ભગવાન થાવરાણી
શીન કાફ નિઝામ નામ એ લોકોને વિચિત્ર લાગશે જે ઉર્દૂ વર્ણમાળાથી વાકેફ નથી. સીધી ભાષામાં કહીએ તો એમનું નામ શિવ કિશન છે અને તખલ્લુસ નિઝામ. હિંદીમા એ ટૂંકમાં શિ . કિ . નિઝામ કહેવાય અને ઉર્દૂમાં શીન કાફ નિઝામ !
જોધપૂરના જે વિસ્તારમાં એ રહેતા એનું નામ પણ એમના નામ જેવું દિલચસ્પ હતું. કબૂતરોનો ચોક ! હું એમને વર્ષો પહેલાં એમના એ સરનામે મળેલો. જેટલા ઉમદા કવિ એટલા જ ખાનદાન ઈંસાન ! એમના વિચાર જૂઓ :
તૂ અકેલા હૈ બંધ હૈ કમરા
અબ તો ચેહરા ઉતાર કર રખ દે
એમની એક ગઝલ મને સાંગોપાંગ ગમે છે. એ ગઝલનો મત્લો છે :
વો ગુનગુનાતે રાસ્તે ખ્વાબોં કે ક્યા હુએ
વીરાન ક્યૂં હૈં બસ્તિયાં બાશિંદે ક્યા હુએ
આ સમગ્ર લાંબી ગઝલમાં કશુંક ખોવાઈ ગયાની પીડા દરેક શેરમાં છે. કોઈકમાં અમુક લોકો ખોવાઈ ગયાનો શોક છે તો ક્યાંક કેટલીક ઘટનાઓ અને જગ્યાઓ વિલીન થઈ ગયાનો વિલાપ ! જે છે એ તો ઠીક છે પણ જે નથી એ કેમ નથી ? ક્યાં ગયું એ ? એને કોણ છીનવી ગયું આપણી પાસેથી અને શા માટે ? ગઝલનો દરેક શેર આવા પ્રશ્નો પૂછે છે, પણ આ શેર સૌથી વધુ ધારદાર છે :
ઊંચી ઈમારતેં તો બડી શાનદાર હૈં
લેકિન યહાં તો રૈન-બસેરે થે – ક્યા હુએ..
એક તરફ ઊંચી ઈમારતો જોઈ ‘ વિકાસ ‘ નો આનંદ અનુભવીએ (એને વિષાદ-મય આનંદ કહીએ !) પણ તુરંત પ્રશ્ન થાય કે અહીં તો રેન-બસેરા (રાત ગાળવા માટેનું આશ્રય સ્થાન, સરાય, ધરમશાળા) હતી એનું શું થયું ? એને પાડી નાખી ? જો હા, તો હવે થાકેલા-હારેલા મુસાફરોનું શું થશે ? એ લોકો કાળી રાત ક્યાં પસાર કરશે ?
કેટલાય સવાલો સ્વયંસિદ્ધ હોય છે અને એના જવાબો એ સવાલોમાં જ નિહિત હોય છે..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.