જગત કીનખાબવાલા
સમડી એક વ્યાપક પ્રમાણમાં આકાશમાં ઉડતું જોવા મળતું શિકારી પક્ષી છે. તે તકવાદી પક્ષી ગણાય છે. શિકાર ને શોધવા માટે હવામાં ચબરાક રીતે સતત ઊંચે ઉષ્ણતાના ગરમ પવન ઉપર ઝોલા ખાતું ઉડતું હોય છે અને તેની આંખો સતત ખાવાનું શોધતી હોય છે. નિરંતર રીતે જાણે કે ચિંતનશીલ અવસ્થામાં ઉડે છે.આનંદકારક રીતે ઉડતું જુવોતો લગભગ કાળું દેખાય પણ તે ઘેરા ચોકલેટી કથ્થઇ રંગનું હોય છે જેમાં આછા કથ્થઇ રંગના પટ્ટા અને છાંટ હોય છે. છટાદાર રીતે પાંખો પ્રસરાવી પાછળની બાજુ ધીરે ધીરે પાંખોનો અણિયાળો ભાગ ખેંચીને ગ્લાઈડિંગ કરતી ઉડે છે. દુનિયાના હુંફાળા અને ગરમ પ્રદેશમાં જોવા મળે છે અને તે કારણે ભારતવર્ષના ૧૭ કોમન સામાન્ય પક્ષીઓમાંનું એક પક્ષી છે.
શહેરી વિસ્તારમાં તેઓ ઘરનો બહાર ફેંકેલા કચરામાંથી શાકભાજીનો કચરો વગેરે ખાઈ લે છે. મોટા જીવડાં, ગરોળી અને સરિસૃપ વગેરેનો ખોરાક તરીકે પસંદ પડે છે.એક ચોક્કસ પ્રકારની સમડીનો ખોરાક મુખ્યત્વે ગોકળ ગાય છે.
આશ્ચર્ય પામો તેવી રીતે તે રોડ ઉપર ઉભેલી ખાણીપીણીની લારી ઉપરથી પણ ચીલ ઝડપે ખાવાનું ઉપાડી જાય છે અને તે પહેલી વખત જુવો તો નવાઈ લાગે. જો કોઈ ખુલ્લામાં રહી ખોરાક ખાતું હોય અને હાથમાંથી ખોરાક ઉઠાવી જાય તો માણસને ભયભીત કરી દે. જે દુકાન કે લારીમાં માછલી કે મટન જેવો માંસાહારી ખરોક વેચાતો હોય ત્યાં તેઓ વધારે દેખાય છે અને ત્યાંનો માંસાહારી કચરો તેમજ માછલી વગેરેને લારીમાંથી પણ ઉઠાવી જાય છે જે માટે ગુજરાતી ભાષામાં *ચીલઝડપ* શબ્દ પ્રયોગાય છે. જ્યાં જીવદયાના દવાખાના કે સારવાર કેન્દ્ર હોય ત્યાં તકવાદી સમડી માંદા, નબળા પક્ષી વગેરેને ઉઠાવી જાય છે.

સમડીની ત્રણ પ્રકારની પેટા જાતિ છે અને તેની કેટલીક જાતમાં નાની સમડી અને મોટી સમડી હોય છે તેમજ તેઓ જુદીજુદી જાત કાળા ખભાવાળી, કાળી પાંખવાળી, સફેદ પૂંછડીવાળી વગેરે હોય છે.
બ્રાહ્મીણી સમડી ભારત ઉપરાંત ઉત્તરપૂર્વ ઓસ્ટ્રેલિયા સુધી વિસ્તરેલી છે. *બ્રાહ્મીણી સમડીની એક ચતુરાઈ અને આવડત છે કે ખોરાક માટે ચાંચમાં પથ્થર લઇ ઇમુ પક્ષીના ઈંડા જેનું ઉપરનું પડ ખુબ મજબૂત હોય છે તેની ઉપર પછાડી ફોડીને અંદરના અપરિપક્વ બચ્ચાને ખાઈ જાય છે.* તેમનું માથું નાનું હોય છે અને પગ પણ નાના હોય છે જયારે ચાંચ અણીદાર પણ સાંકડી હોય છે. સમડીની પૂંછડી લાંબી અને કાંટા/ fork જેવી હોય છે. પગના ધારદાર નહોર ગોળાઇમાં વળેલા હોય છે જેનાથી તેની પકડ મજબૂત બને.
નર સમડી અને માળા સમડીની પ્રજનનની ઋતુ ડિસેમ્બર માસમાં શરૂ થાય. એક કરતાં વધારે માદા સાથે તેઓ સંબંધ રાખે છે અને ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરીના મહિનામાં તેઓ ઈંડા મૂકે છે અને જૂન મહિનામાં વરસાદની શરૂઆતના સમય ગાળા સુધીમાં તેઓ ઉડી જાય છે. તેઓનો માળો મુખ્યત્વે વૃક્ષ અને છોડની ડાળીઓ અને સળીઓથી બનાવે છે અને તેમાં પોચું રૂ, ગાભા અને પ્લાસ્ટિકના ટુકડા જેવી વસ્તુઓથી ગાદી બનાવી માળામાં ઈંડા મૂકે છે. આગળ ઉપર સફળ માળો બીજા વર્ષે પણ વાપરે છે. શહેરી વિસ્તારની કરુણાંતિકામાં તેઓ ઘણી વખત ડાળીઓ ન મળતાં સ્ટીલના વાયર પણ વાપરે છે.
નર અને માદા સમડી બંને માળો બનાવે છે અને માદા બે થી ત્રણ ઈંડા મૂકે છે. ઈંડા સેવવાનું કામ લગભગ ત્રીસ થી ચોત્રીસ દિવસ ચાલે છે. બચ્ચા લગભગ બે મહીનાં માળામાં રહે છે. નર સમડી સ્થળાંતર કરવાની હોઈ ધીરે ધીરે બચ્ચાની માવજતમાં તેને રસ ઓછો થઇ જાય છે. શરૂઆતમાં બચ્ચા માં અને બાપ દ્વારા લાવેલો ખોરાક ખાય છે. જન્મજાત બચ્ચા ઉગ્ર સ્વભાવના હોઈ ક્યારેક નબળા ભાંડુને મારી પણ નાખે છે. અઢારથી બાવીસ દિવસે તેમને પીંછા ઉગવાની શરૂઆત થાય છે અને માથામાં વાળ લગભગ અઠયાવીસ થી ત્રીસ દિવસે ઉગી નીકળે છે. લગભગ તેત્રીસ દિવસ પછી તે માંસ ચીરવા માટે સક્ષમ બને છે અને પચાસ દિવસ થતાં થતાં તે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ઉડતા થાય છે. બે વર્ષના થાય તેટલે તેઓ પણ પ્રજનન કરી બચ્ચા ને જન્મ આપે છે. બચ્ચાની રખેવાળી બંને માં અને બાપ કરે છે અને ખુબજ ઉગ્રતાથી હુમલો કરી દુશ્મનને ભગાડે છે.
એરપોર્ટ પાસે પ્લેનની સાથે અથડાઈને કે પછી શિકાર ઉઠાવવા જતા રોડ ઉપર વાહન સાથે અથડાઈને મૃત્યુ પામે તેવું ઘણી વખત બને છે. પ્લેન સાથે અથડાય નહિ માટે બંદૂક વડે તેમને એરપોર્ટ વિસ્તારમાં મારી નાખવામાં આવે છે. ક્યારેક વીજળીના તાર સાથે અથડાઈને કે કરંટ લાગતાં મૃત્યુ પામે છે. ખેતરમાં પ્રાણીને મારવા માટે નાખેલા ઝેર ને ખાવાથી કે ઝેરથી મરેલા પ્રાણીને ખાવાથી તે મૃત્યુ પામે છે.
*ઇજિપ્તની પૌરાણિક દંતકથાઓમાં અને સ્થાપત્ય કલામાં મૃત જીવના પુનરુત્થાનની માન્યતા સાથે વ્યાપક પ્રમાણમાં ઉપયોગ જોવા મળે છે.*
*ફરી કુદરતના ખોળે, નિરાંત અનુભવો*
*Love – Learn – Conserve*
લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com