
નલિન શાહ
{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો અનુવાદ}
(અનુવાદ: પિયૂષ મ. પંડ્યા)
સાવ આરંભિક કાળમાં હિન્દી ફિલ્મી સંગીતમાં શાસ્ત્રીય સંગીતને પ્રચલિત કરનાર સરસ્વતીદેવી નિવૃત્ત થતાંની સાથે સાવ ભૂલાઈ ગયાં. તેમને ભૂલી જનારાંઓમાં ત્યારે સફળ થયેલા એમના નિકટના સહયોગીઓનો પણ સમાવેશ થતો હતો. સરસ્વતીદેવી સને ૧૯૩૫માં બોમ્બે ટૉકીઝમાં સંગીતનિર્દેશક તરીકે જોડાયાં ત્યારે માંડ ૨૩ વરસનાં હતાં. ‘અછૂત કન્યા’( કિત ગયે હો ખેવનહાર – ૧૯૩૬), ‘કંગન’( સુની પડી હૈ સિતાર – ૧૯૩૯), ‘બંધન’ ( રૂક ના સકો તો જાના , ચને જોર ગરમ લાયા – ૧૯૪૦) અને ઝૂલા (ના જાને કીધર આજ મેરી નાવ ચલી રે – ૧૯૪૧) જેવી ફિલ્મોમાં એમણે પોતાની અસાધારણ નિષ્ઠા અને સંસ્થા માટેના લગાવથી પ્રેરાઈને ઉત્તમ પ્રદાન કર્યું. ૧૯૫૦ના દાયકાના શરૂઆતના ગાળામાં એમણે ગરિમાપૂર્ણ નિવૃત્તિ લીધી અને જુહુ બીચ પાસે આવેલી થિયોસોફિકલ સોસાયટીમાં એકાકી જીવન વિતાવવા લાગ્યાં. કોઈ આર્થિક અપેક્ષા વિના, કેવળ સંગીત શીખવીને એ સંતુષ્ટ હતાં. એક વાર બસમાંથી પડી જતાં એમના થાપાનું હાડકું ભાંગી ગયું. એ સમયે એમના પાડોશીઓએ ફાળો એકત્રિત કરી, એમની સારવાર આરોગ્ય નીધિ હોસ્પીટલમાં કરાવી હતી. બોમ્બે ટૉકીઝ સાથે પોતે સંકળાઈ ચૂક્યા હોવાનો ગર્વથી ઉલ્લેખ કરતા સમૃધ્ધ લોકોમાંથી કોઈ એમની મદદે ન આવ્યા. સરસ્વતીદેવી આ બાબતે ફરિયાદ કરે એવાં વામણાં ક્યારેય ન હતાં. એ પછીના ટૂંકા ગાળામાં એ પોતાના મૂલ્યવાન ભૂતકાળની યાદોને વાગોળતાં અવસાન પામ્યાં. કલાકારના જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે એની સર્જકતા ખતમ થઈ દઈ જાય છે કે પછી કળાનાં બદલાતાં જતાં મૂલ્યોને કારણેએ પોતાની જાતને નિરર્થક માનવા લાગે છે. એ એકાકી અવસ્થામાં વિચારોમાં ગરક હોય ત્યારે ભૂતકાળની મધૂર સ્મૃતિઓ એને ઘેરી વળે છે. પણ કેવળ મીઠી યાદો હૃદયની એકલતાને સભર કરવા માટે પૂરતી નથી હોતી. કલાકારો પણ માનસિક નબળાઈથી પીડાતા હોય છે. તેઓ ઈચ્છે કે પોતાના ભૂતકાળના પ્રદાનનો સ્વીકાર થાય; ખાસ કરીને પ્રસિધ્ધીની ચમકદમક એમનાથી દૂર ચાલી જાય ત્યારે એમને આવી અપેક્ષા હોય છે. એ વાત અલગ છે કે ક્યારેક ટકી રહેવાના સંઘર્ષમાં એ જાતે જ પોતાની સિધ્ધીઓને વીસરી જવા ઈચ્છે છે. એ દ્રઢતાથી માનતા થઈ જાય છે કે સમાજે એમનાથી મોઢું ફેરવી લીધું છે.




