સુરેશ જાની
એક સમય હતો કે, ગુજરાતી સાહિત્યિક વર્તુળોમાં શંકા કુશંકા સેવાતી હતી કે, ગુજરાતી ભાષા મૃતઃપ્રાય બની જશે કે કેમ? અત્યંત શુદ્ધ ભાષાના હિમાયતીઓનો એ ડર હજુ પણ છે જ. પણ વીતેલા વર્ષોમાં એમાં ઘણો ફરક પડયો છે. આ લેખમાં એ શંકા–કુશંકાઓ નવા પ્રતિપ્રેક્ષ્યમાં ચર્ચી છે. નવા સંદર્ભોમાં થોડીક નવી વાત કહેવા મન થાય છે.
ગમતાં નો ગુલાલ
પ્રિન્ટ મિડિયા શરૂ થયું એની પહેલાં ભક્તિ, ધર્મ કે બહુ બહુ તો ભવાઈ જેવા લોકપ્રિય કલા પ્રકારો પૂરતું જ ગુજરાતી સાહિત્ય મર્યાદિત હતું. ઓગણીસમી સદીના મધ્યકાળમાં પ્રિન્ટ મિડિયાના આગમન સાથે એ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું અને ગુજરાતી સાહિત્યનો આધુનિક યુગ શરૂ થયો.
પણ ત્યારે એક જ વ્યવસ્થા હતી – સર્જકને જે પીરસવું છે એનો આસ્વાદ જ સમાજ માણી શકતો. બહુ બહુ તો ચર્ચામંડપો કે દૈનિકો/ સામાયિકોમાં ચર્ચા ચોરાના પ્લેટફોર્મ પર વાંચનાર વ્યક્તિ પોતાના વિચાર, પ્રતિભાવ, પ્રત્યાઘાત કે આક્રોશ રજુ કરી શકતી. એથી એનું પ્રમાણ બહુ જ સીમિત હતું. વ્યાપારી ધોરણે જે વધારે વેચાય – તે સામગ્રી અને તેના સર્જકનો જ જયવારો રહેતો. એ વખતે ગુલાલ વહેંચવાનું કામ ઈજારાધારીઓ પાસે જ હતું!
ઇન્ટરનેટના ફેલાવા સાથે એ પરિસ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. વેબ સાઈટો, બ્લોગો, વિડિયો ચેનલો અને હવે સોશિયલ મિડિયાની સાઈટો પર સામાન્ય માણસ કોઈ રોક ટોક વિના સર્જક બની શકે છે; પીરસાયેલ સાહિત્ય કે સામગ્રી પર પોતાના વિચાર, પ્રતિભાવ, પ્રત્યાઘાત, આક્રોશ રજુ કરી શકે છે. પોતાને ગમેલું કોઈ પણ લખાણ/ ચિત્ર/ વિડિયો આડેધડે પોતાના મિત્ર વર્ગમાં કે ગ્રુપમાં મોકલી શકે છે. એમાં વ્યાપારી વ્યવસ્થા એ જ એકમાત્ર વ્યવસ્થા નથી રહી. હવે તો સાવ સામાન્ય માણસ – રસોઈ બનાવતી ગૃહિણી કે , બગીચાના બાંકડે બેસી મરવાના વાંકે સૂસવાતો વૃદ્ધ જન પણ – એક બે ક્લિકમાં દુનિયાના બીજા છેડે પોતાના મનની વાત કે, ગમેલી વાત મોકલી શકે છે.
મને ગમ્યું એનો હું ગુલાલ કરું – વહેંચું.
આમ તો આ બહુ જ મોટું અને આવકારદાયક પરિવર્તન છે; પણ દરેકને ગમતી વાત તો હજારો હોવાની જ. એની આપ-લેના કારણે એક બહુ જ મોટી અવ્યવસ્થા ઊભી થઈ છે. હાલમાં તો એનો કોઈ ઉકેલ કે વિકલ્પ નજરે ચઢતો નથી. ગુલાલ એટલો બધો વહેંચાય છે કે, બીજા કોઈ રંગ માટે કોઈ અવકાશ જ જાણે નથી! ખાસ કરીને સોશિયલ મિડિયાના ઉત્થાન સાથે એક નવો રોગ પેદા થયો છે. પિન્ગ પોન્ગના બોલની જેમ સારી નરસી અનેક બાબતો ફોરવર્ડ થતી રહે છે – આમથી તેમ ફંગોળાયા કરે છે.
હવે સફળતાનો માપદંડ છે – વાઈરલ થવું!
સમાજના સ્વસ્થ વિકાસ સામે આ એક બહુ જ મોટો ભય – એક રોગ આકાર લઈ ચૂક્યો છે એનો ભરડો રાતદિન વધતો જ જાય છે. કોરોના વાઈરસની રસી તો બની ગઈ છે. પણ આ રોગનો કોઈ જ પ્રતિકાર નજરે ચઢતો નથી.
બીજી વાત એ છે કે, આ બધામાં એક વાત સામાન્ય છે. એમાં ‘હું‘ જ એકમાત્ર કર્તા છે. એમાં સહિયારાપણું બહુ જ અલ્પ છે. સોશિયલ મિડિયામાં ગ્રુપો તો અસંખ્ય છે. પણ ભાગ્યે જ ક્યાંક ગ્રુપ એક્ટિવિટિ, સંઘકાર્ય નજરે ચઢે છે.
ત્રીજી વાત એ કે, છેલ્લા પંદરેક વર્ષમાં આ બહુ જ મોટું પરિવર્તન આવ્યું હોવા છતાં, જે રીતે એનો વ્યાપ રોકેટની જેમ વધી રહ્યો છે – એનાથી એક નવો ભય પેદા થયો છે. અતિ સર્જન અને અતિશય ફેલાવાના કારણે એનું મૂલ્ય ઘટી ગયું છે. ક્યાંક તો નવાં સર્જનો સાવ ઉવેખાય જ છે. સર્જનોની ગુણવત્તા પર પણ કોઈ નિયમન નથી રહ્યું. પરિણામે સારી, નરસી અને મધ્યમ ગુણવત્તા બધાં ‘ટકે શેર ભાજી….’ના ન્યાયે રઝળતાં બની ગયાં છે. આના કારણે મોટા ભાગે માન્ય કળા સંસ્થાઓ અને કળા વિવેચકો સંસ્થાપિત સર્જકો તરફ જ ધ્યાન આપતાં રહ્યાં છે. વાચક પણ ‘ઘરકી મુર્ગી દાલ બરાબર.’ જેવી મનોવૃત્તિ જ હજુ સેવતો રહ્યો છે. હજુ ઈજારાધારી સર્જકોની જ બોલબાલા સમાજમાં જારી છે!
ચોથી વાત એ છે કે, આ પંદરેક વર્ષમાં અનેક વેબ સાઈટો અને બ્લોગો પર વિવિધ પ્રકારની અને ઉત્તમ કક્ષાની સાહિત્ય સામગ્રીઓ એકત્ર થઈ છે, થઈ રહી છે – એટલું જ નહીં , અવનવી ટેક્નોલોજીના પ્રતાપે એમાં ઘણી બધી નવી સવલતો પણ ઉમેરાઈ છે. માત્ર લખાણ જ નહીં પણ ચિત્રો, વિડિયો, ઓડિયો અને એનિમેશન માધ્યમો પણ પૂરબહારમાં ખેડાઈ રહ્યાં છે. આમ હોવા છતાં અને કદાચ એના અત્યંત ઝડપી ફેલાવાને કારણે – એમાંની મોટા ભાગની જગ્યાઓએ વાપરનારની તીવ્ર કમી વર્તાઈ રહી છે! વક્તા ઘણા છે – શ્રોતા/ વાચકો ઓછા થઈ ગયા છે.
આ પ્રક્રિયા સોશિયલ મિડિયાના કારણે વધારે ગંભીર બનતી જાય છે. કારણ એ કે, મોટા ભાગના વપરાશ કર્તાઓ પાસે કોઈ લાંબી, ગંભીર અને સમય / વિચાર માંગી લેતી સામગ્રી માણવા માટે સમય નથી, એમાં બહુ ઓછા લોકોને રસ હોય છે. બ્લોગ જગત મરવાના વાંકે જીવી રહ્યું છે. પ્રતિષ્ઠિત અને સામૂહિક પ્રયત્નોથી ચાલતી વેબ સાઈટો પર પણ કાગડા ઊડે છે!
ગમતાંનો ગુલાલ કરનારા બિલાડીના ટોપની જેમ ફાલી રહ્યાં છે. કદાચ આ સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત છે. આ પાયાના ફેરફાર ધ્યાનમાં લઈને એક થોડોક અલગ વિચાર નવા પરિપ્રેક્ષ્યમાં અહીં રજુ કરું છું .
ગુલાલને ગમતો કરીએ
‘મને’ ગમે છે તે નહીં, પણ ‘આપણને’ ગમે છે – તેનો વ્યાપ કરવા વિશે આ વિચાર છે. આ એક બહુ મુશ્કેલ વાત છે. જેવું કર્તા સ્થાન ‘હું’માંથી ‘આપણે’ તરફ વળે – તેમ તરત જ એક સીમા, એક બંધન પ્રવેશી જાય છે. જ્યારે ‘આપણને‘ ગમતી વાત આવે, ત્યારે સૌને અથવા મોટા ભાગના લોકો માટે સામાન્ય હોય – એવી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એ પોતે જ બહુ મુશ્કેલ બાબત છે. કળાના ક્ષેત્રો પણ એટલા બધા વિવિધ છે કે, દરેકના ચાહકોનો વર્ગ અલગ અલગ જ રહેવાનો. દા.ત. સાહિત્યના ચાહકને ચિત્રકામ કે ક્રાફ્ટ માં રસ ન પણ હોય.
પણ જો કોઈ રસ્તો એ માટે શોધી શકાય તો હજારો લોકોના પ્રયત્નો ધારી દિશામાં એક મહાન બળ સર્જી શકે. સમાજને એક ચોક્કસ દિશામાં વાળવા આવા રસ્તા તાકાતવાન નીવડી શકે.
એક વિચાર એવો પણ છે કે, લગભગ સરખો રસ ધરાવતી સામાન્ય વ્યક્તિઓનાં મંડળો ઊભાં થાય. એવા મંચ આકાર લે, જેમાં ઉપરના પાયાના વિચારો સાથે એકમત હોય, તેવી વ્યક્તિઓ અરસ્પરસ આદાન – પ્રદાન દ્વારા એક નવી કેડી કંડારવા પ્રયત્ન કરે.
આવી એક નાનકડી કેડી અથવા થોડી કેડીઓ જો આકાર લે તો, કાળક્રમે એ ઉન્નત ભવિષ્ય તરફ સમાજને લઈ જતો રાજમાર્ગ બની શકે. છૂટાં છવાયાં આવાં મંડળો અસ્તિત્વ ધરાવે પણ છે. જો સમાજમાં એ પ્રવાહ બળવત્તર બને અને વધારે ને વધારે કેન્દ્રિત (focused) બાબતોમાં રસ અને જાગરૂકતા કેળવાય તો સામાન્ય માણસમાં પણ કુતૂહલ, શોધ, કલ્પના શક્તિ અને સર્જકતા મ્હોરી શકે. આ માટે થોડાક નૂસખા –
ચર્ચા ચોરા, શબ્દ રમત, કોયડા, શેરાક્ષરી,શબ્દાંતરી, એકાદ વિષય કે ચિત્ર પરથી સહિયારાં સર્જન, મનગમતી હોબી/ ક્રાફ્ટ માં સર્જનો વિગેરેની આપ-લે … અથવા આવા કોઈ પણ સહિયારી , મનગમતી રમતો.
આવા પ્રવાહો માત્ર સાહિત્ય જ નહીં પણ અન્ય લલિત કળાઓ અંગે પણ આકાર લેતા થાય તો, અવનવા ચાહક વર્ગ ઊભા થાય અને વિચાર શૂન્યતા તરફ ધસી રહેલા સમાજને કોઈક નવી દિશા મળી પણ જાય.
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
સરસ લખાણ🙏👌
“શબ્દ રમત” નો એક નમૂનો રજુ કરું છું.
રાજા ને ગમી તે રાણી, ને છાણા વિણતી આણી
રાજા ને ગમી તે રાણી
ને છાણા વિણતી આણી
ભલે ને હતી એક આંખે કાણી
પણ હતી વાતો માં એ શાણી
અને હતી તેની સુંદર વાણી
જયારે રાજાએ એ વાત જાણી
રાજા થઈ ગયો પાણી પાણી
અને રાણી ને મહેલ માં આણી
દરબારીઓ સાથે કરી ઉજાણી
ભેટ સોગાદો ની કરી લ્હાણી
દરબારીઓ એ પણ મજા માણી
રાજા ને ગમી તે રાણી
ને છાણા વિનંતી આણી
સમાપ્ત થઈ રાજાની કહાણી
( કાસીમ અબ્બાસ, કેનેડા )
વર્તમાન પરિસ્થિતિનું સુંદર આકલન અને સર્જનાત્મક ઉકેલનું સૂચન.