નિરુપમ છાયા
સરધ પૂનમજી રાતજો , | શરદ પૂનમની રાતે , |
મૂં પિરોયોતે; | હું પરોવવા બેઠો |
સુઈમેં ડોરો | સોયમાં દોરો , |
ને; | ને ; |
પિરુલાજી વ્યો | પરોવાઈ ગયો |
ચંધર | ચંદ્ર. |
આ કચ્છી કાવ્યનો ગુજરાતી અનુવાદ (કવિ રમણિક સોમેશ્વર) જ પહેલાં વાંચીએ તો કાવ્યનાં અદભૂત કલ્પન, ચમત્કૃતિ , રહસ્યઘન અનુભૂતિ, વિસ્ફોટથી તો એમ જ થાય કે આ કોઈ મોટાં ગજાના કવિનું કાવ્ય હશે. પણ મૂળ કાવ્ય પાસે જઈએ અને એક પ્રાદેશિક્ભાષાના, સર્જનની સઘન અનુભૂતિ ધરાવતા કવિ ‘તેજ’ ઉર્ફે તેજપાલ નાગસી નાગડાનું કાવ્ય છે એ ખબર પડે ત્યારે એની શીખરસમ સર્જનશીલતાથી આશ્ચર્યમુગ્ધ થઇ જવાય.સામાન્ય રીતે નામ પછી ઉર્ફે લખીને ઉપનામ લખાય. પણ આ કવિનાં નામ અને કવિત્વ એટલાં એકાકાર થઇ ગયાં છે કે ઊલટું લખવું પડે. તેઓ ઉપનામથી, કવિ ‘તેજ’થી જ વધુ જાણીતા છે. કચ્છી સાહિત્ય અકાદમીએ ૨૦૦૭નાં વર્ષનો ગૌરવ પુરસ્કાર આપીને એમને વધાવ્યા છે. એમનાં કાવ્યો ભાવક, વિદ્વાન કે સર્જક, સહુને સ્પર્શીને એક્સમાન રીતે અંતરમાં એટલાં ઊંડાં ઊતરી જાય છે કે, શબ્દો કે શૈલીના ફેર સિવાય પ્રતિભાવો બહુધા સમાન જ રહેવાના., એમનાં કાવ્યો વિષે વિદ્વાનો અને સર્જકોએ એટલું બધું લખ્યું છે કે અહીં કદાચ પુનરાવર્તન પણ થતું લાગશે..
અબડાસા તાલુકાનાં મુખ્ય મથક નળિયા ગામમાં એમનો જન્મ. ઉછેર, અભ્યાસ, વ્યવસાય બધું ત્યાં જ. નામ પુરતો જ અભ્યાસ અને ભણવામાં તો ઠોઠ. ત્રીજા ધોરણથી પાંચમાં ધોરણ સુધી પહોંચવામાં નવ વર્ષ લાગ્યાં. દરેક ધોરણમાં 3-3 વર્ષ ! પાછા ચડાવવામાં આવેલા. બાળપણ એમનું સીમ, તળાવની પાળે બેફામ રખડપટ્ટી અને તળાવમાં વીત્યું. પણ, આ અભણ કવિ પાસે કચ્છી ભાષાએ પોતાનું દિલ ખોલ્યું છે. એમના પાસે કવિતા પહેલાં આવે અને નિયમો પછી, આપમેળે એને અનુસરે. કવિતા જાણે એમના માટે કોઠાસૂઝની કળા. સીમમાં રખડતાં, એકાંતના કલરવમાં કાવ્યો એમની પાસે આવતાં રહે. હૃદયથી કવિ. એ પોતે કહે છે કે “ મારું શિક્ષણ ઓછું. પિંગળ શાસ્ત્રનો કોઈ અભ્યાસ નહીં. (મારાં કાવ્યો ) ફક્ત મારા અંતરનો અવાજ છે, મનના વિચારોનું સ્ફુરણ છે.“ આવો જ કવિ કહી શકે ને કે,” માણ્યો તો મિંજ પિઈ માણે ગિનો ‘તેજ’; ભાકી સાંયરવટ, લેરિયેંજા લેખા ન’વે.” (માણવું હોય તો અંદર ઊતરીને માણો. સમુદ્ર પાસે લહેરોની ગણતરી ન હોય.“માહીં પડ્યા તે મહાસુખ માણે“ સાથે થોડું સામ્ય જણાય ને?)”પીપળના પાનની પીપુડી બનાવી/ મેં ફૂંક મારી તો, / નીકળ્યો અંદરથી મીઠો ટહૂકો/પાન ખોલીને કાન પર ધર્યું/ તો અંદરથી ઘણાં બધાં પંખીઓનો/ ઝીણો ઝીણો કલરવ સંભળાતો હતો.” એમ કહેતા કવિ પ્રકૃતિસૌન્દર્યમાં રમમાણ રહ્યા છે એટલે પ્રકૃતિની લીલા એમનાં કાવ્યોનો સ્થાયી ભાવ છે પણ નિબિડ એકાંતમાં ભીતર મંથન થતાં નવનીતરૂપે મળ્યું એ અધ્યાત્મનું ઊંડાણ પણ કાવ્યોમાં પમાય છે. “ગાલ કરિયાં ગુઢાર્થજી ‘તેજ’, ચે કો વિસે ન વિસ, ઉજારો અખિયું ડિસેં તાં પોય અંધારો કેર ડિસેં !“ અને, “સિજ ઉગેં સવાલ કેઓ, જાગાય મૂંજી જાત , પુછેઓ રાતજો સોણું આયો ક સોણે આવઈ રાત?” (સવારે જાગતાં જ પ્રશ્ન થયો, રાત્રે સ્વપ્ન આવ્યું કે સ્વપ્નમાં રાત આવી?) પેલા ઝેન સાધુને પતંગિયું હોવાનું સપનું આવે અને જાગીને પ્રશ્ન થાય કે પોતે કોઈ પતંગિયાંને આવેલું સપનું તો નહીં હોય ને ?-એના જેવું જ કંઈક. કવિની આંતરચેતનાનો વ્યાપ નિગૂઢ વિસ્મયની ક્ષણોમાં લઇ જાય છે. તે ઉપરાંત પણ લોકજીવન, ગ્રામ્યજીવન, પરંપરાઓ, મનુષ્યનાં સુખદુઃખ, પશુપંખી, વનસ્પતિસૃષ્ટિ, માનવીય ભાવો, કૃષ્ણ તો ખરા જ- એવા અપાર વિષયો એમનાં કાવ્યોમાં પ્રગટ્યા છે. વિષય વૈવિધ્યની જેમ જ કાવ્ય પ્રકારની દૃષ્ટિએ પણ, ગીત, ગઝલ, ભજન, દુહા, બેત , પિરોલી (ઉખાણાં), ફટાણાં, મુક્તક, તાન્કા, તસ્બી અને “ સુરજમુખી/ફૂલેંજી સેજ; ફિરે/સિજ કે સામે જેવાં હાઈકુ વગેરેથી એમનો વિપુલ કાવ્યરાશિ ઝળહળે છે.
૧૯૬૦-૬૧માં કપાસ લાઈનમાં કામ કરવા અકોલા(મહારાષ્ટ્રમા) ગયા તે સિવાય કવિ તેજે કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન નળીઆમાં, સળંગ ૩૪ વર્ષ કામ કર્યું. સીમ સાથેના ગાઢ અનુબંધથી ખગોળ, વનસ્પતિઓ, અને પશુપંખી વિષે પણ ઊંડો અભ્યાસ થયો. સાપ પકડવાના તો નિષ્ણાત.
અભણ અને કાવ્યનાં બંધારણ વિષે કશું ન જાણતા તેજપાલ ‘કવિ’ કઈ રીતે બન્યા? તેમના શબ્દોમાં જ ઉત્તર મળે છે. “ કચ્છી સાહિત્યના મોભ સમા દુલેરાય કારાણીનું સાહિત્ય વાંચીને પ્રેરિત થયો અને પછી મેકરણ દાદા, રતનબાઈ, શાયર ચમન, કવિ રાઘવજી વગેરેએ પ્રભાવિત કર્યો.” પ્રથમ રચના ૧૯૬૬માં જ્ઞાતિનાં સામયિકમાં પ્રસિદ્ધ થતાં પ્રોત્સાહન મળ્યું. અકોલાને કારણે મુંબઈનો સંપર્ક પણ ખરો. કાકા હાથરસી જેવા અને અન્ય પ્રસિદ્ધ કવિઓને પણ માણેલા. પણ કાવ્યસર્જનમાં નિજતા જ વરતાય. “કવિ નિત કવિ ન’વે, પલ વે કાં પોર, પોય તેડો લિખે કાવ, જેડો વે તોર.”
અને હવે એક રસપ્રદ ઘટના બને છે.
૨૦ ઓગસ્ટ ૨૦૧૦નાં રોજ ગૌહત્તીમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય સાહિત્ય સંમેલનમાં સર્વોચ્ચ ભાષાસન્માનમાં પ્રાદેશિક ભાષાના સર્જકો , હિન્દી અથવા અંગ્રેજીમાં પ્રતિભાવ પાઠવી રહ્યા હતા. ત્યારે એક સર્જક આવ્યા અને તેમણે કહ્યું કે હું તો મારી માબોલી ભાષામાં જ પ્રતિભાવ આપીશ. પોતાની ભાષાને આટલી ઉત્કટતાથી ચાહનારા એ સર્જકને ઉપસ્થિતોએ આદરથી વધાવી લીધા. આ સર્જક એટલે કચ્છી સાહિત્યના ગૌરવરૂપ કવિ ‘તેજ.’
કચ્છી સાહિત્યમાં પ્રારંભથી લઈને અત્યાર સુધી, ‘તેજ’ જેટલું વિપુલ માત્રામાં કોઈએ સર્જન નથી કર્યું. એમનાં અત્યાર સુધી પ્રસિદ્ધ ૩૯ પુસ્તકોને આધારે કહી શકાય કે સહેજેય ૧૦૦૦ થી ૧૨૦૦ કાવ્યો તો એમણે સર્જ્યા હોય! વચ્ચે થોડો સમય અકોલામાં હતા ત્યારે, એક ક્ષત્રિયમિત્રના આગ્રહથી ભાવનગરનાં ‘ક્ષત્રિયમિત્ર’માં કાવ્ય મોકલ્યું. એ વાંચીને મૂર્ધન્ય સાહિત્યકાર તખ્તસિંહ પરમારે લખ્યું,”આકોલામાં તેજપાલ નાગડા કોણ છે?” યોગાનુયોગ કેવો સર્જાયો કે ૩૩ વર્ષ બાદ કવિના ‘સેલોર’ કાવ્યસંગ્રહમાંની પ્રસ્તાવનામાં પોતે જ તેનો જાણે ઉત્તર આપે છે,’કવિ “તેજ’ જબરા વાર્તાલાપી પારદર્શક માનવ.” કવિની પ્રખ્યાત કાવ્યપંક્તિઓ “ઊ કેડી ભૂખ સે મુઆ હુંધા ઢોર વિચાડા, જુકો ઉનીંજે હડેં પણ વતરેમેં જાવો વિંધા” (કેવી ભૂખથી મૃત્યુ પામ્યા હશે એ મૂંગા જીવ કે એમનાં હાડકાં પણ સૂકાં ઘાસ પર તૂટી પડ્યાં. કચ્છના કારમાં દુકાળ સમયે મૃત પશુનાં હાડકાં લઈ જતી ટ્રક સાથે ઘાસ લઈને જતી ટ્રક અથડાઈ એ જોઈને સંવેદનશીલ કવિના હૃદયોદગાર.) એક અંગ્રેજી વર્તમાનપત્રમાં હિન્દી અનુવાદ સાથે પ્રગટ થઇ એ વાંચીને મુંબઈના એક પત્રકાર તેમને નળિયા મળવા આવ્યા. કવિ તો મળ્યા સીમમાં. પત્રકાર તેમને ઘરે નિરાંતે મળવા માંગતા હતા. કવિને સંકોચ થતો હતો પણ બહુ આગ્રહ કર્યો એટલે લઇ ગયા. પત્રકારે મુંબઈ રહેવા આવે તો કેટલા લાભ થાય એ જણાવ્યું. પણ કવિએ કહ્યું, “ગામડું અને ઘર એમાંથી જ મને કવિતા સ્ફુરે છે.મુંબઈમાં તો ભૂલી જાઉં “. નિજાનંદમાં જ રહેતા આ કવિ, પોતાનાં સર્જન વિષે નિખાલસતાથી કહે છે,” ઓછે ભણતરજે કારણસે આઉં…લિખેમેં ભુલું કરીયાંતો પણ રચનામેં જુકું ચાંતો તેમેં કીં ફેર નતો પે નેં રચના (કાવ) ભની વિનેં પોય મૂંકે પિન્ઢકે અચરજ થિયે જે, ઈ કીં ભની વિઈ! કો અગોચર શક્તિ પલ –બ-પલ મુંજે અંધરમેં ઉતરેતી એડો મુંકે લગેતો! “(ઓછાં ભણતરથી લખવામાં હું ભૂલ કરતો હોઈશ પણ હું જે ખૂ તેમાં કોઈ ફેર ન હોય.કાવ્ય સર્જન થયા પછી વાંચું ત્યારે મને પોતાને આશ્ચર્ય થાય કે આવું કઈ રીતે લખાયું? પળ બે પળ માટે કોઈ અગોચર શક્તિ જાણે મારામાં પ્રવેશે છે !) જીવન, મૃત્યુ, મૂલ્યો, સંબંધો, શહેરી, પ્રકૃતિ અને ગ્રામ્ય જીવન, કુટુંબજીવન, પીડિતો, અંધશ્રદ્ધા, સુધારો એમ કેટકેટલા વિષયોમાં આ કવિએ વિહાર કર્યો છે એ એમનાં કાવ્યો જોતાં ખ્યાલ આવે છે. ”જોકે ભેરો જાણે જુગ ભધલી વ્યો”,(એક ઝોકાં સાથે જાને યુગ બદલાઈ ગયો.!)માં ગહન ચિંતન તો, ‘તેજ જેડી જેમેં ખસલત, ઉં પીંઢઈ પેઓ વતાય; બોઆરી તાં ભેરો કરે, સુપલાડી વજે ફ્ગાય’ (જે જેવો હોય તે પોતે જ પોતાને ઓળખાવી દે. સવારની એકઠું કરે અને સુપડી બધું ફેંકી દે.) માં દુનિયાદારીનો સહજ અનુભવ અને “ખિલી ગન મિલીગન હી મોભતજો મેડો ચૈ ડીએજે ખેલમેં, તેજ ખોભરો કેડો “ ( હળીમળી લે. આ મહોબતનો મેળો છે. ચાર દિવસના ખેલમાં અતડા શાને રહેવું?)માં નરવું જીવનદર્શન, ‘ગઈધરે ચેઆં, ઈમારત નિઢુ બધબો ,સુણી કરેને ‘તેજ’ ખનેર ખિલી પેઆ’ ( મકાન બાંધનારે કહ્યું, આપણે મજબુત મકના બાંધીશું. આ સાંભળીણે ખંડેર ખડખડાટ હસી પડ્યાં.) માં મર્મ ભર્યો કટાક્ષ તો કબીર, તુલસી મીરા નરસિંહની જેમ ગૂઢ જ્ઞાન પણ સહજપણે આવી જાય છે.”તાંકડી તું તોજો કરે ગિન તોલ; ન્યાર વખત વિને અણમોલ. બ્યેંજા વજન તું કરીયેં વેવલી, તું પિન્ઢતાં ડોલમડોલ…..” હે ત્રાજવાં, તું તારો તોલ કરી લે, અમૂલ્ય સમય સારી જાય છે, બીજાના તોલ તું કરશ પણ તું પોતે હાલકડોલક થાશ. સ્થિર નથી.) ‘ચાડીકેનું ચુકા ઉ તાં હલી પુજંધા પંધ, તેજ લજંધા કીં હંધ, જુકો ચીલેનું ચૂકી વેઆ.(જે વાહન ચાતરી ગયા તે તો ચાલતા રસ્તે ચડી જશે; પણ જે ચીલો જ ચાતરી ગયા છે એ લક્ષ્ય સુધી કેમ પહોંચશે?). કાવ્યોમાં દૃષ્ટાંતો, રૂપકો , પ્રાસાનુપ્રાસ , શબ્દાનુપ્રાસ વગેરે તો અનાયાસપણે જાણે ગોઠવાઈને અર્થગંભીરતા આણે છે. તેમનાં અધ્યાત્મ સભર ગીત ગઝલો પરથી ‘વખત વીનેં અણમોલ’ શીર્ષક હેઠળ ડાયરાઓ, સમાજદર્શન કરાવતા કાવ્ય સંગ્રહ પરથી નાટક ’ટીટોડી ટઉકા કરે’ પણ પ્રસ્તુત થયા.
કવિનું વિશેષ યોગદાન એટલે પખિયનજિયું પિરોલીયું. “વસાં ભલે ગોઠમેં આઉં, સા મુંજો સીમાડેમેં” એવું સરનામું આપતાં કવિ , “ હલી સામે વેઓ ખપે, કીં અચે ન તેડાવો, જાણે બુજેસેં તેજ પંખીએ સે કરે મેડાવો”( પંખી પાસે જવા નોતરું ન આવે. સામે ચાલીને જવું પડે. તેજ જાની સમજીને પંખી સાથે ગોષ્ઠિ કરે છે.) એમ કહીને પંખીઓ વચ્ચે ક્યાંય દૂર, દૂર પહોંચી જાય છે. આ જોઇને એમના ચાહકોએ તેમને દૂરબીન પણ ભેટ આપ્યાં. પછી તો મિત્રને સાથે લઈ ઉપડે. પોતે દૂરબીન માંડીને જુએ એનું વર્ણન કરે અને મિત્ર લખે. પોતે લખેલાં વર્ણન સાથે, પુસ્તકોમાંથી એ પંખી વિષે શોધી, ચકાસે તો વર્ણન અદ્દલ હોય. લગભગ ત્રીસેક વર્ષની મહેનતને અંતે ૩૦૦ પંખીઓનો પરિચય કરાવતું રૂપકડું પુસ્તક તૈયાર થયું . દરેક પાને પક્ષીનો ફોટો, એનાં કચ્છી, ગુજરાતી, અંગ્રેજી, જૈવિકશાસ્ત્ર પ્રમાણે નામ અને કચ્છી ભાષામાં પરિચય ઉપરાંત ચાર ચરણની એક પિરોલી એટલે કે ઊખાણું જેના ઉત્તરરૂપે પંખીનું નામ હોય. સુરખાબ વિશેની આપેલ પિરોલી જોઈએ. “રા’ લાખેજા જાનીડા ઈ, રણમેં કરી રખાલ; સૂરત સીંભાજે હીયેંકે, છંઢેઆ અભીલગુલાલ.” અને ‘અયોં તેર થોડા, વીનોં તેર ગચ્ચ; ‘તેજ” અસાંકે લજ, અસીં પથિક પરડેસજા.”
આ કવિ વ્યવહારમાં પણ એટલા જ સંવેદનશીલ રહ્યા છે. વિવિધ સમયે અનેક સેવાકાર્યોમાં એમનું યોગદાન રહ્યું છે. કવિત્વનો આ વિસ્તાર ને ?
શ્રી નિરુપમ છાયાનું વિજાણુ સંપર્ક સરનામું : njcanjar201@gmail.com