અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ટેમ્પા ડાઉન ટાઉન, ક્લિઅર વોટર બીચ અને તર્પણ સ્પ્રીન્ગ્સ

દર્શા કિકાણી

૧૨/૦૬/૨૦૧૭

સવાર બહુ સુંદર હતી. થોડું વાદળિયું વાતાવરણ હતું. વરંડામાં ખુરશી પર, બારના પ્લેટફોર્મ પર અને નાનાંનાનાં પાંદડાં અને ફૂલો પર સરસ ઝાકળ બાઝેલી હતી. કોફીનો મોટો કપ લઈ અડધો કલાક વરંડામાં જ બેસી રહ્યાં. નાહી-ધોઈ તૈયાર થઈ ગયાં પણ જવાનું મન થતું ન હતું. પાર્થિવ વહેલાં જ એમના કોલ માટે નીકળી ગયા હતા. શ્રુતિએ હીરને પણ તૈયાર કરી દીધી હતી. આજે સોમવારે એણે પણ સ્કૂલે જવાનું હતું.

ગરમાગરમ બટાકાપૌંઆનો નાસ્તો કરી અમે હીરને મૂકવા તેના પ્લેસેન્ટર પર ગયાં. ૬ મહિનાના બાળકથી માંડી ૬ વર્ષના બાળકને આ પ્લેસેન્ટરમાં રાખતાં હતાં. ખાવાપીવાની અને રમવાની સરસ સગવડ કરી હતી. સાથે થોડું ભણાવે, નૃત્ય કરાવે, ગીતો ગવડાવે. બાળકોને ગમે તેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે. એક વર્ષથી નાના બાળક માટે તો એક બાળક દીઠ એક નર્સ હોય. ઓમ પણ પંદર દિવસમાં આ પ્લેસેન્ટરમાં આવવનો હતો. આંખો ઠરે તેવી સરસ વ્યવસ્થા હતી.વાતવાતમાં જાણવા મળ્યું કે અહીં જો બાળક પોતાના ગામમાં જ ભણે તો પ્રાથમિક શિક્ષણ નિશુલ્ક હોય છે. પણ બાળકને બીજા ગામની શાળામાં મૂકો તો બહુ ફી ભરવી પડે.વળી આગળનું કે ઉચ્ચ ભણતર પણ મોઘું હોય છે. એશિયન મા-બાપો બાળકના શિક્ષણ માટે જાગૃત હોય છે અને તેમને ભણાવવાની ખૂબ કાળજી લે છે.

હીર પ્લેસેન્ટરમાં ગઈ એ પહેલાં જ શ્રુતિએ એને કહી દીધું હતું કે દાદા-દાદી આજે નીકળી જવાનાં છે. જો કે સાંજે શ્રુતિ તેને લેવાં ગઈ ત્યારથી જ તેણે ફરિયાદ કરવાનું શરુ કરી દીધું હતું : સવારે તો બધાં મૂકવા આવ્યાં હતાં તો મને લેવાં કેમ એકલાં આવ્યાં ? ઘરે પહોંચીને બધાં રૂમોમાં અમને શોધી આવી. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે અમે જતાં રહ્યાં છીએ ત્યારે ખુબ નિરાશ થઈ ગઈ.

હીરને પ્લેસેન્ટરમાં મૂકી શ્રુતિ અમને નક્કી કરેલ સ્થળે મૂકવા આવી. દીપ્તિ અને ઓમ પણ સાથે જ હતાં. વંદના અને શ્રુતિએ ફોનથી વાત કરી ટેમ્પામાં મળવાની જગ્યા નક્કી કરી હતી એટલે અમે સહેલાઈથી વંદના અને જનકને શોધી કાઢ્યાં. વંદના સી.એન.માં મારાથી એક વર્ષ આગળ હતી અને જનક આઈ.આઈ.ટી.ના રાજેશના મિત્ર. એમના અતિઆગ્રહને વશ થઈને અમે એક દિવસ તેમની સાથે ગાળવાના હતાં. વંદનાનો સ્વભાવ એકદમ મિલનસાર. વળી જનકભાઈના બિઝનેસનું માર્કેટિંગ તે જ સંભાળતી એટલે વાતો કરવાની બહુ મઝા આવે. શ્રુતિ અને દીપ્તિ પણ તેમને મળીને બહુ ખુશ થઈ ગયાં.

અમારો સામાન વંદના અને જનકની ગાડીમાં મૂકી દીધો. વંદનાએ જાહેર કરી દીધું કે સમય ઓછો છે અને બતાવવાનું ઘણું છે એટલે આપણે અહીંથી સીધાં જ બીચ પર જઈશું! રસ્તામાં એમણે અમને ટેમ્પા શહેરનો ગીચ વિસ્તાર (Down Town)  બતાવ્યો. કોઈ પણ શહેરના Down Town જેવો, ખાસ કંઈ નવીન નહીં, એટલે ગાડીમાં જ ફરી ને અમે આગળ નીકળ્યાં.રસ્તામાં એક મેક્સિકન રેસ્ટોરાં ટાકો બેલ આગળ ગાડી ઊભી રાખી અમારે ખવાય તેવું વેજીટેરીયન ખાવાનું લઈ લીધું.

કલાકની ડ્રાઈવ કરી અમે ક્લિઅર-વોટર બીચ પહોંચ્યાં.બહુ લોકપ્રિય જગ્યા હોય તેવું લાગતું હતું. મોટી મોટી હોટલો હતી અને મોટા મોટા પાર્કિંગ પ્લોટ્સ હતા. આટલી બધી સગવડો છતાં ગાડી મૂકવા માટે જગ્યા શોધતાં અમને સારી એવી વાર લાગી. ગાડી પાર્ક કરી અમે બીચ પર આવ્યાં. સફેદ પાવડર જેવી લીસ્સી રેતી હતી. માઈલો-ના-માઈલો ચાલ્યાં જ કરો તેવું મન થાય! એક મોટી છત્રી અને બેસવા માટે ચાર ખુરશીઓ ભાડે લીધી. ખાસ્સાં એવાં માણસો હતાં. પવન ઘણો હતો. લીલું પાણી બહુ સરસ હતું, નામ પ્રમાણે એકદમ ક્લિઅર-ચોખ્ખું.પાણીમાં પગ બોળી આવ્યાં. એક બાજુ એડવેન્ચર ગેમ્સ, પાણીની સાહસની રમતો માટે ખાસ જગ્યા હતી. આકાશમાં મોટાં મોટાં પક્ષીઓ ઉડતાં હતાં. વાદળાં ઘેરાયેલાં હતાં. આખો માહોલ બહુ મનોરમ્ય હતો. કલાક તો ક્યાં ગયો ખબર પણ ના પડી!

ક્લિઅર-વોટર બીચથી નીકળી અમે નજીકનાં એક તટવર્તીય ગામ-સમુદ્ર કિનારાના  ગામ તર્પણ સ્પ્રીન્ગ્સ ગયાં. અમે થોડાં મોડાં હતાં એટલે સમુદ્રની રમતોમાં ભાગ લઈ શક્યા નહીં. વ્હેલ-વોચિંગ માટેનો સમય પણ પતી ગયો હતો. કિનારે ઊભા રહી દરિયો જોયો. અને કોસ્ટલ રસ્તા પર ચાલવાની બહુ મઝા આવી. નાનીનાની અનેક દુકાનો અને રેસ્ટોરાં હતી. દુનિયાભરના મુસાફરો અહીં આવતાં હોય એટલે દુકાનમાં જાતજાતની રસપ્રદ વસ્તુઓ જેવી કે કપડાં,છીપલાંની વસ્તુઓ, ખોટા દાગીના, ચિત્રો વગેરે મળે. એક દુકાનમાં જઈ નાનીનાની વસ્તુઓની થોડી ખરીદી કરી. એક રેસ્ટોરામાં જઈ કૉફી પીધી.

સમુદ્ર કિનારાનું  ગામ છોડી  અમે હવે વંદના-જનકને ઘરે આવ્યાં. તેમના ઘરથી લગભગ ૨ માઈલ સુધી ગ્રીન પ્રીસર્વ હતું, એટલે તે વિસ્તારમાં  માત્ર જંગલ! કોઈ વસાહત નહીં! સરસ ઘર હતું. બહુ ટેસ્ટફુલ્લી શણગાર્યું હતું.અહીં મોટાભાગના ઘરોમાં હોય છે તેમ ઘરની  પાછળના ભાગમાં મોટો વરંડા, સરસ સ્વિમિંગ પુલ અને સ્પા પણ હતાં. વંદનાએ જમવાનું ટેબલ ખુલ્લા વરંડામાં રાખ્યું છે.બેડરૂમમાં સામાન મૂકી અમે વરંડામાં આવી ગયાં. વંદનાએ અમને મળવા ગામમાંથી ગુજરાતી મિત્રોને બોલાવ્યાં છે. રસોડામાં જઈને જોયું તો મોટા ડીનરની તેણે તૈયારી કરી હતી. થોડોક નાસ્તો કરી બેઠાં ત્યાં એક પછી એક મિત્રો આવતાં ગયાં. બહુ સરસ જમણની સાથે મિત્રોની વાતો અને જૂની ઓળખાણો તાજી થતી ગઈ. ત્યાંથી જ વડોદરા ફોન કરી હાજર રહેલ મિત્રોના સગાં-વહાલાંઓને સરપ્રાઈસ આપી. સમય ખરેખર ઓછો પડતો હતો! મોડેથી મહેમાનો ઘેર ગયાં પછી અમે વાતોએ ચડ્યાં. અમદાવાદની, આઈ.આઈ.ટી.ની વાતો ખલાસ જ થતી ન હતી. એક વાગે સૂઈ ગયાં કારણ કે સવારની ફ્લાઈટ પકડવાની હતી.


ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ટેમ્પા ડાઉન ટાઉન, ક્લિઅર વોટર બીચ અને તર્પણ સ્પ્રીન્ગ્સ

  1. Clear water beach is beautiful. Warm water and sandy beach are perfect for fun and relaxation. Nice writing about visiting Florida beaches, small towns and way of life👍.

Leave a Reply

Your email address will not be published.