નિસબત : સ્ત્રીને ડાકણ ઠેરવી મારી નાંખવાની માનસિકતાનો અર્થ

ચંદુ મહેરિયા

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલ મુજબ ૧૯૯૧ થી ૨૦૧૦ સુધીમાં અંધશ્રધ્ધાના કારણે , ડાકણના નામે દેશમાં ૧૭૦૦ સ્ત્રીઓની હત્યાઓ થઈ હતી. ૨૦૦૧ થી ૨૦૧૪માં ૨૨૯૦ અને ૨૦૧૫ થી ૨૦૨૦માં ૬૫૬ સ્ત્રીઓને ડાકણ ઠેરવી મારી નાંખવામાં આવી હતી. છેલ્લા પંદર વરસોમાં સૌથી વધુ ૪૬૪ સ્ત્રીઓની ઝારખંડમાં, ૪૧૫ની  ઓડિશામાં અને ૩૮૩ની આંધ્રપ્રદેશમાં હત્યાઓ થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘના  આંકડાઓ મુજબ ૧૯૮૭ થી ૨૦૧૩માં ૨૫૫૬ સ્ત્રીઓના ખૂન ડાકણ ગણીને થયા હતા. ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર, અસમ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ,, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, ગુજરાત, મણિપુર, ત્રિપુરા અને આંદામાન નિકોબારના આદિજાતિબહુલ ૬૦ જિલ્લાઓમાં સ્ત્રીઓને ડાકણ ગણી કુટુંબ અને ઘર-ગામની બહાર તગેડી મૂકવાના, અમાનવીય અત્યાચાર કરવાના અને મારી નાંખવાના બનાવો બને છે. એકવીસમી સદીના ત્રીજા દાયકાના આરંભે પણ આ કલંકિત પ્રથા અકબંધ છે.

સ્ત્રીને ડાકણ ગણી પ્રતાડિત કરવાની આ કુપ્રથા સદીઓથી ચાલે છે. કાલાજાદુની રાજધાની તરીકે કુખ્યાત અસમના મોરીગાંવમાં સૌ પહેલાં સ્ત્રીને ડાકણ ગણવાનો બનાવ બન્યો હતો. રાજસ્થાન ડાકણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હતું. હવે તેનું સ્થાન ઝારખંડને મળ્યું છે. શિક્ષણ અને આરોગ્ય સેવાના અભાવથી પીડાતા ગ્રામીણો  અંધશ્રધ્ધાને કારણે ભૂવા કે દોરાધાગાના સહારે પોતાના રોગ મટાડવા પ્રયત્ન કરે છે. તેમાં નિષ્ફળ જતા ભૂવાઓ ગામની કોઈ નિર્દોષ અને લાચાર સ્ત્રીને ડાકણ ઠેરવી દે છે. એટલે લોકો પણ ભૂવાઓની વાત માની એ સ્ત્રીને દોષિત માને છે.

ભૂવાઓ અને વગવાળાઓના લીધે ડાકણ ઠરેલી સ્ત્રીનો બહિષ્કાર કરવામાં આવતો અને મારી પણ નંખાતી. ધીરેધીરે આ કુપ્રથા વધુ બળવત્તર બનતી ગઈ. ગામડાંઓમાં કોઈ કુદરતી આફત આવે, આકસ્મિક મોત થાય, કોઈ સાજુમાંદુ રહે, ગામના કૂવામાં પાણી સુકાઈ જાય, ગાય –ભેંસ દૂધ આપતા બંધ થઈ જાય એ સઘળાનો દોષ કોઈ ડાકણ માની લેવાયેલી સ્ત્રીના માથે ઠોળી દેવાય છે. માત્ર ભારતમાં જ નહીં દુનિયાના અન્ય દેશોમાં પણ આ કુપ્રથા જોવા મળે છે. “ડાયનગાથા” કિતાબના લેખક પ્રો.સંજય બસુએ નોંધ્યું છે તેમ, પંદરમીથી અઠારમી સદી દરમિયાન યુરોપમાં એક લાખ સ્ત્રીઓને ડાકણના નામે જીવતી બાળી કૂટી હતી.

ડાકણ માની લેવાયેલી સ્ત્રી સાથે ક્રૂર અને અમાનવીય વર્તન કરવામાં આવે છે. તેને ગામની બહાર મોકલી દેવાય છે.ખાવા-પીવાનું આપ્યા સિવાય રીબાવવામાં આવે છે. અવારનવાર માર મારવામાં આવે છે. જ્યારે કોઈ આકસ્મિક મોત કે કુદરતી ઘટના માટે આવી સ્ત્રીને ડાકણ ઠેરવી દેવાય છે ત્યારે ગામનું ટોળું તેના પર હિંસક હુમલો કરે છે. તેને અર્ધનગ્ન કે નગ્ન કરી, માથે મૂંડન કરી, મોઢું કાળું કરી,મળમૂત્ર પિવડાવી, તેની આજીજીઓ ધ્યાનમાં લીધા સિવાય  જાહેરમાં ક્રૂર રીતે માર મારીને મારી નાંખવામાં આવે છે.મોટેભાગે પ્રૌઢ, વિધવા, લાચાર, નિરાધાર કે એકલી રહેતી ગરીબ સ્ત્રીઓ ભોગ બને છે. જ્યારે સમગ્ર ગામ આવી હિંસા આચરતું હોય ત્યારે તેમને રોકનાર કે સમજાવનાર પણ કોઈ હોતું નથી.

આદિવાસી મહિલાઓને ડાકણ ઠેરવી દઈ મારી નાંખવાનું, બહિષ્કાર કરવાનું કે રંજાડવાનું સામાન્ય કારણ તો અંધશ્રધ્ધા અને અભણપણું ગણાવાય છે. પરંતુ તે ઉપરાંતના ગંભીર કારણો પણ છે. આદિવાસી સમાજમાં જમીન માલિકી મોટેભાગે સ્ત્રીઓની હોય છે. જ્યાં સ્ત્રીઓ જમીન માલિક નથી ત્યાં જમીન પ્રત્યેનો તેમનો લગાવ અને સજગતા પુરુષોની તુલનામાં આધિક હોય છે.એટલે જમીન ઝૂંટવી લેનારા કે ખરીદી લેનારા માટે આડખીલી રૂપ સ્ત્રીને ડાકણ ઠેરવી દેવાય છે. મિલકત, સંપત્તિ અને વારસાઈનો વિવાદ, આર્થિક ઝઘડા, યૌનશોષણ, માનસિક બીમારી,ગરીબી, સામાજિક સંઘર્ષ અને પિત્રુસત્તાક માનસિકતા આ કુપ્રથાના મહત્વના કારણો છે.

માત્રુસત્તાક અને સ્ત્રી સમાનતામાં માનતા આદિવાસી સમાજમાં ડાકણ જેવી ઘાતકી પ્રથાનું અસ્તિત્વ આઘાત અને આશ્ચર્યજનક છે. આવી કુપ્રથા આદિવાસી સંસ્ક્રુતિનો ભાગ નથી.એટલે બાહ્ય તત્વોની અસરને કારણે આ પ્રથા જન્મી હોવાનું કહેવાય છે.પ્રેમ અને સામુહિકતા આદિવાસી સંસ્ક્રુતિના કેન્દ્રમાં હોય ત્યારે સ્ત્રીને ડાકણ ગણી,સામુહિક રીતે થતી નિર્દય હત્યાઓ સામાજિક અને મનોવૈજ્ઞાનિક કોયડો છે.આદિજાતિ સમાજ સામુહિકતામાં જીવતો સમાજ છે. તેના રોજગારીના સાધનો પણ સામુહિક છે જંગલો અને જમીનો ઝૂંટવાતા તેની સામુહિકતા ખતમ થઈ રહી છે અને વ્યક્તિગત રીતે જીવતો સમાજ બની રહ્યો છે. તેને લીધે પણ આ કુપ્રથા હોવાનું માની શકાય.

કાયદા થકી ડાકણ પ્રથા ડામવાના પ્રયાસો જરૂરી છે. આઝાદી પૂર્વે છેક ૧૮૫૩માં રાજસ્થાનના ઉદેપુર પંથકમાં આ પ્રથાને ગેરકાયદે ઠેરવવામાં આવી હતી. દેશમાં ડાકણ પ્રથાને અટકાવવાનો કાયદાકીય પ્રયાસ આઝાદી બાદ સૌ પહેલાં બિહારમાં થયો હતો. ૧૯૯૯નો ધ પ્રિવેન્શન ઓફ વીચ(ડાયન) પ્રેકટિસ એકટ ઘડાયા પછી અન્ય રાજ્યો પણ તેને અનુસર્યા હતા. જોકે તમામ રાજ્યોમાં અને કેન્દ્ર કક્ષાએ ડાકણ નિષેધના અસરકારક કાયદાનો હજુ અભાવ છે. રાજ્યોના કાયદાઓમાં આજીવન કારાવાસ અને દંડની સજાની જોગવાઈ છે. ડાકણ ઠેરવેલી સ્ત્રીને વળતરની જોગવાઈ કરતો અસમનો કાયદો કઠોર જોગવાઈઓ ધરાવે છે.જોકે  ડાકણની હત્યાના બનાવો ભીડ કે ટોળાની હિંસા દ્વારા આચરવામાં આવતા હોઈ દોષિતોને શોધવાનું અને સજા અપાવવાનું મુશ્કેલ છે.

સ્વાતંત્ર્યના પંચોતેર વરસ ,સાક્ષરતાનો ઉંચો દર , સામાજિક જાગ્રતિની ગુલબાંગો અને બંધારણમાં નાગરિકની વૈજ્ઞાનિક સમજને વિકસાવવાના  દાવા વચ્ચે ડાકણ જેવી પ્રથાના નામે મહિલાઓના અસ્તિત્વને કચડવાના પ્રયાસો શોચનીય છે. સામાજિક જાગ્રતિ અને સમાજ સુધારણાના પ્રયાસો જ આવી પ્રથાને ડામી શકે તેમ છે, જેનો આજે દેશમાં અભાવ છે.  દેશના કેટલાક ભાગોમાં આજે પણ વરસે સો થી અઢીસો સ્ત્રીઓને ડાકણના નામે મારી નંખાય તે સભ્ય કહેવડાવતા સમાજની નાલેશી અને બૌધ્ધિક નિર્ધનતા છે.

ડાકણ ઠેરવી ભારે અત્યાચારોનો ભોગ બન્યા પછી તેમાંથી મુક્તિ મેળવી આજે આ કુપ્રથા વિરુધ્ધ ઝુંબેશ ચલાવી રહેલા ઝારખંડના છુટની મહતો અને અસમના બીરુ બાલા જેવાં મહિલાઓ આપણી પ્રેરણા બનવાં જોઈએ.ઘણી વ્યક્તિઓ અને સંસ્થાઓ પણ ડાકણ પ્રથા નાબૂદી અભિયાન ચલાવી રહ્યાં છે. ઝારખંડ સરકારે ધો ૬ થી ૮ના પાઠ્યક્રમમાં ડાકણ પ્રથા વિરોધી પાઠ સામેલ કરી વિધ્યાર્થીઓને બાળપણથી જ આ પ્રથા વિરુધ્ધ જાગ્રત કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.

જે પ્રથાઓ અને પરંપરાઓ ભેદભાવ અને પછાત માનસિકતાના ધ્યોતક હોય તેમાંથી સત્વરે મુક્તિ મેળવવી જોઈએ. ડાકણ પ્રથા માટે જવાબદાર આદિવાસી સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધાના મૂળમાં રહેલો આરોગ્ય અને શિક્ષણ સેવાનો અભાવ દૂર કરવાની સમજ  લોકશાહી સરકારો અને વહીવટી તંત્રમાં હોવી જોઈએ. પોતાની આગવી ન્યાય પ્રણાલી અને ખૂન કા બદલા ખૂનની સમાંતર સરકાર જેવી ચડોતરાની પ્રથા હોય કે ડાકણ પ્રથા, ગ્રામીણ, ગરીબ, પછાત અને આદિવાસી સમાજે તેનાથી મુક્ત થઈ, આધુનિક સભ્ય સમાજ તરફ પગરણ માંડવા હવે હરણફાળ ભરવાની છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.