નીનુ મઝુમદારની હિંદી ફિલ્મ ગીત રચનાઓ એમના જ સ્વરમાં – પલભર કી આપ સે પહેચાન [૧]

સંકલન – અશોક વૈષ્ણવ

નિરંજન મઝુમદાર (જન્મ ૯-૯-૧૯૧૫ | અવસાન ૩-૩-૨૦૦૦)નું હુલામણું નામ ‘નીનુ’ જ જેમની ઓળખ બની ગયું હતા એવા નીનુ મઝુમદારે વીસ જેટલી હિંદી ફિલ્મમાં સંગીત આપ્યું. તે સાથે તેમણે ૨૮ જેટલાં પોતે સંગીતબધ્ધ કરેલાં હિદી ફિલ્મોનાં ગીતો ગાયાં, અને એક ફિલ્મનાં ગીતો લખ્યા અને એક ફિલ્મનું દિગ્દર્શન પણ સંભાળ્યું. 

નીનુ મઝુમદારનો જન્મ તે સમયે આખા સમાજનાં ઊંચાં શિક્ષણનાં સ્તર માટે જાણીતી નાગર કોમમાં થયો હતો. તેમના પિતા પણ નાટકકાર હોવાની સાથે મુંગી ફિલ્મોનાં દિગ્દર્શક પણ હતા.  ૧૯૪૩ની ફિલ્મ ‘તાનસેન’માં નાગ્રેન્દ્ર મઝુમદારે કે એલ સાયગલ સાથે એક નાનકડી કોમેડી ભૂમિકા પણ ભજવી હતી.

આવાં કળાકાર કુટુંબમાં બાળક નીનુનું બાળપણ,તે સમયનાં ગાયકવાડી રાજ્ય બરોડામાં  તેમનાં માતામહીની નિશ્રા હેઠળ વિકસ્યું. તેમનાં નાની પણ એક પ્રખર સુધારાવાદી હતાં. કિશોર નીનુની શરૂઆતની સંગીત તાલીમ ઉસ્તાદ ફૈયાઝ ખાં સાહેબ અને ઉસ્તાદ ઈમામ ચિલ્લી ખાં સાહેબ હેઠળ થઈ.

૧૯૩૧માં નીનુ મઝુમદાર પોતાનાં માતાપિતાસાથે આવીને ઠરી ઠામ થયા. અહીં તેમને અનેકવિધ ફિલ્મ જગતની હસ્તીઓને મળવાનું થયું. આ જ વર્ષોમાં તેમનો રવિન્દ્ર સંગીત સાથે પણ પરિચય કેળવાયો. અમુક વર્ષો તેમને ઉત્તર પ્રદેશમાં પણ રહેવાનું થયું હતું. અહીં તેમનો સંબંધ લોક સંગીત  તેમજ ચૈતી, હોરી, ઠુમરી, દાદરા જેવાં અર્ધશાસ્ત્રીય સંગીત સ્વરૂપ સાથે પણ કેળવાયો.

તે પછી બહુ ઓછા સમયમાં જ તેમને હિંદી ફિલ્મોનું સંગીત નિદર્શન કરવાની પણ તક સાંપડી. સંગીતના ક્ષેત્રમાં તેઓએ ગાયકી, ગીતલેખન અને સંગીત સર્જન એમ ત્રણ કક્ષાએ કામ કર્યું. ગુજરાતી સુગમ સંગીતના તેમના સમકાલીન અવિનાશ વ્યાસ તેમને स्वर (ભારતીય શાસ્ત્રીય સંગીતના પાયા સ્વરૂપ સાત સ્વરો), शब्द (ગીતના બોલ) અને सूर (નાદ)એમ ત્રણ પાંદડાંનું ‘ત્રિદલ (બીલીપત્ર)’ કહે છે.

ફિલ્મ જગતની અનિશ્ચિતતાએ તેમને ૧૯૫૪માં ઑલ ઈન્ડીયા રેડીયો (AIR)નું આમંત્રણ સ્વીકારવા ભણી વાળ્યા. અહીં તેમની સર્જનાત્મકતા સોળે કળાએ ખીલી. તેમણે રેડીયોનાં માધ્યમથી ગુજરાતી સુગમ સંગીતના રંગપટ અનેક નવી પ્રતિભાઓ ખીલવી. પરિણામે સુગમ સંગીત લોકભોગ્ય બન્યું. તેઓ મરાઠી, હિંદી અને ગુજરાતી કવિઓને પણ રેડીઓ પ્રોગ્રામો માટે તેમની રચનાઓ આપવા મનાવી લીધા. આમ રેડીઓ પરનાં ગુજરાતી સુગમ સંગીતનો વ્યાપ તેઓએ વધારે વિસ્તાર્યો અને ઊંડો પણ કર્યો. સલીલ ચૌધરીનાં બોમ્બે કૉયર ગ્રૂપની મદદથી તેમણે ગુજરાતી સુગમ સંગીતમાં સમુહગાનના પણ સફળ પ્રયોગો કર્યા. ઑલ ઈન્ડીયા રેડીયોના એક બહુ જ જાણીતા અને લોકપ્રિય કાર્યક્રમ ‘જયમાલા’ શરૂ કરવાનું પણ શ્રેય તેમના નામે છે.

AIRની બહુઆયામી સેવાનાં ૨૦ વર્ષ પછી નિવૃત્તિ લીધા પછી પણ નવું શીખવાની અને નવા પ્રયોગો કરવાની તેમની તરસ છીપાવવા તેઓ સંસ્કૃત પણ શીખ્યા. 

+          +          +          +          +          +          +

નીનુ મઝુમદારની ૨૧મી પુણ્યતિથિએ તેમની યાદને જીવંત રાખવા આપણે તેમણે પોતાનાં જ સંગીતમાં પોતે જ ગાયેલાં ગીતોને યાદ કરીશું.

હાય હાય હાય હાય દિલ કો લે ગયા ચોર…અબ જાઉં મૈં કિસ ઓર – બ્લેક આઉટ (૧૯૪૨) – રહમત બાઈ સાથે – ગીતકાર: વહિદ ક઼ુરેશી

ગીતનો ઉપાડ પાશ્ચાત્ય ધુન પરની ઝડપી તાલનાં વાદ્યવૃંદવાદનથી થાય છે. મુખડાનો ઉપાડ નીનુ મઝુમદાર એ જ લયમાં કરે છે. એ પછી અંતરામાં રહમત બાઈ થોડી ધીમી લયમાં ગીતનો સાથ કરે છે.

આમ એમ કલ્પના કરી શકાય કે પરદા પર પુરુષ પાત્ર ક્લબમાં નાચગાનમાં વ્યસ્ત હશે અને ઘરે તેની પ્તની એકલી એકલી લાચારીના સુર વહાવતી હશે.

સાજન આઓ ચલેં કહીં દૂર, ઈસ નીલે આકાશ કે નીચે – બ્લેક આઉટ  (૧૯૪૨) – લીલા સાવંત સાથે – ગીતકાર: વહિદ ક઼ુરેશી

યુગલ ગીતનો ઉપાડ ટ્રમ્પેટ જેવાં વાદ્યથી થાય છે જે પછીથી કાઉન્ટર મેલોડીમાં પણ સંગત કરે છે. ગાયન ધીમે ધીમે ઊંચા સુરમાં જાય છે એકંદરે પ્રેમી યુગલ સાથે મળીને ભાવિનાં સ્વપ્ન જોઈ રહ્યાં તેની ઉત્તેજના આપણને પણ સ્પર્શી જાય છે.

મૌજ કરે દુનિયા આનંદી બહાર…ફૂલોંસે મૌજ કરેં – અમાનત (૧૯૪૩) – જ્યોતિ અને હરીશ સાથે – ગીતકાર: હજ઼રત આરઝૂ લખનવી

જ્યોતિ અને હરિશ તો ફિલ્મનાં મુખ્ય પાત્રોને પરદા પર ભજવે છે. તે સાથે આ ત્રિપુટી ગાયનમાં નીનુ મઝુમદાર પાર્શ્વગાયક તરીકે જોડાય છે.

ગીતનો પૂર્વાલાપ જ આપણને ગીતના આનંદના ભાવમાં તરબોળ કરી દે છે.

વિન્ટેજ એરાની પ્રચલિત શૈલીમાં સજાવાયેલાં આ ગીતમાં પણ નીનુ મઝુમદાર પોતાની પ્રયોગશીલતાને ખીલવી રહે છે.

મૈં તો લમ્બે સફરકો જાઉંગી.. સૈયાં મેરા ટિકટ બાબૂ – કિરણ (૧૯૪૪) – લીલા ચિટણીસ (?) સાથે

હિંદી ફિલ્મ ગીત કોશમાં બન્ને ગાયકોનાં તેમ જ ગીતકારનાં નામની નોંધ નથી લેવાયેલ. જોકે યુટ્યુબ પર ગીત અપલોડ કરનાર સદાનંદ કામથ ગાયિકા તરીકે લીલા ચીટણીસની ઓળખ કરે છે. ફિલ્મમાં બીજા મુખ્ય પુરુષ અભિનેતાઓ તરીકે અશોક કુમાર અને ગજાન જાગીરદારનાં નામો જોવા મળે છે. એટલે પુરુષ સ્વર નીનુ મઝુમદારનો હોય અને પરદા પર ગીત જાગીરદારે ગાયું હોય એવી ધારણા જરૂર કરી શકાય.

ટિકીટ બાબુ સૈયાંની પાસે પ્રેમિકા પોતાની માગણીઓની હારમાળા રચ્યે જાય છે અને સૈયાં તે હોંશે હોંશે પુરી કરવા પણ તૈયાર થતો જાય છે.

પુજારી અબ તો મંદિર ખોલો, અબ તો મંદિર ખોલો પુજારી – સ્કૂલ માસ્ટર (૧૯૪૩)- કોરસ સાથે – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ભજન પ્રકારની આ રચના માટે નીનુ મઝુમદાર બંગાળી શૈલી તરફ ઢળ્યા જણાય છે. આટલાં ગીત પુરતી તેમની ગાયન શૈલી પણ કે સી ડેની શૈલીને મળતી જણાય છે.

અહીં મંદિર ખોલવા માટે પુજારીને અરજ કરાઈ રહી છે તેને અનુરૂપ ગીતની બાંધણી વધારે ને વધારે આગ્રહ સ્વરૂપ બનતી જાય છે અને છેલ્લા અંતરામાં મુખ્ય ગાયકનો સાથ તેમની સાથેનો જનસમુહ પણ કરે છે.

પલ ભર કી પહચાન…પલ હી મેં ક્યું હુએ પરાયે…ભલા કિસીકે પ્રાણ… – પરીસ્તાન (૧૯૪૪)- ગીતકાર: નીનુ મઝુમદાર , રૂપદાસ

ફરી એક વાર તંતુવાદ્યના રણકારના પૂર્વાલાપ સાથે ગીતના મુખડાનો ઉપાડ થાય છે. નીનુ મઝુમદાર ‘પલ ભરકી પહચાન’ ને ફરીથી દોહરાવે છે ત્યારે પહ…ચાન ને થોડા લંબાણથી રજૂ કરે છે. અમીરબાઇ પણ એ જ પંક્તિ દોહરાવે  છે. પછીની પંક્તિ પણ બન્ને જણાં એમ વારાફરતી ગાય છે. તે પછીથી નીનુ મઝુમદાર ગાય છે ‘ભલા કિસીકે પ્રાણ. પણ હવે આખી પંક્તિ દોહરાવવાને બદલે અમીરબાઈ માત્ર ‘ભલાઆઆ’ એમ લંબાવીને અટકી જાય છે.

બહુ જ ટુંકા વાદ્યસંગીતના ટુકડા પછી નીનુ મઝુમદાર અંતરો ઉપાડે છે જેમાં બધી જ પંક્તિઓ તેવો નવા નવાં સ્વરૂપે રજુ કરે છે. તે પછીનો અમીરબાઈ નો અંતરો નવી જ રીતે ગવાયો છે ફ્લ્યુટના એક ટુકડા પછી હવે નવા અંતરાનો ઉપાડ અમીરબાઈ કરે છે અને નીનુ મઝુમદાર તેમને અનુસરે છે.

લોક્સંગીતને જુદી જુદી રીતે રજૂ કરતા નીનુ મુઝમુદારની પ્રયોગશીલતાનો એક વધુ રોચક નમુનો અહીં સાંભળવા મળે છે.

ફિલ્મનું કયું ગીત કયા ગીતકારે લખ્યું છે તે વિશે એ સમયનાં રેકોર્ડ્સ પરનાં સ્પષ્ટીકરણના અભાવે બન્ને ગીતકારોનાં નામ લખાયાં છે.

બામના કી છોરી દીલ લે ગયી….હો બનીયે કા પુત દિલ લે ગયા – મૈં ક્યા કરૂં (૧૯૪૫) – ગીતકાર ડી એન મધોક

ફરી એક વાર નીનુ મઝુમદારની અભિનવ પ્રયોગશીલતા નવી જ હલકથી રજૂ થાય છે.

ગીતની ધુનનો આધાર તો ગરબાનો ઢાળ છે. લય પણ લગભગ એ જ રાખી છે પણ ગાયન શૈલી બે પ્રેમીઓના મીઠી છેડછાડને રજૂ કરે છે.

વાદ્યવૃંદના પૂર્વાલાપ પછી નીનુ મઝુમદાર ‘બામનાકી છોરી દિલ લેઅ ગયી’ પુરૂં કએ તે સાથે જ હમીદાબાનો ‘હો બનીએકા …’ સાથે પોતાની મીઠી ફરિયાદ ઉમેરી દે છે. તે પછી ‘ગાગરી ઉઠાએ જાએ’ માં ગાયક પ્રેમિકાની સુંદરતા વખાણી લે છે તો ‘જાદુ ભરી આંખ…’ વડે પ્રેમિકા પણ પોતાના પ્રેમીનાં પ્રતિવખાણ કરી લે છે. એ પંક્તિમાં નાયક હો… હો.. હો કરીને સાથ પણ પુરાવતો રહે છે.

એ પછીના અંતરાઓની મજા આવા શુષ્ક શબ્દોમાં નહીં વર્ણવી શકાય એ માટે તો ગીત જ સાંભળવું પડે.

આજના આ મણકાનાં અંતિમ ત્રિપુટી ગીતમાં નીનુ મઝુમદારનો સ્વર જરૂર છે, પણ તે ગીત તેમણે રચ્યું નથી. એ ગીતના રચનાકાર વિશે પણ થોડી રસપ્રદ વાત છે જે પહેલાં કરી લઈએ.

કૌમુદી મુન્શીની વેબસાઈટ અનુસાર ૧૯૪૪ની ફિલ્મ ‘રામશાસ્રી’નું સંગીત નીનુ મઝુમદારે આપ્યું હતું. પરંતુ હિંદી ફિલ્મ ગીતકોશ અનુસાર સંગીતકાર જી દામલે છે.

આ ગુંચ દુર કરવા મેં શ્રી હરમંદિર સિંહ ‘હમરાઝ’ની મદદ માગી. તેમણે જવાબમાં જણાવ્યું કે નીનુ મઝુમદારે ખુદ તેમને એવું કહ્યું હતું, કે  કે. ભોસલે સાથે તેમણે આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. પણ ઉપલબ્ધ પુરાવા એમ નથી દર્શાવતા.

એટલે મેં હવે શ્રી અરૂણ કુમાર દેશમુખની મદદ માગી. તેમણે વિગતવાર જવાબ આપ્યો અને જણાવ્યું કે ‘ રામશાસ્ત્રી’નું દિગ્દર્શન પહેલાં રાજા નેને એ સંભાળ્યું હતું. પરંતુ ફિલ્મનું શૂટીંગ ચાલી રહ્યું હતું એ જ અરસામાં , ૧૦=૯૪૩મા< રાજા નેને, મુખરામ શર્મા, દાદ ધર્માધિકારી અને અન્યો એ પ્રભાત ફિલ્મ્સ છોડી. એ સમયે કેશવરામ ભોલે ફિલ્મના સંગીતકાર હતા. તેઓ પણ પ્રભાત ફિલ્મ્સ છોડવા તો માગતા હતા પણ ફિલ્મનું સંગીત તેમણે પુરૂં કરી આપ્યું અધુરી ફિલ્મનું દિગ્દર્શન પહેલાં વિશ્રામ બેડેકરે સાંભાળ્યું પણ તેઓ પણ અધુરેથી જ અલગ થઈ ગયા. તે પછી ગજાનન જાગીરદારે ફિલ્મ પુરી કરી.એટલે શકય છે કે કેશવરાવ ભોલે સાથે નીનુ મઝુમદારે આ ફિલ્મ માટે કામ કર્યું હોય. પણ અત્યારે તો ફિલ્મના સંગીતકાર તરીકે જી. દામલેનું જ નામ બોલે છે.

ફિલ્મનું મરાઠી સંસ્કરણ પણ છે, જે યુટ્યુબ પર જોવા મળે છે.

કરો હમેં પ્રણામ કરો જી, બાર બાર પ્રણામ – રામશાસ્ત્રી (૧૯૪૪) – મંજુ અને અન્ય અજાણ પુરુષ સ્વર સાથે –  ગીતકાર ક઼મર જલાલાબાદી

હિંદી ફિલ્મ ગીત કોશની મૂળ નોંધમાં ગાયકોનાં નામોની નોંધ નથી ,પણ પછીથી યુક્તિકા (addenda)માં મંજુ અને નીનુ મઝુમદારનાં નામ ઉમેરાયાં છે.

આ ઉપરાંત કૌમુદી મુન્શી સાઈટ પર ૧૯૪૨ની ફિલ્મ ‘ઉલ્જન’ માટે પણ રામચંદ્ર પાલનાં સંગીતમાં નીનુ મઝુમદારે સરદાર અખ્તર સાથે એક યુગલ ગીત ગાયું હોવાની નોંધ જોવા મળે છે. પરંતુ હિંદી ફિલ્મ ગીત કોષ પર તેનો કોઈ પુરાવો નથી જોવા મળી રહ્યો

+                                  +                                  +

૧૯૪૨થી શરૂ થયેલ નીનુ મઝુમદારની કારકીર્દીનાં તેમણે પોતે ગાયેલાં આટલાં ગીતોનાં જ ડિજિટલ સંસ્કરણ મળ્યાં છે. અહીં જે ઓડીયો ક્લિપ મુકી શકાઈ છે તે શ્રી અરૂણ કુમાર દેશમુખે પુરી પાડી છે તેની સાભાર નોંધ લઈશું.

+                                  +                                  +

નીચે મુજબનાં બે ગીત વિષે ડિજિટલ સંસ્કરણ થયાનું જાણવા નથી મળતું

૧. મેરા એકતારા ટુન્નક ટુન્નક બોલે – અમાનત (૧૯૪૩) – ગીતકાર નીલકંઠ તિવારી એમ એ

૨. સિપાહી સિપાહી અબ તો બિગુલ બજા – સ્કૂલ માસ્ટર (૧૯૪૩) – ગીતકાર પંડિત ઈન્દ્ર

+                                  +                                  +

નીનુ મઝુમદારે પોતે ગાયેલાં અને સંગીતબ્ધ્દ્ધ કરેઅલાં ગીતો મારી જેમ આપ સૌએ પણ ભાગ્યેજ સાંભળ્યાં હશે. ‘અમૃતના ઘડા’ જીરવવા આકરા થઈ પડે, તેથી આજે આટલા ‘ઘુટડાથી જ વિરામ કરીએ. બાકી રહેલાં ગીતો હવે પછીના મણકાં સાંભળીશું.

+                                  +                                  +

સંદર્ભો

૧. શ્રી હરિશ રઘુવંશીનો લેખ – “ઉત્તમ સંગીતના તરફદાર નીનુ મઝુમદાર

૨. કૌમુદી મુન્શી વેબસાઈટ – The Life and Art of Kaumudi Munshi

૩. ‘ગૌરવ ગુર્જરી‘ – ગુજરાતી સુગમ સંગીતના કલાકારોની દાસ્તાનનું સંકલન – નન્દિની ત્રિવેદી – પ્રકાશક: એન એમ ઠક્કરની કંપની, મુંબઈ – ઈ- પુસ્તક સંસ્કરણ @ Mavjibhai.com

Author: Web Gurjari

5 thoughts on “નીનુ મઝુમદારની હિંદી ફિલ્મ ગીત રચનાઓ એમના જ સ્વરમાં – પલભર કી આપ સે પહેચાન [૧]

  1. ગુજરાતના ગૌરવ સમા નીનુ મજુમદાર ની સંગીતમય સફર ખુબ સરસ રીતે રજુ થઇ. ઘણા ગુજરાતી સંગીત નિર્દેશકો થયા . એમાં નીનુ મજુમદારએ બહુમૂલ્ય રચનાઓ આપી . તેને સરસ રીતે સંશોધન કરી રજુ કરી . અભિનંદન અને આભાર . એમનું દેહાવસાન ૨જી માર્ચ ૨૦૦૦ માં થયુ.

  2. Ninubhai also directed the music in film GOPINATH, starring Raj kapoor and Tripti Mitra. She was famous bengali stage artist. All songs were composed in classical ragas and sung by Mina kapoor, Shamshad begum and NInu Mazumdar. One was three lined Bhairavi ( “Bahutero samjayo re lakhanbar..) One other song was (ayi gori radhika brij men bal khati,,) Songs are immortal like Niniubhai himself. Salute to great stelwart.

    1. દેવેન્દ્રભાઈ,
      વધારાની પૂરક માહિતી બદલ આભાર.
      ‘ગોપીનાથ’ વિશે અવતા અંકમાં વાત કરવાનું આયોજન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published.