પ્રકાશ સોની
વર્ષો લગી દક્ષિણ ભારતનાં જુદાં જુદાં શહેરોમાં નોકરી કર્યા બાદ રિટાયર થઈને પાછા અમદાવાદ રહેવા આવતાં ઘણી દ્વિધા થતી હતી. નોકરી દરમિયાન જો અમદાવાદમાં અપાર્ટમેન્ટ ન રાખ્યો હોત તો ચેન્નાઈ કે વેલ્લુરમાં જ સ્થાયી થઇ જાત. ગુજરાતમાં બદલી થવાની મારી અભીપ્સા કદી પૂર્ણ થઇ નહીં.
વિકસિત પશ્ચિમ અમદાવાદમાં એપાર્ટમેન્ટ ખરો પણ એમાં ભાગ્યે પંદર દહાડા ય રહેવાનું બનેલું. રજાઓ મળે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં તમામ ટુરિસ્ટ ડેસ્ટીનેશન ખૂંદી વળેલા. એક પણ એલ.ટી.સી. ખાલી જવા દીધું નહોતું. માબાપ તો મારા લગ્ન પછી તરત ગુજરી ગયેલા. હું એમનો એકનો એક દીકરો અને સુધાનું પિયર કોલ્હાપુરમાં તેથી ગુજરાતમાં એટલું નજીકનું કોઈ સગું નહિ કે જેમને ત્યાં પ્રસંગે જવાનું પણ થાય. વળી સહુ સમજે કે નોકરિયાત માણસને એકાદ બે દિવસ માટે આટલે દૂર દોડી આવવાનું કેટલું કપરું થઇ પડે તેથી શક્ય હોય ત્યાં સુધી દૂરથી જ જરૂરી વહેવારો પતાવી સંતોષ માની લેતા. વિદેશમાં સ્થાયી થયેલા બબ્બે દીકરાઓ પણ એકે ય દેશમાં નહિ પરણેલો એટલે જ્ઞાતિમાં પણ અમારા માટે ખાસ કોઈ ખેંચાણવાળું ન મળે. જ્ઞાતિના કોઈ કામ માટે સખાવતની જરૂર પડ્યે એ લોકો પત્રાચાર કે ઇમેલ દ્વારા સંપર્ક કરી ધા નાખે અને અમે જ્ઞાતિના અંકમાં અમારું નામ દાનવીર તરીકે વાંચી સંતોષ મેળવી લઈએ એ સિવાય અમારું અસ્તિત્વ ત્યાં માત્ર નામ પૂરતું રહેલું.
મારો એક ખાસ બાળગોઠિયો રજની ગોર અમદાવાદમાં રહેતો તેણે હજુ સુધી મારો સંપર્ક ચાલુ રાખેલો. રતનપોળના એક ખાંચામાં છેક ઊંડે પડું પડું કરતા એના ઘરની નીચેના રૂમને નાનકડી દુકાનમાં ફેરવી કાઢી ત્યાં એનું પેટિયું રળી ખાતો. એ અલગારી જીવડાને આગળપાછળ કોઇ નહિ તે દુકાન રેઢી મૂકી આમ તેમ ભમતો રહે. ચા એ જ એની એકમાત્ર નબળાઈ. અમારી સાથે ભણતા સહુ સાથે એને ઘરોબો. એનો નિરુપદ્રવી સ્વભાવ અને કોઈના માટે કાંઈ કરી છૂટવાની દાનત એટલે સહુને એ અતિ પ્રિય.
મારા એપાર્ટમેન્ટનું મેનેજમેન્ટ મેં એને સોંપેલું. સોસાયટીના મેન્ટેનન્સથી માંડી ટેક્ષ ભરવાનું જ નહિ બલ્કે એને ભાડે આપવાનું, ભાડું ઉઘરાવવાનું અને જરૂરી મરામત કરાવવા સુધીનું બધું કામ એ સંભાળતો. હિસાબનો ચોખ્ખો અને ઘણું કહેવા છતાં કદી એની સેવાઓ બદલ પાઈ ય સ્વીકારવા રાજી નહીં. “ભૈબંધીમાં પૈસાનો વહેવાર ના હોય, દોસ્ત” એ એનું બ્રહ્મવાક્ય. મહાપરાણે એને મારા કામે ધક્કા ખાવા પાછળ થતો ખર્ચ લઇ લેવા સમજાવી શકાયેલો. એકવાર ચેન્નાઈ હતા ત્યારે એ ફરવા અમારે ઘેર આવેલો ત્યારે અમે એને તિરુપતિ, મદુરાઈ અને રામેશ્વર લઇ ગયેલા એનાં ગાણાં આખી જિંદગી ગાયા કરતો.
રજની મારફત મને મારા બચપણના બધા મિત્રોની વાતો જાણવા મળતી. મને રસ છે કે નહિ એની દરકાર કર્યા વિના એ એની પરિચયગાથા ગાયે રાખતો. મહેશ રાણપરિયાએ પ્રેમલગ્ન કર્યાં અને સન્મુખ કાપડિયાએ આપઘાત કર્યો તો ચિબાવલી ચંપા એના વરનો માર ખાઈ ખાઈ ને સાવ ડોસી થઈ ગઈ છે એવી બધી વાતો એના મોઢે સાંભળી બાળપણ જીવંત થઇ જતું. જયારે પણ એનો ફોન આવે ત્યારે આવા કોઈ ને કોઈ અવનવા ખબર સાંભળવા કાન સરવા થઇ રહેતા.
હવે તો અમદાવાદ જ રહેવાનું છે એટલે રજની સાથે બાળપણમાં ખૂંદેલી જગ્યાઓ જોઈ આવીશું અને જુના ગોઠિયાઓને મળી આવીશું એ વિચારે મન પ્રફુલ્લિત થઈ રહ્યું હતું. રજનીનો ફોન આવી ગયો. “તું તારે આવી જા ભાભીને લઈને. ઘર ખાલી કરાવી તૈયાર રાખ્યું છે. રંગ રોગાન સાથે કમ્પલેટ. તારે ખાલી આવીને ફર્નિચર પસંદ કરવાનું છે. આપણો ભાઈબંધ જ છે. બે જ દિવસ માં ડીલીવરી મળી જશે. કેબલ કનેક્શન પણ ચાલુ કરાવી રાખ્યું છે. રાંધણગેસનો બાટલો ભરાવી રાખેલ છે એટલે ભાભીને તો આવીને સીધી રસોઈ જ ચાલુ કરી દેવાની!”
“પણ દોસ્ત, પહેલા દિવસની રસોઈ તો મારા ઘેરથી જ આવશે એમાં કોઈ કચકચ નહિ ચાલે. શું સમજ્યો?”
સુરત વટાવ્યું ત્યાં વળી રજનીનો ફોન રણક્યો.
“નડિયાદ પહોંચો એટલે મને ફોન કરજે; હું તારા ફ્લેટ પર પહોંચી જઈશ. ટ્રક સીધો સોસાયટીના ઝાંપે ઊભો કરાવી દેજે. મોસ્ટલી તો હું નીચે જ હઈશ. પણ કદાચ ન હોઉં તો વોચમેન જોડે મગજમારી ના કરીશ. આપણે સોસાયટીના ચેરમેન જોડે સારો સબંધ છે એટલે ટ્રક અંદર જ લેવડાવી લઈશું. જો કે ચેરમેન મારફતે વોચમેનને કહેવડાવી દીધું છે, પણ એ ભૈયો થોડો વાયડો છે અને એને નીચેના ફ્લેટવાળી ચાંપલી સીતાડીએ મોંએ ચડાવેલો છે. ત્રણ મજૂર મેં રેડી રાખેલા છે તે ઘડીવારમાં સામાન ઉપર ચડાવી આપશે તું જોજે ને!”
આટલાં વર્ષે અમદાવાદ પહોંચતાં વેંત આટલી સુવિધા મળે એવો તો સ્વપ્ને ય ખ્યાલ ના આવે. મનોમન હું અને સુધા રજનીની વંદના કરી રહ્યાં. જો કે એણે ચેતવેલા એવું કાંઈ ના બન્યું. નીચેવાળા બહેને પોતે જાતે બહાર નીકળી ટ્રકને અંદર લેવડાવ્યો અને અમને બંનેને એમના ઘરમાં બેસાડી ચા પીવડાવી. એટલામાં રજની હાંફતો હાંફતો આવી પૂગ્યો.
“અરે યાર, તારા ફ્લેટમાં જ હતો. ક્યારનો રાહ જોતો હતો ત્યાં જરા આંખ મળી ગઈ. લિફ્ટ બંધ છે તે પગથિયાં ઉતરતાં ફીણ આવી ગયાં. ઓહો, સીતાબેન, તમે તો કાંઈ ચા મૂકી દીધી ને!” સીતાબેન મલક્યાં.
“લ્યો ભાઈ, તમે ય પીવો ને!” કહેતાં એમણે એને ય ચાનો કપ ધર્યો. એણે એક ઘૂંટડો ભર્યો અને એની જીભે સરસ્વતી બિરાજમાન થયાં.
“સીતાબેનનું કહેવું પડે હોં કે! લાખ રૂપિયાનું માણસ”, થોડા કલાકો પહેલાં ચાંપલી કહીને નવાજેલી સીતાબેન સામે અભિભૂત નજર નાખી એકી શ્વાસે ચા ગટગટાવી જઈ અમને સંબોધીને બોલ્યો. “ચાલો ત્યારે તમે બે જણ હવે ઉપર જઈ રિલેક્ષ થાઓ એટલામાં હું મજૂરોને કામે લગાડું અને આ ડ્રાઇવર લોકોને પણ ચા પીવડાવી આવું.”
એણે સીતાબેન ભણી શી ય નજર કરી કે એ તરત બોલી ઊઠ્યાં: “શું મારા ભાઈ તમે ય? અમે કાંઈ ડ્રાઈવરને ભૂલતા હોઈશું? એમની ચા પણ રેડી જ છે. લ્યો તમે આ પેપર કપ ભરતા જાઓ.”
અમારે તો સીતાબેન પર વારી જવું કે આ ડોલતા રમકડા ઉપર એ જ ન સમજાયું. બેનનો આભાર માનતા અમે એમના ફ્લેટની બહાર પગરણ કર્યાં.
“કંઈ પણ જરૂરિયાત હોય તો સંકોચ રાખ્યા વિના કહેજો હોં કે સુધાબેન! આટલે દૂરથી મુસાફરી કરી ને આવ્યા છો તે પાડોશી કામ નહિ લાગે તો બીજું કોણ લાગશે?”
રજની ઉવાચ્યો: “બિલકુલ સાચું હોં બેન! તમારા જેવા પાડોશી મળે તો બીજું શું જોઈએ કોઈને? આજકાલ તો પહેલો સગો પાડોશી.”
“…અને ભાઈ કરતાં ભાઈબંધ વધે એ નહિ, ભલા?” સીતાબેને સામે મસ્કો માર્યો, “આ જુવોને તમે કેટલા દિ’ થી દોડાદોડ કરો છો ભાઈબંધ માટે!”
નમ્રતાથી એમની સામે હાથ જોડી રજની કામે વળગ્યો. ત્રણ ચાર કલાકમાં તો અમારું ઘર એવું ગોઠવાઈ ગયું જાણે કેટલાય દિવસથી રહેતા ન હોઈએ. એણે પેલા ફર્નિચરવાળા ભાઈ સાથે મોબાઈલ પર વાતચીત કરી લીધી. એની સ્ફૂર્તિ જોતાં મને નવાઈ લાગી. એની લાવેલી રસોઈ જમી રહ્યા ત્યાં સુધીમાં એણે મજૂરો અને ટ્રક્વાળાના હિસાબ પતાવી એમને રવાના કરી દીધા.
“ભલે, તો હવે તમે બે જણ આરામ કરો. હું કાલે સવારે સાડા નવે હાજર થઇ જઈશ પછી આપણે ફર્નિચરવાળાને ત્યાં જઈ આવીશું.” કહી એ રવાના થઇ ગયો. ન કોઈ આભારવિધિની અપેક્ષા કે ન કોઈ ઔપચારિકતાની!
સવારે એ આવ્યો ત્યારે એની સાથેની વાતચીતમાં સાબુનું નામ નીકળી આવ્યું.
સાબુ. અમારા લંગોટિયા ભાઇબંધોમાં સહુથી મોખરાનું નામ. એનું ખરું નામ તો એની ફોઈએ સાર્થક પાડેલું. પણ એવું ભારેખમ નામ બોલતાં અમારી જીભ અચકાય એટલે એના નામના પહેલાં અક્ષર ‘સા’ સાથે એના પિતા શ્રીમાન બુલાખીદાસ નો ‘બુ’ જોડીને અમે સહુ એને ‘સાબુ’ના હુલામણા નામે જ બોલાવતા. એના રમતિયાળ સ્વભાવના કારણે એને એમાં કશું અજુગતું લાગતું નહિ. ઉલટાનો પોતાના તખલ્લુસના જાત જાતના રમૂજી ટુચકા બનાવી એ અમને ખૂબ હસાવતો. બધા સહપાઠીઓમાં એ સૌથી વધુ હોંશિયાર ગણાતો. ગણિતનો તો એવો ખાંટુ કે આગળના ધોરણવાળા છોકરાઓને શીખવાડે. સી.એ. થવાને લાયક હતો પણ એના પિતાની આર્થિક પરિસ્થિતિના કારણે એને વહેલા નોકરી લઇ લેવી પડી. તેજસ્વી ખરો એટલે એક જાણીતી બેંકમાં એને નોકરી મળી ગઈ. પછી તો બેન્કની ખાતાકીય પરીક્ષાઓ પાસ કરતો કરતો એ ત્રણ ચાર વરસમાં ઊંચા હોદ્દે પહોંચી ગયેલો એટલી મને ખબર હતી.
પરંતુ મેં રજનીને સાબુ વિશે પૂછ્યું તો એ જરા ખચકાયો હોય એવું લાગ્યું.
“ચાલ, હું તને રસ્તે જતાં એના વિશે વાત કરું.” કહેતાં એણે એના સ્કૂટરને કીક મારી. હું એની પાછળ બેસી ગયો.
“મારી કાર કાલ સાંજ સુધીમાં પહોંચી જશે.” હું બોલ્યો.
“અહીં અમદાવાદમાં ગાડીનો કોઈ ઉપયોગ નથી. તું જોજે ને! અહીંના ટ્રાફિકમાં અને ગલીઓમાં ગાડી ક્યાંય અટવાઈ જાય. અહીં તો આ રાજ્જા ટુવ્હીલર જ ચાલે.” એને સર્પાકારે સ્કૂટર ચલાવતો જોતાં મને સમજાઈ ગયું કે એ સાચું કહેતો હતો. ફર્નિચરવાળાની દુકાનને અઢેલીને એણે જે સિફતથી સ્કૂટર પાર્ક કર્યું એ જોઈને મને લેશમાત્ર શંકા ન રહી કે અમદાવાદમાં તો ટુવ્હીલર જ ચાલે.
ફર્નિચરની પસંદગી ફાઇનલ કર્યા પછી રજની મને કહે “યાર, મારે થોડું અરજન્ટ કામ પતાવવાનું છે તો તું અહીં સામેથી જ બીઆરટીએસ લઇ ઘરે જતો રહીશ?” મોબાઈલ ફોન ખિસ્સામાં ગોઠવતાં એ બોલ્યો: “આપણે કાલે ફરી મળીએ, ઓકે?”
ફરી એ જ પરિચિત વર્તન—ના કોઇ સોરી કે ના ક્ષોભ. પોતાની આગવી ઈમેજને છાજે એવી રીતે મારા પ્રતિભાવની રાહ જોયા વિના એ ત્યાંથી છટક્યો. મને પોતાને પણ નવાઈ લાગી કે એના આવા વર્તનથી મને કાંઈ ખાસ આશ્ચર્ય કેમ ન થયું.
ઘરે જવાની ઉતાવળ નહોતી એટલે મેં અમદાવાદની નવી દુનિયાનો પરિચય કેળવવાના હેતુથી શહેરની લટાર મારવાનું નક્કી કર્યું. રજનીએ અગાઉ આપેલી માહિતી મુજબ શહેરના નવવિકસિત વિસ્તારનો જાત અનુભવ કરવા રિક્ષાવાળાને કહ્યું કે મને એકસો બત્રીસ ફૂટ રીંગ રોડ ઉપર થઇને ગાંધી આશ્રમ લઇ જા.
અમે નાના હતા ત્યારનું આ અમદાવાદ નહોતું. અમારા જમાનામાં આ વિસ્તાર તદ્દન ભેંકાર લાગતો હતો. યુનિવર્સિટીથી આગળ અમારી તરફ કોઈ જતું જ નહોતું કેમકે અહીં નર્યો રેતીનો પટ હતો અને બાકીનાં ખેતરો હતાં. આજે તો અહીં મોટા રસ્તા, મોટા મોલ અને મલ્ટિપ્લેક્ષ સિનેમાઘરો આવી ગયાં હતાં. દુનિયાભરનાં ક્વિઝીન પીરસતાં હોટેલ-રેસ્ટોરાંની ભરમાર લાગી હતી. એએમટીએસની બસોને ચેલેન્જ કરતી બીઆરટીએસ માટે સ્પેશ્યલ કોરિડોર બની ગયા હતા. ઠેકઠેકાણે ઓવરબ્રિજ અને અન્ડરપાસ ઊભા થઈ ગયેલા હતા. જુના અમદાવાદીઓ આ વિસ્તાર માટે પરદેશી બની ગયા હતા.
મારાવાળી રિક્ષા ખખડધજ હતી એટલે એનો ચાલક ઓવરબ્રિજ ચડાવવાના બદલે નીચેથી જ ચલાવતો હતો. એવા એક ઓવરબ્રિજ નીચેથી મારી રિક્ષા પસાર થતી હતી ત્યાં અચાનક મારી નજર એના ઉપર પડી. કોઈ અગમ્ય આશંકાનું એક લખલખું મારા શરીરમાંથી પસાર થઇ ગયું. સાબુ! જરૂર એ સાબુ હતો. ના, ના. કેવી રીતે હોઈ શકે એ? અહીં? બ્રિજની લગોલગ શરુ થતી એક ઝુંપડપટ્ટીના નાકે એ એક લારી લઈને ઊભો હતો! અસંભવ. એક સમયનો બેંકનો ઉચ્ચ અધિકારી સાબુ આવી વસ્તીમાં અને એ ય પાછો આમ લારી લઈને કેવી રીતે ઊભો હોઈ શકે? જરૂર મારી કોઈ ભૂલ થાય છે. ચાળીસ બેતાળીસ વરસમાં એનો ચહેરો મહોરો ય ના બદલાયો હોય? નક્કી એ સાબુ નથી, મારો ભ્રમ છે.
વિચારોમાં ક્યારે ગાંધી આશ્રમ આવી ગયો એની ખબર ન પડી. રિક્ષાવાળાને પૈસા ચૂકવી હું આશ્રમમાં પ્રવેશ્યો. મહાત્માજીનાં લાઈફ સાઈઝ કટ આઉટ્સ નીહાળતાં મને લઘરવઘર સાબુની અલપ ઝલપ ઝાંખી યાદ આવી ગઈ. શું એ ખરેખર સાબુ હતો? જો એ જ હતો તો એ ત્યાં શું કરતો હતો? એક સફળ બેંક મેનેજરની આવી બદતર હાલત શા કારણે થઇ હશે? ગાંધી બાપુ રહેતા હતા એ હૃદયકુંજના આંગણામાં બેઠા બેઠા ગાંધીજીનું ચિંતન કરતાં ફરી સાબુના વિચારો હાવી થઇ ગયા. સામેની ઓરડીમાં ભૂદાન ચળવળના પ્રણેતા આચાર્ય વિનોબા ભાવે રહેલા એ જોઈ મને અમદાવાદની ધરતીની પવિત્રતાનો સાક્ષાત્કાર થયો. કેવા કેવા જાદુગરો આ ધરતી પર પાક્યા છે? ગાંધી બાપુ હાકલ કરે અને લોકો પોતાનાં વિદેશી કપડાંની હોળી કરી દે; વિનોબાજી હાકલ કરે અને જમીનદારો પોતાની કિંમતી જમીન દાનમાં આપી દે! આ ચમત્કાર નથી તો બીજું શું છે? મહાત્માઓની આ ધરોહરને વાગોળતાં પણ પેલો સાબુ દિમાગમાંથી હટ્યો નહીં. એ પવિત્ર સ્થળે સાચા મનથી પ્રાર્થના કરી કે એ સાબુ ન હોય તો સારું ભગવાન.
સવારે રજનીનો ફોન આવ્યો. કાલે બપોર સુધીમાં ફર્નિચરની ડીલીવરી થઇ જશે એ કન્ફર્મ કરતો હતો. મેં સાબુ વિશે પૂછપરછ કરવાની તક લઇ લીધી.
“એક્ચ્યુઅલી હું ઘણા વખતથી એના ટચમાં નથી.”, એણે મને કહ્યું. “પણ મને એટલી ખબર છે કે એની બેંકમાં એ ઘણા ઊંચા હોદ્દે પહોંચેલો. એનો દીકરો આઇટીનું ભણીને બેંગલોરમાં ઘણા સારા પગારની નોકરી કરે છે. પરંતુ હંમેશા હસતો રમતો રહેનાર સાબુ અચાનક એની પત્નીના અકાળ અવસાન બાદ બિલકુલ ગમગીન રહેવા લાગ્યો હતો. મેં એને ઘણીવાર રમૂજ કરી ખુશ કરવા કોશિશ કરેલી પણ એના વર્તનમાં ખાસ ફેર નહિ પડેલો.ઉલટાનો એ મારાથી દ્દૂર ભાગવાની કોશિશમાં રહેતો હોય એવું મને લાગતું. મને લાગ્યું કે ચોક્કસ આ ડીપ્રેશનમાં જઈ ગાંડો થઇ જશે. પછી તો એ દેખાતો બંધ થઇ ગયો. મને એમ કે એની બીજે ક્યાંક બદલી થઇ હશે કાં એ એના દીકરા જોડે રહેવા બેંગલોર જતો રહ્યો હશે એટલે મેં એની પાછળ પડવાનું માંડી વાળ્યું. પણ એની બેંકમાં એક મહેશભાઈ છે એ મને સારી રીતે ઓળખે છે. આપણે એમની પાસેથી કદાચ સાબુની માહિતી મેળવી શકીએ ખરા.”
“રજની, મને લાગે છે કે કાલે મેં સાબુને જોયો,” અચકાતાં અચકાતાં મેં ધડાકો કર્યો.
“શું વાત કરે છે?” ફોનમાં પણ એના આશ્ચર્યનો રણકાર મારા કર્ણપટલને ધ્રુજાવી ગયો. એ તો ઉત્સાહમાં આવી ગયો.
“ક્યાં? ક્યાં જોયો તેં એને? ચોક્કસ એ જ હતો?”
“હોવો તો એ જ જોઈએ પણ મારી રિક્ષાની સ્પીડના કારણે ચોક્કસ ન કહી શકું.” મેં કહ્યું અને મને શંકા કેમ છે એનાં કારણો બતાવ્યાં.
“ન હોય યાર. ઝુંપડપટ્ટીમાં સાબુ? લારીવાળો? જરૂર તારી કોઈ ભૂલ થતી હશે.”
“હું ય ઈચ્છું છું કે એ મારો ભ્રમ હોય.” મેં સહાનુભૂતિ વ્યક્ત કરી.
રજની અધીરો થઇ ગયો. “હું હમણાં જ તારે ઘેર આવું છું. ચાલ આપણે સ્થળ ઉપર જઈને ખાતરી કરી આવીએ કે એ સાબુ જ હતો કે બીજું કોઈ. તું જમીને તૈયાર રહેજે કેમકે આપણને એની ભાળ મળતાં કદાચ મોડું પણ થાય.”
અમે નીકળ્યા ત્યારે રજનીએ ડહાપણની વાત કરી. “ધાર કે ખરેખર એ સાબુ જ હોય તો આપણને જોઈ બધાની વચ્ચે એને સંકોચ નહિ થાય?”
મેં માથું ખંજવાળ્યું.
“આપણે એક કામ કરીએ. એનાથી છૂપાઈને આઘે રહી એની કરમકથની જોઈએ.પછી એ એકલો હોય ત્યારે એની સાથે વાત કરીશું.”
મને અમારા શેરલોક હોમ્સ ઉપર ભારે ગૌરવ થયું. પરંતુ ગઈકાલવાળા સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં સાબુ કે એની લારી નહોતા.
“તને ચોક્કસ ખાતરી છે કે આ એ જ જગ્યા છે?”
“હા, કેમકે એ ઊભો હતો એની પાછળ જ નિરમાનું આ તોતિંગ હોર્ડિંગ હતું.” હોર્ડિંગના થાંભલા પર હાથ પસરાવતાં મેં કહ્યું, “અને રોડથી કેટલું નજીક છે આ?”
“લાગે છે એ કદાચ રોજ નહિ આવતો હોય.” એણે હતાશ ચહેરે કહ્યું, “ચાલ આપણે આ સામેના ગલ્લાવાળાને પૂછી જોઈએ. પણ પહેલાં ચા પીવી પડશે યાર.” મને એના પર હસવું આવ્યું.
ગલ્લે પહોંચ્યા અને ચાનો ઓર્ડર કર્યો. ગલ્લાની નજીકમાં બે આખલા શીંગડાં ટકરાવતા હતા. મેં ગલ્લાવાળાને પૂછ્યું, “ચાચા, આ મારશે તો નહીં ને?”
એણે પોતાની લહેરાતી દાઢી પર હાથ ફેરવતાં કહ્યું, “ યે તો ઇનકા રોજકા હૈ, ડરણે જૈસા કુચ નહિ સા’બ.” જો કે મારી નજર એમના પરથી હટવાનું નામ નહોતી લેતી.
એને બીજું કશું પૂછીએ એ પહેલાં દૂર સાબુનો ચિરપરિચિત અવાજ કાને અફળાયો. અમે ચોંકીને પાછળ ફરી નજર કરી તો પેલા હોર્ડિંગ પાસે લારી ઊભી કરી સાબુ થોડે આઘે એક ઝાડના ટેકે ઊભો હતો. લારીમાં પડેલા મેગાફોનમાંથી એનો રેકોર્ડ કરેલો અવાજ આવી રહ્યો હતો.
“ચાલો, ચાલો. આ પેકેટો ઊઠાવવા માંડો જલદી, જલદી.”
એની દૃષ્ટિમર્યાદાની બહાર ગલ્લે ઊભેલા અમે બે જણા ડઘાયેલી નજરે ચુપચાપ એનો ખેલ જોઈ રહ્યા. ઘડીવારમાં ત્યાં ખાસ્સું ટોળું એકઠું થઇ ગયું. લોકો લારીમાંથી જે હાથ લાગ્યું એ પડીકું ઉઠાવી રવાના થવા લાગ્યા. હોર્ડિંગના થાંભલે એક થેલો લટકતો હતો એ કદાચ સાબુએ આવીને લટકાવ્યો હશે. એ થેલામાં જેને જે ઠીક લાગ્યું એ નાખતા જતા હતા તો કોઈ વળી પડીકાં લઇ બારોબાર નીકળી જતા હતા. થોડીવારમાં આખી લારી ખાલી થઇ ગઈ.
ત્યાં તો પેલા આખલા આક્રમક બન્યા એટલે ચાચાએ અમને ગલ્લાની અંદર આવી જવા ઇશારો કર્યો અને પોતે હાથમાં ડંગોરો પછાડતા આખલાઓને આઘે હાંકી આવ્યા. પાછા આવી અમારા ચહેરા પરના ભાવ કળી જઇ કહે:
“ઐસે પાગલ કબ્બી નહીં હુવે આજ તક. અબ તો સાલોં કો પાંજરાપોળ ભીજવા દેવા પડેગા.”
પણ આ ધાંધલ દરમિયાન પણે સાબુ એનો થેલો ઉતારી લારી અને મેગાફોન સાથે ગાયબ થઇ ગયેલો.
“એટલામાં ક્યાં છૂ થઇ ગયો સા…?” રજનીથી રહેવાયું નહિ. એણે ગલ્લાવાળાને સીધો સવાલ કર્યો:
“પેલા બોર્ડ નીચે લારીવાળા ભાઈ કોણ હતા? અને એણે લારીનો માલ પૈસા લીધા વિના સહુને ફટકારી માર્યો? તમે જાણો છો એને?”
જવાબમાં ચાચાએ અસ્સલ મુસલમાની અંદાઝમાં આકાશ ભણી નજર નાખી અલ્લાહની ઇબાદત કરતા હોય એમ પોતાના હાથ ઉપર ઉઠાવ્યા અને કહ્યું:
“ફરિશ્તા હૈ કોઈ, સાબ. હર રોજ ઇસ વક્ત ઇધર આતા હૈ ઔર ઐસે હી બીના બોલે-ચાલે મુફ્તમેં ફૂડ પેકેટ બાંટતા રહેતા હૈ. અગર કોઈ ચાહે તો જો બી મન કરે ઉસ થૈલેમેં ડાલ દેતા હૈ. વો ઉધર નજર બી નહિ કરતા ઔર લેકે વાપસ ચલા જાતા હૈ. મૈં કભી પેકેટ નહિ લેતા ફિર બી કભી કભી જાકે ઉસકે થૈલેમે કુચ ન કુચ ડાલતા રહેતા હું. કિસીસે કબ્બી કુચ બાત નહીં કરતા ઇસ લિયે માલૂમ નહીં વો કહાંસે આતા હૈ ઔર કહાં જાતા હૈ. ગૂંગાબહેરા હૈ શાયદ.”
અમે બેઉ એક બીજાના મોં સામે તાકી રહ્યા. રજની ઉછળી પડયો.
“ચાલ આપણે હાલ જ એની બેંકમાં જઈ પેલા મહેશભાઈને મળીએ અને સાબુ વિશે માહિતી કઢાવીએ.”
મારી ય ઉત્કંઠા એની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. હું એના સ્કૂટરની પાછળ બેસી ગયો. થોડા સમય પછી અમે બેંકમાં હતા. રજની મહેશભાઈને લઈને કોન્ફરન્સ રૂમમાં આવ્યો. એમણે ઘટસ્ફોટ કર્યો.
“સાર્થકભાઈ ભાભીના ગયા પછી અડધા તૂટી ગયેલા. પણ જયારે એમના પુત્રના અવસાનના સમાચાર આવ્યા ત્યારે એ માનસિક રીતે બિલકુલ ભાંગી પડયા હતા.”
“પણ એમનો દીકરો તો બેંગલોર નોકરી કરતો હતો ને? સાંભળ્યું હતું કે એ બહુ મોટા પગારવાળી નોકરી હતી એની.” રજનીએ શંકા વ્યક્ત કરી. “શું થયું હતું એને?”
“આ બધા આઈટીવાળા દિવસ રાત જોયા વિના કામ કરે અને ખાવાપીવાનું ધ્યાન ન રાખે. રોજ એ છોકરો એની ઓફિસ નીચે ઊભી રહેતી લારીઓમાંથી ટાઈમ બે ટાઈમ જે મળે એ ખાઈ લેતો. એમાં એને એક દિવસ કોલેરા થઇ ગયો. તપાસ કરાવતાં ખબર પડી કે એના લીવરમાં પોઈઝન થઇ ગયેલું હતું. ઓપરેશન થયું પણ સફળ ન રહ્યું અને એ બિચારો પ્રભુને પ્યારો થઇ ગયો.”
“એના આઘાતમાંથી સાર્થકભાઈ બહાર નીકળી ના શક્યા. એમણે નોકરી છોડી દીધી અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવાનું આજીવન વ્રત લઇ લીધું. કહે છે, આટલા જણ તો શુદ્ધ ખોરાક લેશે ને! હવે આ બધા મારા દીકરાઓ છે અને એમને ફૂડ પોઈઝનથી મરવું ન પડે એ જોવાની મારી જવાબદારી છે.” મહેશભાઈએ ઉંડો શ્વાસ લીધો.
“કોઈની ય પાસેથી દાન લીધા વગર આ કામ કરવાનો આગ્રહ એટલે એમના પેન્શનમાંથી પહોંચે એટલાં ફૂડ પેકેટો રોજેરોજ તૈયાર કરી તમે જોઈ આવ્યા એવી વસ્તીમાં જઈ મફત વિતરણ કરે છે. પોતે પણ એ જ પેકેટમાંથી જમે છે; એક જ વાર ખાય છે. જે કોઈ એમના થેલામાં જે રકમ મૂકે તે આ ફંડમાં પાછી ભરે છે. નથી ક્યાંય જતા કે નથી કોઈની સાથે વાતચીત કરતા. બસ ઓલિયાની માફક આ મિશન પાર પાડે છે. મારા સિવાય બીજા કોઈને આ વાતની ખબર નથી. પરંતુ એ મારી મારફત એમના પેન્શન ફંડનું મેનેજમેન્ટ કરે છે એટલે મને ખબર છે. હું જાણું છું કે તમે એમના અંતરંગ મિત્ર છો એટલે જ મેં તમને આ વાત કરી.”
માથે હાથ દેતાં રજની બોલી ઉઠ્યો: “સાબુડા, તેં તો ભારે કરી. આટલા વર્ષે પણ નવું ગણિત ભણાવી તેં અમને વગર સાબુએ ધોઈ નાખ્યા!”
મારી નજર સમક્ષ આશ્રમમાં જોયેલી ભૂદાન ફેઈમ વિનોબાજીની ઓરડી તરવરી ઊઠી. અવશ્ય અમદાવાદની ભૂમિમાં કૈંક હીર ભર્યું છે તે અહીં આવા વિરલા પાકે છે.
પ્રકાશ સોની : અમદાવાદ (હાલ Chicago, USA) : prakash_hsoni@yahoo.com
શ્રી પ્રકાશ સોનીનો પરિચય
પ્રકાશભાઈએ સિત્તેર-એંસીના દાયકામાં ચાંદની અને સૌરસથી શરુ કરેલ લેખન કાર્ય LICમાં મેનેજરની જવાબદારી નિભાવતાં વિલંબિત પડ્યું , ત્યારબાદ નિવૃત્તિકાળમાં તેમની સાહિત્યયાત્રાને વધુ વેગ મળ્યો.
તેમણે ઓનલાઈન મેગેઝીન ‘પ્રતિલિપિ’ માં બે રચનાઓ સ્વયંપ્રકાશિત કરી છે. તાજેતરમાં પુનઃ આરંભ કર્યો ત્યારથી સાંપ્રત સમાજજીવનનાં વિવિધ પાસાંને આવરી લેતી કથાશ્રેણી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રાજુલ કૌશિક – સંપાદક,ગદ્ય વિભાગ, વેબ ગુર્જરી
વેબ ગુર્જરીના ગદ્ય વિભાગમાં પ્રકાશન સારૂ વિચારણા કરવા માટે આપની નવલિકા, ટચુકડી વાર્તાઓ કે વિવેચન કે વર્ણનાત્મક રેખાચિત્ર જેવી, વર્ડ ફાઈલ ફોર્મેટમાં, યુનિકોડ ફોન્ટમાં ટાઈપ કરેલ, ગદ્ય સાહિત્ય કૃતિઓ ગદ્ય વિભાગનાં સંપાદકોને નીચેના વીજાણુ સરનામે મોકલવા વિનંતિ છે-
કેપ્ટન નરેન્દ્ર ફણસે : captnarendra@gmail.com
રાજુલ કૌશિક શાહ : rajul54@yahoo.com
ખૂબ જ સરસ, પ્રકાશભાઈ !