ફિર દેખો યારોં : શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ

બીરેન કોઠારી

સ્વાતંત્ર્ય પછીની અનેક પેઢીઓ ભણતી રહી કે ભારત ખેતીપ્રધાન દેશ છે. આ વિધાનની મારીમચડીને રમૂજ પણ ખૂબ થતી રહી. છેલ્લા ઘણા વખતથી લાગે છે કે ભારત ઉત્સવપ્રધાન દેશ છે અને દેશનો સર્વકાલીન ઉત્સવ છે ચૂંટણી. કોવિડની મહામારીની અસરમાંથી હજી પૂરેપૂરા બહાર આવી શકાયું નથી કે તરત ચૂંટણીની ઉજવણીઓ ચાલુ થવા લાગી. હજી થોડા મહિના અગાઉ અભૂતપૂર્વ લૉકડાઉનને કારણે સમગ્ર રાષ્ટ્ર થંભી ગયું હતું અને લોકો બંધબારણે પૂરાઈ રહ્યા હતા એ પરિસ્થિતિ જાણે કદી હતી જ નહીં એવું હાલની સ્થિતિ જોતાં જણાય. રાષ્ટ્રની જીવાદોરી ગણાતી ટ્રેનસેવા હજી પૂર્ણરૂપે ચાલુ થઈ શકી નથી એ દર્શાવે છે કે થંભી ગયેલું રાષ્ટ્ર હજી સંપૂર્ણપણે ગતિમાં આવ્યું નથી.

પૂરેપૂરું લૉકડાઉન હતું કે ત્યાર પછી અંશત: લૉકડાઉન થયું ત્યારે પણ નેતાઓ લાજ મૂકીને ટોળેટોળાં એકઠાં કરતા રહ્યા હતા. નેતાઓ તો કહે, પણ તેમના આદેશને માન આપીને જે લોકો ટોળે વળે એમની માનસિકતાનો સવાલ હતો. એ પછી પરિસ્થિતિ સાવ સામાન્ય થઈ ન હતી, અને નેતાઓએ પંચાયતની ચૂંટણીઓમાં ફરી ટોળાં એકઠાં કર્યાં. આટલું ઓછું હતું એમ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ક્રિકેટ મૅચ યોજાઈ એમાં પણ લોકો ઉમટી પડ્યા. હવે કોરોનાની લહેર ફરી શરૂ થઈ છે ત્યારે એવી દલીલ કરવામાં આવે છે કે નેતાઓએ એકઠા કરેલાં ટોળાં કે સ્ટેડિયમમાં યોજાયેલી મેચ આ માટે જવાબદાર નથી, કેમ કે, મહારાષ્ટ્રમાં નથી ચૂંટણી કે નથી મેચ, છતાં કોરોનાના કેસ વધુ છે. યુરોપમાં પણ એ સ્થિતિ છે. રોગના ફેલાવાના મૂળ કારણને લગતી આ દલીલને કદાચ સાચી માની લઈએ તો પણ મુખ્ય મુદ્દો અલગ છે.

એક તરફ એકલદોકલ નાગરિકોને દંડવાનું વલણ હજી ચાલુ રહ્યું છે, અને આ રીતે નેતાઓ દ્વારા એકઠા કરાતા ટોળા કે ક્રિકેટ મેચમાં લોકો ઉમટે એની સામે આંખ આડા કાન કરવામાં આવે છે. ત્રણેક મહિના અગાઉ આ કટારમાં લૉકડાઉન ઘોષિત થયું ત્યારથી લઈને ડિસેમ્બરની 5 મી સુધીમાં 93.56 કરોડની રકમ ગુજરાત પોલિસે નાગરિકો પાસેથી માસ્ક નહીં પહેરવાના દંડ પેટે વસૂલી હોવાનું જણાવાયું હતું. રકમનો આ આંકડો આંકડો ડી.જી.પી. આશિષ ભાટિયાના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.

દસેક દિવસ પહેલાં ગુજરાત સરકારે એપ્રિલ, 2020થી સપ્ટેમ્બર, 2020 દરમિયાનના છ મહિનામાં એકઠા થયેલા દંડની રકમ 168 કરોડ જણાવી છે. આ રકમ માસ્ક નહીં પહેરવા પેટે વસૂલાયેલી છે. સરકારના સમર્થકો એવી દલિલ કરતા હોય કે ચૂંટણી કે ક્રિકેટ મેચ બાબતે સરકારનો વાંક કઢાય એમ નથી. તો પછી દંડ બાબતે આવું શા માટે? સરકાર શા માટે હજી કોવિડ-19ની સમસ્યાને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગણે છે અને એ અનુસાર નાગરિકોને દંડે છે?

ધારી લઈએ કે લોકોની ભીડથી કોરોના પ્રસરતો નથી, તો પણ એ એક મહત્ત્વનું પરિબળ છે એ હકીકત છે. આમ છતાં, કેટલાંક સ્થળો એવાં હોઉ છે કે જ્યાં ભીડ ટાળી શકાતી નથી. જેમ કે, રેલ્વે સ્ટેશન, બજાર વગેરે…રેલ્વે સેવાઓ અંશત: ચાલુ રાખવાનું કારણ જ આ છે. ચૂંટણીપ્રચાર કે ક્રિકેટ મેચ કંઈ એવી અનિવાર્ય આવશ્યકતા નથી કે એના વિના ચાલે નહીં. ત્યાં એકઠાં થતાં ટોળાં સાવ બિનજરૂરી છે. એ ટોળાંને અવગણવામાં આવે અને અન્ય નાગરિકોને દંડવામાં આવે એ વલણ સમજાતું નથી. માત્ર છ જ મહિનામાં અધધધ કહી શકાય એટલી રકમ વસૂલી લેવી અને એ જ કાનૂનભંગ રાજકીય પક્ષોના કાર્યકરોને લાગુ ન પાડવો એ વિચિત્રતા સમજી શકાય એમ નથી. અલબત્ત, એટલું અવશ્ય સમજી શકાય છે કે કાનૂનભંગ અને દંડ કેવળ નાગરિકોને લાગુ પડે છે. રાજકીય પક્ષો આમાંથી બાકાત છે. આપણા દેશની, રાજ્યની, અધિકારીઓની અને નાગરિકોની તાસીર જાણતા હોવાથી એ પણ સમજાય છે કે આટલી રકમ અધિકૃત રીતે એકઠી થયેલી છે. કાનૂનભંગ બદલ પકડાયા હોય અને દંડની રસીદ બનાવડાવવાની પળોજણમાં ન પડ્યા હોય એવા નાગરિકોનું પ્રમાણ અનેકગણું હશે!

ભીડથી કોવિડના પ્રસરવાના મુદ્દાને બાજુએ મૂકીએ તો પણ દંડના આવાં બેવડાં ધોરણનો શો ખુલાસો હોઈ શકે? આ નિમિત્તે એકઠી થયેલી દંડની રકમ શું કોવિડની સારવારને લગતી સુવિધાઓ પાછળ ખર્ચાવાની છે? વિવિધ સરકારી ઈસ્પિતાલોની માળખાકીય સુવિધાઓ બહેતર બનાવવાનું કોઈ આયોજન છે? એમ હોય કે ન હોય, દંડના ધોરણ બાબતે સમાનતા કેમ ન હોય? સૌથી પાયાની વાત તો એ કે ભીડ એકઠી થવાથી કોરોના પ્રસરતો જ ન હોય તો પછી દંડ શા માટે? દંડ પેટે અધિકૃત રીતે એકઠી થયેલી આટલી જંગી રકમ જોતાં સરકાર હવે તેને આવકનો મહત્ત્વનો સ્રોત લેખવા માંડે એ વાસ્તવિકતા દૂર નથી.

ઉત્સવ અને ઉજવણીનો નશો લોકોને એવો ચડવા લાગ્યો છે કે સરકાર સામે સવાલ ઉઠાવનારને જ જ સવાલ પૂછવામાં આવે છે. અને આ પવિત્ર ફરજ સરકાર વતી કેટલાક નાગરિકો બજાવી રહ્યા છે એ જોઈને આશ્ચર્ય થાય. નાગરિકોના કમનસીબે વિરોધ પક્ષ એટલો નબળો પુરવાર થઈ રહ્યો છે કે જાણે એનું અસ્તિત્ત્વ જ ન હોય. સરકાર તો પોતાની ઉજવણીમાં એવી ગુલતાન છે કે આ રીતે એકઠી થયેલી દંડની રકમને પણ તે પોતાના નાગરિકોની આર્થિક સમૃદ્ધિ ગણાવીને તેની ઉજવણી કરે! આપણા ઉત્સવપ્રધાન દેશમાં હવે સમય એવો આવ્યો છે કે કોઈ નાગરિક ઘરની બહાર પગ મૂકે અને કશાનો પણ દંડ ભર્યા વિના સલામત પાછો ઘેર આવે તો એની પણ એ ઉજવણી કરશે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫-૩–૨૦૨૧ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

2 thoughts on “ફિર દેખો યારોં : શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ

  1. પણ માત્ર વ્યક્તિ પૂજા માં જ માનનારી આપડી મૂઢ પ્રજા ધર્મ થી આગળ કઈં વિચારી શકતી નથી .

  2. બિરેનભાઈ , તમારી વાત સાથે સંપૂર્ણ સંમત છું .

Leave a Reply to ઉલ્લાસ હસમુખલાલ ચીથરીયા Cancel reply

Your email address will not be published.