પુરુષોતમ મેવાડા
એ છોકરો ૧ થી ૪ ધોરણની બે ઓરડા અને એક શિક્ષકવાળી, એ સમયની બુનિયાદી શાળામાં મન લગાડીને ભણવા માંડ્યો. શિક્ષકે એને પોતાનો પ્રિય વિદ્યાર્થી બનાવ્યો. વર્ગમાં પહેલાં તેને પાછળ બેસાડવામાં આવતો હતો, તે હવે પહેલી હરોળમાં બેસતો થયો. થોડા સમયમાં જ એણે ‘મનોહર મુંબઈ રાજ્ય’ની ૧ થી ૪ ધોરણની ચોપડી કંઠસ્થ કરી લીધી. સરકારની વ્યવસ્થાને લીધે શાળામાં સારાં-સારાં પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી હતી. સ્વ. સયાજીરાવ મહારાજની દૂરઅંદેશીને લીધે આવાં ઘણાં બાળકોને આગળ આવવાની તક મળી છે. તેની ધગશ જોઈને શિક્ષકે લાઇબ્રેરીની ચાવી તેને જ રાખવા આપી દીધી. લાઇબ્રેરીમાંનું એક-એક પુસ્તક એ વાંચવા માંડ્યો. ધાર્મિક, નવલકથાઓ, પ્રકીર્ણ જે કંઈ હાથમાં આવ્યું તે તેણે વાંચી નાખ્યું, અને જીવન એ ગારમાટીનાં ઘર, ગામની ભાગોળ અને ખેતરની મજૂરીથી આગળ પણ વિશેષ કંઈક છે, તે એ સમજી ગયો.
એકવાર શિક્ષણાધિકારી શાળાની મુલાકાતે આવ્યા, વાર્ષિક પરીક્ષા પૂરી થઈ ગઈ હતી. બાળકોનું ભણતર તપાસવા એમણે જે કોઈ પ્રશ્નો પૂછ્યા, તેના તદ્દન સાચા જવાબો એ છોકરાએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર આપ્યા.
શિક્ષણાધિકારીએ છેલ્લે તેને પૂછ્યુંઃ “તું પાસ થઈશ કે?”
“હા, હું પહેલા નંબરે પાસ થઈશ!” છોકરો બોલ્યો.
“પરિણામ હજી આવ્યું નથી, તને કેવી રીતે ખબર પડી?”
“મારા સિવાય કોઈ પહેલો નંબર લાવતું નથી!”
અને આ જવાબમાં જરાયે અતિશયોક્તિ નહોતી. તેનો આ આત્મવિશ્વાસ કાયમ માટે ટકી રહ્યો.
ચોથું ધોરણ પાસ થયા પછી, પિતા જ્યાં પટાવાળાની નોકરી કરતા હતા તે શહેરની નજીકના ગામે તેને ભણવા દાખલ કરાયો. તેની દુનિયા થોડી વિશાળ બની. શાળાના શિક્ષકો અને અન્ય મિત્રોએ તેને ઘણો સાથ આપ્યો. તેના પિતાના એક અધિકારી ડૉક્ટર હતા. કૉલેજમાં ભણતી તેમની પુત્રી આ છોકરાની ભણવાની ધગશ જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ, અને તેને અંગ્રેજી શીખવવા તૈયાર થઈ ગઈ.
આગળ જતાં સાતમું ધોરણ પાસ થતાં એક નવી બનેલી શાળામાં ત્યાંના ભાવિ પ્રિન્સિપાલ તેને ખેંચી ગયા, અને વચન આપ્યું કે તેઓ તેને ભણવાની બધી જ સગવડ કરી આપશે! તેમણે એ વચન પાળ્યું પણ ખરું. જરૂરી પુસ્તકો અને વધારાના ટ્યૂશનની પણ વ્યવસ્થા તેમણે કરી આપી. તેમને આશા હતી કે છોકરો બોર્ડની પરીક્ષામાં નામ કાઢશે. પણ છોકરો અંકગણિતમાં કાચો નીવડ્યો, બોર્ડની પરીક્ષા પૂરી થયા પછી છોકરો પ્રિન્સિપાલને મળવા ગયો, અને તેમને કહ્યુંઃ
“સાહેબ, મારી ધારણા પ્રમાણે મારા ૭૫% આવશે, એનાથી જો બોર્ડમાં નંબર આવે તો ખરું!”
અને એમ જ બન્યું! બોર્ડમાં અગ્રનંબર ના આવ્યો, ૭૫.૭૫% આવ્યા, પાંચ વિષયમાં ડિસ્ટિંક્શન, બે વિષયમાં ૯૦%થી ઉપર! જો કે આટલા ટકા એ જમાનામાં ઘણા સારા ગણાતા! એ છોકરાને નેશનલ મેરિટ સ્કૉલરશિપ મળી ગઈ!
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે