કવિ શ્રી વિવેક ટેલરની એક કવિતા (પ્રણયગીત)નું રસદર્શન.
નજર્યુંની વાગી ગઈ ફાંસ..
ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ
દલડાની પેટીમાં સાચવીને રાખેલા
ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.
છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.
ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
‘વાંહે આવ્યો તું’નો ઢોલ.
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.
–વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)
રસદર્શન
જાન્યુ. ૨૦૦૮માં લખાયેલું આ ગીત પહેલી વારમાં જ મનમાં વસી ગયું હતું. તે પછીની તરતની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકમાં વાંચ્યું હતું. આજે ફરી શોધીને ખાસ વાંચ્યું અને રસદર્શન કરવાનું મન થયું.
ગીતનો ઉપાડ જ કેવું મઝાનું મેળાનુ ચિત્ર મનમાં ઊભું કરે છે? બપોરનો સમય, મેળો, માનવમહેરામણ, કોઈની નજર અને શ્વાસનું અધ્ધર થવું.. પ્રથમ બે પંક્તિમાં તો ઘણું ઘણું કહી દીધું અને તે પણ એકદમ અસરકારક રૂપક અલંકાર પ્રયોજીને..!” નજરની અનુભૂતિની એ તીવ્રતાને “વાગી ગઈ ફાંસ” અને “પગલાંના અધ્ધર થ્યાં શ્વાસ” જેવા શબ્દ અને પ્રાસ યોજીને જાણે વાચકની જિજ્ઞાસાને અધ્ધર કરી દીધી! આ શરુઆતની પંક્તિમાં જ આટઆટલું ભરી દેનાર કવિનું કવિકર્મ ઝળકી ઊઠે છે.
પહેલા અંતરામાં, તળપદી લોક-બોલીમાં ગામડાની એક ભોળી મુગ્ધાનું વરવું વર્ણન મન હરી લે છે. પહેલવહેલો પ્રેમ અનુભવતી નાદાન છોકરીનું હૈયું કંઈક નવા અને જુદા ધબકારા સાંભળવા માંડે છે. ક્યાંય સીધી વાત નથી છતાં “કશુંક તો ચોરાઈ ગયું છે” ની લાગણી પછી મંથન તો જુઓ?” “ચોરીનું કોને દઉં આળ?”આ ચોરી હકીકતે તો ગમી ગઈ છે ને? ને તે પછી તો કવિએ વિષયને અનુરુપ છોકરીના હાવભાવનું પહેલી પહેલી વાર થતી અંગભંગીનું વર્ણન કરી, જરી શૃંગાર રસની છાલક પણ “અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.”દ્વારા રંગભીની કરી છે. એક અંગડાઈ લેતી છોકરીનું ચિત્ર ઉભું થાય છે.
તે પછી બીજા અંતરામાં કવિતાનો, એના વિષયનો ક્રમિક વિકાસ પણ યથોચિત છે. કાચી કુંવારી એ વયમાં સૌથી પહેલી વાત સહિયરને કહેવાનું મન થાય એ રીતે “છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં” કહીને કેવી ફરિયાદ કરે છે કે અહીં મારા ધબકારા વધી ગયા છે પણ જાણે એ સંભળાય છે મેળાના લોકને! કાવ્યની નાયિકાના દિલની અદ્ભૂત હિલચાલ ખૂબ જ સાહજિકતાથી અહીં ગૂંથાઈ ગઈ છે. અત્યંત ઋજુતાથી પોતાના ગાલની લાલાશનુ કારણ પણ મીઠી રીસથી તડકાને સોંપી દઈ,મનમાં મલકતી અને શરમાતી છોકરી આપણી નજર સામે છતી થાય છે. “મેળો બનીને રેલાતી મેળામાં”એ શબ્દથી, માધુર્ય અને લયની સાથે મન-નર્તન સહજ પણે ઉભરે છે.
નખશીખ સુંદર લયબધ્ધ આ ગીત માનસપટ પર અમીટ છાપ મૂકી જાય છે. જેટલી વાર વંચાય એટલી વાર આ ગીત તાજું તાજું જ લાગે. કવિ શ્રી વિવેક ટેલરને ખૂબ ખૂબ અભિનંદન. સાહિત્ય જગતને આવા જ ગીતો અમરતા બક્ષે એમાં કોઈ શંકા નથી.
દેવિકા ધ્રુવ
સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની વ્યંગ્ય કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
સુંદર કાવ્ય અને તેનું સુંદર વર્ણન . ડો. વિવેક ટેલર વ્યવસાયે ડોક્ટર કાર્ડીલોજિસ્ટ છે અને www .laystaro .com નું સુંદર સંચાલન કરે છે. આભાર.