નિસબત : ક્ષય રોગનો ક્ષય થાય તે પહેલાં….

ચંદુ મહેરિયા

એક જમાનાનો રાજરોગ ગણાતો ક્ષય કે ટી.બી સરકારી દાવા મુજબ હવે ભારતમાંથી ઉચાળા ભરી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ૨૦૩૦ સુધીમાં દુનિયાને ટી.બી.મુક્ત કરવા સંકલ્પબધ્ધ છે પરંતુ ભારત સરકાર તેના પાંચ વરસ પહેલાં ,૨૦૨૫માં, દેશમાંથી ટી.બી.ને દેશવટો આપી દેવાની છે. દુનિયાની ત્રીજા ભાગની વસ્તી જે બીમારીનો ભોગ બનેલી છે અને વિશ્વના ૨૭ ટકા દર્દીઓ એકલા ભારતમાં છે તે ક્ષય રોગ આમ સામાન્ય ગણાતી પણ એક ઘાતક સંક્રામક બીમારી છે.

નેશનલ સ્ટેટિજિક પ્લાન ફોર ટી.બી.એલિમિનેશન, ૨૦૧૭-૨૫ પ્રમાણે દેશમાં રોજ ૧૪૦૦ અને વરસે ૪.૮ લાખ લોકોના મોત ટી.બી.ના કારણે થાય છે.. જોકે ભારત સરકારનું આરોગ્ય મંત્રાલય ૨૦૧૮માં ૭૯,૧૪૪ લોકોના જ મરણ થયાનું જણાવે છે. તે મુજબ પણ દેશમાં દર ત્રણ મહિને આશરે વીસ હજાર મોત થાય છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશનના ૨૦૧૯માં ૨૬.૯ લાખ ટી.બી.ના કેસોના અંદાજ સામે ભારતમાં ૨૪ લાખ કેસો નોંધાયા હતા. ૨૦૧૬માં ૨૭.૯ લાખ દર્દીઓ સાથે ભારત દુનિયાના ટી.બી.પ્રભાવિત દેશોમાં પ્રથમ સ્થાને હતો.

ગ્લોબલ ટ્યુબરક્લોસિસ  રિપોર્ટ ૨૦૨૦માં જણાવાયું છે કે ૨૦૧૫ થી ૨૦૧૯ દરમિયાન વિશ્વમાં ટી.બી.ના કેસોમાં  ૯ ટકા અને મોતમાં ૧૪ ટકાનો ઘટાડો થયો હતો. તેમ છતાં તેનો મુકાબલો એક પડકાર મનાય છે. ટી.બી. બેકેટેરિયાથી થતો રોગ છે. તેની સૌથી વધુ અસર ફેફસામાં થાય છે. ફેફસાંની બીમારી અને નબળી રોગ પ્રતિકારક શક્તિ કેટલી જોખમી છે તે કોરોના મહામારી દરમિયાન અનુભવાઈ ચૂક્યું છે. લાગલગાટ ત્રણ અઠવાડિયા સુધીની ઉધરસ, ગળફામાં લોહી, છાતીમાં દર્દ, શ્વાસ ચઢવો, વજન ઘટવું, થાક લાગવો, સાંજે તાવ આવવો, ઠંડી લાગવી તથા રાતે પરસેવો થવો તે ટી.બી.ના સામાન્ય લક્ષણો છે. ક્ષય, યક્ષ્મા, ટ્યુબરક્લોસિસ તરીકે જાણીતો આ રોગ દર્દીના ખાંસવાથી, થૂંકવાથી અને છીંક ખાવાથી હવા મારફત ફેલાય છે.

વિશ્વમાં માનવ મ્રુત્યુ માટેના દસ કારણોમાં એક કારણ ક્ષય રોગ છે. જોકે તેનો ઉપચાર શક્ય છે. ૨૪મી માર્ચ ૧૮૮૨ના રોજ જર્મન ડોકટર અને માઈક્રોબાયોલોજિસ્ટ ડો. રોબર્ટ કોચે ટી.બી.ના રોગના જીવાણુની શોધ કરી હતી. માનવજીવન માટે ભારે ઉપકારક એવી આ શોધ બદલ તેમને ૧૯૦૫માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.સો વરસ પછી તેમની સ્મ્રુતિમાં ૨૪મી માર્ચનો દિવસ વિશ્વ ટી.બી.દિવસ તરીકે જાહેર કરાયો હતો. ટી.બી.ના પ્રતિકાર માટે ૧૯૨૧માં પહેલીવાર બી.સી.જી.ની રસીનો ઉપયોગ શરૂ થયો. તેનાથી ટી.બી.ના પ્રતિકારપ્રયત્નોને મોટું બળ મળ્યું હતું. બી.સી.જી.ની રસીનું પણ આ શતાબ્દી વરસ છે. છાતીના એકસરે, ગળફાની તપાસ અને એન્ટીબાયોટિક દવાઓ સાથે રોગપ્રતિકારક શક્તિ વધારતા ખોરાકથી ટી.બી મટી શકે છે. ટી.બી સંક્રમિત દર્દી બીજા પંદર વ્યક્તિઓને ચેપ લગાડી શકે છે તેથી સાજા લોકોને ચેપથી બચાવવા અને દસેક ટકા એચઆઈવીગ્રસ્ત દર્દીનું ટી.બી પીડિત હોવું પણ મોટો પડકાર છે. ગુણવતાપૂર્ણ અને સમયસર નિદાન, અટકાવ, ઉપચાર અને દેખભાળની ન્યાયસંગત સુલભતા હજુ ટી.બીને નાથવામાં અવરોધ છે.

ઈ.સ.૧૯૯૩માં વિશ્વ આરોગ્ય સંસ્થા “હુ”એ  ક્ષય રોગને વિશ્વ આરોગ્ય માટે ઈમર્જન્સી ગણાવી હતી.૨૦૦૬માં સ્ટોપ ટી.બી. નામક વૈશ્વિક યોજના ઘડી હતી. તેનું લક્ષ ૧૪ લાખ જીવ બચાવવાનો હતો.પરંતુ  નિર્ધારિત લક્ષ પૂરું કરી શકાયું નહોતું. ભારતમાં ૧૯૬૨માં ‘રાષ્ટ્રીય ટી.બી.કાર્યક્રમ’નો આરંભ કરવામાં આવ્યો હતો. બીજીસી રસીકરણ અને જિલ્લા ક્ષય નિવારણ કેન્દ્રો ઉભા કરવા સાથે ૧૯૭૮માં રસીકરણને વ્યાપક કરવામાં આવ્યું. ૧૯૯૩માં ‘રાષ્ટ્રીય ટી.બી.નિયંત્રણ કાર્યક્રમ’ અને ૧૯૯૭થી ‘ડોટ્સ’ કાર્યક્રમથી ટી.બી.નો દ્રઢ મુકાબલો કરવાના પ્રયત્નો આદરવામાં આવ્યા. ડોટ્સ અર્થાત ડાયરેકટલી ઓબ્જર્વડ થેરેપી શોર્ટટર્મ કોર્સિસ હેઠળ સપ્તાહમાં ત્રણ દિવસ ટી.બી.ના દર્દીને દવા આપવામાં આવતી હતી. તે પછીના સમયમાં ટી.બી. નિયંત્રણ કાર્યક્રમની ગુણવતા સુધારી, સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો.ટી.બી. નિયંત્રણ કાર્યક્રમની સમયાંતરે સમીક્ષા કરી તેનું ‘રાષ્ટ્રીય ટી.બી નિર્મૂલન કાર્યક્રમ’માં પરિવર્તન કરી, ૨૦૧૭થી ૨૦૨૫ના વરસોને ક્ષય રોગ નાબૂદી વરસો  ગણી રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી છે. તે પ્રમાણે રોગની ઓળખ, ઉપચાર, અટકાવ અને નિર્માણ એ ચાર બાબતે રણનીતિ ઘડી ‘રાષ્ટ્રીય ક્ષય રોગ ઉન્મૂલન કાર્યક્રમ’ હાલમાં ચાલી રહ્યો છે આ કાર્યક્રમ દ્વારા સરકાર ૨૦૨૫ સુધીમાં દેશમાંથી ક્ષય રોગ નિર્મૂલન માટે પ્રતિબધ્ધ અને ક્રુત સંકલ્ય છે.

કેન્દ્રીય નાણા મંત્રીએ તેમના ગયા વરસના બજેટમાં “ ટી.બી. હારેગા ,દેશ જિતેગા” કાર્યક્રમની જાહેરાત કરી હતી. ટી.બી.ના રોગીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે માસિક રૂ.૫૦૦/-ની આર્થિક સહાય સરકાર કરે છે. સરકારે ૨૦૧૯ સુધીમાં રૂ.૮૮૬ કરોડની સહાય આપી છે. ટી.બી.ના વણઓળખાયેલા દર્દીઓને શોધી કાઢવા પર ખાસ ભાર મૂકવામાં આવે છે. ૨૦૧૮માં ૧૮ ટકા અને ૨૦૧૯માં ૧૨ ટકા વણઓળખાયેલા દર્દીઓમાં વધારો થયો છે. સરકાર સામે સૌથી મોટી સમસ્યા ખાનગી રાહે ટી.બી.ની દવા લેતા અને સરકારી ચોપડે નહીં નોંધાતા ટી.બી .દર્દીઓની છે. એટલે ૧૬મી માર્ચ ૨૦૧૮થી સરકારે ઠરાવ્યું છે કે ખાનગી તબીબો, દવાખાના અને મેડિકલ સ્ટોર તેમને ત્યાં દવા કે સારવાર લેતા ટી.બી.ના દર્દીની માહિતી છૂપાવી શકશે નહીં. તેમ છતાં તેઓ જો ટી.બી ના દર્દીઓની માહિતી સરકારને નહીં આપે તો ઈન્ડિયન પિનલ કોડની કલમો ૨૬૯અને ૨૭૦ મુજબ સજા અને દંડની કાર્યવાહી કરવામાં  આવશે. આ જોગવાઈ પછી ટી.બી.ના વણઓળખાતા કે સરકારી ચોપડે નહીં નોંધાતા પેશન્ટની સંખ્યા ઘટી છે જે ૨૦૨૫ સુધીમાં ભારતને સંપૂર્ણ ક્ષય મુક્ત કરવામાં ઉપયોગી છે.

દેશમાં ૪.૫ લાખથી વધુ ડોટ્સ સેન્ટર્સ, જિલ્લા કક્ષાયે ટી.બી.માટેના સારવાર કેન્દ્રો, સંસાધનોની પૂરતી જોગવાઈ  છતાં ૨૦૨૫ સુધીમાં ટી.બી.મુક્તિ શક્ય લાગતી નથી. કદાચ તે સરકારી કાગળોમાં થઈ જાય અને વાસ્તવમાં હયાત હોય તેમ પણ બનવાની શક્યતા છે. સ્વચ્છતાથી સાક્ષરતા સુધીની ઝૂંબેશોની જેમ ટી.બી.મુક્તિ પણ કાગળ પર સફળ થઈ જાય. તેમ બનવાજોગ છે. ટી.બી.ના પંચાણુ ટકા દર્દીઓનો ઈલાજ કર્યાનો સરકારનો દાવો છે. ટી.બી. નિર્મૂલન માટેના સરકારી ફંડમાં સરકાર વધારો કરે છે. ૨૦૧૬-૧૭માં રૂ.૬૪૦ કરોડ સામે ૨૦૧૯-૨૦માં રૂ. ૨૪૪૩ કરોડ સરકારે ટી.બી.નિર્મૂલન માટે ફાળવ્યા છે. પરંતુ ટી.બી.મુક્ત સામેના અવરોધો પણ પારવિનાના છે. દેશની સિત્તેર ટકા વસ્તી ખાનગી દવાખાનાઓ પર આધારિત હોય ત્યારે માત્ર સરકારી સારવારને કેન્દ્રમાં રાખી ટી.બી.નાબૂદીની રણનીતિ કારગર નીવડી શકે નહીં ટી.બી.ના રોગનો ઈલાજ મોંઘો છે. એંસી ટકા દર્દીઓ કમાણીનો  વીસ ટકા હિસ્સો સારવાર પાછળ ખર્ચે છે. ૨૦૧૯માં દેશમાં  ટી.બીના નવા દર્દીઓમાં સાઠ ટકા  ઈલાજ કરાવવા આર્થિક સક્ષમ નહોતા.

સામાન્ય ટી.બી અને હઠીલા ટી.બી. વચ્ચેનો ભેદ પારખવાની જરૂર છે. ટી.બી.ની ૬ મહિનાથી ૨ વરસ સુધી દવા કરાવવી પડે છે. ઘણા દર્દીઓ અમુક સમય સુધી દવા કરાવ્યા પછી છોડી દે છે અને ફરી ઉથલો મારે છે. ઘણા છૂપા દર્દીઓ સામાન્ય ટી.બી.ની દવા કરાવતા નથી અને પછી હઠીલા ટી.બી.નો ભોગ બને છે. વયસ્ક અને પુરુષોમાં આ રોગ વધુ જોવા મળે છે. દર વરસે ૩૦ટકા દર્દીઓને તેઓ ટી.બીગ્રસ્ત હોવાનો ખ્યાલ જ આવતો નથી. દવાઓ ઉપરાંત રોગ પ્રતિકાર ક્ષમતા વિકસિત કરવામાં સમય લાગે છે અને તે દરમિયાન દર્દીની હાલત વધુ ખરાબ થાય છે. ત્રીસ ટકાને તો રોગના લક્ષણોની ખબર જ હોતી નથી  અને ૬૦ ટકા ઈલાજ કરાવવા સક્ષમ હોતા નથી. આ  સ્થિતિમાં ટી.બી.ના રોગનું સંક્રમણ અને મ્રુત્યુ પ્રમાણ વધવાની શક્યતા છે.  ટી.બી.ના રોગની સામાજિક સ્વીક્રુતિનો અભાવ અને ટી.બી.ના રોગી હોવું તે સામાજિક નાલેશી ગણાવવા જેવા સામાજિક ખ્યાલો પણ મોટી સમસ્યા છે. એટલે સરકારી પ્રયત્નોમાં સામાજિક વાતવરણમાં બદલાવ પણ ટી.બી.ને નાથવા માટે જરૂરી છે. “હારેગા,જિતેગા” ના ઠાલા સૂત્રોથી ન કોરોના હારે છે કે ન ટી.બી.. તે સરકાર અને સમાજને જેટલું વહેલું સમજાય તેટલું સારું છે.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.