મારું વાર્તાઘર – કાંટાનો બૂકે

(એપ્રિલના ઉપલક્ષ્યમાં એક હાસ્યકથા)

રજનીકુમાર પંડયા

‘મારો પ્રોબ્લેમ એ છે પ્રોફેસર, કે મને એવોર્ડ મલેલ છે.’

પ્રોફેસર આત્મારામે એ વખતે આ સવાલને ફક્ત કાનમાં જ પ્રવેશ આપ્યો, કારણ કે કાનમાં ફાટક બંધ કરવાની કોઈ ફેસિલિટી નથી હોતી. ઉઘાડા ઝાંપામાં કૂતરા-બિલાડાંની જેમ ગમે તે ગંદી વસ્તુ બી કાનની અંદર પ્રવેશી જાય એ સાચું, પણ કાનમાં પેસી ગયેલા મજકુર સવાલને દિમાગમાં પેસવા દેવા–ન દેવામાં પ્રોફેસરની મુનસફી ચાલતી હતી. એમણે આવા લઘરવઘર, ઊંચા ચટ્ટાપટ્ટાવાળા લેંઘા અને ઘૂંટણ સુધી લંબાતા પહેરણવાળા, અરધી હજામત થયેલા જેવા માથાવાળા ડોસાના વાક્યને દિમાગ સુધી અંદર આવવા જ ના દીધું. બાઈક પર કપડાનો ડૂચો ફેરવતા રહ્યા.

“સાંભરો છો ?”

“મને કામનું હોય તો ડેફીનેટલી સાંભળું.”

“મેં શું કીધું?”

“નથી સાંભળ્યું.”

“ફી ખિચ્ચામાં લઈને જ આવ્યો છું – સાંભળ્યું ?”

“એ સાંભળ્યું !” પ્રોફેસરે પગ વતી એના ભણી સ્ટૂલ ધકેલ્યું ને કહ્યું, “નીચે બેસાય એવું નથી, એટલે ઉપર બેસવાનું કહ્યું. સોરી!” ને વળી બાઈકના રિઅર-વ્યૂ મિરરને સાફ કરવા માંડ્યા.

“મારી કોર નજર તો કરો.” આવનારે કહ્યું, “ફી ગુંજે ઘાલીને આવ્યો છું. મફત સલાહ નથી લેવી.”

પ્રોફેસરે ડૂચાનો ઘા કર્યો એક ખૂણે ને પછી જૂની મોટરકારમાંથી છુટ્ટી કરેલી એક ગાદીવાળી સીટ પર જગ્યા લીધી. કહ્યું,”સાડા ત્રણ મિનિટ.”

“મતલબ?”

“દસ સેકંડ કપાઈ ગઈ. ત્રણ મિનિટ વીસ સેકન્ડમાં વાત કરો.”

“મારું નામ વંદનીય છે.”

“મારા બાપ સિવાય મેં કોઈનેય વંદનીય નથી માન્યા.” પ્રોફેસર ગિન્નાઈને કહ્યું.

“પણ મારા બાપે મને વંદનીય માનેલ. મારું નામ જ વંદનીય પાડેલ. પટેલ વંદનીય તુલસીદાસ. એ નામે તુલસીદાસ હતા. સૌ એમને પગે લાગે એવા અભરખા રાખતા. એટલે મારું નામ આવું પાડેલ. બોલનાર ઓટોમેટિક એમને વંદન કરતો લાગે.”

“ઓકે…ઓકે…” પ્રોફેસરે કહ્યું, “નામમાં એકલું ‘વંદનીય’ બોલજો, ને ‘પટેલ’ કે ‘તુલસીદાસ’ એવું કાંઈ એમાં ઉમેરતાં નહીં.”

“સારું.” વંદનીય બોલ્યો ને સ્ટૂલમાંથી ખીલી ખૂંચતી હોય એમ અધકૂડો થઈ ગયો :”મારો સવાલ એ છે કે મને ગુજરાત માટેનો બોક્સર મહંમદઅલી એવોર્ડ જાહેર થયેલ છે. પહેલાં તો હું મહંમદઅલી ઝીણા સમજેલ, કારણ કે મૂર હું પાનેલીમાં જન્મેલ છું. પણ પછી એ લોકોએ બોક્સર મહમંદઅલી કહ્યું, ત્યારે ફોડ પડ્યો. આપણને નાનપણમાં જોન કાવસ, નાદિયાની ફિલ્મો જોયા પછી ટકાટકી…..” એણે જીભથી ડચકારા બોલાવીને મારામારીનો અભિનય કર્યો: “……ટકાટકીનો શોખ વરગેલ એટલે આપણે આમેય લાયક ખરા. વળી આ વખતે પસંદગી સમિતિમાં આપણા વળના અને ગોળના ત્રણ જણા હતા. થોડાક છેડા અડાડેલ એટલે આપણે એવોર્ડ ખાટ્યા.”

“એમાં મામલત કેટલી?”

“એકાવન હજાર રોકડા ને પેલું શું કહેવાય, એક ત્રિકોણીયું સિલ્ડ. મતલબ શિલ્ડ ને, ઐસ્વર્યા સાથે વિસાલામાં વાળુ, મતલબ ડિનર….આવું બધું એમાં છે. હવે પ્રોબ્લેમ એ થયેલ છે કે આપણને આ એવોર્ડ મલેલ છે.”

“આપણને નહીં, તમને….તમને એવોર્ડ ‘મલેલ’ છે.એમાં પ્રોબ્લેમ ક્યાં આવ્યો ?”

“મારો પ્રોબ્લેમ એ છે કે આ એવોર્ડ મલ્યાનું જાહેર થયા કેડે મારી નોકરી પર જોખમ ઊભું થયેલ છે.”

“ઐશ્વર્યા તરફથી? સલમાન તરફથી ?”

“ના.”

“તો? અભિષેક કોરથી ?”

“ના, એમાં તો આયોજકોએ એવું નક્કી કરેલ કે એવો ભો લાગે તો ઐસવર્યાને બડલે બીજું બૈરું લાવીને મારી ભેળું વિસાલામાં જમાડવું. અરે, એવું લાવવું કે જેને ખિચડી કઢી રાંધતા બી આવડતું હોય. વિસાલાનો ખર્ચો બી નહીં.”

“તો તમારી નોકરી પર હવે જોખમ કોના તરફથી ?”

“અરે, મારા શેઠ તરફથી.”

“ના હોય !”

“ના હોત તો તમારી પાસે શું લેવા ધોડ્યો આવત!”

પ્રોફેસર છુટ્ટી પાડેલી કાર સીટ પરથી ઊભા થઈ ગયા. બોલ્યા, “મને ય સમજાતું નથી. તમારા શેઠે તો ઊલટાનું રાજી ના થવું જોઈએ? કે એના એક વંદનીય કર્મચારીને ગુજરાતનો પ્રતિષ્ઠિત બોક્સર મહંમદઅલી એવોર્ડ….‘મલેલ’ છે.”

“હું તો કહું છું, પણ એ મારું કાંઈ સાંભરવા જ માગતા નથી. બસ, ક્યે છે કે કાલથી નો આવતા એમ નહીં, પણ આજ બપોરથી જ નો આવતા. અરે આ વાત પર બરાબરની જામી ગઈ. એમાં તો શેઠના એંસી વરસના ડોહા વચ્ચે પડ્યા. ક્યે કે જગદીશ, એને ફાંસી મલી હોય તો એનો કાંક વાંક હશે એમ ગણાય. બાકી બચાડાને કોક એવોર્ડ મલે એમાં એની શું ગનેગારી? ને એમ છતાંય તારે એને બરખાસ (બરખાસ્ત) કરવો હોય તો પેલી તારીખથી કરજે, આમ સિત્તાવીસમીએ મા કર. તઈણ દિ સાટુ કોઈના નિહાકા ના લે. આમ તઈણ દિ માટે મને અભેવચન મલ્યું. પણ તઈણ દિ પછી તો નોકરીના ફાંફાં ને ?”

“એકાવન હજાર મળશે ને? વરસ દિ’ કાઢી નાખજો.”

“અરે, શેના એકાવન હજાર?” વંદનીય બોલ્યો, “એવોર્ડ આપનારાએ મારી હાર્યે જ બોલી કરી છે. આની કોર મને એકાવન હજારનો ચેક મલે ને આની કોર મારે સાડી પચા હજાર બોક્સર મહંમદઅલી એવોર્ડની પરવરતી(પ્રવૃત્તિ) વરસોવરસ ચાલુ રહે એટલા સાટું આમાં દાનમાં આપવા. ફોટા પડવવાનો ખરચ બી વરાડે પડતો એ વધીયાણ પાનસોમાંથી આપવાનો.” પછી વિચાર કરીને કહ્યું, “એનો બી વાંધો નથી. આપણને તો એક એવોર્ડ આપણા નામ પર ચડે એટલે જ ભયો ભયો. સાલું એવોર્ડ વગરની તે કાંઈ જિંદગાની છે ?નાગા ફરીએ એનો વાંધો નહીં, પણ એવોર્ડ વગરના ના ફરાય.”

“રાઇટ, એવોર્ડ તો હવે પ્રાકૃતિક જરૂરત ગણાય છે. આટલીઅમથી, નેચરલ નીડની વાત પણ તમારો શેઠ જગદીશ કેમ નથી સમજતો ?”

“અરે, બધું ય સમજે છે !” વંદનીય ધૂંધવાઈને બોલ્યો,”સાલાવ એ બાપ-દીકરો કાંઈ એવોર્ડ વગરના થોડા રહ્યા છે ?”

“એમ?” પ્રોફેસરે આંખો વિસ્ફારિત કરી: “એમને પણ એવોર્ડ મળ્યા છે? શેના ? તમારા જેવાને નોકરીએ રાખવા માટેના ?”

“ના રે…” વંદનીયની સિકલ ઉપર ગળાકાપ સ્પર્ધાભાવ જન્મ્યો: “એ બેય જણાને ગયા બે વરસોમાં આ રીતે જ, આ જ બોલીએ બોકસર મહંમદઅલી એવોર્ડ મલેલ. અરે, એની ખુશાલીમાં તો મોટી મોટી પાર્ટીયું કરેલ. હવે મારી વખતે એ બેયને પેટમાં શું દુઃખે છે એ જ સમજાતું નથી. મને એવોર્ડ મલે એમાં મારી નોકરી શું કરવા જાવી જોવે ?”

પ્રોફેસરના મનમાં વીજળીનો કડાકો થયો. એ ઊભા થયા. બાઈકનો રિઅર-વ્યૂમિરર ફરી લૂછવા માંડ્યા. લૂછતાં લૂછતાં પૂછ્યું, “જગદીશને કોઈ દીકરો બીકરો છે ?”

“છે ને!” વંદનીય બોઘાભાવે બોલ્યો, “પંકેસીયો… દસમામાં બીજીવાર ગુલ્લી મારેલ… હજુ સત્તરનો જ છે.”

“વંદનીય પટેલ..” પ્રોફેસર ઘોઘરા અવાજે બોલ્યા, “તમે પાપી છો –પાતકી છો. કોઈ નિર્દોષ બાળકનો હક ડૂબાડી તમે એવોર્ડ લીધેલ છે. હવે નોકરી બચાવવી હોય તો પ્રાયશ્ચિત કરવું પડશે –‘મલેલ’ ને  તમારે હવે ‘ના મલેલ’ કરવું પડશે. આયોજકોને લખો-છાપામાં નિવેદન મોકલો કે મારા કરતાં પંકેશકુમાર જગદીશચંદ્ર આ એવોર્ડ માટે વધુ લાયક છે. હું આ એવોર્ડ પરત કરું છું. લિ. વંદનીય પટેલ.”

વંદનીયે લાંબું વિચારીને આખો ખેલ મનમાં ભજવી જોયો. ’મલેલ’ એવોર્ડ જતો કરવો એ જરા ટ્રેજિક ટર્ન ગણાય, પણ અંત પરમ સુખાંતી ભાસતો હતો. બોલ્યા, “તો તો કદાચ આગર જતાં નોકરીમાં બઢતી બી મલે હેં ? શું કો છો ?”

પ્રોફેસરે રિઅર-વ્યૂ મિરરમાં જોઈને કહ્યું, “હા દેખાય છે. તમારી બઢતી બી દેખાય છે. બાકી પંકેસીયાને ઘેર બચ્ચું ન જન્મે ત્યાં સુધી નોકરીમાં તો તમને અભેવચન છે.”

આ વાર્તાની સર્જનપ્રક્રિયા

આ એક કટાક્ષકથા છે. એ વિષે કોઇ લાંબી કેફિયત ન હોય. આવી કથાઓના સ્રોત વાતાવરણમાં જ પડ્યા હોય છે. એવોર્ડ અને સન્માનોનાં મૂલ્ય જરા પણ ઓછું આંકવાનો ઇરાદો નથી. આવી ટૂંકી ટૂંકી (જો વાર્તાઓ કહેવાતી હોય તો) વાર્તાઓમાં જણાતી અતિશયોક્તિઓ કોઇ ઠઠ્ઠાચિત્રની અતિરેકી રેખાઓ જેવી હોય છે. આવી રેખાઓ આડીતેડી હોય તો પણ મૂળ પાત્ર સાથેની ઓળખને તો બરોબર ઉપસાવે જ છે. એમ આ વાર્તાની કાલ્પનિક ઘટના સાથે કોઇ આજુબાજુની અસલ ઘટનાનું આછું-પાતળું સામ્ય પણ જો અનુભવી શકે તો એને જ આ ‘પીસ’ની સાર્થકતા સમજીશ!


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “મારું વાર્તાઘર – કાંટાનો બૂકે

Leave a Reply

Your email address will not be published.