નિરુપમ છાયા
ગયાં સોપાનથી આપણે કચ્છી ભાષાના સરળ સહજ કવિ તેજપાલ ધારસી ‘તેજ’ની કાવ્યપ્રતિભાનો પરિચય મેળવી રહ્યા છીએ. ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિઓ સાથે સ્થાન પામી શકે એવા આ કવિ એક પ્રદેશની બળુકી છતાં વ્યાપક સ્તરે બહુજનસમાજથી ઓછી પરિચિત કચ્છી ભાષામાંના આ કવિનાં સર્જનમાં કેટકેટલું સમાયેલું છે એનો થોડો પરિચય આપણે મેળવ્યો વિશેષ તો એમના કાવ્ય સંગ્રહો સુધી પહોંચીએ ત્યારે જ તેમની ઉચ્ચ કાવ્યશક્તિનો ખ્યાલ આવે. ‘શબ્દસંગ’નાં માધ્યમથી જે થોડું દર્શાવી શકાય એનાથી આકર્ષાઈને ભાવકો મૂળ સુધી પહોંચશે તો આ નાનકડો પ્રયત્ન સફળ ગણાશે.
ગામડામાં રહેતા આ કવિને નિજાનંદે પ્રકૃતિ સાથે રહેવું વધારે ગમે. વૃક્ષો, પશુપંખી વચ્ચે રહીને અપૂર્વ આનંદ અનુભવે અને એમની સર્જકતા કોળી ઊઠે. નિર્જન વગડાનાં એકાંતમાં ગુંજતું સંગીત એમનાં રોમરોમને સર્જકતાથી પરિપ્લાવિત કરી દે.
થોડા સમય પર જ ‘ક્રાંતિગુરુ શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી’ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કવિ તેજનાં કાવ્યોના રસાસ્વાદના કાર્યક્રમમાં કચ્છી ભાષાના કવિ અને અભ્યાસુ શ્રી રવિ પેથાણી ‘તિમિરે’ ‘તેજ’ નાં કાવ્યોમાં પ્રકૃતિપ્રેમ વિશે બહુ સુંદર અને વિપુલ ઉદાહરણો સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “કચ્છના વૈવિધ્યસભર પ્રાકૃતિક સૌન્દર્યને કવિતાઓની ફાંટો ભરીભરીને ભાવકો પર ઉડાડ્યું છે. તેમના અડધાએક જેટલા કાવ્ય્સંગ્રહોનાં નામ જ તેની પ્રતીતિ કરાવે છે. જેમ કે, કતિયું (કૃતિકા), વિરાંઢ, સિંજા, લીયાર, પાંધોરો, ઝાડ પાંજા જિંધજાની, પાલર, ટીટોડી ટૌકા કરે, પખી પાંજા સખી વગેરે પ્રત્યક્ષ, તો પિરભ, સેલોર, ચંગ, ઢીંચો વગેરે પરોક્ષ રીતે પ્રકૃતિનો જ નિર્દેશ કરે છે. ‘વનજા વસીલા’ કચ્છની વન્યસૃષ્ટિનો પરિચય કરાવતી એમની ગદ્યકૃતિ છે….. પ્રકૃતિ દર્શનમાં તેમને સત્યનાં દર્શન થાય છે.” શ્રી રવિ ભાઈએ ટાંકેલી કવિ ‘તેજ’ની કાવ્યપંક્તિઓના આસ્વાદ દ્વારા આપણે પણ પ્રકૃતિ ખોળે વિહાર કરીશું.
માનવ અને પ્રકૃતિ વચ્ચે સ્વભાવગત અંતર કેટલું છે એ બહુ સહજતાથી કવિ નિર્દેશે છે:
પ્રકૃતિજો સ્વભાવ જ સચ્ચો આય. (છે.)
તમામ જગતજા જીવ સચ્ચાઈસેં રેંતા
હિકડે માડુ સિવા.
મરુ, મેરુ અને મેરામણ- રણ, ડુંગરા અને દરિયા-ની પ્રકૃતિની કચ્છને અનુપમ ભેટ છે. રણ અને દરિયા વચ્ચે ઉભેલા કાળા ડુંગરાનાં રમ્ય દૃશ્યથી ઝંકૃત કવિ ગાઈ ઊઠે છે:
હિકડે કુરા પાયણ, બે કુરા પાણી, પ્રકૃતિ લગે કર રણજી રાણી. (ચંગ)
(એક તરફ પત્થરો એટલે કે ડુંગરા અને બીજી બાજુ પાણી વચ્ચે પ્રકૃતિ રણની રાણી લાગે છે.)
આપણે જોયું તેમ કવિને નિર્જનતાનું સૌન્દર્ય વિશેષ આકર્ષે. એટલે જ એ કહે છે,
સીમાડે સુગ? ! કડેં હોય જ ન ! ભો સુનાંણ ખપે.
(સીમાડે સુગ કેવી? એક ભાવ જોઈએ, દૃષ્ટિ જોઈએ.)
વસંતતાં વેરાણમેંય રંગ વતાયતી, તેજ, પણ તેંકે ન્યારેલા ધિલભર નજર ખપે . (કતિયું)
(વસંત તો વેરાનમાંયે રંગ બતાવે, પણ એને જોવા ભાવસભર નજર જોઈએ.)
કવિ સરળ છે એટલે કવિ ઓળખે કે ન ઓળખે પણ પ્રકૃતિનાં તત્વો કવિને બરોબર ઓળખી જાય છે, પણ દાધારંગો હોવાથી માણસને તે ઓળખી શકતા નથી. કહે છે,
તારા-પખી-ઝાડ-ફુલ ઈ મિડે મૂકે સુનણે ને આંઉં કેંકે ન સુનણાં, (સુનણે=ઓળખે)
હા! હિકડો માડૂ મૂંકે નતો સુનણે ને આંઉં પણ માડૂકે સુનણેમેં ગોથો ખાઈ વિનાંતો.
એટલે જ કવિ નિરાંત જીવે ઝાડની છાયામાં લેટે અને ઝાડ જાણે એમને ભેટી પડે છે.
જંગલમેં ઝાડેંજી છાઈંમેં આંઉં લેટી ગિના, ને ઝાડ મૂંસે ભેટી ગિને.
ભગીચેમેં ફૂલેંસેં ફૂલી ગિનાં ને ફૂલ મૂંમેં ડૂલી ગિને.
ફૂલ પણ કવિનાં અંતરતમમાં ઝૂલી ઊઠે છે.
કચ્છી લાઘવની ભાષા છે. એથી જ કાવ્યસ્વરુપ હાઈકુ કચ્છીમાં વધારે ખીલી રહે છે અને ‘તેજ’ જેવા સમર્થ કવિના સર્જનમાં તો સોળે કળાએ ખીલે; તેમાંયે પ્રકૃતિની વાત હોય પછી તો પૂછવું જ શું?
સિજ ઉગંધે/ખથો લાય માકજો/ડુંગર જાગેં
સૂર્ય ઊગતાં જ ઝાકળ ઓઢીને ડુંગર જાગે છે.
ધમ બપોરે/હાંફે પતરી છાંઈં/પીપર હેઠ.
ભર બપોરે પીપળા હેઠે છાંયો હાંફે છે. અહીં ‘ધમ’ શબ્દ દ્વારા બપોરની ઘનિષ્ટતા પણ અને
દૃશ્યકલ્પન કવિનું કૌશલ્ય છે. એવું જ બીજું કલ્પન,
અભતેં રમેં/ચંધર ને વડર/લીક્બુચાણી.
ચંદ્ર અને વાદળ આભમાં લકલકામણી રમે છે !
પિરોજો પખી/ હયોં માકમેં ચુંજ/ને ફૂટી ભાંખ.
પરોઢે પંખી ઝાકળમાં ચાંચ મારે છે અને ભળભાંખળું થાય !
આ કલ્પના જ કેવી અદભૂત છે!
રવિભાઈ નોંધે છે કે,”કવિને ઝાકળ, વરસાદ કે ધરતી પરના સમુદ્ર કે તળાવો કોઈપણ રૂપે જળતત્વનું પણ એટલું જ આકર્ષણ છે.’’ એથી જ જયારે વરસાદ વરસે ત્યારે કવિહૃદય ગાય છે,
માડી! મીંયડા વઠા હુભેસ
મીંયડા વઠા ને થિઈ નીરીકુંજાર સીમ, સેડાસેડેમેં આયો સા
વેડેમેં, વિંગડીમેં, છેલેમેં નીર છિલે, લેરેંકે લોડે પ્યો વા
અનરાધાર વર્ષાથી સીમ લીલીકુંજાર થઈ છે નિક, વહેળા, છેલા જળથી છલકાઈ ઊઠ્યા છે પવન જળલહેરીઓને જાણે ઝુલાવી રહ્યો છે.
કચ્છ માટે વરસાદ જાણે નવાઈની બાબત પણ છે. મેઘરાજા કચ્છ પર માંડ રીઝે એવી પરિસ્થિતિ પણ હતી. દુકાળના કપરા કાળ પછી વરસાદ વરસે એ તો અમૃતથી પણ વધુ મીઠો લાગે. કવિ આ વરસાદને પણ કેવી રસાળતાથી વધાવે છે ! અહીં પણ કલ્પના, લય અને શબ્દોથી દૃશ્યને જીવંત કરી દેવાનાં વિશેષ કવિકર્મનો પરિચય મળે છે.
ડુકારેમેં ડુંગરેકે ઊંઢે ને ધરતી સૂતી હુઈ,
હાણે સુગારમેં ન્યારેઓ તાં ધરતીકે ઊંઢીને ડુંગર વિઠા અઈં.
દુકાળમાં ડુંગરા ઓઢીને ધરતી સૂતી હતી. ધરતી જાણે નિષ્ક્રિય થઇ ગઈ હતી. પણ સુકાળમાં જોવા મળે છે કે ધરતીને ઓઢીને ડુંગરા બેઠા છે. વરસાદથી ડુંગર પણ જાગૃતાવસ્થા પામ્યા છે.
આમ કવિ પ્રકૃતિની ઋતુઓના રંગ પણ ઉલ્લાસ અને ભાવપૂર્વક ઝીલે છે. વર્ષાથી ભાવમાં ઝબકોળાઈને નર્તન કરતાં વહેતો એમનો શબ્દ વસંત ઋતુના શણગારથી પણ મુગ્ધ બને છે. વસંતનો પગરવ સંભળાતાં જાણે કહી ઊઠે છે,
ચોજા વસંતકે વનમેં વરે, તેં કે કોયલ કડૂંણાતી હક્લું કરે.
વસંતને કહેજો કે વનમાં વાસ કરે, કોયલ કયારનીયે બોલાવે છે, આમંત્રણ આપે છે.
વન ભન્યો કાનુડો અજ, રાધા ભનઈ વસંત…વન આજે કાનુડો બન્યું છે અને રાધા બની છે વસંત.
ભ્રમર ચેંતો કમલજે કનમેં વા ! વા ! વસંત અવઈ અજ વનમેં..
ભમરો કમળના કાનમાં કહે છે કે આજે વસંત આવી છે. વસંતનો કેવો પ્રભાવ કવિ અનુભવે છે કે ભમરો કમળ પાસે પહોંચે છે તો એના ગુંજારવમાં વસંતનો સંદેશ સંભળાય છે.
પ્રકૃતિની સંપદા સાચવે છે વન. એટલે જ કવિ કહે છે, વન રાજી તાં પાં રાજી, વન હેરાણ તાં પાં હેરાણ.. વન રાજી તો આપણે રાજી. વન હેરાન તો આપણે હેરાન. આ મંત્રને અનુસરતાં કવિ વૃક્ષારોપણનો પણ મહિમા ગાતાં વૃક્ષોની ચિંતા પણ સેવે છે. વૃક્ષારોપણ માટે વાવેલા રોપાની વાત કવિ સાંભળી જાય છે,
વૃક્ષારોપણ જે કાર્યક્રમમેં પોખલ રોપા પિંઢમેં ચેંતા :
ભલા સામેં ઉભલ વડપિપર પિંઢઈં પેઆ વધેં ણે પાં કીં વધો નતા ?
રોપા અંદરોઅંદર વાત કરે છે કે સામે ઊભેલા આ વડ અને પીપળા પોતાની મેળે આટલા ઘેઘુર થયા પણ આપણે કેમ વધતા નથી, ઉછરતા નથી? બીજો રોપો કારણ આપે છે,
જે પાંકે ચોપા ચરી વિનેંતા તેંજો ડુખ નતો થીએ,
પણ માડુ જેડા માડુ ખાઈ વિનેંતા
પણ માડુ જેડા માડુ ખાઈ વિનેંતા તેંજો ધોખો થીએતો.
આપણને કોઈ પ્રાણી ચરી જાય તેનું દુઃખ ન થાય પણ માણસ જેવો માણસ ‘ખાઈ’ જાય તેનું દુઃખ છે. વૃક્ષારોપણ કરનાર પણ માણસ અને એનાં સત્વને માણસ જ હણે છે ! કેવી મર્મસ્પર્શી અને સચેત કરતી બાબત છે! અને અંતે, પ્રકૃતિને અનહદ પ્રેમ કરતા આ કવિની ગાંઠે બાંધી રાખવા જેવી વાત કરતી પંક્તિઓ….
પ્રેમજી પિરભ તાં ભરઈ જ રખઈ ખપે ,
કેડીખર કિન ટાણે કો પખી ઉતરે
ને ચુંજ બોડેને ઉન મિટાય.
પ્રેમની પરબ તો ભરેલી જ રાખવી જોઈએ, કોણ જાણે ક્યારે આકાશમાંથી પંખી ઊતરી આવે અને ચાંચ બોળીને પોતાની તૃષા છીપાવે.
ચાલો, આપણે પણ કવિ ‘તેજ’ નાં કાવ્યો પાસે જઈ પ્રકૃતિભાવથી આપણા પ્રેમની, ભાવની રસની પરબ છલકાવી લઈએ.
આ લેખ પૂરો કરીને વેબગુર્જરી પર પ્રકાશન માટે ૧૬-૪ના રોજ બપોરે મોકલ્યો અને રાત્રે સમાચાર મળ્યા કે હૃદયરોગના હુમલાને કારણે કવિ તેજે વિદાય લીધી છે.
કચ્છી ભાષા સાહિત્યનો એક ઝગમગતો તારક ખરી પડ્યો. કચ્છી પ્રજાએ એક આઘાતની લાગણી અનુભવી છે. સર્જનાત્મકતાથી પ્રકાશતો તેજપુંજ મહાતેજમાં વિલય પામ્યો છે. એક ભાવક અને પ્રેમીએ ગઝલકાર બેફામની પંક્તિ ટાંકી, “બેફામ તોયે કેટલું થાકી જવું પડ્યું, નહીંતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી..” કદાચ આજના દિવસ માટે જ કવિ તેજે આ પંક્તિઓનું કચ્છીમાં અનુસર્જન કર્યું હશે.
તેજ જીયણજી સફર આય એતરે જ પંધ સુધી, (પંધ= પથ, રસ્તો)
મા જે ખોરે વટાનું કરે ને કાંધીએ જે કંધ સુધી (માના ખોળાથી લઈને કાંધ સુધી )
કાવ્યતત્વ અને તળપદી કચ્છી ભાષા રસાયેલી હોય ત્યારે જ અનુવાદમાં પણ આવી મૌલિકતા-અનુસર્જન ઊતરી આવે.
માના ખોળાથી કાંધ સુધી જીવનનો પંથ કાપી ચૂકેલા આ મસ્ત ફકીર મુસાફર ગાઈ ઊઠે છે,
સફરજા માંગણા ને મુસાફરજો મરો,
નેકાં હલકારે જે કોથરે મેં પિંઢ જો વે કુરો?
આ તો સફરની માંગ હતી એટલે મુસાફર ફસાયો નહીંતર કોઈકનું લઈને કોઈકને પહોંચાડવા મથતા હલકારા પાસે પોતાનું કહેવાય એવું શું હોય?
પણ ‘તેજ’ તો પોતીકું સહજ પામેલા એ વહેંચીને પોતીકું સ્મરણનું સ્થિર પ્રકાશવંત અજવાળું આપની અંદર ઉગાડીને મહાતેજમાં વિલીન થયા છે. બસ એ અજવાળાંને સાચવીને યાત્રા કરીએ એ જ એમને હૃદયાંજલિ.
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com