અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ટેમ્પામાં ‘પેરીસ’ નામે નાનું ગામ

દર્શા કિકાણી

થોડી વારમાં અમારે જ્યાં ભેગાં થવાનું હતું તે સ્થળ આવી ગયું. અક્ષયભાઈ અને પાર્થિવ સાથે દસ મિનિટ પહેલાં જ વાત થઈ હતી એટલે અમે પહોંચ્યાં ત્યાં તો એ લોકો પણ આવી લાગ્યા. ‘બે દિવસમાં પાછાં મળીશું’ એમ કહી અમે અને દિલીપભાઈ પોતપોતાનાં યજમાનો સાથે ઉપડ્યાં. અને જયેન્દ્રભાઈ-માલા તેમને ઘેર જવા નીકળ્યાં.

પાર્થિવ અને શ્રુતિ બંને ફીઝીઓથેરેપીસ્ટ છે. તેમને બે બાળકો છે  : ચાર વર્ષની દીકરી હીર અને એક વર્ષનો દીકરો ઓમ. પાર્થિવ અને શ્રુતિ બંને પોતાના કામમાં કુશળ અને શોખીન પણ ખરા. અમે અમેરિકા જવાનાં છીએ તેવી ખબર પડી ત્યારથી ‘અમારે ત્યાં તો આવવું પડશે જ’ કહી દિવસો બુક કરી દીધાં હતાં!

સુંદર મઝાના હરિયાળા પાતળા રસ્તા પર ગાડી સરકી રહી હતી. રસ્તા પર ક્યારેક એકાદ ગાડી દેખાઈ જાય પણ માણસનું નામોનિશાન નહીં! ક્યાંક ૨૦-૨૫ ઘરોની નાની ટાઉનશીપ આવી જાય અને વળી પાછો નિર્જન સુંદર રસ્તો! આખરે કલાકની ડ્રાઈવ પછી અમને  ‘પેરીસ’ નામના ગામનું બોર્ડ દેખાયું. સરસ ઝાંપાવાળી (Gated Township) ટાઉનશીપ કે આપણે જેને સોસાયટી કહીએ તે આવી ગઈ. મોટાંમસ મકાનો, આગળની વિશાળ ખુલ્લી જગ્યા અને દરેક મકાન આગળ પાર્ક કરેલી ૩-૪ ગાડીઓ! સરસ તોરણથી શણગારેલ બારણું ભારતીય સંસ્કૃતિની ઓળખાણ માટે પર્યાપ્ત હતું. શ્રુતિએ બારણું ખોલ્યું. દીપ્તિ પણ ત્યાં હતી. બંને બાળકો સાથે એક મિનિટમાં બધાં ભેગાં થઈ ગયાં. પાર્થિવને બીલીઅર્ડ રમવાનો શોખ છે. એન્ટ્રીના મોટા રૂમમાં એણે બીલીઅર્ડનું ટેબલ રાખ્યું છે ! અને બીજી વધારાની જગ્યામાં જમવાનું ટેબલ મૂક્યું છે. ખુલ્લું રસોડું છે. મોટો ડ્રોઈંગરૂમ પાછળ વરંડામાં ખૂલે છે. વરંડામાં સરસ બાર બનાવેલ છે અને વરંડાની આગળ સરસ સ્વિમિંગ પુલ છે-સ્પા સાથે. સ્વિમિંગ પુલ  અને સાથેની જગ્યા એક ઝીણી જાળીથી કવર કરી લીધી છે. પાછળ સોસાયટીનું મોટું તળાવ છે. તળાવમાં ક્યારેક મગર કે એલીગેટર આવી જાય ત્યારે ઝીણી જાળી જળચર પ્રાણીઓને અંદર આવતાં રોકે. ડ્રોઈંગરૂમની એક બાજુ મોટો માસ્ટર બેડરૂમ છે જયારે બીજી બાજુ બે બેડરૂમ અને એક બાળકોનો રૂમ છે. મોટા મોટા બાથરુમો અને લોન્ડ્રી એરિયા પણ ખરા.ઉપર માળ છે પણ રૂમો બનાવ્યા નથી એટલે એક આખો ખુલ્લો હોલ જ છે. આખું ઘર તેમના ચોઈસ પ્રમાણે કલાત્મક રીતે શણગાર્યું છે. કેરીયરના પાંચ જ વર્ષમાં આ બે યુવાનોને  આટલી સગવડથી રહેતાં જોઈ છાતી ગજગજ ફૂલી જાય! જો કે શ્રુતિ અને પાર્થિવ બંને બહુ કામ કરે છે. જેટલું કામ કરે છે તેટલી મઝા પણ કરે છે. દેશી અને પરદેશી મિત્રો સાથેનું મોટું મિત્રવૃંદ તેઓ  ધરાવે છે. તેમનાં વડીલ દર્દીઓમાં તો બંને બહુ લોકપ્રિય છે! બંનેએ વ્યવસાય અને અંગતજીવન વચ્ચેનું બેલેન્સ સરસ જાળવ્યું છે. ઘરનાં વડીલો ( પાર્થિવના માતા-પિતા અને શ્રુતિની માતા એટલે દીપ્તિ) બાળકોના ઉછેર માટે બહુ જાગૃત છે એટલે અંદરઅંદર સમયની ગોઠવણ કરી બાળકો માટે પૂરતો સમય કાઢી આપે છે અને વારાફરતી ભારતથી અમેરિકા આવી બાળકો સાથે રહે છે. તો પાર્થિવ અને શ્રુતિ પણ બાળકોને બંને સંસ્કૃતિઓનો યોગ્ય પરિચય કરાવે છે. ચાર વર્ષની હીર બહુ ડાહી દીકરી છે. એટલી બધી વાતો કરે છે! એના મિત્રો, એની સ્કૂલ, એનો ભાઈ……. અને એક વર્ષનો તંદુરસ્ત ઓમ હજી બોલતો નથી પણ કાયમ હસતો જ હોય છે.

અમારા જમવા માટે ગુજરાતી આખું ભાણું બનાવ્યું હતું! અમારી પાસે એક જ દિવસનો સમય હતો એટલે જમીને આરામ કરવાનો કે સૂવાનો પ્રોગ્રામ ન હતો. અમે બધાં જમીને કૉફી પીને તૈયાર થઈ ગયાં. બીચ પર જરૂરી વસ્તુઓ ફટાફટ પેક કરી ગાડીમાં નીકળી પડ્યાં. વાદળો હતાં અને વરસાદ આવશે જ તેવી આગાહી પણ હતી. છતાં, બીચ પર તો જવું જ હતું! સફેદ ઝીણી રેતી સાથેનો સારાસોટા બીચ બહુ પ્રખ્યાત છે. જાતજાતના સર્વે મુજબ અનેક બીચ પોતપોતાની કેટેગરીમાં ‘અમેરિકાનો પ્રથમ બીચ’ હોય ! આમ પણ અમેરિકામાં આવા માર્કેટિંગ ગીમિક બહુ હોય! અડધો કલાકની ડ્રાઈવ પછી અમે સીએસ્ટા બીચ પહોંચ્યાં. પાર્કિંગથી માંડીને બધી વ્યવસ્થા સરસ હતી.

આકાશમાં કાળાંડિબાંગ વાદળો હતાં, જમીન પર સુંદર સફેદ રેતી હતી અને દરિયામાં લીલું પાણી હતું. આંખો સામે દ્રશ્ય છે તે ખરેખર આપણે સાક્ષાત જોઈએ છીએ કે કોઈ ચિત્ર છે ? એવી શંકા જાય તેટલું સરસ વાતાવરણ હતું! મોટી શેતરંજી પાથરી સામાન તેની પર મૂક્યો અને અમે બધાં દરિયામાં નહાવા દોડી ગયાં. કલાકેક ધમાલ કરી પણ પછી તો વરસાદ  શરુ થઈ ગયો. વાહ! કેવો આહ્લાદક અનુભવ! બાળકો સાથે હતાં એટલે થોડીવારમાં અમે બીચ પર આવેલ સરકારી મકાનના ભોંયતળિયે પહોંચી ગયાં. ત્યાં તો મોટું ટોળું જામેલું હતું. એક આફ્રિકન ગ્રુપ સરસ લોકનૃત્યો કરી રહ્યું હતું. ભીનાંભીનાં અમે તો લોકનૃત્યો જોવા ઊભાં રહી ગયાં!  નજીકમાં કપડાં બદલવાની વ્યવસ્થા હતી. એટલે એ કામ પણ પતાવી લીધું. અમેરિકાના અત્યાર સુધીના અમારા અનુભવ પ્રમાણે કહેવું પડે કે આવી વ્યવસ્થા અહીં ઠેરઠેર મળી રહે છે  અને તે પણ એકદમ સ્વચ્છ.

બીચના ગામમાં થોડું ફરીને ઘરે પાછાં આવ્યાં. બાળકોને તો રસ્તામાં જ તેમનું જમવાનું આપી દીધું હતું. બાળકોનાં ખોરાકના બહુ સરસ વિકલ્પો અહીં મળે છે. અનાજ, ફળ, શાકભાજી વગેરેના પેક-ફૂડ. સુંદર ટુથપેસ્ટ જેવા કોલેપ્સીબલ પેકેટમાં એક વખત ચાલે તેટલી માત્રામાં જરૂરી ખોરાક પેક કર્યો હોય. ખવડાવવાનું બહુ સરળ બની જાય અને બાળકોને ભાવે પણ ખરું. અહીં બાળકો માટે ખાવાપીવાની પૂરતી વ્યવસ્થા, ડાયપર અને સારાં કપડાં તથા સ્વચ્છતા હોય છે એટલે કુદરતી રીતે જ બાળકો તંદુરસ્ત રહે છે અને રડતાં નથી એવું મારું માનવું છે.

ઘરના સ્વિમિંગપુલ અને સ્પાનો  લાભ લેવાનું મન હતું એવી વાત થઈ હતી એટલે દીપ્તિએ આવીને તરત સ્વિમિંગપુલનું પાણી ગરમ કરવાની વ્યવસ્થા કરી દીધી. અડધો કલાકમાં પાણી હુંફાળું થઈ ગયું એટલે અમે ખૂણામાં બનાવેલ સ્પાનો ધીમા રોમેન્ટિક સંગીત સાથે લાભ લીધો. અમદાવાદમાં આવી સગવડો ઘરમાં મળવી મુશ્કેલ એટલે અમે તો ભરપૂર આનંદ માણ્યો. થોડીવારમાં હીરના નામની બૂમ પડી. હીર તરત જ બોલી : મારો સૂઈ જવાનો સમય  થઈ ગયો! હીરને સહેજ વહેલી ઘરમાં બોલાવી તેને માટે બનાવેલ ખીચડી એક વાટકામાં આપી દીધી. તેણે જાતે ખાઈ લીધું અને અમને બધાંને ગુડ નાઈટ કરી તેના રૂમમાં જઈ તે સૂઈ ગઈ! કેવી સરસ તાલીમ અને શિસ્ત !

અમે સ્પામાં હતાં ત્યાં તો શ્રુતિએ અમારા માટે સરસ મેક્સિકન વાનગીઓ એનચીલાડા અને ખસાડિયા બનાવી દીધાં. ભોજનને ન્યાય આપી વાતો કરતાં કરતાં ઝોકાં ખાઈ લીધાં. આજના લાંબા દિવસના અંતે અમે થાક્યાં હતાં. બહુ વાતો કરાવી હતી અને ઊંઘ પણ આવતી હતી. અમે બધાં બારેક વાગે સૂઈ ગયાં.


ક્રમશઃ


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

 

Author: Web Gurjari

2 thoughts on “અમેરિકન ડ્રીમ – સ્વપ્નિલ સફર : ટેમ્પામાં ‘પેરીસ’ નામે નાનું ગામ

 1. વાહ દર્શાબેન,
  આપણો સાથ જયાં ઘડીભર માટે છૂટ્યો હતો તે સમય નું સુંદર શબ્દચિત્ર. “દરેક બીચ પોતપોતાની શ્રેણી માં શ્રેષ્ઠ” વાળી વાત બહુ સચોટ છે. પશ્ચિમ નું વિશ્વ “પાસા ના ઢળતા ટાવર” વિશ્વ ની અજાયબી માં ખપાવી એક વિશ્વ પ્રવાસન સ્થળ બનાવી શકે તો બાકી બીજું બધું સહજ.. તમારી જેમ અમને પણ અમારા યજમાન ટીનુ અને બાળપણ થી પ્રિય મિત્ર રહેલા ડો. અક્ષય દેસાઈ એ પણ હૃદયસ્પર્શી આતિથ્ય ભાવ બતાવી ને ગદ્દગદિત કરેલા..

  “એ કાશ કહીં મિલ જાયે કોઈ મિત પુરાવા બચપન કા” ફીર એક બાર 🌷
  ફરી એક વાર સુંદર પ્રવાસ વર્ણન બદલ અભિનંદન

  1. Thanks, Dilipbhai! True, we had parted to meet again!
   Very interesting and fascinating experiences, indeed!

Leave a Reply

Your email address will not be published.