લુત્ફ-એ-શેર : મણકો # ૪૬

ભગવાન થાવરાણી

ઉર્દૂ ભાષાનું કવિતા-વિશ્વ એટલું સમૃદ્ધ છે કે નિદા ફાઝલી કક્ષાના શાયરને છેક હવે લેવા પડે છે ! અલબત્ત આ શ્રુંખલામાં લેવાયેલા શાયરોના ક્રમને એમની ગુણવત્તા જોડે કોઈ નિસબત નથી. નિદા સાહેબ અને એમના જેવા અન્ય શાયરોના કિસ્સામાં મૂંઝવણ એ કે કહેવત સમાન બની ચુકેલા એમના અનેક શેરોમાંથી માત્ર એક જ મિમાંસા માટે પસંદ કરવો બહુ અઘરો પડે !

નિદા સાહેબનો એક જગ-પ્રસિદ્ધ શેર :
ઘર સે મસ્જિદ હૈ બહુત દૂર ચલો યૂં કર લેં
કિસી  રોતે  હુએ  બચ્ચે  કો  હંસાયા  જાએ
અને આ પણ :
હર આદમી મેં હોતે હૈં દસ-બીસ આદમી
જિસકો ભી દેખના હો કઈ બાર દેખના ..
મારી પસંદગીની એમની એક ગઝલ તો પૂરી મુરસ્સા છે. ગઝલનો પ્રત્યેક શેર જીવનની એક-એક કડવી હકીકત પેશ કરે છે. એ ગઝલનો મત્લો :
સફર મેં ધૂપ તો હોગી જો ચલ સકો તો ચલો
સભી હૈં ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો
પણ હવે અન્ય શેરોના પ્રલોભનો ખાળી મૂળ શેર પર આવીએ :
મૈદાં કી હાર-જીત તો કિસ્મત કી બાત હૈ
ટૂટી હૈ જિસકે હાથ મેં તલવાર દેખના ..
 
યુદ્ધ – લડાઈમાં તો દેખીતું છે કે એક હારશે અને બીજો જીતશે. જો તમે દર્શક છો, તટસ્થ છો એટલે કે કોઈના પક્ષમાં નથી તો વિજેતા કોણ એ નિર્ણય લેવા માટે ધ્યાનથી એ જૂઓ કે બન્નેમાંથી અેવું કોણ જેના હાથમાંની તલવાર લડતાં-લડતાં તૂટી ગઈ પણ એણે મચક ન આપી ! સ્થૂળ અર્થમાં જીત્યું કોઈ પણ હોય, અસલી યોદ્ધો એ છે જેના હાથમાં તૂટેલી તલવાર છે ! એને સલામ ! તમારા મનમાં એને વિજેતા ઘોષિત કરો !

શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

4 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો # ૪૬

  1. નિદા ફાજલી સાહેબ ના શેર કે ગીતો સાંભળતા હ્ર્દય સોંસરવા ઉતરી જાય તેવી વાતો હોય , મારા પ્રિય શાયર એ કારણે કે મારા ફેવરિટ જગજીત સિંહ તેના ગઝલ ગીતો ને બખૂબી અસરકારક રજૂ કરતા.. આપે જે વાત કરી તે શેર પણ ખુમારી ની વાત કરે છે , સાચો લડવેયો એજ ખરા અર્થ માં છે…..

Leave a Reply

Your email address will not be published.