે આ સારું મનોરંજન પૂરું પાડે. ફુવારાનો શો પત્યાં પછી અમે હોટલમાં અંદર ગયાં. અંદર તો ફૂલોના જે  શણગાર જોયા છે………! ઠાકોરજીની સેવામાં ફૂલોના શણગાર સુંદર હોય. હવે તો લગ્નો અને રીશેપ્શનમાં પણ ફૂલોના અતિ સુંદર શણગાર હોય છે. પણ અહીં જે પુષ્પ નગરી  રચી હતી તે તો ક્યાંય જોઈ ન હતી. રંગબેરંગી ફૂલોથી છત્રીઓ,કૂંડાંઓ તથા સૂર્ય, નદી, પતંગિયું, સસલાં,  મકાનો જેવા અનેક આકારોની સજાવટો……. ફુવારાઓ, પાણીના કૂંડો, પ્રકાશની સુંદર વ્યવસ્થા ……. હજારો માણસો છતાં એ જ સ્વચ્છતા. અદ્ભુત ! કલાકોના કલાકો ઓછા પડે. આવા તો બીજા કેસીનો પણ જોવાના હતા. અનિચ્છાએ અમે બહાર નીકળ્યાં. આસપાસના કેસીનો બહારથી જ જોયા. એકમાં એફિલ ટાવર બનાવ્યો હતો, બીજામાં  પેરિસના જ પ્રખ્યાત સ્થળોની પ્રતિકૃતિ બનાવી હતી. દૂરથી જોઈએ તો પણ બહુ સુંદર દેખાય અને મઝા આવે. પણ અમારી ઘડિયાળ અમને પાછાં પ્લેનેટ હોલીવુડમાં ખેંચી લાવી.

અમારી ટિકિટો તૈયાર હતી. ટિકિટ લઈ અમે અંદર ગયાં. બરાબર વચ્ચે ચોથી હરોળમાં અમારી બેસવાની વ્યવસ્થા હતી. થોડી જ વારમાં શો શરુ થયો. લાસ વેગાસ પ્રમાણમાં નવું શહેર છે. રણ જેવા ઉજ્જડ પ્રદેશમાંથી આવું રંગીલું શહેર કેવી રીતે બન્યું તેનો ઈતિહાસ એટલે ‘વેગાસ, ધ શો!’ ૧૯૨૦થી  શરુ કરી કેવી રીતે શહેર વિકસતું ગયું, કેવાં કેવાં કલાકારો આવતાં ગયાં, શહેરનાં વિકાસમાં તેમણે શું શું પ્રદાન કર્યું વગેરે વસ્તુઓનો સુંદર ચિતાર ગીતો અને નૃત્યો દ્વારા આપવામાં આવ્યો. અને આખી નૃત્ય-નાટિકાના સૂત્રધાર હતા અમારા કોન્સ્તાન્તિયન! હજી સુધી કેસી દેખાઈ ન હતી એવું વિચારતાં હતાં ત્યાં તો એક સરકસનો ભાગ આવ્યો. અને અરે, વાહ! સફેદ વસ્ત્રોમાં દેવદૂત જેવી દેખાતી આ પરી કોણ ? એ તો હતી કેસી! એવા જીવંત અને જોખમભરેલા ખેલ તેણે કર્યા કે અમારો તો શ્વાસ અધ્ધર થઈ ગયો. આ છેલ્લો ખેલ હતો. પડદો ધીમે ધીમે પાડવા લાગ્યો. અમે તો હજી એ ખેલની દહેશતમાં જ હતાં ….. ત્યાં તો કોન્સ્તાન્તિયન અને કેસી દોડીને અમને મળવા આવી લાગ્યાં! એટલાં સુંદર અને દિવ્ય લાગતાં હતાં બંને ! અમને ભેટી પડ્યાં! આવાં કલાકારો સ્ટેજ પરથી ઉતરી આપણું આવું અભિવાદન  કરે એવો અમારે માટે તો પહેલો જ અનુભવ હતો! અમે તો ગદગદ થઈ ગયાં. બહુ બધી વાતો કરી. હું ચાંદીની સિક્કો લઈ ગઈ હતી તે તેમને આપ્યો. લક્ષ્મી અને ગણેશના ચિત્રો બતાવી તેમને ખૂબખૂબ લક્ષ્મી મળે તેવી શુભેચ્છાઓ આપી. દરેક શુભ કાર્ય કરતી વખતે ગણેશનું પૂજન થાય તેવું સમજાવ્યું. હિંદુ સંસ્કૃતિની ભવ્યતાનો પરિચય આપ્યો. તેમને ભારત આવવાનું ભાવ નીતરતું આમંત્રણ પણ આપ્યું. તે લોકોને ભારત જોવાની બહુ ઇચ્છા છે. અમને ખાતરી છે કે અમે પણ તેમને અમારા મહેમાન બનાવી સુંદર ભારત બતાવીશું.

અમને છૂટાં પડવાનું મન થતું ન હતું પણ તેમની નાની દીકરી કે જે અમારી ઓળખાણની નિમિત્ત હતી તે હજી કેરટેકર પાસે હતી અને તેમની રાહ જોતી હતી. બે સંસ્કૃતિનું  ભવ્ય મિલન છોડી આખરે અમે ત્યાંથી નીકળ્યાં. વિચારતાં હતાં કે માણસ જયારે ફક્ત માણસ બની એકબીજાને અપનાવી લે ત્યારે કેટલી સુવાસ ફેલાય છે! ન કોઈ ઘમંડ, ન કોઈ ઔપચારિકતા. હોય તો બસ, નિખાલસતા અને પ્રેમ!

ટેક્ષી કરી અમે હોટલ પર આવ્યાં ત્યારે બાર વાગ્યા હતા. એક ઉન્માદમાં હતાં અને કંઈ નથી કરવું તેવા ભાવમાં હતાં. પણ અમારી હોટલ પર તો જાણે ભરબપોર ખીલી હતી.  કેસીનોમાં થઈને જ મુસાફરો  રૂમ પર જઈ શકે  તેવી હોટલની ગોઠવણ હતી. કેસીનો પૂરબહારમાં ચાલુ હતો. એક મોટા ટેબલ પર પાનાંની રમત રમાતી હતી. ટેબલની આસપાસ બારેક વડીલો પાનાં રમી રહ્યાં હતાં અને ટેબલ પર એક યુવતી એકદમ આછા વસ્ત્રોમાં નૃત્ય કરી રહી હતી! બીજા ટેબલ પર પણ એક સુંદરી સાવ આછા વસ્ત્રોમાં કંઈક રમત રમાડી રહી હતી. દરેક ટેબલ પર જાતજાતનાં પીણાંઓની બોટલો ઊભરાતી હતી.

સુરા અને સુંદરીની કમાલ જોતાં જોતાં અને થોડો ક્ષોભ અનુભવતાં અમે લીફ્ટ સુધી પહોંચીએ ત્યાં તો યુવાનોનું એક ટોળું હો હો કરતું હતું. તેમને કેસીનો સાથે કોઈ સંબંધ હોય તેવું લાગ્યું નહીં. તપાસ કરતાં ખબર પડી કે ૧૦૮મા માળે સુંદર વ્યુ છે જે જોવા ટિકિટ લેવી પડે છે અને ત્યાં એડવેન્ચર રમતો પણ રમાય છે. રાતના બાર વાગે ? હા, રાતના બાર વાગે! આ સાહસની રમતોમાં આયોજકે  કાળજી અને વ્યવસ્થા બહુ રાખવી પડે એટલે તેની ટિકિટ બહુ ભારે હોય. અમે આ જ હોટલમાં રહેતાં હતાં એટલે ટેરેસ વ્યુ માટે અમારે કોઈ ચાર્જ આપવાનો હતો નહીં. ૩૦ સેકન્ડમાં અમે ૧૦૮મા માળે પહોંચી ગયાં. કેટલી સુંદર સ્કાય લાઈન હતી ! શું નઝારો હતો! સ્વર્ગની નગરી કેવી હશે તે ખબર નથી , ઇન્દ્રલોક કેવું હશે તે પણ ખબર નથી. પણ અમે જે નગરી ૧૦૮મા માળેથી જોઈ તે ઇન્દ્રલોકની હરિફાઈમાં તો આવે એવી જ હતી ! ચારે બાજુ રોશનીથી ઝગમગતાં મોટાં મોટાં મકાનો. સુંદર પ્રકાશથી પ્રજ્વલ્લિત રસ્તાઓ, પાણીના રેલાની જેમ સરકતી ગાડીઓ…… આ હતું રંગીલું લાસ વેગાસ ! પણ યુવાનોને તો આ સ્કાય લાઈન જોવા કરતાં રમતોમાં રસ વધુ હોય તેવું લાગ્યું. ટેરેસ પર બહુ જોખમી રમતો  રમાતી હતી.  ૧૦૮મા માળેથી બહાર પ્રોજેક્શન કાઢી એક ચગડોળ ફૂલ સ્પીડમાં ચાલતું હતું. એક હોડકા જેવી ગાડી જોરથી બહાર નીકળી, જર્ક સાથે અટકી પાછી વળતી હતી. એક  ઊંચા થાંભલા પર ત્રીસેક સીટો લગાડેલ પ્લેટફોર્મ પૂરી ગતિએ ઉપર જાય અને ઉપર જઈ ધડ દઈને નીચે પડતું હતું, લોકોની ચિચિયારીઓ સંભળાય….. બાપ રે ! કેટલો ડર અને કેટલી ઉત્તેજના ! આવો કેવો આનંદ !

આજનો દિવસ વાગોળતાં વાગોળતાં અમે રાતના લગભગ બે વાગે સૂઈ ગયાં. માણ્યું તેનું સ્મરણ કરવું તે ય છે એક લ્હાણું ! કેટકેટલી નવાઈ અને ભવ્યતાઓનો દિવસ!સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : રંગીલું લાસ વેગાસ

  1. લાસ વેગાસનાં વર્ણન અગાઉ પણ વાંચ્યા હતા પરંતુ આજે તો જાણે આપણે સદેહે ફરતા હોય તે રીતે માણ્યું …!

  2. Wow! Great LV and the special VIP treatment by your newly made friends at Disney! What a treat! Enjoyed!
    Amrish

  3. Nice description of the Sin city Vegas and your sweet experience of the show. People around the world sometimes do come to visit Las Vegas only and you got it.

    Darsha, Sometime to read nice Gujarati I do read your weekly episode having સુંદર વિશેષણો of the trip

    1. Thanks, Bhargavi! We had very nice experience at Las Vegas! But we had nice experiences all through out because we had excellent start from your place at DC! Love!❤️💕💞

Leave a Reply

Your email address will not be published.