ફિલ્મસંગીતના નકશીકારો (૧૪) : એન્થની ગોન્સાલ્વીસ

પીયૂષ મ. પંડ્યા

ગઈ કડીમાં આપણે ફિલ્મ ‘આવારા’ (૧૯૫૧)ના જે ગીતનો દત્તારામના અને ઢોલકીવાદક લાલાભાઉના સંદર્ભે ઉલ્લેખ કર્યો હતો એ જ ગીત આજની કડી માટે પણ એટલું જ પ્રસ્તુત છે. હકીકતે આ ગીત હિન્દી ફિલ્મીગીતોના ઈતિહાસની એક શકવર્તી જણસ છે, જેને જેટલી વાર માણીએ એટલી વાર એમાં કોઈ ને કોઈ બારીકી જડી આવે છે. સાડાનવ મિનિટમાં ફેલાયેલા આ ગીતની અનેકાનેક બારીકીઓ અને ખૂબીઓ વિશે વાત નહીં કરતાં માત્ર શરૂઆતના તબક્કાની વાત કરીએ.

સામાન્ય રીતે ફિલ્મી સંગીત માટે વાદ્યવૃંદની પ્રચલિત વ્યવસ્થા એવી છે કે વાયોલીન્સ વાદકોના સમૂહ દ્વારા વગાડવામાં આવે. કોઈ ચોક્કસ મુકામ ઉપર એકલ/સોલો વાદન જરૂરી હોય તો વાદકોમાંના શ્રેષ્ઠ વાયોલીનવાદક એ વગાડે. તે સમયના શંકર-જયકિશનના વાદ્યવૃંદસહાયક સોની કાસ્ટેલીનોએ આ ગીત માટે એ જવાબદારી બે કાબેલ વાદકોને સોંપી. એને માટેની તૈયારીની એક બેઠકમાં રાજકપૂરે આ વાદકોના વાદન અસંતોષ વ્યક્ત કર્યો. ખરેખર એમણે કહેવામાં વિવેકચૂક કરી હતી. બેય વાદકો બેઠક છોડીને જતા રહ્યા. એ પછી અન્ય કોઈ વાદક અગાઉના વાદનની કક્ષાનું ન વગાડી શક્યો. આખરે રાજકપૂરે એ બન્ને યુવાન વાદકોને માનભેર પાછા બોલાવ્યા અને એ ટૂકડાઓ વગાડવા માટે મનાવી લીધા. શરૂઆતમાં કાને પડતા વૈવિધ્યસભર વાદ્યસંગીતમાં બરાબર 1.17 થી શરૂ થઈ, 1.23 સુધી માત્ર અને માત્ર એકલ વાયોલીન સંભળાવા લાગે છે. 1.23 થી 1.26 દરમિયાન અન્ય વાદ્યો વાગે છે અને ફરીથી 1.27 થી 1.30 સુધી વાયોલીનનો ટૂકડો વગાડાયો છે. એ પછી મેન્ડોલીનનું ખુબ જ જાણીતું વાદન શરૂ થાય છે. કુલ નવ સેકન્ડ્સમાં વહેંચાયેલા બે તબક્કાઓમાં સોલો વાયોલીન એક જાદૂઈ અસર છોડી જાય છે.

આ ટૂંકો પણ અવિસ્મરણીય ટૂકડો વગાડનારા બે કલાકારો પૈકીના એક હતા પીટર ડોરાડો અને બીજા આપણે આજે જેની વાત કરવાના છીએ, એ એન્થની ગોન્સાલ્વીસ.

હિન્દી ફિલ્મીસંગીતમાં ક્રાંતિકારી ફેરફાર કરી પોતાની અમિટ છાપ છોડી જનારાઓમાં એન્થનીનું નામ અગ્રેસર છે. શરૂઆતના અરસાના સંગીતકારો નિર્ધારીત ઢાંચામાં ઢળેલા હતા. મહદઅંશે ઉત્તર ભારતીય અને પંજાબી સંગીતની અસર હેઠળ સંગીત તૈયાર થયા કરતું હતું. કર્ણપ્રિય હોવા છતાં એમાં એકવિધતા અનુભવાતી હતી. પ્રયોગશીલતાને ઝાઝો અવકાશ નહીં હતો. એવે સમયે ગોવાથી પશ્ચીમી સંગીત ઉપર કાબુ મેળવીને મુંબઈની ફિલ્મી દુનિયામાં પહોંચેલા કેટલાક યુવાનોમાંના એક એન્થની પણ હતા.

ગોવાના માજોરડામાં તા.૧૨/૦૬/૧૯૨૭ના રોજ જન્મેલા એન્થનીના પિતા જૉઝ ગોન્સાલ્વીસ એક હોનહાર સંગીતકાર હતા. એ પોતાનું બેન્ડ ચલાવતા હતા અને અલગઅલગ હોટેલો તેમ જ ક્લબોમાં કાર્યક્રમો કરતા હતા. તે ઉપરાંત લાક્ષણિક ખ્રીસ્તી પરંપરા પ્રમાણે ચર્ચમાં ગવાતા સમૂહગાન/ કોયરમાં એન્થનીનાં કુટુંબીજનો ભાગ લેતાં હતાં. આમ, એમનામાં બાળવયથી જ સંગીતના સંસ્કારો સિંચાવા લાગ્યા હતા. બિલકુલ નાની વયથી જ એન્થની પિતા પાસેથી પીયાનો અને વાયોલીન વગાડતાં શીખવા લાગ્યા. એમણે આ બન્ને વાદ્યો ઉપર ટૂંકા સમયમાં અસાધારણ પ્રાવિણ્ય મેળવી લીધું.

સઘન તાલિમ અને જન્મજાત સૂઝકો ભળતાં એમણે કિશોરવયે પહોંચતાં સુધીમાં પૂરતો આત્મવિશ્વાસ મેળવી લીધો. પછી એ નસીબ અજમાવવા માટે મુંબઈ પહોંચ્યા. શરૂઆતમાં એન્થની ત્યાંની હોટેલો અને ક્લબોમાં કાર્યક્રમો આપતાં બેન્ડ્સ સાથે વગાડવા માટે જોડાયા. એવામાં એ સંગીતકાર નૌશાદની નજરે ચડી ગયા. એ વખતે નૌશાદ ફિલ્મ ‘શારદા’ ( ૧૯૪૨) માટે સંગીત તૈયાર કરી રહ્યા હતા. સંગીતની આંતરીક સૂઝ, વાદ્યો વગાડવાની અને સ્વરલીપિ/Notations લખવાની અસાધારણ કુશળતા વડે એન્થની ઝડપથી જાણીતા થવા લાગ્યા. થોડા સમય પછી એ સમયે ‘બોમ્બે ટૉકીઝ’ સાથે સંકળાયેલા અનિલ બિશ્વાસે એમને પોતાની સાથે કામ કરવા આમંત્રિત કર્યા. તે સમયે બની રહેલી ફિલ્મ ‘જવારભાટા’ (૧૯૪૪)નું સંગીત તૈયાર કરવામાં એન્થનીએ બિશ્વાસના સહાયક તરીકેની ભૂમિકા ભજવી. એ પછી ‘પહલી નજર’ (૧૯૪૫)ના સંગીત માટે પણ બિશ્વાસના સહાયક તરીકે કામ કર્યું. એવામાં જ ખેમચંદ પ્રકાશે સને ૧૯૪૩માં ફિલ્મ ‘મહલ’નું સંગીત તૈયાર કરવા માટે આ યુવાનને સહાયક બનાવ્યો. અલબત્ત, નિર્માણકાર્યમાં વચ્ચે મોટો વિલંબ થયો હોવાથી એ ફિલ્મ છેક ૧૯૪૯માં પ્રદર્શિત થઈ શકી. એન્થનીની પ્રતિભાનો પરિચય ફિલ્મ ‘મહલ’ના આજે પણ અતિશય જાણીતા ગીતના પ્રિલ્યુડ માટેના વાદ્યવૃંદની એરેન્જમેન્ટમાં થાય છે. આ પ્રિલ્યુડની વિશિષ્ટતા એ છે કે એમાં ગાયકી પણ આવતી રહે છે અને સાથેસાથે પીયાનો તેમ જ વાયોલીનવાદન પણ છે. છેક 3.42 સુધી વિસ્તરતી આ ગીતની અનોખી શરૂઆતને પ્રિલ્યુડ કહેવા કરતાં ગીતનો ઉઘાડ કહેવું વધુ યોગ્ય છે.

એ દરમિયાન ફિલ્મી વર્તૂળોમાં આ નામ ખુબ જ જાણીતું થઈ ગયું હતું. એન્થનીએ હૂશ્નલાલ-ભગતરામની જોડી સાથે પણ કામ કર્યું. આગળ જતાં એમણે નૌશાદ સાથે અનેક ફિલ્મો માટે સંગીત સહાયક તરીકે કામ કર્યું. એ પૈકીની ઉલ્લેખનીય ફિલ્મો ‘અનમોલ ઘડી’ ( ૧૯૪૬), દીલ્લગી (૧૯૪૯), ‘દાસ્તાન’ (૧૯૫૦), ‘બૈજુ બાવરા’ (૧૯૫૨), ‘મધર ઈન્ડીયા’ (૧૯૫૭) વગેરેને ગણાવી શકાય. અત્રે ફિલ્મ દાસ્તાનનું એક યુગલગીત ઉલ્લેખનીય છે. એ સાંભળતાં થોડી નવાઈ લાગે, કારણકે એ સાવ બિનનૌશાદીય શૈલીમાં ઢળાયેલું છે! એવું માની શકાય કે આવી પાશ્ચાત્ય શૈલીની ધૂન તૈયાર કરવામાં એન્થનીએ સારો એવો ભાગ ભજવ્યો હશે. અલબત્ત, આ ફિલ્મ માટે નૌશાદના મુખ્ય સહાયક તરીકે ગુલામ મોહમ્મદ હતા. પણ આ ગીતમાં એન્થનીની અસર જણાઈ આવે છે.

સને ૧૯૫૧માં આવેલી ફિલ્મ ‘ઢોલક’નું સંગીત તૈયાર કરવામાં એન્થનીએ સંગીતકાર શ્યામસુંદરને સાથ આપ્યો. શ્યામસુંદરની શૈલી પંજાબી હતી, એની સાથે પોતાની આગવી સૂઝ વડે પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ કરીને એન્થનીએ બહુ સુંદર પ્રયોગો કર્યા. એ ફિલ્મનું એક ગીત સાંભળીએ. આપણે અગાઉની કડીઓમાં જેને વિશે વાત કરી ગયા છીએ એવા ઓંબ્લિગેટોઝ અને હાર્મનીનો ખુબ જ અસરકારક પ્રયોગ સાંભળવા મળે છે. શરૂઆતમાં લાક્ષણિક પંજાબી ઠેકાઓ વાગતા હોય છે એવામાં બરાબર 0.21 ઉપર એકોર્ડીયનની ગૂંજ ઉઠે છે. 0.32 ઉપર ટ્રમ્પેટવાદન શરૂ થાય છે અને 0.44 થી ક્લેરીઓનેટ જોડાઈ જાય છે. આ સમગ્ર વાદન સાથે તાલમાં તો પંજાબી ઠેકા જ સંભળાતા રહે છે. 0.50 ઉપર સુલોચના કદમની ગાયકી શરૂ થાય છે અને 1.02 થી લઈને 1.22 સુધી સતીષ બાત્રા જોડાઈને હાર્મનીનો કર્ણપ્રિય ઉપયોગ કરે છે. આ દરમિયાન ફૂંકવાદ્યો વડે વગાડાતા ઓબ્લિગેટોઝ તો ખરા જ! પોતાની પચ્ચીશી પણ પૂરી નહોતી થઈ એવા યુવાન એન્થનીએ આ ગીતના નિયોજનમાં શ્યામસુંદરે બનાવેલી ધૂનમાં પ્રાણ ફૂંકી દીધો એમ કહીએ તો ખોટું નથી.

સચીન દેવ બર્મનની કારકીર્દિની પહેલી જ ફિલ્મ ‘શિકારી’ (૧૯૪૬)માં જ એન્થનીને સહાયક સંગીતકાર તરીકે કામ કરવાની તક મળી. એ પછી તો એમણે લાંબા અરસા સુધી સચીન દેવ સાથે કામ કર્યું. આ જ સંગીતકારની ફિલ્મ ‘બહાર, (૧૯૫૧)ના એક ખુબ જ લોકપ્રિય ગીતના વાદ્યવૃંદનું સારું એવું શ્રેય એન્થનીના ભાગે જાય છે. વળી એમાં 0.4 થી 0.13 દરમિયાન સોલો વાયોલીનનો અત્યંત કર્ણપ્રિય ટૂકડો ખુદ એન્થનીએ વગાડ્યો હતો.


કારકીર્દિની શરૂઆતમાં જ મોખરાના સંગીતનિર્દેશકો સાથે કામ કરવાનો મોકો મળ્યો તેમ છતાંયે એન્થનીએ પંડીત ગોવીંદરામ (જીવન-જ્યોતિ-૧૯૩૭, આબરૂ- ૧૯૪૩, સહારા- ૧૯૪૩ વગેરે) જ્ઞાન દત્ત (અછૂત- ૧૯૩૯, દિલરુબા-૧૯૫૦, ગુલ એ બંકાવલી- ૧૯૫૫ વગેરે), બુલો સી રાની (જોગન-૧૯૫૦, સુનહરે દિન- ૧૯૫૦ વગેરે), ગુલામ હૈદર( ખજાનચી- ૧૯૪૧, ખાનદાન ૧૯૪૨, વગેરે), દત્તા નાયક/એન. દત્તા( મિલાપ _ ૧૯૫૫, હમ પંછી એક ડાલ કે- ૧૯૫૭, જાલ સાઝ-૧૯૫૯, વગેરે) અને હંસરાજ બહલ (રાત કી રાની- ૧૯૪૯, રાજધાની- ૧૯૫૬, સિકંદર એ આઝમ -૧૯૬૫ વગેરે) જેવા ક્ષમતાવાન પણ ઓછા સફળ હોય એવા સંગીતનિર્દેશકો સાથે પણ કામ કર્યું.

એન્થનીની સમગ્ર કાર્યપધ્ધતિથી સંગીતનિર્દેશકો અને ગાયકો તો ખુશ હતાં જ, સાથે સાથે એમની સ્વરલીપી લખવાની અનેરી પધ્ધતિ (Notations) થી વાદકો પણ સંતુષ્ટ રહેતા. દરેક વાદકને પોતાનું વાદ્ય ગીતના કયા તબક્કે વગાડવાનું છે અને કેટલા સમય માટે એનો સ્પષ્ટ ખ્યાલ એમનાં લખેલાં નોટેશન્સ વડે આવી રહેતો. એ જ રીતે એન્થની એમના ધ્વનિમુદ્રકોને પણ આવાં નોટેશન્સની નકલ આપતા, આને લીધે મુદ્રકને કયા તબક્કે કયા વાદ્યને ઉઠાવ આપવાનો છે એની ખબર અગાઉથી જ રહેતી. તે સમયે મોટા ભાગના સહાયક સંગીત નિર્દેશકો આમ કરતા નહોતા. નીચે એક છબીમાં એન્થની લતા મંગેશકર અને મન્નાડેના કંઠે ગવાઈ રહેલા ગીત માટે સંચાલન કરી રહેલા દેખાય છે. અન્ય છબીમાં માત્ર વાદકો સાથે એન્થની દ્રષ્ટીગોચર થાય છે.

વિશ્વવિખ્યાત ‘વોલ્ટ ડીઝની સ્ટુડીઓ’માં ક્લેર વીક્સ નામના એક ઍનિમેશન કલાકાર હતા. એમને ભારતીય કલાકારોને તે કળા શીખવવા માટે સને ૧૯૫૬માં ‘ફિલ્મ્સ ડીવીઝન ઑવ ઈન્ડીયા’ દ્વારા નિમંત્રવામાં આવ્યા. એ મૂળ ભારતીય ખ્રીસ્તી કુટુંબના હતા. એમના ભારતમાં રોકાણ દરમિયાન વીક્સ એન્થનીના સંપર્કમાં આવ્યા. વીક્સે તત્કાલિન સરકારમાં સૂચન કર્યું કે એન્થની જેવા હોનહાર કલાકારનો લાભ વધુમાં વધુ રસિકોને મળે એ માટે સરકારે ઠેકાણે ઠેકાણે એમના કાર્યક્રમો યોજવા જોઈએ. પણ તે સમયે કેન્દ્રીય માહિતિ અને પ્રસારણ મંત્રી તરીકે બાલકૃષ્ણ કેસકર નામના એક પ્રખર રાષ્ટ્રવાદી હતા. એમના ધ્યાને આ સૂચન લાવવામાં આવ્યું એવું જ એમણે એ ઠૂકરાવી દીધું. એમનો તર્ક સીધો હતો. – એન્થની ખ્રીસ્તી હતા. એક વિધર્મીએ જેની ભલામણ કરી એ વિધર્મી વળી હિંદુસ્તાનીઓને શું સંગીત શીખવાડવાનો હતો! એક વધારાની માહિતી…. આ એ જ મહાનુભાવ હતા, જેમણે રેડીઓ ઉપર ફિલ્મી ગીતો અને એક ‘વિદેશી’ વાદ્ય હાર્મોનીયમનું વાદન રજૂ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

સને ૧૯૬૫માં અમેરીકાની સાયરાક્યુસ યુનિવર્સીટી ઑવ મ્યુઝીકના ડીન એવા હાવર્ડ બોટરાઈટ ભારતીય સંગીતના અભ્યાસ માટે ભારત આવ્યા હતા. યોગાનુયોગ એમની મુલાકાત એન્થની સાથે થઈ. એમણે એન્થનીને પોતાની યુનિ.માં કામ કરવા માટે નિમંત્રણ આપ્યું. એન્થનીએ ત્વરીત નિર્ણય લઈને એ નિમંત્રણ સ્વીકારી લીધું. બે વરસ સાયરાક્યુઝ યુનિ.માં કામ કર્યા પછી એ હોલીવૂડ ગયા અને ત્યાં બનતી શૈક્ષણિક ફિલ્મો માટે સંગીત તૈયાર કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે એ ભારત આવતા રહેતા પણ એમણે ક્યારેય હિંદી ફિલ્મી સંગીતની દુનિયામાં પાછા ફરવાનો વિચાર ન કર્યો. સને ૧૯૮૩માં એન્થની કાયમી ધોરણે ભારત પાછા ફરી ગયા અને વતન માજોરડામાં નિવૃત્તી ગાળવા લાગ્યા. તે સમયના એક સંગીતનિર્દેશકે એમને પોતાની સાથે જોડાવા વિનંતી કરી, પણ એન્થનીને બદલાઈ ચૂકેલા માહોલમાં કામ કરવાનું સ્વીકાર્ય નહીં હોય એથી એમણે એ દરખાસ્ત ઉપર ધ્યાન ન આપ્યું.

એ તો જાણીતી વાત છે કે સહાયક સંગીતકારો, એરેન્જર્સ કે વાદકો વિશે ઓછા લોકો જાણતા હોય છે. ફિલ્મની યશયાદીમાં પણ સહાયક સંગીતકારનું નામ અલપઝલપ નજરે પડે છે. પણ, એન્થનીનું નામ તો અચાનક ખુબ જ જાણીતું થઈ ગયું અને એ પણ જ્યારે એ ફિલ્મી સંગીતની દુનિયાથી અલિપ્ત થઈને બેઠા હતા ત્યારે! ફિલ્મ ‘અમર અકબર એન્થની’(૧૯૭૭)ના સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલ એન્થનીને સારી રીતે જાણતા હતા. એમાં પણ પ્યારેલાલ તો પોતાની નાની ઉમરે એમની પાસે સંગીતના પાઠો પણ ભણ્યા હતા અને એન્થની માટે અહોભાવ ધરાવતા હતા. એ ફિલ્મનું એક હળવા મિજાજનું ગીત લખી રહેલા આનંદ બક્ષીએ મુખડા માટે ‘માય નેઈમ ઈઝ એન્થની ફર્નાન્ડીઝ’ શબ્દો લખ્યા. પ્યારેલાલે એમાં ફેરફાર કરી, ફર્નાન્ડીઝની જગ્યાએ ગોન્સાલ્વીસ લખવા સૂચવ્યું. સાવ સાધારણ કક્ષાનું એ ગીત અપેક્ષાથી પણ વધુ લોકપ્રિય થઈ ગયું. એ સાથે એન્થની ગોન્સાલ્વીસનું નામ પણ રાતોરાત જાણીતા થઈ ગયું.
પોતાની હિન્દી ફિલ્મીસંગીત સાથેની કારકીર્દિનાં વીશ વર્ષ દરમિયાન એન્થનીએ હજારેક ગીતોની ગૂંથણીમાં ફાળો આપ્યો હોવાનો અંદાજ છે. સને ૨૦૧૨ના જાન્યુઆરી મહીનાની અઢારમી તારીખે ૮૫ વરસના આ હોનહાર સંગીતકારે કાયમી વિદાય લીધી.


નોંધ……

    1. આ કડીની લિંક્સ તેમ જ ક્લીપ્સમાંનાં ગીતોને ઈયરફોનની મદદથી સાંભળવા માટે ખાસ આગ્રહ છે.
    1. તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.
    1. વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

મૂલ્યવર્ધન: બીરેન કોઠારી


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.