ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૩૪

ચિરાગ પટેલ

उ.१०.१.१ (१२५३) अक्रान्त्समुद्रः प्रथमे विधर्मन् जनयन्प्रजा भुवनस्य गोपाः। वृषा पवित्रे अधि सानो अव्ये बृहत्सोमो वावृधे स्वानो अद्रिः॥ (पराशर शाक्त्य)

उ.१०.१.३ (१२५५) महत्तत्सोमो महिषश्चकारापां यद्गर्भोऽवृणीत देवान्। अदधादिन्द्रे पवमान ओजोऽजनयत्सूर्ये ज्योतिरिन्दुः॥ (पराशर शाक्त्य)

જળની વૃષ્ટિ કરનાર, સર્વરક્ષક દિવ્ય સોમ, વિશાળ આકાશમાં, સૌથી પહેલાં પ્રજાઓની ઉત્પત્તિ કરી શ્રેષ્ઠ મહત્વને પ્રાપ્ત થયા. તે પ્રમાણે પૃથ્વીની ઉપર સ્થાપિત પ્રાકૃતિક શોધક દ્વારા પ્રવેશ કરી વૃદ્ધિ પામે છે.

જળના ગર્ભરૂપ આ સોમ, દેવતાઓના સેવા અર્થે નિયુક્ત છે. સંસ્કારિત બનેલા સોમે ઇંદ્રમાં બળ ભર્યું અને સૂર્યમાં તેજ સ્થાપ્યું.

જળનું બંધારણ હાઈડ્રોજન અને ઓક્સિજનના સંયોજનની થાય છે. એમ પણ કહી શકાય, ફોટોનરૂપી બાહ્ય ઉર્જા જળના અણુને જન્માવે છે. એટલે, સોમ ઑક્સીજન હોય કે ફોટોન, બંને પ્રકારે જળની વૃષ્ટિ કરનાર કે જળના ગર્ભરૂપ તરીકેની ઉપમાઓ યોગ્ય ઠરે છે. આધુનિક વિજ્ઞાનની સહાયથી આપણે જીવન માટે જળ અને ઓક્સિજનનું મહત્વ સુપેરે સમજીએ છીએ. એટલે, ઋષિ સોમને પ્રજાઓની ઉત્પત્તિ માટે કારણરૂપ બતાવે છે એ કેટલું મોટું અવલોકન ગણાય!

ઑક્સીજન કે ફોટોનરૂપી સોમ જે પ્રાણ છે તે વતાવરણમાંથી નીચે આવે એ જાણે એક મોટી ગળણીમાંથી ગળાઈને આવતો હોય એમ લાગે છે. એ અવલોકન પણ કોઈ કવિ સમાન વૈજ્ઞાનિક જ કરી શકે.

શરીરમાં રહેલાં વિવિધ ઇન્દ્રિયોરુપી દેવોને પ્રાણરૂપી સોમ બળ આપે છે એ પણ આધુનિક વિજ્ઞાન જાણે છે.

उ.१०.१.१० (१२६२) एष दिवं वि धावति तिरो रजांसि धारया। पवमानः कनिक्रदत्॥ (शुनःशेप आजीगर्ति/कृत्रिम देवरात वैश्वामित्र)

શુદ્ધ થઈ ધ્વનિ કરતાં ધારાથી પ્રગટેલ સોમ શત્રુલોકોને જીતી યજ્ઞના પ્રભાવથી ફરી ઊર્ધ્વગતિ મેળવે છે.

અહીં ઋષિ સોમના શત્રુઓનો ઉલ્લેખ કરે છે. આ શત્રુઓ કોણ હોઇ શકે? વળી, યજ્ઞના પ્રભાવથી સોમ ફરી ઊર્ધ્વગતિ મેળવી વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં ઑક્સીજન બીજાં અનેક તત્વો સાથે પ્રતિક્રિયા કરી પોતાનું શુદ્ધત્વ ગુમાવે છે. એ ધરતીમાં ભળીને કે વનસ્પતિ દ્વારા સંચયિત થાય છે. જ્યારે આવી વનસ્પતિ કે લાકડું કે ઘી કે સોમવલ્લીનો રસ યજ્ઞમાં હોમાય ત્યારે ઑક્સીજન પણ અમુક માત્રામાં છૂટો પડતો હોય છે અને જે પાછો વાય સ્વરૂપે વાતાવરણમાં ભળી જાય છે. જો સોમને ફોટોન માનીને ચાલીએ તો પણ ઉપરના અવલોકનનો ક્રમ આપણે સમજાવી શકીએ છીએ.

उ.१०.१.१३ (१२६५) एष उ स्य पुरुव्रतो जज्ञानो जनयन्निषः। धारया पवते सुतः॥ (शुनःशेप आजीगर्ति/कृत्रिम देवरात वैश्वामित्र)

વિશિષ્ટ કાર્યક્ષમતાનો સર્જક અને પોષક આહાર ઉત્પન્ન કરનાર આ સોમ પોતાના રસ પ્રવાહથી સ્વાભાવિકરૂપે જ શુદ્ધ બની જાય છે.

સોમ એટલે કે પ્રાણ અથવા ફોટોન. આપણે જે આહાર અન્નરૂપે લઈએ છીએ એમ પોષણ ઉમેરનાર પ્રાણ અર્થાત ઑક્સીજન છે. અથવા એ ફોટોન છે જે પ્રકાશસંશ્લેષણ દ્વારા વનસ્પતિમાં ખોરાક ઉત્પન્ન કરે છે અને અન્ય પ્રાણીઓ એ ગ્રહણ કરે છે. વળી, સોમનો પ્રવાહ જ એનું શુદ્ધિકરણ છે. પ્રવાહને લીધે એમાં કોઈ અશુદ્ધિ ભળી ના શકે.

उ.१०.३.४ (१२७७) एष स्य मद्यो रसोऽव चष्टे दिवः शिशुः। य इन्दुर्वारमाविशत्॥ (रहूगण आङ्गिरस)

દ્યુલોકમાં પ્રગટેલો આ આનંદવર્ધક સોમ બધાંને જોતો ગળણીથી શુદ્ધ થાય છે.

આ શ્લોકમાં ઋષિ સોમને દ્યુલોકમાં પ્રગટેલો કહે છે. આ ઉપમાને એક ગુણધર્મ તરીકે લઈએ તો એવું માની શકાય કે સોમ અર્થાત પ્રાણ અથવા ફોટોન વાતાવરણમાં હોય છે; અને એ સમગ્ર પૃથ્વીને આવરી લે છે. એટલે બધાંને જોનાર ઋષિ કહે છે એ પણ યથાયોગ્ય જણાય છે.

શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com


Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.