મંજૂષા – ૪૫. યંત્રો યંત્રો છે, માનવ નથી

વીનેશ અંતાણી

કાર્લ માર્કેસે કહ્યું હતું, “ઘણીબધી ઉપયોગી ચીજ-વસ્તુઓનું ઉત્પાદન ઘણાબધા બિનઉપયોગી લોકોનું ઉત્પાદન કરે છે.” આ વાત યંત્રવાદ અને આધુનિક સમયમાં ટેક્નોલોજીના વિકાસના ફાટી નીકળેલા રાફડાના સંદર્ભમાં વિચારવા જેવી છે. માણસે કરવાની બધી જ મહેનતમજૂરીનું કામ હવે વિવિધ યંત્રો કરે છે, માણસને વિચારવાની પણ જરૂર પડે નહીં એવી સગવડો કમ્પ્યૂટરયુગમાં ઊભી થઈ છે.

અમેરિકન લેખક ડૅવ બૅરીએ એમના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘યુ કેન ડેટ બોયઝ વ્હેન યુ આર ફોર્ટી’માં એક પ્રસંગ નોંધ્યો છે: “મારી દીકરી ગણિતનું હોમવર્ક કરતી હતી. એણે કેલક્યુલેટરની મદદ વિના લાંબા ભાગાકાર કરવાના હતા. એણે મારી મદદ માગી. ૧૯૬૩ના વરસની આસપાસ હું અઘરામાં અઘરા ભાગાકાર સહેલાઈથી કરી શકતો. હું માનતો હતો કે એ બધું હજી પણ મારા મગજમાં સચવાઈ રહ્યું છે.” પોતાની સ્મૃતિ પર મુસ્તાક પિતા દીકરીને સહાય કરવા બેસે છે, પરંતુ અધવચ્ચે અટકી જાય છે. એને સમજાય છે કે વચ્ચેનાં વરસોમાં એમણે પોતાનું મગજ વાપરીને ગણતરી કરવાનું બંધ કરી દીધું છે. જુદાં જુદાં સાધનો જ એમના વતી એ કામ કરતાં હતાં. થોડી વાર સુધી પિતાને મથતો જોયા પછી દીકરીએ કહ્યું, “તમે ટીવી જુઓ, હું મેનેજ કરી લઈશ,” ને એણે દાખલાનું હોમવર્ક પૂરું કરી લીધું. કેવી રીતે કર્યું? ‘કદાચ ઈન્ટનેટની સહાયથી.’

ડૅવ બૅરી કહે છે: “આપણે હાસ્યસ્પદ રીતે સુવિધાના સમયમાં જીવી રહ્યા છીએ. વિચારો: તમારે કશાકની માહિતી જોઈએ છે, ગમે તે વિષયની, દિવસે કે રાતે, તમે ગમે ત્યાં હો, તમારા સ્માર્ટ ફોન પર આંગળી મૂકોને પળવારમાં સ્ક્રીન પર એનો જવાબ જાતે આવી જશે.” આ જાદુ જ છે, તમને અકલ્પનીય સુવિધા આપતો જાદુ. રસોડામાં માઈક્રોવેવ છે, તમારી કારનાં ગિઅર જાતે જ બદલાય છે, ઘરની બહારથી જ ઘરનાં મશીનો શરૂ કરવાની સગવડ ઊભી થઈ છે. જરૂર હોય છે માત્ર એક ચાંપ દાબવાની. એ માટે લોકોએ કશો શ્રમ કરવો પડતો નથી કે વિચારવું પણ પડતું નથી. લગભગ બધાં જ કામ આસાનીથી જાતે  થવા લાગ્યાં છે.

પણ આ બધી સગવડો આપી જનાર લોકોનો આપણે ક્યારેય વિચાર કરીએ છીએ ખરા? ભારતનો જ દાખલો લઈએ. આજે જમીનમાર્ગે વાહનવ્યવહારમાં આવેલી ઝડપ સડકોના વિકાસને કારણે શક્ય બની છે. કલાકના ૧૨૦ કિ.મિ.થી વધારે ઝડપથી જે સડકો પર મુસાફરી કરતા હોઈએ છીએ ત્યાં પહેલાં જંગલ હતાં, પહાડો હતા, ખડકો હતા. એક સમયે કેટલાય લોકોએ રાતદિવસ જોયા વિના એ જંગલ, એ પહાડો, એ ખડકોને સમથળ બનાવવા, નદીનાળાં પર પુલ બાંધવા માટે હદ બહારનો શારીરિક શ્રમ કર્યો હતો એ વાત ક્ષણવાર માટે પણ યાદ કરીએ તો આપણને મળતી સુખસગવડ પાછળ રેડાયેલા પસીનાની ગંધ  આવશે અને એની સરખામણી આપણે કરવા પડતા નજીવા શારીરિક શ્રમ સાથે થઈ જશે. ડેવ બૅરી શારીરિક શ્રમના સંદર્ભમાં કહે છે: “અમેરિકન લોકોએ ‘નેશનલ મેનહૂડ’ ગુમાવી દીધું છે. સમય આવી ગયો છે કે આપણે એ (શારીરિક શ્રમનું) ‘પુરુષપણું’ પાછું મેળવીએ. આપણા પૂર્વજો જે કામ જાતે કરતા હતા એમાંનાં કેટલાંક કામો આપણે પણ જાતે કરવાનો આરંભ કરવો જોઈએ.” આ વાત માત્ર અમેરિકનોને જ લાગુ પડતી નથી.

માણસ એ માણસ છે ને યંત્રો એ યંત્રો છે. આજે એવી પેઢી મોટી થઈ રહી છે, જેને ઈન્ટરનેટ કે સેલફોન નહોતાં ત્યારે દુનિયા કેવી હતી એની કલ્પના નથી. આપણા ઘરની ત્રીજી પેઢીનાં સંતાનોને જ્યારે કહીએ કે અમારા સમયમાં ટીવીબીવી કે કમ્પ્યૂટરબમ્પ્યૂટર જેવું કશું નહોતું ત્યારે એમના મોઢા પર જે ભાવ આવી જાય છે તે જોવા જેવો હોય છે, જાણે આપણે ગુફામાં રહેતા આદિમાનવો હોઈએ. તેઓ માનવા જ તૈયાર નથી હોતાં. આપણી પાસે શું હતું એની પણ એમને ક્યારેય સમજ પડવાની નથી. સંદેશાવ્યવહારમાં ક્રાંતિ આવી છે, પણ લોકો અરસપરસ વાતો કરવાનું ભૂલી ગયા છે. બધું જ તદ્દન બિન-અંગત બની ગયું છે. ટેકનોલોજીને લીધે દુનિયાને દૂર-દૂરના વિસ્તારો સાથે જોડતા પુલ બંધાયા છે, પણ આપણને પડોશી સાથે  જોડતો પુલ તૂટી ગયો છે.

મહાન ચિત્રકાર પાબ્લો પિકાસોએ કહ્યું છે: “કમ્પ્યૂટર નકામી વસ્તુ છે. એ તમને માત્ર જવાબો જ આપે છે.”  અહીં કમ્પ્યૂટર સમગ્ર ટેક્નોલોજીનું પ્રતીક છે. માણસના મનમાં પ્રશ્ર જન્મે નહીં તો માનવઅસ્તિત્વ, માનવમૂલ્યો, સંવેદનશીલતા, સંબંધો, સર્જનાત્મકતા, ફિલસૂફી, ધર્મ, સમાજજીવન, વ્યક્તિગત જીવન જેવાં સમગ્ર જીવનને આવરી લેતાં ક્ષેત્રોમાં કશું જ કામ થઈ શક્યું નહોત. આપણે આપણા અસ્તિત્વનો અર્થ જ શોધી શક્યા નહોત. જે ટેક્નોલોજીને કારણે આપણા જીવનમાં અપાર સુખસુવિધાઓ ઊભી થઈ છે એ શોધો પણ પહેલાં જન્મેલા પ્રશ્ર્નોના જવાબરૂપે જ માનવજાતને મળી છે. સહેલાઈથી જવાબો શોધી લેવાથી કશું ન વળે, પ્રશ્ર્નો ઊભા કરવાની મૌલિકતા પણ જોઈએ.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.